વસવસો - 2 Pratik Varia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસવસો - 2

ક્રમશઃ ભાગ બીજો

૧૭-૦૮-૨૦૧૮

હું મારાં રૂમમાં સૂતો ફોનમાં ગેમ રમી રહ્યો હતો. ભાઈ, એક કામ કરવું મારું..?? મંથને મારા રૂમમાં આવીને મને પૂછ્યું.

બોલને શું હતું.??? મેં ગેમ રમતાં રમતાં જ મંથનને જવાબ આપ્યો.

મારી અને પપ્પાની આંયથી મોરબી લગણની ટિકિટુ બુક કરવી છે. કોઈ હારી ટ્રાવેલસમાં. કરી દેસ ..??

મેં મંથનની સામે જોઈ એને હકારમાં ઈશારો કરી દીધો, પણ એકદમ લાગણીશીલ મંથન દરવખતની જેમ મને કારણ બતાવવા લાગ્યો કે કેમ એ મારી પાસે ટિકિટ બુક કરાવે છે.

એમાં એવું છે ને ભાઈ, કે પપ્પા આયવા છે તી મને થયુ લાવ એને આય વડોદરામાં થોડું ફેરવી દઉં. વારે વારે તો આવાના નથ, એટલે હું પપ્પાને લઈને જાવ છું કમાટી બાગમાં ફરવા.

હવે મારી હારી વચ્ચારે કોઈ બસની ઓફિસય આવતી નથ, નય તો હું જ ટિકીટું કરાવી લેત. ઉપરથી આજે જ આ મારા ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ છે, એટલે તને કીધું.

અરે કંઈ વાંધો નહીં ભાઈ, તું ચિંતા નહી કર. હું ટિકિટ બુક કરી આપું છું. તું તારે કાકાને લઈને બિંદાસ ફરી આવ.

થેંકયુ ભાઈ.. મંથન મારા રૂમની બહાર જતો રહ્યો.

મેં ફોનમાં ટિકિટ બુક કરવા માટેની ઍપ ચાલુ કરી.

મંથન તરત જ ખાસ સૂચના આપવા ફરી આવ્યો.

ભાઈ, પપ્પા હાયરે છે. તો અમે બેય જણા હુતા હુતા મોરબી લગણ પોગી જાય એવી કોઈ હારી બસમાં ટિકટુ કરાવજે. એટલે હવારે ગેરે પોગીને ફ્રેસ રઇયે. તમ તારે પૈસાની ચિંતા ન કરતો હો.., જે થાય ઈ કે' જે હું આપતો જાયસ.

અરે ભાઈ.., કોઈપણ બસમાં ટિકિટ બુક કરાવ, બધી બસ તને મોરબી જ પહોંચાડશે. ડૉન્ટ વરી..!! તારે મોરબી પહોંચવાથી મતલબ છે ને!! મેં મંથનની સામે જોઈને કહ્યું.

અરે ભાઈ એવું નથી..!! અમુક બસવાળા બૌ ખરાબ રીતે બસ હંકારે છે.., પપ્પા ભેરા છે એટલે થોડી બીક રયે યાર..!! આપણે એકલાં હોય તો કાય નાટક ન કરીયે એસ.ટી. માં યે વયા જાયે, હયમજો ..?? એટલે ભાઈ ઈ જીરીક ખાસ ધ્યાન રાખજે હોને ??. હવે હું જાવ, તૈયાર થઈને આવું થોડોક.

સારું.

મંથન બોલીને ગયો તો ખરી કે કોઈ સારી બસમાં ટિકિટ બુક કરાવજે, મેં પણ હા પાડી દીધી, પણ લોચો એ હતો કે શનિવાર અને રવિવાર હોય ત્યારે હું રૂમમાં આરામ જ કરું છું, ક્યાંય બહાર નથી નીકળતો, જમવા પણ નહીં. ઓનલાઇન ઑર્ડર આપીને ઘર પર ખાવાનું મંગાવી લઉ. આ બે દિવસોમાં મારામાં સખત આળસ ભરેલી હોય છે. મેં ચેક કર્યું તો મારા ઈ-વૉલેટમાં અને મારા બઁક ખાતામાં લિમિટેડ રૂપિયા જ હતાં. જેમાંથી મારે મારા માટે બપોર અને રાતનું જમવાનું આવી જાય એટલાં રૂપિયા રહે એ વાતનું ધ્યાન રાખી ટિકિટ બુક કરવાની હતી.

મારી નજર ઍપમાં ફરી રહી હતી. અલગ અલગ ટ્રાવેલ્સ કાંપનીઓ હતી જે અલગ અલગ સ્કીમ આપી પોતાનાં બુકીંગ વધારતી જતી હતી. એમાંથી મારુ ધ્યાન ગયું ઘંટાલ ટ્રાવેલ્સમાં જેનો ભાવ સૌથી ઓછો હતો, જેમાંથી હું, મંથન અને એના પપ્પા માટે ટિકિટ બુક કરી શકું.

અને મારા માટે જમવાનું પણ મંગાવી શકું, પ્લસ એમાં સો રૂપિયા કૅશ બેક પણ મળી રહ્યાં હતાં.

મેં બસના રેટિંગ્સ અને રિવ્યુસ જોયા .., જે જરાં પણ સારા નહોતાં.., બધાં જ રિવ્યુસમાં બે વાત કૉમન હતી.., કે ડ્રાઈવર આડેધડ બસ ચલાવે છે અને બસ રસ્તામાં બંધ પડી જાય છે. પણ મેં રિવ્યુસને ખાસ ધ્યાનમાં ન લીધાં. અને હું ટિકિટ બુક કરવા જતો જ હતો,

કે ફરી મંથન તૈયાર થઈને રૂમમાં આવ્યો. ભાઈ થઈ ગઈ ટિકટું ..???

બસ જો એ જ કરું છું..?? ઘંટાલ ટ્રાવેલ્સ છે અને રાત્રે અગિયાર વાગ્યાની બસ છે. ઓ.કે..

હું ટિકિટ બુક કરવા માટેની પ્રોસીજરમાં પેમેન્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યાંજ, મંથન બોલ્યો.,

ભાઈ ઉભો રે..!!

ઘંટાલ ટ્રાવેલસ..???? આ કેવું ઘંટા જેવું નામ છે..???

ભાઈ જો જે હો, કોઈ હારી વયવસ્થિત બસમાં તું ટિકીટું કરાવજે. નય તો મારા બાપા મને ગાયરુ દેસે જેવી તેવી બસ હયસે તો હા .

તું આમાં રે'વા દે, આમા ન કરવતો ટિકિટ, મારુ મન નથી માનતું આમાં જાવાનું.

તું ઓલી જો ને ભાઈ ઓલી કઈ...

હું થોડો અકડાયો અને બોલ્યો, ભાઈ ઓલીને આલી, કોઈ બસ ખાલી નથી હવે. છેલ્લી ઘડી એ તું ટિકિટ બુક કરાવે, તો જોઈએ એ બસ ખાલી ન મળે. અત્યારે બધી બસના બુકીંગ્સ ફુલ થવા આવ્યા છે હવે આજ બસ બચી છે.

હું જૂઠું બોલ્યો. મારા બપોરના અને રાતનાં ખાવાનાને ધ્યાનમાં રાખીને, જેથી મારે ખાવા માટે બહાર ન જવું પડે.

એવું છે.? તો એક કામ કર, રે'વા દે. હું ને પપ્પા આમેય બા'રે જાય જ છી, તો રીકસો, બસ ઓફિસ પાંહેથી કઢાવસુ ને ટિકીટું લેતા જાસુ.

મારા હારા ઈ લોકો આમાં ફૂલ દેખાડે પણ યાં જાયે એટલે આપી દયે ટિકીટું. કેમકે ઓનલાઇનમાં ડિસ્કાઉન્ટ આપવું પડે અને યાં ઈ લોકોને ફૂલ પૈસા મલે. તું રે'વા દે, હું ન્યાંથીને જાતા જાતા કરાવતો જાયસ.

પણ મેં ટિકિટ બુક કરાવી લીધી., હું ફરી જૂઠું બોલ્યો.., ખબર ન પડી કેમ..!! પણ મોં માંથી નીકળી ગયું. કદાચ મંથન માટે મને ચિંતા હતી કે ક્યાં એ કાકાને લઈને ટિકિટ બુક કરાવા અલગથી સ્પેશિયલી જાય..!! અને કાકા પણ હેરાન થાય..!!

અરે ભાઈ... મંથનને એ સાંભળીને જાણે કે આઘાત થયો હોય એવી રીતે સામે જોઈને બોલ્યો.

પણ કેમ તું આટલો ડરે છે ભાઈ..??? શું ફર્ક પડે તું મને એ સમજાવ..!! ઘંટાલ ટ્રાવેલ્સમાંથી જઈશ, કે બીજી કોઈ ટ્રાવેલ્સમાંથી જઈશ. બધી બસ મોરબી તો પહોંચવાની જ છે. તું ખોટી ચિંતા ન કરીશ. આરામથી સુતા સુતા પહોંચી જવાનું, સ્લીપિંગ કોચ છે. પ્લસ ઘંટાલ ટ્રાવેલ્સની ટિકિટનો ભાવ બીજી બધી ટ્રાવેલ્સની ટિકિટ કરતાં ઓછો છે. મેં મંથનને સમજાવતા કહ્યું.

અરે ભાઈ નામ જ એવું વિચિત્ર છે કે મન અંદરથી નથી માનતું, અને મન ન માને એ નય કરવાનું..!! અને રય વાત પૈસાની, તો પૈસાનો તો સવાલ જ નથી.!! એવા હો-બસ્સો રૂપિયા બચાવા હાટુ જીવ થોડી જોખમમાં નખાતા હોય ભલા માણા..?? મંથન થોડો ઉશ્કેરાટમાં આવીને એકશ્વાસે બોલી ગયો,જાણે કે એને કોઈ ખરાબ પૂર્વાભાસ થયો હોય એ રીતે.

મેં તને પે'લા જ કીધું તું કે તું પૈસાની હામે ના જોતો. કોઈ હારી બસમાં ટિકિટ બુક કરજે. પણ હવે વાંધો નહીં જે થયુ એ હારા માટે જ થાય. ભગવાન ભગવાન... તું બોલ કેટલાં રૂપિયા આપવાના મારે તને..?? ફરી બધું એકશ્વાસે બોલી ગયો.

આવી રીતે મેં પણ એને ક્યારેય જોયો નહોતો. એટલે થોડીવાર તો હું પણ એનું આ વિચિત્ર વર્તન જોઈ થોડો ચિડાય ગયો.

ગજબ છે યાર તું તો..!! ઘંટાલ ટ્રાવેલ્સ વિચિત્ર નામ છે, એટલે એવું જરૂરી થોડી છે કે બસની સર્વિસ સારી નહીં જ હોય.!!! બકવાસ જ હશે.!!

અને જેવી સર્વિસ હોય તેવી યાર..!! તને શું ફર્ક પડે છે.!!! તારે ત્યાં સુતા સુતા જ પહોંચવાનું છે ને, તો એ વાતથી જ મતલબ રાખને.

તને મોરબી પહોંચાડી દેશે. thats it..!!! કેમ આટલો load લે છે. હું પણ થોડો ઉશ્કેરાટમાં બોલી ગયો.

હારું હાલ આવજે... મંથન મને ટપલી મારીને આછા સ્મિત સાથે રૂમમાંથી બહાર નીકળી ગયો.

મંથનના ગયા પછી મેં ફરી મોબાઈલની ઍપ ખોલી અને ટિકિટ બુકિંગનું જે પેમેન્ટ કરવાનું બાકી હતું એ જેવું કરવા ગયો મારો હાથ ખચકાયો પણ મેં એને અવગણીને પેમેન્ટ કન્ફ્રર્મ કરી દીધું. અને ગેમ રમવા લાગ્યો.


"ભાઈ હું જાવ છું, આયા tv પાહે ૧૦૦૦ રૂપિયા દબવીને રાયખા છે લઈ લે જે..."

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


હાલ : ૧૮-૦૮- ૨૦૧૯

આ વસવસો, આજીવન રહેશે. કે મારી ભૂલનું પરિણામ, મંથન અને વિનોદકાકાને ભોગવવું પડ્યું..!!! રડમસ અવાજમાં સંકલ્પ જમીન પર નજર સ્થિર કરી બોલ્યો. મારી આળસ, મારા દુર્ગુણના પરિણામે એ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો..!!! અને આ વાત હું આજ સુધી દિપામાસીને કહી નથી શક્યો. કે મારે કારણે..., બોલતા બોલતાં સંકલ્પ રડવા લાગે છે. શીખાની આંખમાં પણ આંસુ આવી જાય છે. શીખા પોતાને કાબુ કરી રડતાં રોકે છે અને સંકલ્પને શાંત કરે છે.

આજે મંથનનો જન્મદિવસ છે ને...??? ચલ શાંત પડી જા, નહીં તો મંથન તને દુઃખી જોઈને વધારે દુઃખી થશે. શીખા સંકલ્પને શાંત રાખતાં બોલી.... સંકલ્પ વધારે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે....


નિયતિને અને કર્મોને તમે ક્યારેય વખોડી નથી શકતા. નિમિત્ત ઘણી વખત તમે બનો છો, એટલે એ ઘટના તમને વધારે અસર કરે છે. જયારે સત્ય એ છે કે જે તે સમયે જે તે ઘટના બનવી એ પહેલેથી જ નક્કી હતું, તમે એમાં નિમિત્ત બન્યાં. એટલે તમે પોતાની જાતને ગુનેગાર સમજવા લાગો છો.