jawabdarini pariksha books and stories free download online pdf in Gujarati

જવાબદારીની પરીક્ષા

મંછા ડોશી બાજુમાં રહે, ડોશો બિચારો ક્યારનો ઉકલી ગયેલો. પરિવાર એકદમ ઠરીઠામ અને વૈભવ વાળો. સમાજમાં ખૂબ નામના હતી કારણ દીકરો કંપનીમાં સારી પોસ્ટ પર અને તેને ત્રણ દીકરા, પાછા ત્રણેય ડોકટર. ઘરમાં ભરપૂર જાહોજલાલી. કોઈ જુએ તો એને ઈર્ષા આવે. ત્રણેય પૌત્ર હજી કુંવારા.

મંછા ડોશી ખૂબ ગર્વ લે કે, "એ જયારે બારમા હતા ત્યારે મેં રાતના બાર બાર વાગે સુધી ચા - નાસ્તો કરાવીને વાંચવ્યા, ત્યારે આજે ડોકટર છે."
સમાજમાં પણ ખૂબ નામના. હતું પણ એવું જ, તેઓ અંતરિયાળ ગામડામાંથી શહેરમાં આવીને વસેલા, દિનેશ દાદા કોઈ ફેકટરીમાં કામ કરતા હતા. પાંચ બાળકોનું મોટું કુટુંબ, એટલે મંછા ડોશી ઘરે સંચો ચલાવીને લ, લોકોના કપડાં સીવી ને ગુજરાન ચલાવેલું. આજે પાંચે ભાઈ બહેનને ભણાવી ગણાવીને મોટા કરેલા. તેમાં મોટી ચાર બહેનો અને આ એક નાનો ભાઈ રમેશ. મંછા ડોશી, દીકરો, વહુ અને ત્રણ પૌત્રનો હર્યો ભર્યો સંસાર સાથે રહે.

ત્રણેય છોકરાઓના સોશીયલ એકાઉન્ટ જોયા હોય તો લાગે કે સાહેબી તો ભાઈ આ લોકોની જ છે. બ્રાન્ડેડ વસ્તુઓ, મોંઘીદાટ હોટલમાં જમવાનું, દર વર્ષે બે કે ત્રણ વાર ફરવા જવાનું, ગાડીઓ a એકથી એક ચઢિયાતી. લોકો તેમની આગળ પાછળ વાહ વાહ બોલાવી જાય. કેટલાયે પરિવાર તો પોતાની દીકરી આ ઘરમાં પરણાવવા ફાંફા મારે.

મંછા ડોશી સ્વભાવના ખૂબ સારા, બધાને મદદ કરી જાણે, આજુબાજુ કોઈને પણ તકલીફ હોય તો તેઓ હાજર હોય. ઘરનાં બીજા બહુ મળતાવડા નહી પણ આ ડોશીના લીધે સહુ તેમને કોઈ પણ કામ હોય મદદ કરી દેતા. એમના મોઢામાં કાયમ ' દીકરા ' થી જ શરૂઆત હોય એટલે સામેવાળા એમજ પીગળી જાય. તેમને બધા જોડે વાતો કરવાનું જોઈએ. કામ અને જમવાનું પતે એટલે તેઓ નીચે બાકડા પર જ બેઠાં હોય. આવતાં જતા લોકોને બોલાવતા જાય અને તેમનો દિવસ આમજ પૂરો થાય.

તેમની ખરી પરિક્ષા તો ત્યારે થઈ, જ્યારે લોકડાઉન આવ્યું. તેઓ સતત દસ દિવસ ઘરમાં પૂરાયા, આવા દિવસો તેમણે કદી જોયા નહોતા. પાછું ઉપરાછાપરી ટીવી પર સમાચાર આવે, એ જોઈ જોઈ એ ડિપ્રેશન તરફ વળ્યા, અચાનક તેમને ધ્રુજારી આવવા માંડી. ઘણીવાર તાવ પણ આવતો. ત્રણેય પૌત્રો ડોકટર એટલે ઘરે જ સારવાર ચાલુ થઈ. બીજા દસ દિવસ નીકળ્યા પણ કોઈ ફેર પડ્યો નહી. ડોશી કહે, " મને હોસ્પિટલ લઈ જાઓ." બધા ના પડે બહાર કયાંક કઈ થઈ ગયું તો લેવાના દેવા થઈ જશે. એમ વિચારી સારવાર ઘરમાં જ ચાલુ રાખી. આ બાજુ કોઈ ફરક દેખાય જ નહી.

આખરે મંછા ડોશીએ પોતાની મોટી દીકરી મીનુને ફોન કરી, આજીજી કરી કે, હોસ્પિટલ લઈ જાય. મીનુ જેમતેમ ઘરે આવી પણ બધા ના જ પાડે.
"બધું સારું થઈ જશે, એ દવા વ્યવસ્થિત લેતા નથી, એ સરખું જમતાં નથી." આમ ઘરનાં એ કેટલાયે બહાના આપ્યા. છેલ્લે મીનુ ન માની એટલે તેમણે કહી દીધું, "અમે આવીશું નહી, પછી કહેતા નહી, તમે લઈ જાવ છો તો જવાબદારી પણ તમારી જ રહેશે."

મીનુ રોઈને થોડો ધ્રાસકો તો લાગ્યો, પણ એક તરફ મા ને જોઈ તેનો જીવ પણ ન ચાલ્યો. તેણે એક સારી હોસ્પિટલમાં ફોન કરી પૂછી લીધું અને ત્યાં લઈ ગઈ. ઉપાધી તો હવે શરૂ થઈ. ડોશીના ઘરે થી કોઈ આવ્યું નહી. દીકરી આખી રાત જાગે અને સવાર સાંજ નર્સને સોંપી ટિફિન બનાવવા જાય. એમ કરતાં ડોશી સારી થઈ ગઈ. હવે જાતે ચાલતી પણ થઈ ગઈ.

સાત દિવસ બાદ મીનુ હોસ્પિટલ થી એમ્બ્યુલનસ કરીને મંછા ડોશીએ પાછી એના પુત્રના ઘરે મૂકવા આવી. ભાઈને ફોન કર્યો કે, નીચે આવ, મા ને ઉતારવા"

પંદર મિનિટ થઈ ગઈ, ભાઈ ન આવ્યો. આ બાજુ એમ્બ્યુલન્સ વાળો ઉતાવળ કરે. એટલામાં દીકરાની વહુ નીચે આવી. તેણે બોલવાનું ચાલુ કર્યું,
"તમને કોણે કહેલું લઈ જવા. હવે આ ડોશીને અમે ઘરમાં ના લઈએ, મારા દીકરાએ કહે છે કે, કોરોના લઈને આવી હશે ડોશી. તમે કા ગયેલ અહવે તમે જ રાખો"

એમ કહી વહુ લિફ્ટનો દરવાજો બંધ કરી ઉપર જતી રહી.

મીનુએ કહ્યું, "ચાલ મા, મારા ઘરે જઈએ."

એમની આંખોમાંથી અશ્રુધારાઓ વહી નીકળી. સ્વસ્થતા કેળવતા તેઓ દીકરીને બોલ્યા,

"માણસની ખરી પરીક્ષા તો ત્યારે થાય જ્યારે જવાબદારી આવે, આ કોરોનાએ તો માણસાઈ મારી નાખી. ચાલ હવે તું ક્યાં તારો સંસાર બગાડવાની. મને વૃદ્ધાશ્રમ મૂકી આવ. આપણે તો ત્યાં પણ મોજ કરીશું."
.
એમ્બ્યુલન્સ પાછી ફરીને જતી રહી...

- રિતા ચૌધરી.


બીજા રસપ્રદ વિકલ્પો