'હું મારા પતિ/પત્નીને ખુબ ચાહું છું,' એ હકીકત એ વાતની ગેરંટી નથી કે, તમારે અતીતમાં કોઈ અફેર નહીં થયો હોય, અત્યારે નહીં હોય કે ભવિષ્યમાં નહીં થાય. અફેરને સુખી લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી, એ વાત આપણા માટે નવી છે, પણ સમજવા જેવી છે. જૂની સંયુક્ત કુટુંબની વ્યવસ્થાથી વિપરત, આધુનિક વિભક્ત પરિવારમાં ઇમોશનલ સલામતી, સંપતિ, સંતાનો, સ્ટેબિલિટી, ડિપેન્ડબિલિટી, ડિઝાયરબિલિટી અને દિલચસ્પીનો સઘળો ભાર લગ્ન ઉપર આવી ગયો છે. એ જ લગ્નમાંથી આપણને રોમાંચ, સાહસ, ફેન્ટસી, નવીનતા, ઇક્સાઇટ્મેન્ટ અને વિસ્મય પણ જોઈએ છે. એક સમયે આ બધું પરિવારના બીજા સભ્યો વચ્ચે વહેચાઈ જતું હતું, એટલે એ લગ્નો પ્રમાણમાં અપેક્ષાઓથી લદાયેલાં ન હતાં. આધુનિક લગ્નો સ્ટીમ-એન્જીન જેવાં બની ગયાં છે, જેના બોઈલરમાં અપેક્ષાઓના અંગારા ધધકતા રહે છે, અને એન્જીન પૂરી તાકાતથી ટ્રેનને ખેંચી રહ્યું છે. નો વન્ડર, એ હાંફી જાય છે, થાકી જાય છે.
ઇન્ડિઆના (અમેરિકા) યુનિવર્સીટીમાં જૈવિક નૃવંશશાસ્ત્રી અને Anatomy of Love: The Natural History of Mating, Marriage and Why We Stray નામની ગ્રાઉન્ડબ્રેકીંગ કિતાબ લખનાર ડો. હેલન ફિશર કહે છે કે, સર્વે પ્રમાણે અફેર કરનારા ૩૪ પ્રતિશત સ્ત્રીઓ અને ૫૬ પુરુષોએ એવું કહ્યું હતું કે તેમનું લગ્ન જીવન સુખી છે અથવા બેહદ સુખી છે.
સવાલ એ નથી કે, લોકો કેમ અફેર કરે છે (એનાં પરંપરાગત કારણો બહુ સ્પષ્ટ છે-ઘરમાં કકળાટ, અસંતોષ, હિંસા, અન્યાય). સવાલ એ છે કે, સુખી લોકો કેમ વ્યભિચાર કરે છે? સૌથી મોટું કારણ છે, બોરડમ. લોંગ-ટર્મ સંબંધમાં સલામતી અને સ્થિરતા આવી ગઈ હોય છે, પણ એમાં એડવેન્ચર, ઇક્સાઇટ્મેન્ટ અને એટેન્શનનો ખો નીકળી જાય છે. સિક્યોરિટી અને એડવેન્ચર, એ બંને પારસ્પરિક વિરોધી અને જટિલ ભાવનાઓ છે. સુખી લોકોના મોટાભાગના અફેર, આપણી આમ માન્યતાથી વિપરીત, સેક્સ માટે નથી હોતા. એ ડિઝાયરબિલિટી, દિલચસ્પી અને એટેન્શન માટે હોય છે.
લગ્ન જીવનની લાંબી મજલ પછી, આપણી ખુદની અને પાર્ટનરની, અધુરપ નજર આવવા લાગે છે. આ એ અવસ્થા છે, જ્યાં જીવનનું પરમ ડહાપણ લાધે છે કે, કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. જીવન પણ નહીં. બધાને ખબર છે કે, આપણે દુનિયા સમક્ષ ખુદનું કરચલીઓ વગરનું, ઇસ્ત્રીટાઇટ વર્ઝન પેશ કરતા રહીએ છીએ, પણ અંદરખાને દુર ગહેરાઈમાં એક અહેસાસ તરતો રહે છે કે, આપણમાં ડિઝાયરબિલિટી અને દિલચસ્પીનું પાણી સુકાઈ રહ્યું છે. અફેર આ ઉણપ કે અધુરપને કમ્પ્લીટ કરવાનો પ્રયાસ છે.
અલેન ડે બોટોન નામના બ્રિટીશ ફિલોસોફરે તો અફેરના આ ટેબુ વિષયને શીર્ષાસન કરાવતાં કહ્યું હતું કે, "લગ્નમાં જે વ્યક્તિએ 'વિશ્વાસઘાત' કર્યો છે, તેને સોરી કહેવાની સજા કરવાના બદલે, જેની સાથે 'વિશ્વાસઘાત' થયો છે, તે વ્યક્તિએ સોરી કહેવું જોઈએ: બોરિંગ થવા માટે સોરી, આકર્ષણ ઘટવા માટે સોરી, તને જુઠ બોલવા મજબુર કરવા માટે સોરી, વફાદારીની અઘરી અને પૂરી ના થઇ શકે તેવી મર્યાદારેખા ખેંચવા માટે સોરી, અને તારી અંદરના માણસને નહીં સ્વીકારવા માટે સોરી."
અસ્તિત્વ ફિલ્મમાં તબુનો એ છેલ્લો સંવાદ તમને યાદ હશે, જ્યાં ઘર છોડતી વખતે એના પતિને એ કહે છે, "મેં જિસે કમજોરી કહેતી હું, તુમ ઉસે વ્યભિચાર કહેતે હો. તન કી પ્યાસ જો તુમ્હારે શરીર કો જલાતી હૈ, વો ક્યા મેરે શરીર કો કમ જલાતી હૈ? ઔર મેરે તન મેં યે પ્યાસ જગે, તો મેં ક્યા કરું? ઝોલી ફૈલા કર તુમ્હારે સામને ભીખ માંગું? યા, તુમ મુજ પર કબ મહેરબાન હોગે, ઇસ બાત કા ઈન્તેજાર કરતી રહું? મુજે ઇન સવાલો કા જવાબ નહીં ચાહિયે, ક્યોંકી જવાબ ઇન સવાલો મેં હી હૈ."