સંબંધ-તારો ને મારો - 1 komal rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ-તારો ને મારો - 1

સમીર વાયુવેગે પોતાના રૂમમાંથી નીકળ્યો અને સડસડાટ કરતા દાદરા ઉતરી ગયો. એની મમ્મી કાંઈ બોલે એ પહેલાં તો એ બહાર ગેટ સુધી પહોંચી ગયો હતો

"બેટા સમીર, આજે પણ તું નાસ્તો કર્યા વગર જ કોલેજ જઈશ?" સમીરની મમ્મી એ ગેટ પર પહોંચેલા સમીરને પાછળથી ટોકતા કહ્યું.

"ઓહ મારી સ્વીટ મમ્મા...મોડું થઈ ગયું છે એટલે કોલેજમાં જ કાંઈક ખાઈ લઇશ..ચાલ હવે હું નીકળું" સમીરે પોતાના આગવા અંદાજ માં એની મમ્મીના ગાલ ખેંચતા કહ્યું.

"સારું, પણ હવે જમવાનું નામ લીધું છે તો હવે થોડું પાણી પી ને જા. હું પાણી લઇને આવી હમણાં. તું ઉભો રહેજે" સમીરની મમ્મી એ પોતાની મમતા બતાવતા સમીરને કહ્યું

"અરે મમ્મી, શુ તું પણ? સારું જા, ફટાફટ પાણી લઈ આવ" સમીરે વળતો જવાબ આપ્યો. અને સમીરની મમ્મી ભાગતી રસોડા તરફ પાણી લેવા ગઈ. પાણીનો ગ્લાસ હાથ માં લઈને બહાર આવી ત્યાં સુધી તો સમીર ગાયબ થઈ ગયો હતો.

"આ છોકરો આજે ફરી મને ઉલ્લુ બનાવી ને જતો રહ્યો" માથે હાથ દેતા સમીરની મમ્મી બોલી. ઘરની બહારના નાનકડા ગાર્ડનમાં પેપર વાંચી રહેલા સમીરના પપ્પા, કિરીટભાઈ સમીર અને એની મમ્મી ગીતા બેન વચ્ચે ની મીઠી નોકજોક જોઈ હસી રહ્યા હતા.

"તમે શું હસો છો? આ છોકરાને તમે જ બગાડ્યો છે. કોઈ રોકટોક જ નથી રાખતા. " કિરીટભાઈને હસતા જોઈ ગીતા બેન એમના પર બગડ્યા

"અરે એમાં હું ક્યાંથી વચ્ચે આવી ગયો. તું જાણે ને તારો છોકરો જાણે." એટલું કહી કિરીટભાઈ છટકી ગયા

પાછળથી ગેટની પેલી બાજુ સંતાયેલો સમીર ધીમે પગલે મમ્મી સુધી પહોંચ્યો અને મમ્મીના કાન માં બૂમ પાડી એને બીવડાવી દીધી. ગીતાબેન સમીરની આ હરકત થી હસી પડ્યા.પ્રેમથી એના કાન પકડ્યા અને કહ્યું

"મને બીવડાવે છે તું એમ? ચાલ હવે પાણી પી લે અને ઉપડ કોલેજ.નહી તો વધારે લેટ થઈ જશે. ને તારે ત્યાં જઈને સોટ્ટા પાડવા ના રહી જશે"

ગીતા બેન ની વાત સાંભળી સમીર સહિત કિરીટભાઈ પણ ખડખડાટ હસી પડયા.મમ્મીના કપાળ પર એક વ્હાલભર્યું ચુંબન આપી સમીર કોલેજ જવા રવાના થયો.

"બાઇક ધીમે ચલાવજે. રસ્તા તારા પપ્પાના નામ ના નથી એ ભૂલી ના જતો" ફરી એક બૂમ ગીતાબેનની સંભળાઈ

"હા મારી માઁ હા"કહી હસતો હસતો સમીર નીકળ્યો

કિરીટભાઈ પેપર વાંચવામાં ને ગીતાબેન ઘરકામ માં પરોવાઈ ગયા.

સમીર એક અલ્લડ અને અલમસ્ત છોકરો. હસી મજાક એના સ્વભાવમાં વણાઈ ગયેલો. જીવન ને બહુ હળવાશથી વિતાવવું એને ગમતું.કસરત કરી ને કસાયેલું શરીર એમાંય પાંચ હાથ પૂરો અને વાને ઉઘડતો. કાળા ભમમર સ્ટાઈલિશ હેર અને એમાંય જેલ લગાવી એને વધારે આકર્ષક બનાવવા સમીરને ખૂબ ગમતું. બ્રાન્ડેડ વસ્તુઓનું ગાંડું વળગણ એટલે ગોગલ્સથી લઈને પગ ના શૂઝ સુધી બધું બ્રાન્ડેડ જ જોઈએ એવો એનો હમેશા આગ્રહ રહેતો. શહેરના જાણીતા બિલ્ડરનો એક નો એક દીકરો હોવાથી એના આ શોખ સરળતાથી પુરા થઈ જતા. સદાય હોઠો પર રમતું સ્મિત અને એ સ્મિત કરતી વખતે એના ગાલ પર પડતા એ ખાડા કોલેજ ની ઘણી છોકરીઓને મોહિત કરી ચુક્યા હતા. હંમેશા મિત્રવર્તુળથી ઘેરાયેલો રહેતો સમીર પોતાની એક અલગ જ દુનિયા માં રાચતો. બાઇક નો એને જબરો શોખ એટલે પાંચેક બાઇક જીદ કરી કરી ને એને વસાવી લીધી હતી પણ એ બધા માં બુલેટ એનુ સૌથી પ્રિય. આજે પણ પોતાનું બુલેટ લઈ વડોદરા ના રસ્તા પર કોલેજ જવા માટે દોડી રહ્યો હતો. કોલેજનો સમય આમ તો 9 વાગ્યા નો પણ મહાશય 10 પહેલા પહોંચે નહિ. પણ આજે એક મિત્રને મદદની જરૂર હતી એટલે સાહેબ 9 ના ટકોરે કોલેજ પહોંચી જવા માંગતા હતા.

પુરપાટ વેગે દોડતું સમીર નું બુલેટ એક ટ્રાફિક સિગ્નલ પર આવી ને થોભી ગયું. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા અન્ય વાહનો માં એક બસ ની બારી ની બહાર એક સફેદ ઓઢણી તરફ એનું ધ્યાન ગયું. ખબર નહિ કેમ પણ એની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. સફેદ ઓઢણીની કિનારી એ ટાંકેલા એ રંગબેરંગી ફુમકા ને એ જોઈ જ રહ્યો. ગ્રીન સિગ્નલ મળતા આજુબાજુ ના વાહનો ના હોર્ન ના તીક્ષ્ણ અવાજથી સમીર એ રંગબેરંગી ફુમકા માંથી બહાર આવ્યો. એને ફરી પોતાની બુલેટ મારી મૂકી. એ સફેદ ઓઢણી હજી તેનું ધ્યાન ખેંચી રહી હતી. સંજોગોવશાત એ બસ પણ સમીર ના રસ્તે જ જઇ રહી હતી. રહી રહી ને ધ્યાન ખેંચતી એ ઓઢણી ના કારણે સમીર ના બુલેટ ની સ્પીડ પણ બસ જેટલી જ થઈ ગઈ હતી. ફરી એકવાર એ બારી પર નજર ગઈ આ વખતે ઓઢણી ની સાથે એક અડધો ચહેરો પણ દેખાયો. તદ્દન ગોરો વાન, અણીદાર નાક, મોટું લલાટ અને એમાં ભૂખરા વાળ ની લટો ને કાન પાછળ લઈ જતો એક મુલાયમ હાથ એની નજરે ચડ્યો. ઘડીભર તો સમીર જાણે સુન્ન થઈ ગયો. એ સફેદ ઓઢણી અને એમાં ટાંકેલા એ ફુમકા કરતા પણ આ અડધો ચહેરો હવે સમીર નું ધ્યાન એના તરફ વધુ ખેંચી રહ્યો હતો. સમીર એ ચહેરો જોવા મથી રહ્યો હતો. પણ રસ્તા પરના ટ્રાફિક ના કારણે એ ચહેરો જોવામાં સફળ ન થઈ શક્યો. આ મથામણ માં ક્યારે કોલેજ આવી ગઈ એનો સમીરને ખ્યાલ જ ન રહ્યો. બસ પણ કોલેજના ગેટ પાસે થોભી. સમીર હજી એ ચહેરો જોવાની મથામણ માં જ હતો ત્યાં જ એને એ યુવતીને બસ માંથી નીચે ઉતરતા જોઈ ને ત્યાં જ સમીરનો ફોન રણક્યો. મિત્ર નો ફોન હતો તેની સાથે બને એટલી ટૂંકમાં વાત પતાવી સમીર બસ તરફ ફાંફા મારી રહ્યો હતો પણ એ સફેદ ઓઢણીવાળી યુવતી ત્યાંથી જઇ ચુકી હતી. નિરાશા ની એક રેખા સમીરના ચહેરા પર ફરી વળી. પણ આ તો સમીર હતો હંમેશા હસતો અને હસાવતો , એને વળી કોઈ ચિંતા વધુ સમય સુધી ક્યાંથી ઘેરી શકે. ફરી પાછો હસતો ચહેરો લઈ પોતાની બુલેટ સવારી લઈ પહોંચી ગયો કોલેજ માં પણ હજી એ સફેદ ઓઢણી એના મગજ માંથી ખસતી નહોતી.

(શુ સમીર એ સફેદ ઓઢણી વાળી યુવતી ને શોધી શકશે...એના માટે વાંચતા રહો "સંબંધ-તારો ને મારો" નો આગળ નો ભાગ)