" પરિવર્તન અને જીંદગી "
આજકાલ તો એવું લાગે કે જાણે સમયને જ સમય નથી મળતો. બસ આવું જ કંઈક વિચિત્ર છે દરેકની જિંદગીમાં.. ઘણા બધા વિકલ્પો હોવાથી શું મેળવવું છે એ પણ ક્યારેક બરાબર સમજાતું ના હોય, ક્યારેક સમય એટલો સારો ચાલતો હોય કે એમ થાય આ બધું આમ જ રહે હંમેશા માટે..
દિવસની શરૂઆતથી જ ઘણા બધા પ્રશ્નો મનમાં આવ્યા કરે અને જ્યારે ઓફિસ વર્ક હોય ત્યારે મગજ એટલું સ્પીડમાં ચાલે છે એક જ જગ્યા પર બેઠા હોઇએ તો પણ એવું લાગે કે જાણે દુનિયા આખીની નું એક ચક્કર લગાવીને આવ્યા છીએ. પણ શું થાય હવે, લાગણીઓ પણ છે અને જવાબદારીઓ પણ.. અમુક વાતો પરથી આવી જતું ટેન્શન એ તો જાણે જિંદગીનો એક એવો ભાગ બની ગયું છે કે એના વગર એવું લાગે કે જિંદગીમાં સાવ શાંતિ છે. કોઈ ટેન્શન નહિ, કોઈ જ સ્પર્ધા નહીં. હા મને ખબર છે કે અત્યાર નો સમય જ ટેન્શન અને સ્પર્ધા ઓ થી વ્યસ્ત બની ગયો છે. ત્યારે પણ હું ટેન્શન નહીં,કોઈ સ્પર્ધા નહીં એવું કહું તો એ વ્યાજબી નથી,પણ સાચું છે. "કારણ કે આ અપેક્ષાઓ અને હતાશા ઓ બંને જ્યારે એક હદ કરતા વધી જાય છે ત્યારે જ તો ટેન્શન અને સ્પર્ધા ને જીવનમાં સ્થાન મળે છે." ક્યારેક જે પરિવર્તન આવે છે જિંદગીમાં, એ સ્વીકાર્ય ના હોય અને કદાચ એ પરિવર્તન આપણને ગમતું ના હોય.
આ વાતને કોઇ સામાન્ય ઉદાહરણ દ્વારા કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે સ્કૂલમાં કોઈ એક ક્લાસમાં, કોઈ એક વિષય માટે કોઈ શિક્ષક નિયુક્ત કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને એ પરિવર્તન ના ગમે કારણ કે એમને જે પહેલા હતા,એ શિક્ષક પાસે જ ભણવાની "આદત" પડી ગયેલી છે,અને થોડા સમય સુધી આ પરિવર્તન સ્વીકાર્ય નથી થતું કારણ કે નવા નિયુક્ત થયેલા શિક્ષક ની ભણાવવા માટે ની પદ્ધતિ પહેલાં શિક્ષક કરતા અલગ હોય, "વિદ્યાર્થીઓ સાથે થયેલી ઓળખાણ હજુ નવી" હોય, પણ થોડા સમય પછી એ પરિવર્તન સ્વીકાર્ય હોય છે. શા માટે..? એ તો હવે તમે સમજી ગયા હશો,અને આ વાત એટલે કહી, કે દરેક વ્યક્તિને આ અનુભવ થયો જ હોય છે.
જિંદગીનું પણ કંઈક આવું જ છે. જે વસ્તુ આપણી પાસે થી દૂર થઈ જાય છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે અથવા તો બીજી વસ્તુ જે મળવાની છે એ પહેલી વસ્તુ કરતાં પણ વધુ સારી હોય.અને "આ પરિવર્તનની પરિસ્થિતિ આપણે ત્યાં સુધી સ્વીકારી શકતા નથી જ્યાં સુધી એ પરિવર્તનથી આપણો સાચો પરિચય નથી થતો." જેવું આપણને સમજાઈ જશે કે આ પરિવર્તનથી શું થશે,એવું તરત જ આપણે એ પરિવર્તનો ને સ્વીકારી લઈએ છીએ, અને રહી વાત સ્પર્ધા ની તો સ્પર્ધા એ સામાન્ય બાબત છે. અને એમ કહી એ કે " સ્પર્ધા એ પ્રેરણા છે.. " તો..? હવે વિચારો કે સ્પર્ધા જ નહીં હોય તો તમે તમારું કાર્ય કેવી રીતે કરશો? તમારા કાર્યમાં બને તેટલું સારું પરિણામ લાવવાના પ્રયત્નો ક્યારે કરશો? સ્પર્ધા હશે તો તમે તમારા કાર્યને વધુ સારું બનાવવા માટે ઘણાં પ્રયત્નો કરશો અને તમને જે સફળતા મળે છે એની ખુશી પણ થશે. ટેન્શન.. "જે વાત અથવા તો પરિસ્થિતિ ભવિષ્યમાં આવવાની છે એ વિચારો થી આવે છે. અને જ્યારે સ્પર્ધા તો હંમેશા પ્રેરણા આપે છે વધુ સારા પ્રયત્નો કરી સફળતા મેળવવાની અને કાર્યશીલ રહેવાની."
- સ્નેહલ પંડ્યા