ટૂંકુ ને ટચ... Dhavalkumar Padariya Kalptaru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટૂંકુ ને ટચ...

ચિત્ત...

બેસતાં વર્ષને દિવસે પહેરવા માટે નવાં બૂટ લેવા તે દુકાને ગયો.દુકાનદારે ₹500 થી લઈને ₹5000 સુધીનાં બૂટ બતાવ્યાં.₹1200 વાળા બૂટ તેને ખૂબ ગમ્યાં...દુકાનદારે કહ્યું : "ગમે છે તો આજ રાખી દો સાહેબ...!પેક કરી દઉ...!" તે બોલ્યો :"બૂટ ગમે છે... રૂપિયાનો પણ કાંઈ વાંધો નથી...!" પણ...?દુકાનદાર બોલ્યો...તો પછી પ્રોબ્લેમ શું છે...? તેણે કહ્યું :"હું આ ₹1200નાં બૂટ મંદિરની બહાર કાઢીને દર્શન કરવાં જઈશ તો મારું ચિત્ત ભગવાનમાં નહિ રહે...!"


પ્લાસ્ટિકમુકત ભારત….

પ્લાસ્ટિકમુકત ભારતની થીમ પરનાં એક સમારંભમાં મુખ્ય મહેમાન જાહેર જનતાને "પ્લાસ્ટિકનો વપરાશ હવે પછી નહિ કરીએ" એવી શપથ લેવડાવવાનાં હતાં. તે પહેલાં ઉદ્દઘોષકે મુખ્ય મહેમાનનું "ફૂલ હાર"થી સ્વાગત કરવાં કહ્યું.ત્યારે મુખ્ય મહેમાનનાં અંગત સેક્રેટરીએ પ્લાસ્ટિકની કોથળીમાંથી હાર તથા પ્લાસ્ટિકમાં પેક કરેલ બુકેને મુખ્ય મહેમાનનાં સ્વાગત અર્થે આપ્યો. મુખ્ય મહેમાનનાં આવા ઉષ્માભર્યા સ્વાગતને કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાએ તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લીધુ…


ભાવવિશ્વ...

એમ.એ. બી.એડ. વિથ "ગોલ્ડમેડાલિસ્ટ" એક નામાંકિત શાળામાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયો. શૂટ બૂટ સાથે તેણે કાર્યાલયમાં પસંદગી સમિતી સમક્ષ ઈન્ટરવ્યુ આપ્યું. ડિગ્રી અને સર્ટિફિકેટ જોઈને ઇન્ટરવ્યુ લેનાર પ્રભાવિત થયાં. ત્યારબાદ તેમણે વર્ગખંડમાં દાર્શનિક પાઠ દ્રારા પ્રેકિટકલ કરવાનું કહ્યું.પસંદગી સમિતી પોતાનાં કેબિનમાં બેઠાં બેઠાં વર્ગખંડમાંનાં પાઠનું દ્રશ્ય - શ્રાવ્ય સ્વરૂપે નિરીક્ષણ કરી રહ્યાં હતાં,વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સમક્ષ વારંવાર ગુસ્સાભરી દ્ષ્ટિ,વિદ્યાર્થીઓને વારંવાર અપમાનીત કરવું,પોતાનાં જ્ઞાન અને અહમને પ્રદર્શિત કરીને 'સ્વકેન્દ્રિ' થવું વગેરે જોઈને પાઠ નિદર્શન બાદ પસંદગી સમિતી કેબિનમાં આવેલાં ગોલ્ડમેડાલિસ્ટને કહ્યું: "સોરી...યુ આર રિજેક્ટેડ...!" ગોલ્ડમેડાલિસ્ટે કહ્યું: "વ્હાય...!આ મારી ડિગ્રી, મારા આટલા બધા માર્કસ,હું તમને પ્રોફેશનલ નથી લાગતો...કે શું...?"પસંદગી સમિતીનાં એક સભ્યએ તો કહ્યું: "અમારે શૂટ બૂટ વાળા નહિ પણ "સૂઝ બૂઝ"વાળા શિક્ષકની જરૂર છે.અને રહી વાત ડિગ્રીની...ડિગ્રી તો કોઈ પણ વ્યક્તિ "ગોખણપટ્ટી" કરીને મેળવી શકે છે.અમારે "વ્યવસાયી" નહિ પરંતું બાળકનું "ભાવવિશ્વ" સમજી શકે તેવાં "સ્વભાવે હોય તેવાં શિક્ષક"ની જરૂર છે...!"

બ્રેક - અપ

મિત્રનાં લગ્ન પ્રસંગમાં જતો એક નવું નવું અંગ્રેજી શીખતો મિત્ર રસ્તામાં મળતા પૂછાઈ ગયું : ક્યાં જાવ છો ....? તેણે હસીને ઉત્તર આપ્યો : "મિત્રની 'વેલ્ડીંગ સેરેમનીમાં ......"..કદાચ એના આ "વેલ્ડીંગ ...." શબ્દમાં પણ ઊંડુ 'તત્ત્વજ્ઞાન' હશે ......"જો લાગણીરૂપી "વેલ્ડીંગ ...."થી સબંધનું 'જતન' ન કરવામાં આવે તો 'સબંધોમાં' દુઃખદ "બ્રેક - અપ "જ થતું હશે ને ......?



માંગણી...

મંદિરે આંખો બંધ કરીને ભગવાનમાં ચિત્ત પરોવવાને બદલે તે ભગવાન સમક્ષ મનમાં ને મનમાં અનેકાનેક માંગણી કરવા લાગ્યો. દર્શન કર્યા બાદ તેણે મંદિરનાં દરવાજે બેઠેલો ભિખારીએ કહ્યું "સાહેબ... કાંઇ આપોને...! બે દિવસથી કશું જ ખાધું નથી...!" ત્યારે ભિખારીનું અપમાન કરતાં તે બોલ્યો: "તમે તો નવરા છો... સવાર - સવારમાં આમ ભીખ માંગીને મારો દિવસ શું કામ બગાડો છો...?" ભગવાને આ હાથ - પગ કામ કરવાં આપ્યાં છે... નહીં કે માંગણી કરવા...? તેનું આવું વર્તન જોઈને મંદિરમાંની ભગવાનની મૂર્તિ પર પણ આછું હાસ્ય રેલાયુ…


"ગ્લોબલ વૉર્મિંગ…"

દસ એ.સી. (A.C.) ચાલુ હતાં તેવાં એક કોન્ફરન્સ હોલમાં એક પી.એચ.ડી. થયેલા પ્રબુદ્ધ વિદ્યાર્થીઓ તથા અન્ય મહાનુભવો સમક્ષ પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન કરી રહ્યાં હતા. પ્રેઝન્ટેશનનો વિષય હતો: "ગ્લોબલ વૉર્મિંગથી પૃથ્વીને કેવી રીતે બચાવી શકાય...?


રાષ્ટ્રપ્રેમ...

પ્રચંડ રાષ્ટ્રપ્રેમનું મૂવી જોવાં ત્રણ મિત્રો થિયેટરમાં ગયા.છેલ્લો શૉ બાર વાગે પૂરો થયો.મૂવી જોયા બાદ દરેકની નશે નશમાં રાષ્ટ્રપ્રેમનું ઘોડાપૂર ઉમટ્યું.રાત્રે દરેકનાં મનમાં એક જ વિચાર:"આપણે દેશ માટે કંઈ કરવું જોઈએ…? આપણો જન્મારો એળે ન જવો જોઈએ. એક શાણા મિત્રએ કહ્યું:"આપણે સવારે પાંચ વાગે ભેગા થઈને શું કરી શકાય તેનું આયોજન કરીએ..."રાત્રે બધાં મિત્રો પાંચ વાગ્યાનું એલાર્મ મોબાઈલમાં મૂકીને સૂઈ ગયા.સવારે દરેકનાં મોબાઈલમાં એલાર્મ રણ્કયું.પણ બધાં મિત્રો એલાર્મ ઑફ કરીને કંઈ બન્યું જ નથી એમ સમજી ગાઢ નિંદ્રામાં વ્યસ્ત થઈ ગયા.



લિવ-ઈન-રિલેશનશિપ

પોતાના સહકર્મચારી સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં રહેવાની ઈચ્છા માતા-પિતાએ નકારતાં તે મા-બાપથી અલગ રહેવા લાગ્યો.થોડાં સમય પછી પરંપરાગત રીતે લગ્ન કરવાનું તેણે વિચાર્યું.લગ્ન માટેની આમંત્રણપત્રિકા છપાવવાની જરૂરીયાત ઊભી થતાં મા- બાપને કહ્યાં પૂછ્યાં વગર આમંત્રણપત્રિકામાં ,"The obedient son of" લખીને પાછળ માત્ર તેનાં પિતાનું જ નામ છપાવ્યું.પોતાનાં હયાત માતા - પિતાને પોતાનાં લગ્નનાં આમંત્રણની જાણ કર્યા વિના તે પહેલી આમંત્રણપત્રિકા ભગવાનનાં મંદિરે મૂકી આવ્યો.



મ્યુઝીક સેન્સ...

જૂનાં ફિલ્મી ગીતોની મહેફિલનાં હૉલમાં એક નવયુવાન જઈ પહોંચ્યો. શબ્દોનું ઊંડાણ કે ગૂઢાર્થ ન સમજાતાં તેણે બગાસાની સાથે સાથે ઊંધ પણ આવવા લાગી.પણ ચાલુ ગીતમાં જગ્યા પરથી ઊભો થઈશ તો કલાકારનું અપમાન થશે એમ માની આ ગીત પૂર્ણ થાય પછી હૉલમાંથી નીકળી જઈશ એમ વિચારતો હતો ત્યાં જ તેની આંખો ઘેરાવા લાગી. તે આંખો બંધ કરીને ઊંઘતા ઊંઘતા ડોકું હલાવીને જાણે સંગીતને ઊંડાણથી 'ફીલ' કરતો હોય,સંગીતથી તેનાં હૃદયરૂપી તારની વીણા ઝંકૃત થતી હોય તેવું દર્શાવવા લાગ્યો.તેની આજુબાજુનાં દર્શકો અને કાર્યક્રમનાં એન્કરની નજર એ નવયુવાન પર પડી.એન્કરે જાહેરાત કરીને એ નવયુવાનને સ્ટેજ પર બોલાવીને સંગીતકારનાં હસ્તે તેનું સન્માન કરાવ્યું, આટલી નાની ઉંમરમાં તેણે આટલી ઊંચા ગજાની "મ્યુઝીક સેન્સ" છે તેનાં વખાણ કર્યાં અને ઉપસ્થિત શ્રોતાગણે પણ એ નવયુવાનને તાળીઓનાં ગડગળાટથી વધાવી લીધો. બોલો..."બગાસું ખાતા આવ્યું પતાસુ..!"


વૃક્ષત્વ...

વૃક્ષનું નિકંદન કરતાં માણસને જોઈને એક વિચાર સ્ફૂર્યો: "આ માણસની માણસાઈને "વૃક્ષત્વ" ક્યારે આવશે...?"પર્યાવરણને વાસ્તવિક રીતે "દીન-હિન-લાચાર" કરીને આપણે "પર્યાવરણ દિન" ઉજવીએ છે...! કેટલું યોગ્ય...?


"કુર્વન્તુ મે મંગલમ્ ....!"

ભરબપોરે એક મિત્રની જાન લગ્ન માટે જઈ રહી હતી. બેન્ડ વાજા સાથે વરરાજાને તેનાં મિત્રો ખભા પર બેસાડી નચાવી રહ્યાં હતાં. જાનમાં સામેલ એક મિત્રને ફોન આવ્યો અને તેને સામે છેડેથી પૂછ્યું: "ક્યાં છો...?"તેણે સસ્મિત ઉત્તર આપ્યો: "શહિદ યાત્રામાં....!" આજુબાજુનાં વડીલોએ આ સાંભળી આશીર્વાદ આપતાં કહ્યું:"કુર્વન્તુ મે મંગલમ્ ....!"



પ્રમોસન....

સાત બાય સાતની ચાલીમાં આખી જિંદગી કાળીમજૂરી કરી અત્યંત દારુણ અવસ્થામાં તે અંતે ભગવાનને પ્યારો થઈ ગયો.જીવનપુષ્પ મૂરઝાતા 'એ.સી. સ્વર્ગવાહિની'માં મૂકવામાં આવેલા તેનાં પાર્થિવ દેહને જોઈ અંતિમ દર્શનાર્થે આવેલા લોકો ગણગણાટ કરવા લાગ્યા:"જીવતે જીવ તો નહિ પણ મૃત્યુને અંતે તેને પ્રમોસન મળ્યું"


માતૃ પિતૃ ભક્તિ...

શ્રવણની વાર્તા કહીને "માતૃ પિતૃ ભક્તિનું અનેરું મહત્ત્વ" એ વિષય પર ભાવવાહી કથન કરતાં કથાકારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં...શ્રોતાઓની સાથે કથા કહેતાં કહેતાં કથાકારની આંખોમાંથી પણ શ્રાવણ- ભાદરવો વહેવા માંડ્યા...થોડાં દિવસો પછી આ કથાકાર વૃદ્ધાશ્રમ પાસે મળતાં કૂતુહલવશ પૂછાઈ ગયું: "આપ અહીં ક્યાંથી...?" ઉત્તર મળ્યો: "બસ...આ વૃદ્ધાશ્રમમાં સંબંધીઓની ખબર કાઢવા આવ્યો છું...!"

સફારી

ભૂરાએ તેનાં મિત્રને ત્યાં 'સફારી' મેગેઝીન જોયું...અને ભારોભાર વખાણ કરતાં કહ્યું કે:"આ મેગેઝીનમાં વૈજ્ઞાનિક માહિતીનું ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ આલેખન હોય છે..."તેનાં મિત્રએ કહ્યું:,"આ વખતનો અંક વાંચ્યોં...?"ભૂરાએ કહ્યું:"વાંચવાની તો ખૂબ જ ઈચ્છા હોય છે... પણ મેગેઝીનનાં મુખપૃષ્ઠ પર લખેલ વાક્યને જોઈને હું મેગેઝીન ખોલતો જ નથી. હેં... કયું વાક્ય...? તેનાં મિત્રથી સહજ પૂછાઈ ગયું. ભૂરાએ જવાબ આપ્યો :"બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝીન".


પર્યાવરણ બચાવો...

પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવાના હેતુસર નીકળેલ રેલીમાં લોકજાગૃતિ માટે વૃક્ષ કાપીને તેનાં લાકડામાંથી બનાવેલ બેનર પર સંદેશો "પર્યાવરણ બચાવો...."



ગુજ્જુ ઇંગ્લિશ …. (હાસ્ય છોળ)


બે મિત્રો તેઓના સંતાનને ટી.વી. બતાવવું કે નહિ…? તે અંગે ચર્ચા કરતા હતા....વાતમાંથી વાત નીકળી...

એક મિત્રએ કહ્યું : "ડિસ્કવરી ચેનલ બાળકને બતાવવાથી તેનામાં "એક્ટિવતા" આવે છે.....


બીજા મિત્રએ તેની વાતમાં સૂર પૂરાવતા કહ્યું : હ...મ......ડિસ્કવરી ચેનલમાંથી બાળક નવું જાણે તો.....તેના વ્યાવહારિક જીવનમાં "એલર્ટતા" આવે છે.....


હવે..એ બંને મિત્રોએ....પોતાની "સેન્સ ઑફ હ્યૂમર...."થી અંગ્રેજીનું ઑપરેશન કરવાનું નક્કી કરી નાખ્યું હતું......એટલે મેં પણ અંતે તેમનાં "સૂરમાં સૂર " પૂરવતા કહ્યું : સાચી વાત...હોં.....ડિસ્કવરી ચેનલ જોવાથી તમારા 'પાલ્ય'માં "એક્ટિવતા" તથા " એલર્ટતા" સાથે સાથે "કેચપતા...." (નવું નવું અર્થગ્રહણ કરવાની ક્ષમતા ) પણ આપોઆપ વિકસશે......😀😀


- "કલ્પતરુ"