Vihamo books and stories free download online pdf in Gujarati

વિહામો


ધીમે-ધીમે વિજુ ગોંદરા ભણી ડગ માંડી રહી હતી. એક-એક પગના અવાજે જાણે ધરતી ધમ ધમ થતી હતી ! છાતી સરખા ચાંપેલ બાળકને વધારે સંતાડતી હતી. રસ્તામાં પડેલા છાણમાં તેના પગ ભરાતા હતા તેની પણ તેને ભાન ન હતી.
રસ્તાની બાજુની એક ખડકી ખુલી. એક સ્ત્રી બહાર નીકળી...‘આ રાંડ ક્યાં હામે આવી !’ –એમ બબડી એણે પાછી ખડકી બંધ કરી દીધી. પરંતુ, વિજુને અત્યારે કશું સંભળાતું નહોતું. એક કૂતરો તેને જોઇ ભસવા લાગ્યો અને થોડીવારે કોઈ પ્રતિક્રિયા ન મળતા ચૂપ થઇ ગયો.
વિજુ ત્રણેક વરસ અગાઉ અહીંથી રાતી ચુંદડી ઓઢીને ગઈ હતી. ત્યારે તો કોઈનેય ઓહાણ જ ક્યાંથી હોય કે, આ રંગ હવે બે જ વરસ તેના પર ઠહરશે ! બંગડીઓ ભંગાયા પછી તે છએક મહિના ત્યાં -ખૂણે- રહી હતી. પછી પિયર આવતી રહી. તેને આવતું રહેવું પડ્યું હતું.
દોઢેક વરસ પહેલા તે મા બની હતી. એ પ્રસંગ તેની આંખ સામે તરવરી રહ્યો...ભાનમાં આવી ત્યારે સાસુએ કહ્યું હતું: ‘દીકરો આ’યો સે.’ તેની આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા. બાળક પર પડેલી તેની પહેલી નજર ન જાણે કેટકેટલું હેત વરસાવી રહી. એ નજરમાં કેટકેટલા શમણાં તે જીવી ગઈ...
તેણે સાડીના છેડા વડે આંસુ લૂછ્યા. કંઈક ભાનમાં આવી હોય એમ મંદિરની પાછળની શેરીમાં વળી. બે ડગલા સામે જ પંચાયત દેખાણી.
ગામના સ્ત્રી-પુરુષોથી મંદિરનો ચોક છલોછલ હતો. સ્ત્રીઓ લાજ કાઢી થોડેક દૂર બેઠી હતી. તેની મા પણ ત્યાં હતી અને બાપ પંચમાં હતો. તેની સાસુ અને જેઠ પણ ત્યાં હતા. પંચની સામે આવી, લાજ કાઢી તે ત્યાં ઊભી રહી.
‘બેટા વિજુ, જો ભાણુંને એની બા લેવા આ’યા સે.’
જવાબમાં તે લુખ્ખું હસી.
‘દીકરી, ભાણું એયાના કુળનો દીવો સે-’ નાથુ ડોશો બને એટલી નરમાશથી કહેતા હતા. પણ વિજુ વચમાં જ બોલી...
‘ને મારો ?’
તેના સવાલ ભરેલા જવાબની ધાર લાગી હોય તેમ એક સાથે ઘણી નજરો તેની સામે ફરી. પંચના સભ્યો એક-બીજાના મ્હો જોવા લાગ્યા. વિજુના શબ્દો તેમની આમન્યા વીંધતા લાગ્યા...
આ વખતે વાલે ડોશે ઊભા થતા અવાજમાં થોડી મીઠાસ લાવી વાત ઉપાડી: ‘પંચ જાણે સે દીકરી, કે તેં એને નવ મઈના જીરવ્યો સે પણ...’ પહોંચેલા પંચને આજે શબ્દો ખોરવાતા લાગ્યા.
‘પણ ઈ તો બધીયું કરે સે એમ તેંય...એમાં સું નવાઈ !’
વાલા ડોશાની આંખો ચમકી. તેમને કદાચ વિજુ પાસે આ શબ્દોની અપેક્ષા નહિ હોય. કારણ કે, તે એક સ્ત્રી હતી અને પંચ સામે ઊભી હતી.
થોડીવાર ચુપકીદી છવાઈ...
સ્ત્રીઓમાં ગુપસુપ શરૂ થઇ. ‘હાંભરો તો ખરા, પંચ હામે કેવા સવાલો કાઢે સે !’
‘કાઢી મૂકે નઈ તો સું કરે. આવીયાને જાકે કોણ ? નાતબારીયાને.’
ત્રીજીએ વળી એમાં સૂર પુરાવ્યો...‘તૈયે સું નૈ તો. એટલે જ તો કાઢી મુકીને. નકા જોવોને આ વાલા ડોશાની બાઈ પણ દુઆણી તો સે. ને ઈયે પાસી બીજે જ દિ’યેં. તોય હાહરે બેઠી કેવી લે’ર કરે સે !!!’
પંચની ઢીલાશ તેની સાસુથી ન જીરવાઈ. તે ઊભી થઈને પંચની સામે આવીને ખડી થઇ ગઈ. સહેજ લાજ કાઢીને બોલી: ‘હવે તો હદ થાય સે. હમજાવો તમારી દીકરીને, પારકા ગાડા આંગણે ના સોભે.’
પારકા ??? વિજુની આંખો સામેથી જાણે વીજળી પસાર થઇ ગઈ ! તેના હૈયા ઉપર કોઈએ પગ મૂક્યું હોય તેવું તેને લાગ્યું ! તેના ચહેરાની રેખાઓ ઢીલી પડતી લાગી. હૈયું ભરાઈ આવ્યું અને આંખો ઉભરાવા લાગી. માથું નીચું રાખીને બેઠેલી મા પાસે તે દોડી ગઈ.
‘મા, તુંજ કે મા, હું પારકી કેમ કરી થઇ ગઈ ? મારો...મારો ધણી હતો તે દિ’ કિસુ મારો હતો ને આજ...આજ હું મા મટી ગઈ ? કિસુ મારી સાતીયે ધાયો સે ને મા, તો હું પારકી ક્યાંથી થઇ ?’ તેણે માને હલબલાવી જોઈ. મા જાણતી હતી કે મારો બોલ્યો કંઈ કામ નહિ આવે. ‘બોલતી કેમ નથી મા ? કે’ને આયાને કિસુ મારો સે ને મારા કને જ રેસે’ માને લાજ કાઢેલી ન હોત તો છલકાતી આંખો તેણે ભાળી લીધી હોત !
મા પાસે ઉત્તર ન મળતા તે બાપના પગ પાસે આવી બેઠી: ‘તમેજ કયો બાપુ, એના બાપ પસે બીજો હક તો મારો થાય ને ?’ બાપની આંખોમાં જવાબ શોધવા તે આંખ મેળવવા મથી રહી...પણ અફસોસ...તે સફાળી ઊભી થઇ ગઈ. નીચી નજર ઢાળી બેઠેલા બાપ પાસે જો વિજુ વધારે વાર રહી હોત તો જરૂર તેમનાથી પોક મુકાઇ જાત !
દદડતા આંસુના રેલા તેના ગાલ પર બાઝી ગયા. તેના વાળ અસ્તવ્યસ્ત ઉડવા લાગ્યા...
‘કાકી, તમેય નઈં બોલો ?’ તેના અવાજમાં નરમાશ આવી અને ચહેરા પર નિરાશા ઉતરી આવી. ‘તમારી લાડકી વિજુ હારુય કાંય નઈં બોલો ? હું ખોરો પાથરું કાકી, આજ તો કાંક બોલો ?’
કાકી પણ રીતરિવાજથી પરિચિત હતી. એ પણ જાણતી હતી કે...વિજુ નકામા ફાંફા મારે સે કાંય હાથ નથી આવાનો. કાંય જ નઈં...
મૌનની તલવારો તેના હૈયાને વીંઝતી હતી અને એકલતા ખૂંચવા લાગી. આશા પણ ઓસરવા લાગી. પગ ભારે લાગતાં હતા. તે ત્યાં જ બેસી ગઈ. આછા ડૂસકા ભરતી તે ત્યાં જ બેઠી રહી.
વિજુની નરમાશ જોઈ નાથુ ડોશાની આંખો ચમકી. થોડું મલકી પણ ખરી. અને વિચાર કરવા લાગી...
તે વિજુની નજીક આવ્યા અને માથે હાથ મૂકી એકદમ ધીર સ્વરે કહેવા લાગ્યા. ‘હઉ જાણે સે બેટા, કે મા...મા હોય સે. માની તોલે કોંય ન આવી હગે. તારો દખ સું અમે નથી હમજતા ? જો આજ અમે ચુપ રેસુ તો કાલ સોનપરેથી પંચ આવસે. આપણા હાથા માંયથીયે ભાણુંને લઇ જાસે. ને આબરૂ જાસે ઈ નોખી. આખા પંથકમાં વાતું થાસે. દીકરા, ગામ હામે નઈં તો તારા બાપ હામે તો જો. જાતે દિ’યેં એના મોઢે પાણા ન બાંધ.’
‘પણ જીબાપુ-’
‘હેંહો મુક દીકરી, ને હોંપી દે જેની મિલકત સે એને. તું કે’તી હો તો પાગળી પાથરું દીકરી ! માની જા. ગામ અને તારા બાપનો નાક હવે તારા હાથમાં સે. પસે તને રજે એમ...’
નીચી નજર ઢાળીને બેઠેલા બાપ સામે તે થોડીવાર જોઈ રહી...સૂરજ ઢળવા આવ્યો હતો. તેની નજર આખી પંચાયત ઉપર ફરી વળી. તે ઊભી થઇ. છેલ્લી નજર બાળક પર નાખતી જોઈ રહી...ધરાઈ...ધરાઈને...એકદમ શાંતિ પથરાઈ રહી...તેને દીકરાને સાસુના હાથમાં સોંપ્યો...જાણે આયરાણીએ રા’ને રાખવા દીકરાની આંખો ચાંપી ! તેણે આંખો બંધ કરી...
...અને ખોલી ત્યારે...દૂર દૂર ક્ષિતિજ સુધી પથરાયેલા વેરાન માર્ગને તાકી રહી...

બીજા રસપ્રદ વિકલ્પો