વિર આહીર વિહાદાદા ડેર Dr KARTIK AHIR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિર આહીર વિહાદાદા ડેર

વિર આહીર વિહાદાદા ડેર
એજી સાયબા ચિતલ શે’રની એવી ચુંદડીયુ વખણાય રે ..

ભાતીગળ ચુંદડીયુ વખણાય…

ચિતલની ધરતી એવી, પવિતર પ્રેમ ધેનુડી…
—> આ ગિત સાથે જ વાત યાદ આવે ચિતલની ધરતીના મોતી સમાન આહિર વિહા ડેરની. વિહો કોણ? વિહો દાદા ભોળાનાથનો પરમ ભક્ત. આથી વિશેષ ઓળખાણ બીજી શી હોય… પણ, જ્યારે એ ભોળીયાના ભક્તે કાળ ભૈરવની જેમ યુદ્ધમા હાહાકાર મચાવ્યો, ત્યારે એ બીજી રિતે ઓળખાયો..

—> વિહાનો જન્મ ચિતલ શહેરના નાના એવા ખોરડામા થયો. પણ નાનપણથી જ ભેરૂઓ હારે રમવાના બદલે ખાંડાના ખેલ ખેલવા મશગુલ. અને રોજ સુર્યોદય ટાણે હાથમા ત્રાબાના લોટામા જળ ભરીને, હાથમા ફુલ અને બિલ્વપત્ર લઈ ધારેશ્વર દાદાના મંદિરે જાય અને સંધ્યાકાળે દાદાની આરતી ના દર્શન કરવા જવાનો નિયમ હતો.
—> એક દિ’ સંધ્યા ટાણે વિહો આરતી કરી ઘર તરફ જાય છે, પણ ત્યા આઈ વિજબાઈ દાદાના દર્શન કરવા આવે છે. પણ પુજારીએ કમાડ બંધ કરી દિધા. આઈએ એને સમજાવ્યો કે, ‘ભાઈ, મારે દેવ દર્શન કર્યા વગર અન્ન જળ ન લેવાનો નિયમ છે.’ પણ પુજારીએ દ્વાર ન ઉઘાડ્યા…
—> આ વાત વિહાના કાને ગઇ. એણે પાછા વળીને પુજારીને સમજાવ્યો. ઘણા સમય બાદ પુજારીએ કમાડ ઉઘાડ્યા. આઈએ દેવના દર્શન કર્યા..
—> વિહોએ આઈને ઘરે વાળુ કરવા બોલાવ્યા. આઈએ વાળુ કર્યા બાદ વિહાને અંતરથી આશિર્વાદ દિધા કે, ‘હે વિહા આયર.. જા હુ વિજબાઈ તને આશીર્વાદ આપુ કે દુનીયાના ચોકમા એક દિ’ તારા નામનો ડંકો વાગશે’

—> હે… આશીષ રૂડા આપતી તેદી’ માવલડી વિજબાઈ રે..

વિહા તારૂ નામરે થાશે, નવેખંડ નામ લેવાશે.
—> ત્યાર બાદ દિવસ ઉપર દિવસ વિતતા જાય છે. ચિતલની સાયબીની સુવાસ આખાય કાઠીયાવાડમા ફેલાઈ ગઈ છે. વળી ચિતલની ચુંદડીયુ અને ચિતલની સાયબી જોઈને સોનામા સુગંધ ભળી હોય એવુ લાગે છે.
👉જ્યા દાદા નુ માથુ પડ્યુ તે ફોટો

—> આ ચિતલની વાતુ તો ઠેઠ ભાવેણા નગરી ના ગઢમા પોગી. ભાવેણા નરેશને ચિતલને જીતવાના ઓરતા થયા. પણ જેવી રીતે સાવજના મોઢામાથી શિકાર આંચકવો જેટલો અઘરો છે તેટલુ જ અઘરૂ ભાણ કુંપાવાળા હાથ તળેથી ચિતલ આંચકવા જેવુ છે.
—> ઈ.સ. ૧૭૯૩ મા ગોહીલરાજ વજેસંગ બાપુએ લડાઈના જાણકાર મરદો અને વિફરેલ આરબોની ટોળી લઈને ચિતલ પર હુમલો કરવા પ્રયાણ કર્યા. પણ ભાણ કુપાવાળાના ગુપ્તચરોની મદદ ચિતલના ધણીને યુદ્ધના વાવડ મળ્યા!!!
—> આ બાજુ ચિતલ નરેશે જેતપુરના વિરાવાળા, જસદણ – ચોટીલા- પાળીયાદના ખાચર તથા બાબરા દરબારને ભેળા કર્યા. વળી ‘શત્રુનો શત્રુ ઈ મિત્ર! આ નિતીથી જુનાગઢ નવાબ હામિદખાને પણ ભાણ કુપાવાળાને તોપો મોકલીને મદદ કરી…
—> ચિતલ પાસે ભા દેવાણી, ભા ગોવિંદાણી, જેતપર,પાળીયાદ,ચોટીલા,બાબરા,જસદણ દરબારોને ભેળા કર્યા તો આ બાજુ વજેસંગબાપુએ આખુય ગોહિલ કુળ ભેળુ કર્યુ…

—> વજેસંગજી ચિતલની ચુંદડીયુ ઉપર ભાવનગરની ભાતીગળ ભાત પાડવાના પ્રયત્ન કરે છે તો આ બાજુ ચિતલની ચિંગારી આખાય ગોહિલવાડ ને સળગાવવા મથે છે.
—> ચિતલનરેશે યુદ્ધનીતી ઘડી, એણેગામનો મુખ્ય દરવાજો બંધ કરાવ્યો અને ગઢના કોઠા ઉપર જુનાળાની તોપો મુકી. તોપની સાથે તિરંદાજોને ય સાબદા કર્યા.આ તરફ ભાવેણાની સેના જેવી અંદર જવા આવે તેવો જ ઉપરથી તોપ અને તિરનાે વરસાદ થાય..
—> ચાલીસ ચાલીસ દિ’ના વાણા વાય ગ્યા છે. ચિતલની ચુંદડી તો શુ પણ ત્યાના ગઢની કાંકરી ય હલી નથી. અને ગોહિલની સેનાનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. સૌના મનમા એક જ મંથન ચાલે છે કે,’જો આ તોપમાથી બચી જવાય તો આ ચિતલ આપણુ’ પણ તેનો સામનો કઇ રિતે કરવો એજ સમસ્યા હતી!!!
—> આવા ખરા ટાણે જાદવ ડાંગર નામના આયરે વજેસંગ મહારાજની પડખે જઈ કહ્યુ કે,’ મારા ગંગાજળીયા ગોહીલ! તારે ચિંતા ન કરવાની હોય! હુ ય આહિર છુ. મારી દાઢમા ભાવેણાનુ અન્ન છે. જ્યા સુધી ચિતલની તોપ ઉપર નાગફણીયુ ન નાખુ ત્યા સુધી તમને મોઢુ ન બતાવુ’….

—> આમ જાદવ આહીર સૌને જય મોરલીધર મા’રાજ કહીને ગયો ચિતલના ગઢની પાસે. અહી અંધારાનુ ઓઢણુ ઓઢીને ગઢની તોપમા નાગફણીયા ધરબી દિધા. જ્યારે એ આહિર વિજયની વરમાળ પહેરીને વજેસંગ બાપુ પાસે આવ્યો ત્યારે ભાવેણા નરેશે એને ખુશ થઈને ૩૦૦ વિઘા જમીન જ્યા સુધી ભાવનગર ઉપર ગોહિલોનુ રાજ તપે ત્યા સુધી આપી.( આ જમીન એમના વંશજો આજે ય ભોગવે છે.)
—> હવે ચિતલ પાસે તોપ તો રહી નથી. આથી ગોહિલના સૈન્યએ ચિતલના દરવાજા તોડી પાડ્યા. આથી હવે સામસામેના યુદ્ધ સિવાય વિકલ્પ ન હતો. આથી સૌ કાઠીઓએ એકબિજાને કસુંબા પાઈને, એકબીજાને હેતથી ભેટીને છૈલ્લા ‘જય સુરજ ભાણ’ કહી યુદ્ધ કરવા ચાલ્યા.
—> ચિતલના ગઢના દ્વાર ઉઘડ્યા, ધિંગાણુ થયુ ને આ ધિંગાણામા ભાણ કુંપાવાળો કામ આવી ગયા.. ચિતલની ચુંદડીયુને ઘોડાના ડાબલા નીચે કચરાણી.. વિજય ઉત્સવ થયો. અને થોડા દિ’ વજેસંગબાપુ ચિતલના મે’માન બન્યા. થોડા સમય બાદ તેઓ ભાવનગર પરત ફર્યા….
—> જ્યા ગોહિલોએ ચિતલ છોડ્યુ ત્યાં જ ભાવનગરના વિફરેલ ૨૦૦ જેટલા આરબોએ ચિતલની બેન-દિકરીઓની આબરુ લુંટી, ધોળે દિ’ ચિતલની બજારૂને લુંટતા જાય છે ને જ્યા જુઓ ત્યા સ્ત્રીઓનો કલ્પાંતના દેકારા અને આરબોના રિડીયા રમણ થાય છે.
—> આ બાજુ વિહો ઘણા દા’ડાથી બહાર ગામ ગયો હતો. પોતે રોઝી ઘોડી ઉપર સવાર છે. કાખમા તલવાર છે.અને દુરથી એને જોતા કોઈ બીજો સુરજ વયો આવતો હોય એવુ મોઢા પર તેજ છે. એણે એની જનમભોમકા ચિતલ ઉપર મિટ માંડી તો એને દેકારા, કલ્પાંત,શોર સંભળાણા…

—> વિહાએ ખેડુતને પુછ્યુ કે આ બધુ છે શુ? મારુ પંખીના માળા જેવુ ચિતલ આજ ઉજ્જડ કેમ છે? ત્યારે રાંપ હાકતા ખેડુએ બળદ ઉભા રાખીને માંડીને વાત કરી…

આ વાત સાંભળતા એક બાજુ ચિતલની હારનુ દુ:ખ થાય છે તો બિજી બાજુ આરબોએ કરેલ કાળા કરમોથી શરીરના એકે એક રૂંવાડા કંપી ગયા અને પોતાના મિત્ર કુંપાવાળા ની ગેરહાજરી મા વિહો ચેતલ નો બદલો લેવા નિકળી પડ્યા.
—> વિહાએ ખેડુને પુછ્યુ કે આરબનુ લશ્કર કઈ બાજુ ગયુ? પણ ખેડુએ કઈ જવાબ ન દિધો. વિહાએ કહ્યુ કે મારે ને મોતને છેટૂં પડી જાશે… ત્યારે ખેડુએ કહ્યુ કે, ભાઈ ઉતાવળો ન થા, એ ૨૦૦ ની બેરક છે ને તુ એક જ. વળી તારી પાસે તો ઢાલ ય નથી…’
—> વિહાએ ખેડુ પાસેથી રાંપ લિધી ને કહ્યુ કે,’ ભાઈ જે રાપડી ચિતલની ધરા ખેડી શકે એ રાપ ઢાલથી ઓછી નથી!’ ત્યારે મને-કમને એણે જ્યા આરબોના ઉતારા હતા ત્યાનો કેડો પકડાવ્યો….
—> વિહાએ આરબોનો પિછો કર્યો. આરબોની પાસે જઈને યુદ્ધનુ આમંત્રણ આપ્યુ. પણ ઉલટાના આરબો એની મશ્કરી કરવા લાગ્યા… ત્યારે વિહાએ એને કહ્યુ કે,

‘ બાકર બચ્ચા લાખ, લાખેય બિચારા..
સાવજ બચ્ચો એક, એકે હજારા…’
—> આરબે એને પાછા વળવા કહ્યુ, પણ મા ભોમની રક્ષા કરવા આવેલ વિહો એમ શાનો પાછો જાય? અંતે બસો આરબોએ એકલવીર વિહા ડેર ઉપર હુમલો કર્યો. વિહો પર તલવાર અને રાંપથી દુશ્મનોના માથા વાઢતો જાય છે…
—> અચાનક એક આરબે વિહાના માથે ઘા કર્યો. વિહાનુ માથુ પડ્યુ, પણ…
‘એવુ માથુ પડ્યુને ધડ લડ્યુ રે લોલ..
એણે વાળી દિધા દુશ્મનોના દાટ જો..
વિહળ રોકાણો ગળીના તાંતણે રે લોલ..
—>વિહાનુ માથુ પડ્યુ, તલવાર પડી પણ વિહાનુ ધડ રાપ લઈને આરબોને જમપુરીએ વળાવે છે. વળી રાંપ પણ કાળી નાગણ સમાન બની છે…
—> ચિતલથી આઠેક કિ.મી જેટલુ વિહાનુ ધડ માથા વગર ચાલ્યુ. અને ભિલાને સિમાડે આરબે ચામડા રંગવાની અપવિત્ર કુંડની અંદર ગળીનો તાંતણો બોળીને વિહાના ધણ ઉપર ફેક્યો. વિહાનો પવિત્ર દેહ અભડાણો.( જો પવિત્ર પુરૂષના દેહને તાંતણો અડવાથી આભડછેટ લાગતી હોય તો અપવિત્ર માંસ મદિરા ખાર કેટલો અપવિત્ર હશે!!!!)
—> આમ વિર વિહા ડેરે ગામની, ગામની બેન-દિકરીની રક્ષા કરવા બલીદાન આપ્યુ…જે જ્યાએ એમનુ મસ્તક પડ્યુ ત્યા અને જ્યા તેમનુ ધડ પડ્યુ ત્યા એમની ખાંભી આજ પણ એની શહાદતની સાક્ષી પુરે છે..
—> આજે પણ ચિતલની બેન દિકરી વિહાનો રાહડો ગાય છે..

રોવે નર ને રોવે નારીયુ રે લોલ..
અને રોઈ ઉઠી છે ચિતલ તણી ભોમ જો..
વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ

માથુ પડ્યુ ને ધડ લડીયુ રે લોલ
જેણે વાળી દિધો દુશ્મનોનો દાટ જો..
વિહળ રોકાણો…
ધરમના ધિંગાણે ઈ તો ચડીયો રે લોલ
જેને જોઈ ધ્રુજી ગ્યો ભાવેણાનો ભુપ જો..
વિહળ રોકાણો ગળીના તાંતણે રે લોલ..
ગળીના તાતણે આહીરડો પડ્યો રે લોલ
એનો જગમા ગવાશે ઈતીહાસ જો
વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ…
—> આમ આઈ વિજબાઈ અને દાદા ધારેશ્વરના આશીર્વાદથી વીર આહીર વિહો ડેર નવખંડમા નામ રાખી ગયો..