સામાન્ય રીતે સ્કૂલ નું નામ પડે એટલે યાદ આવે એજ જૂની યાદો , દફતર,નાસ્તાનો ડબ્બો,યુનિફોર્મ,સીલેટ, ચોક, એજ દર પિરિયડ પછી વાગતો બેલ, વગેરે આજ દિન સુધી લગભગ બધાને માટે મીઠા સંસ્મરણો ની જેમ યાદ જ હોય છે.સ્કૂલ ના એ નિયમો ભલે થોડા ખૂંચતા પણ તોય મીઠા લાગતા હતા, છોકરા -છોકરીઓ ને અલગ બેસવું પડતું, ફરજીયાત યુનિફોર્મ પહેરવાનું, બુટ-મોજા ફરજીયાત પહેરવાના, છોકરીઓએ ફરજીયાત માથામાં તેલ નાખીને બે ચોટલી વાળીને આવવું, હાથના નખ કાપેલા હોવા જોઈએ,વગેરે નિયમો શિસ્ત શીખવાડતા હતા,
સામાન્ય રીતે મોટાભાગની સ્કૂલો માં કૅન્ટીન નહૉતી,મનોરંજન ના સાધનો નામમાત્ર ના, ફક્ત ફૂટબોલ અથવા ક્રિકેટ માંડ માંડ રમવા મળતું, બાકી તો દેશી રમતો બહુ હતી,સંતાકૂકડી,ખોખો,કબડ્ડી, લાંબી દોડ, ટૂંકી દોડ,કોથળા દોડ,લીંબુચમચી,વગેરે જેવી દેશી રમતો રમીને જે મજા આવતી અને જે શારીરિક કસરત થતી તેનો આનંદ અનોખો જ હતો,
નાસ્તા ના ડબ્બા માં પરોઠા અને અથાણું,અથવા સેવમમરા,વગેરે જેવો સીધોસાદો નાસ્તો મળતો,તેસમયે ફાસ્ટફૂડનું અસ્તિત્વ નહતું, રીસેસ માં ત્યારે પીપેરમીંટ ની ગોળી,ચણીબોર, જમરૂખ,મોટા બોર,વગેરે જેવું ખાવા મળતું, અઠવાડિયે એકવાર જ રંગીન કપડાં પહેરવા મળતા, એ વાર હતો બુધવાર અને એ દિવસ આવવાની આતુરતાથી રાહ જોવાતી જયારે યુનિફોર્મ થી છુટકારો મળતો,બુટમોજાં ને બદલે સેન્ડલ ,કે ચપ્પલ ગમે તે પહેરી શકાતું,
પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિન માં રજા નો દિવસ પણ વહેલી સવારે સ્કૂલે જવું ફરજીયાત હતું ધ્વજવંદન કરવા માટે, છતાં હોંશે હોંશે જતા, નિષ્ઠાપૂર્વક ધ્વજવંદન કર્યા પછી નાસ્તો મળતો તે ખાઈને ઘરે આવતા, આ બધું જ સ્કૂલ મા જ માણવા મળે.
સ્કૂલ માં ભલે છોકરીઓ સાથે ભણતી પણ તેની સાથે વાત કરવાનો એટલો બધો સંકોચ થતો કે દૂરથી જ જોઈને શરમાયા કરતા અને કલ્પનામાં તેની સાથે મિત્રતા કરતા, વારેઘડીયે નજર મળતી કોઈ છોકરી સાથે તો તો જાણે ભયો ભયો,અને જો કદાચ એ છોકરીએ નાનું સરખું પણ સ્મિત આપ્યું તો તો જગ જીતી ગયા જેવી લાગણી થતી, અને દોસ્તો આગળ વટ મારતા કે પેલી છોકરી તેને લાઈન મારે છે પણ ત્યારની આવી મસ્તી સાવ નિર્દોષ હતી.
અને જેવું બારમું ધોરણ પૂરું થવા આવે તે પહેલા તો અનેરો ઉત્સાહ વ્યાપી જતો દિલમાં, કારણ ,બધું જૂનું બદલાઈ જવાનું, અને કોલેજ માં પ્રવેશ થશે, રંગીન દુનિયા માણવા મળશે, યુનિફોર્મ થી છુટકારો,મનપસંદ હૈરસ્ટાઈલ ,ફેશનેબલ કપડાં પહેરો, સ્પોર્ટ્સ શૂઝ,જીન્સ નું પેન્ટ,ટીશર્ટ , બધું પહેરી શકાય, છોકરીઓને તો જલસા જ પડી જાય, વાળ ને અલગ અલગ રીતે સ્ટાઇલ માં ઓળી શકાય, શૃંગાર ની વસ્તુઓ પહેરી શકાય, અને એ બે ચોટલા વાળતી છોકરીઓ જયારે નવા રંગરૂપ માં જોવા મળે ત્યારે તો છોકરાઓ અચંબામાં પડી જતા,જાતજાતના ડ્રેસ પહેરવા મળે, અલગ અલગ જાતની વાનગીઓથી ભરપૂર કેન્ટીન નો લ્હાવો મળે,એ કેન્ટીન માં ધીંગામસ્તી કરવાની અનોખી મજા,
કોલેજ એટલે સ્કૂલ થી તદ્દન ભિન્ન પ્રકારની રંગીન વાતાવરણ ,મસ્તી-મજાક,નવા મિત્રો,યુવાન વય નો થનગનાટ ,ઉત્સાહ,જોશથી ભરપૂર શૈક્ષણિક સંસ્થા, અહીં ચારે તરફ બસ યુવાની નો થનગનાટ ભરેલા,પતંગિયા ની જેમ ઉડાઉડ કરતા અને દુનિયાને જીતી લેવાના સ્વપ્નો જોતા કોલેજીયનો નો સુંદર નજારો જોવા મળે છે.
એવું વાતાવરણ ઉત્પન્ન થવાના ઘણા કારણો છે,કોલેજ માં વિશાળ લાયબ્રેરી,કેન્ટીન ,રંગબેરંગી કપડાં,બુટ,સેંડલ ,ગોગલ્સ,પહેરવાની છૂટ,બગીચો,છોકરા-છોકરીઓ ને સાથે બેસવાની છૂટ, ગમે ત્યારે ગુલ્લી મારવાની છૂટ, વગેરે જેવા ઘણા કારણો જેને લીધે બધા સ્કૂલ ના વિદ્યાર્થીઓની તમન્ના કોલેજ માં ભણવાની ખાસ હોય છે,
કોલેજ માં જાતજાતના " ડે " મનાવવાની મજા જ અલગ છે, જેમકે " રોઝ ડે " " ચોકલેટ ડે "," સૂટ ડે", "ગિફ્ટ ડે", વગેરે વગેરે , અહીં આનંદ અને મસ્તી કરવાના ઘણા ચાન્સ મળે છે,
જેટલા લોકોએ કોલેજ નું શિક્ષણ લીધું હોય તેમને તમે પૂછો કે તમારા જીવન નો " યાદગાર " સમયગાળો કયો હતો ? તો 90 % એમજ કહેશે કે " કોલેજ માં જયારે ભણતા હતા તે સૌથી યાદગાર સમયગાળો હતો ,
કોલેજ માં સ્કૂલ ના સમય ના ઘણા શબ્દો બદલાઈ જાય છે જેમકે, દફ્તર ને બદલે બેગ,અહીં દેશી નહિ પણ સભ્ય ભાષા," સાહેબ " ને બદલે " સર " બેન ને બદલે મેડમ એવા શબ્દો બોલાય છે, શું યાર , શું ચાલે છે ? તેને બદલે " હાઈ, બ્રો " હાઉ ર યુ " વગેરે જેવા ઉચ્ચારણ જોવા મળે,
અને કોલેજ નું સૌથી મોટું આકર્ષણ એ છે કે જે છોકરા છોકરીઓ સ્કૂલ માં એટલા બધા શરમાળ હોય છે તે પણ કોલેજ માં આવીને " પ્રેમ " ના પાઠ શીખી જાય છે અને બિન્દાસ બની ને પ્રેમપ્રકરણ રચવાનો લ્હાવો લે છે, જોકે ઘણા પ્રેમપ્રકરણ કોલેજ સુધીજ સીમિત હોય છે, થોડો સમય એ આહલાદક અને સુંદર પ્રેમ નો ભરપૂર આનંદ લે છે અને કોલેજ નું ભણવાનું પૂરું થયા પછી બધા પોતપોતાની દુનિયા માં ખોવાઈ જાય છે, અને એ પ્રેમ ઘણો નિર્દોષ પણ હોય છે અને તેથી તે વધારે યાદ પણ રહી જાય છે
અંતે મારી એક સલાહ છે કે જો કોઈક વખત, અનુકૂળતા મળે ત્યારે એ કોલેજ અને સ્કૂલ ના મિત્રો જો સંપર્ક માં હોય તો તેમને જરૂર થી મળવું જોઈએ અને મીઠા સંભારણા વાગોળવા જોઈએ, જીવન ઘણું સુંદર લાગશે