મલ્હાર ભાગ ૧ Jayshree Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મલ્હાર ભાગ ૧

મ્લહાર...૧
ભાગ ૧

નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર અને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો.
નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી.
કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને વહાલ કરશે,ત્યારે તું જોજેને...મા કેવી હોય.ખરેખર દાદીના ખોળામાં સૂઈ જતી ને સ્વપ્નલોકમાં પહોંચી જતી તો તેને જુદા જુદા ચહેરા રોજ મા ના દેખાતા.તે વહાલ કરવા હાથ લંબાવતી ને મા અદ્રશ્ય થઈ જતી.
સ્વપ્ના જોતા જોતા તે સોળ વર્ષની સોડશી કન્યા બની ગઈ.હવે તો તે બધુ ભૂલી પુસ્તકની દુનિયામાં ખોવાય ગઈ હતી.તેની પાસે હવે એક પોતાનું જગત હતું.
તેણી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી.પિતા તેને ડોક્ટર બનાવા માંગતા હતા.પણ તે તો ચિત્રકાર બનવા માંગતી હતી.વિશ્વને તેની કુદરતને પીંછીમાં કંડારવા માંગતી હતી. પિતાએ મા બની તેને મોટી કરી હતી,પિતા મિત્ર પણ હતા,એકવાર તેણીએ પિતાને ડોક્ટર બનવાની ના કહી દીધી,જિંદગીમાં પહેલીવાર પિતાએ તેની સાથે ઉંચે અવાજે વાત કરી ને તેને ફરમાન કર્યુ,” કલ્પનાની ને વાસ્તવિક દુનિયામાં ખૂબ જ ફરક છે.તારે સારી રીતે ભણી સ્નાતક થવાનું છે.”
સ્વપ્ન તૂટ્યું તેણી નિરાશ થઈ ગઈ.તે રાતે તેણીએ દાદીમાં ને કહ્યું ,”મારી *મા* ક્યારેય એક રૂપમાં ન દેખાતી ત્યારે જ હું સમજી ગઈ હતી...મા નું અસ્તિત્વ એ એને માટે એક કાલ્પનિક કથા છે.મા કેવી હોય ?કેવા સ્વભાવની હોય? રૂપાળી હોય ?પ્રેમ કરે કે નફરત?” દાદીમા જેવી કે પછી તેને મોટી કરનાર ચીંચીંમા જેવી..”
સમય સાથે સાથે પ્રશ્નો પૂરા ન થતા સ્વીકારી લીધું કે ચંદ્રમાં જેવી શીતળ હોય,પ્રેમની વાત્સલ્ય મૂર્તિ હોય..!
આજે એ ખોટ સાલી ગઈ.મૂંગા મૂંગા સ્વીકારી લીધું પપ્પાને ગમે છે તે જ અભ્યાસક્રમ લઈ પોતે આગળ વધશે અને ખરેખર તેણે સારા ગુણે ડોક્ટરીના અભ્યાસમાં પ્રવેશ મેળવી લીધો.ધીરે ધીરે વ્યસ્તતાના કારણે પીંછી અને રંગો ભૂલાતા ગયા.આજે તેના જીવનમાં હવે એકજ રંગ ઉભરાયો ને તે લોહીનો લાલ રંગ.શીખતા શીખતા તે હવે માનવના દેહને સાજા કરવાં,ઓપરેશન કરવાંમાં લીન થવા લાગી.
સ્નાતક સમારંભમાં મૂખ્યમહેમાન તરીકે શહેરના મોટા ઉદ્યોગપતિ આવેલા શેઠ ડો.ગીરજાશંકરજી.તેઓ પણ એક સારા ડોક્ટર હતા.તેમની બહુ મોટી હોસ્પિટલ
હતી. તે હોસ્પિટલના સંચાલક તરીકે તેમનો પુત્ર કામ કરતો .શેઠનું એક મોટું મેડીકલ સાધનો બનાવાનું કારખાનું હતું.આજે તેમના વરદહસ્તે તેને સ્નાતક તરીકે માનપત્ર મળ્યું. તે બધા વિદ્યાર્થીઓ માં પ્રથમ ક્રમાંકે આવી હતી.હંમેશ મુજબ તેમણે આ કોલેજમાંથી ત્રણ ડોક્ટર જુદા જુદા વિભાગના પસંદ કર્યા.મલ્હાર બાળકોના ડાક્ટર તરીકે તેમની હોસ્પિટલમાં જવા લાગી.

હોસ્પિટલમાં જવાનું શરૂ કર્યા પછી મલ્હાર થોડી મોડી આવતી તો દાદી ઊપરનીચે થઈ જતા.તે સમય પર જમી લેવા દાદીને કહેતી પણ દાદી એની અને પપ્પાની રાહ જોતાને જમતા જમતા ઠપકાં ભરી આંખે જોઈ લેતા.તે મનમાં થોડી દુ:ખી થતી પણ ઊપર ઊપર દાદીને ચિડવતી .દાદી રિસાય જતા તો મનાવતી,પણ આજકાલ જોતી હતી કે દાદી અશક્ત થતા જાય છે.થોડું ચાલતા હાંફે છે.તે દાદીનું બલ્ડપ્રેશર માપતી, દવાઓ આપતીને છેલ્લે પથારીમાં સુવાડી ઓઢાડીને પછી જ સુતી. દાદીએ જ તો તેને મોટી કરી છે.મા તો તેને ખબર જ નહોતી.વધુને વધુ તે ઈચ્છતી કે દાદીને ભગવાન તેની પાસે રાખે.એક રાતે દાદીએ ઈમરજન્સી બેલ વગાડીને તે પહોંચે તે પહેલા દાદીએ આંખો મીંચી દીધી.ભગવાન જીતી ગયો તેવું મલ્હારના મનને લાગવા લાગ્યું.
રોજ રોજ પપ્પા પણ ઓફિસથી મોડા આવતા,તેની પણ સીફ્ટ બદલાતી રહી.પપ્પાને તેની વચ્ચે એક સેતુ હતા દાદી તે જ તૂટી ગયો હતો.હવે તે પપ્પાને અઠવાડિયામાં એક કે બે વાર જ મળતી.જમવાના ટેબલ પર બે અજાણ્યા વ્યક્તિની જેમ મળી છૂટા પડી જવા લાગ્યા.નાનપણથી કોઈ ખાસ મિત્રો ન રાખવાળી મલ્હાર હવે સખીની ખોટ સાલવા લાગી.ઘરમાં ને બહાર તેની સખી સંજના બની ગઈ,માળી કાકાની બાર વર્ષની દીકરી.તે પણ ઘીરે ઘીરે મલ્હારની ગાડી આવતી કે તુરતજ બધા કામ પડતા મૂકી મલ્હારદીદીને મળવા દોડી આવતી.સાથે લઇને આવતી ડ્રોઈંગબુક ને થોડા રંગ.જે એ વરસો પહેલા માળિયે ચઢાવી ચૂકી હતી.ચુપચાપ રંગો સામે એકી ટસે જોઈ રહેતીને પછી આંખો ભીની કરનારા બે અશ્રુ બિન્દુ લૂછી ઉભી થઈ જતી.બન્ને સખીની એક સમાનતા હતી કે બન્નેને મા નહોતી.હા પણ સંજનાએ માને જોઈ જરૂર હતી.તેથી તે વારંવાર મલ્હારદી ને તેની વાતો કર્યા કરતી.ફરી એ જ સ્વપ્ના મલ્હાર રાતભર જોતી ને ફરી એ મા સરકી જતી.સફેદ રંગના કેન્વાસ પર તે બધા રંગ વાપરતી પણ પેલો લોહી જેવો લાલ રંગ ક્યારેય ન વાપરતી..!સંજનાને તે સુંદર કલ્પનાની પરીની જેમ નીત નવી વાર્તા કેન્વાસ પર ટૂકડે ટૂકડે ચિત્રિત કરી દેતી.
ચીંચીંમા પણ હવે ઉમ્મરવાળા થયા હતા.ઘણીવાર શેઠને મલ્હાર મોટી થઈ ગઈ છે ના ઈશારા કરી સમજાવતા કે આ દીકરીને વિદાય કરો.ડો.ગીરજાશંકરની નજરમાં પણ આ અપ્સરા જેવી મલ્હાર પોતાના દીકરા માટે વસી ગઈ હતી.તેઓ તેણીના વખાણ બધાં આગળ કરતાં થાકતા નહિ.દીકરા અલંકારને વારંવાર પૂછી લેતા કે તને મલ્હાર ગમે છે બેટા? અલંકાર બીઝનેશ મેન હતો,સંસ્કારી હતો,તેથી તે પોતાના પિતાને હંમેશા માન આપતો.મલ્હારની સાથે તે ઔપચારીકતાથી જ વર્તતો.એક રાત્રે ખૂબ વરસાદ પડતો હતો.મલ્હારની ગાડી બગડી ગઈ હતી.હોસ્પિટલની બહાર તે રીક્ષા કે ટેક્ષીની રાહ જોતી ઊભી હતી ને તે જ સમયે અલંકારનું ગાડી બહાર કાઢતા તેણી તરફ લક્ષ ગયું.તેણે મલ્હારને ગાડીમાં બેસી જવાનો ઈશારો કર્યો. અંગત ગણો કે સંજોગ તે દિવસે મલ્હારને અલંકાર પહેલીવાર આમ એકલા મળ્યા.ગાડીમાં એક ચુપકી હતી.મલ્હારનું ગળું જાણે સુકાવા લાગ્યું હતું.અલંકાર ધીમું હસી બોલ્યો ,”આરામથી બેસો મલ્હાર,હું તમને નહિ ખાઈ જાઉં .” તે આ સાંભળી હસી પડી.તેને હસતી જોઈ ને અલંકાર ને લાગ્યું જાણે કોઈ અપ્સરા આકાશમાંના તારાઓ વચ્ચેથી ઉતરી આવી હોય .તેણે આજે તેણીને નજીકથી મહેસુસ કરી.પહેલીવાર કોઈ સ્ત્રીના રૂપને તે જાણે જોતો જ રહી ગયો.
ગાડી ઘરને આંગણે ઊભી રહી,મલ્હારે અલંકારને કોફી નું આમંત્રણ આપ્યું,તેણે સ્વીકારી લીધું.
ઘરમાં પેસતા ઘરની સુઘડતા જોઈ અલંકાર તો ખૂબ જ પ્રભાવીત થયો.ચીંચીંમાને કોફી બનાવવાનું કહી મલ્હાર પિતાજીના રૂમમાં ગઈને અલંકાર આવ્યાના સમાચાર આપ્યા.અલંકારને મળી તેઓ ખુશ થયા.તે રાત્રે મલ્હાર ને અલંકારને ઊંઘ ન આવી.બીજે દિવસે સવારે અલંકારે માતા પિતાને મંજૂરીની મહોર મારી દીધી.ડોક્ટર ગીરજાશંકર સામેથી માંગું લઈ મલ્હારના પિતાને મળ્યા.
વાહ..! ચીંચીંમા તો ખૂબ જ ખુશ હતા,હાશ..!હવે મારી આંખ મીંચાઈ જાય તો પ્રભુ મને સંતોષ છે કે મારી મલ્હાર ને સાસુમા મળશેને તેઓતેની *મા*બનશે.મલ્હારની મા ની કલ્પના કે સ્વપ્ન પૂર્ણ થશે.સંજના ઉદાસ રહેવા લાગી કે મલ્હારદી સાસરે જતા રહેશે પછી તે શું કરશે???આમને આમ લગ્નના ગીતો ગવાવા લાગ્યાને મલ્હારની વિદાયનો દિવસ પણ આવી ગયો.તે રાત્રે ઘરમાં ધમાલ હતી,મલ્હાર જોઈ રહી હતી કે પપ્પા થોડા બેચેન લાગતા હતા.જાણે કંઈક કહેવા માંગતા હતા. તેણી પપ્પા પાસે ગઈ ને ખભે હાથ મૂકી ઊભી રહી ગઈ.પપ્પા અંક આલ્બમ કાઢી કંઈક જોઈ રહ્યા હતા.મલ્હારે તે આલ્બમમાં જોયું તો પપ્પા સાથે કોઈ સ્વરૂપવાન યુવતી હતી ને તે પૂછી બેઠી પપ્પા આજ મારી મમ્મી છે...?પપ્પા નરેશભાઈની આંખોમાં આંસુ હતા,તે બોલી ઊઠ્યા..”અરે ! બેટા ચાલ ચાલ નીચે તારી વિદાયનો સમય વીતી જશે.”મમ્મીની ઓળખાણ પપ્પા કેમ ન આપી???
આ પ્રશ્ન સાથે જ મલ્હાર વિદાય થઈ.

(ક્રમશ:)
જયશ્રી પટેલ