ઋણાનુબંધ મૂક સાક્ષી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ

બારી પાસે ઊભેલી કાદંબરી...

એને અડી ને આવ જા કરતો સમીર...

કાદંબરી ને તો જાણે કે એની કોઈ અસર જ નહોતી !!
કાદંબરી ખોવાઈ હતી અતિત માં.જ્યાં એ માણી રહી હતી પોતાની ખાટી મીઠી યાદો ને.... લગ્ન પછી ના એ દિવસો, હરવું,ફરવું, આનંદ, મોજ- મજા,અને હનીમુન પર થી આવ્યા પછી ની એ જવાબદારીઓ કે જેને કાદંબરી એ હસતા મોઢે સ્વીકારી લીધી હતી.પિયર માં કદી કામ નહોતું કર્યું.હા,મમ્મીએ પારકા ઘેર જવાનું છે એમ સમજાવીને રસોઈ માં પારંગત જરુર કરી દીધી હતી.પિયર માં એ એક દીકરા ની જેમ રહી હતી એવું કહેવું એના કરતા દીકરા - દીકરી ના ભેદ વગર ઉછરી હતી એમ કહેવું વધુ યોગ્ય રહેશે.

સાસરી માં બે પેઢીની જનરેશન ગેપ ધરાવતા સાસુ - સસરા સાથે કાદંબરી મનમેળ કરવા અથાગ પ્રયત્નો કરતી,પણ એ શક્ય ન બન્યું. કારણ હતું સાસુ નો કજિયાખોર સ્વભાવ ....ખુદ સાસુ ના બહેન કાદંબરી ને સમજાવતા કે મારી બેન નો સ્વભાવ તો પહેલેથીજ એવો છે.તમે બંને અલગ રહેવા જાઓ એજ રસ્તો છે.બાકી આનો સ્વભાવ હવે લાકડાં ભેગોજ બળશે. તેમ છતાં કાદંબરી અલગ રહેવા જવાને બદલે એક ઘરમાંજ રહેવું પસંદ કરતી.

પણ કાદંબરી નો આ વિચાર બદલાઈ ગયો જ્યારે ઘર કંકાશ ને કારણે કમલે તેના પર હાથ ઉપાડ્યો.........!!! એ બધું સહન કરી શકતી હતી અને સહન કરતી પણ હતી, પરંતુ આ અપમાન એ સહન કરવા માંગતી નહોતી.
વાંક કમલનો નહોતો એ વાત કાદંબરી જાણતી હતી,પણ સાસુ ને લીધે કમલ અને કાદંબરી ના દામ્પત્ય જીવન માં જે તિરાડ પડતી હતી એ વધી ના જાય એ માટે કાદંબરી એ આખરે કમલ ને અલગ રહેવા જવા વિશે વાત કરી.પણ કમલ નો જવાબ કંઇક આવો હતો કે " ગમે તેવી કડવી જીભ વાળી એ તોયે મારી માં છે,મારા માટે મારી માં પહેલી પછી બીજા બધા.."

આ સાંભળી કાદંબરી તો હેબતાઈ જ ગઈ,પણ એણે બધું ભૂલીને અલગ રહેવા જવાનો વિચાર માંડી વાળ્યો.ઉલટું કાદંબરી તો એમ વિચારતી કે ગમે તેમ કમલ એની મમ્મી પ્રત્યે પુત્ર ની ફરજ નિભાવી રહ્યો છે.ઘડપણ માં હવે કમલજ એમની લાકડી છે ને.....અને એમ વિચારી ને એ આંખનો કિનારો છોડી ને બહાર ધસી આવેલા આંસુ ને લૂછી નાંખતી.

બધું એની મેળે ચાલતું હતું.અચાનક એક દિવસ કાદંબરી ના મમ્મી કૃષ્ણાશ્રય પામ્યા.આ દુઃખદ ઘટના ને સાંભળીને કાદંબરી તો જાણે કે બેભાન અવસ્થા માં આવી ગઈ.હવે એકલા પડી ગયેલા પિતા માટે એકમાત્ર સહારો એ પછી હતી પણ પહેલા તો એ માં ગુમાવી ચૂકેલી એક દીકરી હતી !!!!!

જીવન સંધ્યા એ પોતાનો જીવન સાથી ગુમાવી ચૂકેલા પિતા માટે જીવવાનું એક માત્ર કારણ એટલે કાદંબરી. આઠ દસ દિવસ પછી કાદંબરી જાણે કે ભાનમાં આવી હોય એમ હવે એ સામાન્ય થઈ.રોજિંદા કામકાજ પતાવીને ગુમસુમ બેસી રહેતી.ક્યારેક વાતો કરતી તો ક્યારેક માત્ર મૌન રહેતી.

અત્યારે એને સ્પર્શીને જતા સમીરની કાદંબરી પર કોઈજ અસર નહોતી.કમલ એની પીઠ પર હાથ મૂકી ને એને બોલાવી રહ્યો હતો.પણ કાદંબરી તો ભૂતકાળ માં ખોવાઈ હતી.એ વિચારતી હતી કે જો હું સાસરે ચાલી જઈશ તો પપ્પાનું ધ્યાન કોણ રાખશે,એમને જમવાનું કોણ બનાવી આપશે?..સાવજ જેવા મારા પપ્પા તો સાવ જ એકલા થઈ ગયા છે. હવે મારા સંતાન ધર્મ ની ખરી કસોટી છે.એવીજ કસોટી જેવી કમલ સાથે થઈ હતી,જ્યારે ઘર કંકાશ ને કારણે અલગ રહેવા જવાની વાત મેં કમલને કરી હતી અને ત્યારે કમલે જે નિર્ણય લીધો હતો એવોજ નિર્ણય મારો પણ હશે, "પહેલા મારા પપ્પા અને પછી બીજા બધા." હા, હું પપ્પા સાથેજ રહીશ.હવે તો જમાનો પણ બદલાઈ ગયો છે, માં બાપ ની લાડકી પણ હવે તો એમના ઘડપણ ની લાકડી બનેજ છે ને... ત્યાંજ કાદંબરી ને લાગ્યું કે કોઈક એને જોરથી હલાવી રહ્યું હતું.

હા,એ કમલ હતો.બે ત્રણ વાર પીઠ પર હાથ મૂકી ને બોલાવ્યા છતાં કાદંબરી એ કાંઈ જવાબ ના આપ્યો ત્યારે કમલે એને ઢંઢોળી. ભાન માં આવેલી કાદંબરી ને કમલે પૂછયું ક્યાં ખોવાઈ ગઈ હતી..?

કાદંબરી નો જવાબ હતો,"હું ખોવાઈ ગઈ હતી??....ભલે હું ખોવાઈ ગઈ હતી,પણ હવે હું ખોવાયેલીજ રહેવા માંગુ છું,મારે પાછું આવવું યે નથી......"