Ajnabi Humsafar - 20 books and stories free download online pdf in Gujarati

અજનબી હમસફર - ૨૦

"હમમ્ ... વિચારવું પડશે, ચલો ... હવે નાસ્તો કરવા જઈએ ?" સમીરે કહ્યું

"હા હું રેડી થઈને આવુ.. " રાકેશે કહ્યું

"હું પણ .."

બંને તૈયાર થઈ નીચે આવ્યા .

રાકેશના પપ્પા અને ધનજી દાદાએ નાસ્તો કરી લીધો હતો અને બંને બહાર ગયેલા.શારદાબાએ પણ જમી લીધું હતું અને બહાર હોલમાં બેઠા હતા. રાકેશ અને સમીર ખુરશી પર બેઠા . દિયાએ સમીરની પ્લેટમાં પુડલા મુક્યા અને પોતે પણ નાસ્તો કરવા બેઠી . રાકેશે દિયા સામે જોયું તો તેની આંખોમા ગુસ્સો હતો . તેણે પુડલા લેવા માટે હાથ લંબાવ્યો તો દિયાએ પુડલાની પ્લેટ તેની પાસેથી લઈ લીધી અને કહ્યું,

" આ ફક્ત સમીર માટે છે ."

આ સાંભળી રાકેશનો ચહેરો જલનથી ભરાઈ ગયો . મહારાજે રાકેશને ઉપમા અને જ્યુસ આપ્યું . રાકેશે ચુપચાપ નાસ્તો કર્યો અને વિચારવા લાગ્યો કે દિયાનું વર્તન આવું કેમ છે .

દિયા નાસ્તો કરી ઓફીસ જતી રહી. સાંજે આવીને પણ રાકેશથી એ દુર જ રહી.

જમીને તરત રૂમમાં જતી રહી . થોડીવાર પછી તેના ફોનમાં મેસેજ આવ્યો .તેણે જોયું તો રાકેશનો મેસેજ હતો પણ તેણે રીપ્લાય કર્યો નહિ . તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને વારંવાર રાકેશના શબ્દો સંભળાતા હતા જે તે સવારે સમીરને કહી રહ્યો હતો. "શું રાકેશ મારા માટે આવું વિચારે છે?"

તેણે નક્કી કરી લીધું કે હવે તે રાકેશથી દુર જ રહેશે. આવી જ રીતે બીજા બે દિવસ જતા રહ્યા . રાકેશે દિયા સાથે વાત કરવા ઘણી કોશિશ કરી પણ દિયા કોઈ ને કોઈ બહાને તેનાથી દુર જતી રહેતી.હવે રાકેશની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી. તે બીજા દિવસે ઓફીસ જવાનું વિચારતો હતો .

બીજા દિવસે સવારે બધા ડાઈનીગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેઠા ત્યારે રાકેશ ના પપ્પા બોલ્યા,

"રાકેશ, હવે તારી તબિયત સારી થઈ ગઈ છે તો હું વિચારું છું કે સુરત તારા મામાને મળી અને પછી ઘરે પાછા જતો રહુ "

"અરે મંત્રી સાહેબ થોડા દિવસ વધારે રોકાઈ જાવ ને" ધનજી દાદાએ રાકેશના પપ્પાને કહ્યું. પહેલા દિવસે જ્યારે તે મળ્યા ત્યારે ખબર પડી કે તે રાજકારણમાં છે ત્યારથી તે રાકેશના પપ્પાને મંત્રી સાહેબ જ કહેતા .

"હા પપ્પા થોડા દિવસ રોકાઈ જાવ ને " રાકેશ પણ આગ્રહ કરતા કહ્યું

"અરે ના ના .. હવે મને રજા આપો. ચૂંટણી નજીક આવી રહી છે અને ઘણું બધું કામ બાકી છે. "

"કંઈ વાંધો નહીં પણ ક્યારેક-ક્યારેક આવતા રહેજો " ધનજીદાદાએ કહ્યું.

"ચોક્કસ"

"અરે મને પણ યાદ આવ્યું શારદા.., આપણે ભરૂચ જવાનું છે મારો મિત્ર છે ને પેલો નવીન ,તેને ત્યાં દીકરીની સગાઈ છે આજે સાંજે.. પણ આપણને સવારથી આવવાનું કહ્યું છે .આપણે જમીને નાસ્તો કરીને નીકળીએ.સમીર તું પણ અમારી સાથે આવજે"ધનજી દાદાએ કહ્યું.

"હા દાદા જરૂરથી આવીશ."

દિયા અને રાકેશ બધાની વાતચીત સાંભળી રહ્યા હતા. રાકેશ ને તો જાણે દોડવું હતું અને ઢાળ મળી ગયો તેવી પરિસ્થિતિ આવી હતી . સવારે ઓફિસ જવાનુ વિચારતો હતો એ વિચાર કેન્સલ કર્યો . આજે પોતાના મનની દિયા ને જણાવી દઈશ એવું નક્કી કરીને તે ખુશ થતો હતો.

નાસ્તો કરીને રાકેશ પપ્પા સુરત જવા નીકળ્યા તેની સાથે જ બીજી ગાડીમાં ધનજીભાઈ અને શારદાબહેન સમીર સાથે ભરૂચ જવા નીકળ્યા.

રાકેશ બધાને જતા જોઈ મનમાં ખુશ હતો પરંતુ થોડા જ સમયમાં તેના ચહેરાનો રંગ ઉડી ગયો જ્યારે તેણે દિયાને બેગ લઈ ઓફિસ જતા જોઈ. એ તો ભૂલી જ ગયો હતો કે દિયા તો ઓફિસ જતી રહેશે .પણ દિયાને મનની વાત જણાવી પણ જરૂરી છે . તે પોતાના રૂમમાં બેસીને દિયાને પોતાના મનની વાત કરી તે જણાવે તે વિશે વિચારવા લાગ્યો.

બપોરે લંચ પછી તે પોતાના રૂમમાં ગયો તે દિયાને પોતાના મનની વાત જણાવવા ઉતાવળો થતો હતો. પછી તેને કંઈક યાદ આવ્યું અને તે નીચે ગયો .નોકર સાથે કંઈક વાત કરી 500ની નોટ આપી અને ઉપર પોતાના રૂમમાં જતો રહ્યો

આ તરફ દિયાએ કોમલને લંચ ટાઈમે બધી જ વાત જણાવી. વાત કરતાં કરતાં દિયાની આંખમાં આંસું આવી ગયા . કોમલે તેને સમજાવી શાંત પાડી અને કહ્યું કે ,

"જરૂરથી કંઇક ગેરસમજ થઈ હશે બાકી જે રીતે તું મને રાકેશ વિશે જણાવતી હોય છે તે ઉપરથી રાકેશના મનમાં તારા માટે કોઈ ખરાબ ભાવના હોય તેવું મને નથી લાગતું . એકવાર તારે તેની સાથે બેસીને વાત કરવી જોઈએ."

દિયાને પણ કોમલની વાત સમજાઈ. અત્યાર સુધી રાકેશે પોતાના માટે જે કંઈ પણ કર્યું તેના પરથી રાકેશ પોતાના માટે એવું વિચારતો હોય એ શક્ય ન હતું . દિયાને સમીરની વાત યાદ આવી અને તેણે નક્કી કર્યું કે રાકેશ સાથે બેસીને સવારની વાત વિશે ખુલાસો માગશે. જો ખરેખર તે પોતાને એક ગુસ્સેલ વ્યક્તિ સમજતો હશે તો તે તેનાથી દૂર રહેશે અને જો એ પોતાની ગેરસમજણ હશે તો પોતાના મનની વાત રાકેશને જણાવશે. દિયા એ વિશે વિચારતી હતી ત્યાં તેના ફોનમાં રિંગ વાગી . તેણે ફોન ઊંચક્યો તો સામે છેડેથી નોકરનો ચિંતિત અવાજ સંભળાયો,

" દિયાબેન જલ્દી આવો., રાકેશભાઈને કંઈક થઈ ગયું છે અને તે પડી ગયા છે "આ સાંભળી દિયાના મનમાં ધ્રાસકો પડ્યો તે ફટાફટ ઉભી થઇ અને કોમલને કહ્યું કે "હું ઘરે જાવ છું રાકેશની તબિયત બગડી ગઈ છે" એમ કહી કોમલનો જવાબ સાંભળ્યા વગર તે ઓફિસની બહાર નીકળી ગઈ . કોમલે જોયું તો તે પોતાની બેગ પણ ઓફીસે મૂકીને જતી રહી હતી.

દિયા ઝડપથી ચાલતા ચાલતા ઘરે પહોંચી ઘરમાં પ્રવેશતા જ નોકર સામે મળ્યો એટલે તેને પૂછ્યું ,"રાકેશ ક્યાં છે?"

નોકરે કહ્યું ,"એ પોતાના રૂમમાં છે "

દિયા ઝડપથી સીડી ચડી રાકેશના રૂમ તરફ ગઈ. હાંફતા હાંફતા દરવાજો ખોલીને તે રૂમમાં એન્ટર થઈ અને જોયુ તો તેના પગ થંભી ગયા.

(હવે નવલકથા અંત તરફ જઈ રહી છે આના પછી ફક્ત એક જ ચેપ્ટર છે જે બને એટલી ઝડપથી અપડેટ કરીશ એટલે વાચકમિત્રોને થોડી ધીરજ રાખવા વિનંતી)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED