સંબંધ-તારો ને મારો - 2 komal rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ-તારો ને મારો - 2

( ગયા ભાગ માં આપે જોયું કે સમીર પોતાની કોલેજના રસ્તે પોતાની અલમસ્ત અદા માં જઇ રહ્યો હતો ત્યાં જ એની નજર એક બસ ની બહાર લટકતી એક સફેદ ઓઢણી તરફ પડી અને ત્યાર બાદ એ સફેદ ઓઢણી પાછળ ના અડધા ચહેરા ને જોવાની મથામણમાં એ કોલેજ સુધી પહોંચી ગયો પણ એને એ ચહેરો જોવા માં સફળતા ન મળી..હવે જોઈશું આગળ)

"અરે સમીર, સારું થયું તું આવી ગયો. હું ક્યારનો તારી જ રાહ જોતો હતો. ચાલ યાર જલ્દી ચાલ તું" સમીરના ખાસ મિત્ર જય સમીરને જોઈ ને ચિંતાતુર શબ્દોમાં બોલી ઉઠ્યો.

જયના ચહેરા પર રહેલા ચિંતાના ભાવ સમીરે વાંચી લીધા અને જયના ખભે હાથ મુક્તા કહ્યું

"શુ વાત છે? કેમ આટલો ગભરાયેલો લાગે છે? બધું ઠીક તો છે ને?"

"અરે શુ કહું તને?. તને ખબર છે ને પાર્ટ ટાઈમ જોબ કરવામાં કોલેજ ની હાજરી ઓછી પડે છે અને ગઈકાલે પ્રોફેસર દેસાઈએ એ માટે મારા પપ્પા ને કોલેજ માં બોલાવવાની વાત કરી છે. હવે તું તો જાણે જ છે ને મારા ઘરની સ્થિતિ. પપ્પાને જો જોબ વાળી વાત ખબર પડશે તો એમને ઘણું દુઃખ થશે. પ્રોફેસર દેસાઈ તો તને સારી રીતે ઓળખે છે તું કાંઈક વાત કરી ને આ મામલો અહીં જ પતાવી દેને"

"અરે મારા ભાઈ બસ આટલી જ વાત. ચાલ હમણાં જ મળી આવીએ પ્રોફેસર દેસાઈ ને. પણ એ પહેલાં મારી એક શરત છે" સમીરે જયની સામે ત્રાંસી આંખે જોઈને કહ્યું

"શરત?..કેવી શરત?" જયે પ્રશ્નાર્થ નજરે સમીરને પૂછ્યું

"એ જ કે હવે તું પાર્ટ ટાઈમ જોબ નહિ કરે. તને આર્થિક મદદની જરૂર હશે તો મને કહેજે. હું મદદ કરીશ તારી. હમણાં બસ તું ભણવા પર જ ધ્યાન આપ" સમીરે જય ને ગળે વળગાડી ને કહ્યું

જય ગળગળો થઈ ગયો. સમીર અને જય એકબીજા ના પાક્કા મિત્ર. જય એક સામાન્ય કુટુંબનો ખુબ જ સમજદાર દીકરો. અને સમીર એક ધનિક બાપ નું એકનું એક સંતાન. પણ તો ય એ બન્ને ની મિત્રતામાં ક્યારેય એમની વચ્ચેનું આ સ્ટેટ્સનું અંતર નહોતું આવી શક્યું. પિતાની ઓછી આવકને કારણે એમને ટેકરૂપ બની શકાય એ માટે જય કોલેજની સાથે એક જોબ પણ કરતો. સમીરે આ વિશે ઘણીવાર એને ટોક્યો હતો પણ જય સ્વમાની હતો એટલે જલ્દી સમીરની વાત માનતો નહિ. પણ આ વખતે સવાલ ભણતર પર આવીને અટક્યો હતો એટલે જય પાસે સમીરે પોતાની વાત મનાવી જ લીધી. એકબીજા ના ખભે હાથ મૂકી બન્ને મીત્રો નીકળી પડ્યા પ્રોફેસર દેસાઈને મળવા.

"મે આઈ કમ ઇન સર" સ્ટાફરૂમની બહાર ઉભા રહી સમીરે કહ્યું

"અરે સમીર, તું અત્યારે? આવ આવ" પ્રોફેસર દેસાઈએ કહ્યું

સમીરના પિતા આમ તો કોલેજના ટ્રસ્ટી હતા પણ સમીરે આજસુધી આ વાતની જાણ કોઈને થવા નહોતી દીધી. સમીરે પોતાની મહેનત અને આવડતને હિસાબે કોલેજ ના દરેક વ્યક્તિ ના દિલમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું હતું. પ્રોફેસર દેસાઈ પણ સમીરના આવા આગવા વ્યક્તિત્વથી અંજાયેલા હતા. એમની પાસે જઈ સમીરે જય અંગેની બધી હકીકત જણાવી દીધી. પ્રોફેસર દેસાઈ જયની સામે એકધારું જોઈ રહ્યા અને પછી જયની પીઠ થબળતા બોલ્યા

"આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય બોય. તમારા જેવા યુવાનો ઘણા ઓછા હોય આ જમાના માં. ચિંતા ન કરીશ અત્યારસુધી ની હાજરીનું હું જોઈ લઇશ. આગળથી થોડું ધ્યાન રાખજે"

જયના જીવ માં જીવ આવ્યો. બંને સ્ટાફરૂમમાંથી બહાર નીકળ્યા કે તરત જ જય સમીરને વળગી પડ્યો.

"થેંક્યું યાર"

"હા દઈ દે તું ય થેંક્યું કહી ને મને ગાળો" સમીરે ખોટે ખોટું રિસાતા કહ્યું

ફરીએકવાર બન્ને ગળે વળગ્યા.

"ચાલ કેન્ટીન જઈએ" જયે કહ્યું

"તું કે એમ ભાઈબંધ" પોતાનીએ આગવી શૈલીમાં સમીર બોલ્યો.

બંને નીકળી પડ્યા કેન્ટીન તરફ. કેન્ટીન તરફ જઈ જ રહ્યા હતાં ત્યાં જ સમીરની નજર લાઈબ્રેરીના દરવાજા તરફ પડી. ફરી એ જ સફેદ ઓઢણીનો ખૂણો દેખાઈ ગયો અને ફરી એ સફેદ ઓઢણી સમીરના દિલોદિમાગમાં પ્રસરી ગઈ. ફરી એ ચહેરાને જોવાની લાલસા તીવ્ર બની. અને સમીર દોડ્યો લાઈબ્રેરી તરફ. ક્યારેય લાયબ્રેરીમાં પગ ન મુકતા સમીરને લાયબ્રેરીમાં જોઈ બધા આશ્ચર્યચકિત હતા. પણ એ કોઈના તરફ ધ્યાન આપ્યા વગર સમીર તો આમતેમ ફાંફા મારી પેલી સફેદ ઓઢણી વાળી યુવતીને શોધી રહ્યો હતો. ચોપડીઓ મુકેલ દરેક ઘોડા પર તપાસ કરી ચુક્યા બાદ સમીર જરા અટક્યો. સામે ના ટેબલ પર એ જ સફેદ ઓઢણીવાળી યુવતી મોઢા પાસે એક ચોપડી લઈ બેઠી હતી. ચોપડીને કારણે એનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. બને એટલી ઝડપે એ ટેબલ સુધી પહોંચવાની ઉતાવળે સમીર એક યુવક સાથે અથડાઈ ગયો. અને એ માથાકૂટમાં ફરી એકવાર એ સફેદ ઓઢણીવાળી યુવતી એની નજર સામેથી અલોપ થઈ ગઈ. ફરી એકવાર મનમાં વસવસો રહી ગયો.

આમ તો સમીરને આ સફેદ ઓઢણીવાળી યુવતીને જોવાની તડપ એના સ્વભાવથી બિલકુલ વિપરીત હતી. છોકરીઓ સમીરની આગળ પાછળ ફરતી પણ આજ સુધી સમીર એમને બહુ મહત્વ ન આપતો.અત્યારસુધી ગર્લ ફ્રેન્ડ ઘણી બનાવી હતી સમીરે પણ ક્યારેય પ્રેમમાં નહોતો પડ્યો. સમીર હંમેશા કહેતો

"આ પ્રેમ શબ્દ મારા દિમાગમાં નથી ઉતરતો. કોઈના માટે પોતાની જાતને બદલી નાખવાની તૈયારી મારામાં તો નથી જ. એટલે હું તો આ પ્રેમ બેમથી દૂર જ રહીશ"

આવો અલ્લડ સમીર એક યુવતીને શોધવા આમ ગાંડો થયો હતો એ વાત જ્યારે જય ને કેન્ટીનમાં બેસી ને સમીરે જણાવી તો જય પેટ પકડી ને હસવા લાગ્યો. જયને પણ આશ્ચર્ય થયું કે સમીર અને એક યુવતી માટે આમ દોડાદોડી કરે. શક્ય જ નથી.

"એવું તો શું જોઈ ગયો ભાઈ તું એ સફેદ ઓઢણીમાં" જયે સમીરનો મજાક કરતા કહ્યું

"ખબર નહિ યાર. પણ એકવાર એ ચહેરો જોવાની ઇચ્છા છે"

"આપણી જ કોલેજ માં છે એ તો ખબર પડી ગઈ. હવે એ યુવતી કોણ છે એ પણ ખબર પાડી લઈશું આપણે. ચાલ હમણાં તુ આ કોફી પી ને મગજને શાંત કર" જયે સમીરને આશ્વાસન આપતા કહ્યું.

જય અને સમીર કોફી પીને પોતાના કલાસ તરફ ગયા અને લેક્ચર ભર્યા. પણ હજી સમીર તો પેલી સફેદ ઓઢણીમાં જ ગૂંચવાયેલો હતો. માંડ કરીને દિવસ પૂરો કર્યો. જય સાથે વાતો કરતા કરતા એ પાર્કિંગ સુધી પહોંચ્યો. બન્ને પોતપોતાની બાઇક લઈ ઘર તરફ રવાના થયા. પોતાની મનગમતી બુલેટ પર સવાર સમીર કોલેજની થોડે જ દૂર આવેલા બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા ત્યાં જ એને એ સફેદ ઓઢણી ફરી એકવાર દેખાઈ ગઈ. પણ આ વખતે એ સફેદ ઓઢણીવાળી એ યુવતી નો ચહેરો જોવામાં એને સફળતા મળી ગઈ. એને થોડે દૂર બુલેટ ઉભું કરી દીધું. સમીર તો જાણે એ યુવતીને જોઈ એક ધબકારો ચુકી ગયો. હ્ર્દય બમણી ઝડપે ધબકવા લાગ્યું. અડો તો ડાઘ પડી જાય એટલઈ સુંદરતા બક્ષી હતી ભગવાને એને. એમાંય એના ભૂખરા વાળ નો એ લાંબો ચોટલો એની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો હતો. હોઠ પરનો એ કાળો તલ એના ચહેરાની લાલીમાને વધુ નિખારી રહ્યો હતો. એકલવાયો બાંધો અને પ્રમાણસરની ઊંચાઈ ધરાવતી એ યુવતીને સમીર એકધારું જોઈ રહ્યો હતો. એ યુવતીની મારકણી નજર સમીર પર પડી ત્યારે સમીરને ખ્યાલ આવ્યો કે એની સામે આમ એકધારું જોઈ રહેવું કદાચ એને ગમી નથી રહ્યું. ફરી એકવાર એ યુવતીની ત્રાંસી પણ વેધક નજર સમીર પર પડી અને સમીર ફટાફટ ત્યાંથી રવાના થઈ ગયો. મેકઅપના થથેડા કરતી આજની યુવતીઓથી તદ્દન અલગ સાવ સાદી આ યુવતીના વિચારો નો વંટોળ સમીરના હ્ર્દયમન પર હાવી થઈ રહ્યો હતો. એની એ ચહેરા પર આવતી લટને પોતાની આંગળીઓથી કાન પાછળ લઈ જવાની આગવી અદા સમીરને બરાબર યાદ રહી ગઈ હતી. એકલો એકલો મલકાતો સમીર ક્યારે ઘરે પહોંચી ગયો એનું પણ એને ભાન ન રહ્યું. ઘરે પહોંચતા જ એને ડોરબેલ મારી. હજી એ યુવતી જ આંખો ની સામે તરવરી રહી હતી.

(કોણ હતી એ યુવતી? શુ સમીર અને એ યુવતી ની ફરી ક્યારેય મુલાકાત થશે...જાણવા માટે વાંચતા રહો.....સંબંધ-તારો ને મારો)