Sweet Dream books and stories free download online pdf in Gujarati

સ્વીટ ડ્રીમ

બનવાકાળ બનતું હોય છે તેમ, જીગલી રૂપાળીને જગ્ગુ જાડીયા સાથે પ્રેમ થયો. તાજો તાજો પ્રેમ. હજુ થોડા દિવસો પહેલાં જ, બંને એકબીજાને એક બસ સ્ટેન્ડ પર મળ્યાં હતાં. જીગલી બસની રાહ જોતી હતી અને જાડીયો એનું બાઈક લઈને ત્યાંથી નીકળ્યો હતો. જીગલીને જાડીયાનું બાઈક અને મોંઘાં કપડાં દેખાયાં હતાં... ‘આવો પૈસાદાર અને ખાતા-પીતા ઘરનો નવરો છોકરો મળે, તો મને બધે ફરવા લઈ જાય...’ એવા વિચારોથી આકર્ષાઈને કદાચ જીગલી જાડીયા પર મોહિત થઈ હતી. એણે જગ્ગુને ઇશારો કરી પાસે બોલાવ્યો. બંનેએ નાનકડી મુલાકાત કરી. જાડીયાને કોઈ છોકરી સામેથી એનો મોબાઈલ નંબર માગે એવી તો કલ્પના જ નહોતી... નંબરની આપ-લે થઈ અને પછી શરૂ થયો વાતનો દોર.

એક રાત્રે વૉટ્‌સઍપ પર વાતચીત દરમિયાન, બીજા દિવસે બગીચામાં મળવાનું નક્કી કર્યું અને પછી જીગલીએ જાડીયાને ‘ગુડ નાઈટ, સ્વીટ ડ્રીમ’ લખ્યું. જાડીયો હરખાણો અને એણે રીપ્લાય આપ્યો, ‘ઘણું બધું સ્વીટ ડ્રીમ!’ જીગલી એ અલમારીમાંથી ડ્રેસ કાઢ્યાં અને એક ડ્રેસ પસંદ કર્યો અને એને બહાર રાખી બીજા બધા અંદર મૂકીને સૂઈ ગઈ. આ બાજુ, જગ્ગુ કિચનમાં ગયો અને પેકેટમાં બાકી રહેલો પીઝાનો છેલ્લો ટુકડો ખાઈને પાણી પીધું અને સૂઈ ગયો.

બીજા દિવસે સવારે, બસ સ્ટેન્ડે જીગલી તૈયાર થઈને ઊભી હતી. જાડીયો પણ જાત-ભાતના સ્પ્રે છાંટીને પોતાના ફટફટીયા પર પહોંચી ગયો. આજે જીગલી પહેલી વાર જાડીયાની પાછળ બેઠી હતી. મનમાં અનેક કલ્પનાઓ અને તરંગો ઉઠી રહ્યા હતા. જાડિયો પણ જાણે બીજા રાજ્ય પર ચડાઈ કરીને તે રાજાની રાજકુમારીને પોતાના રથ પર લઈ જતો હોય તેમ એકદમ શાનથી નીકળ્યો હતો. આ શાહી-સવારી નક્કી કરેલા બગીચે પહોંચી. જીગલીએ જથ્થાબંધ રોમેન્ટીક વાતો કરવાનું નક્કી કર્યું હતું. જાડીયો પણ હરખઘેલો હતો.

તેણે વાત શરૂ કરી, ‘અલી રૂપાળી, કાલે તેં સ્વીટ ડ્રીમ કહ્યું અને મને ખરેખર જોરદાર સપનું આવ્યું.’ રૂપાળી : ‘હેં!! વાઉ!! મને પણ... પહેલાં હું મારું સપનું કહીશ.’ જાડીયો સામું જોઈ રહ્યો. જીગલી તો બોલવા જ માંડી : ‘આપણે બેય એક બહુ જ સુંદર જગ્યાએ ગયાં હતાં. ત્યાં આજુબાજુમાં મોટા પર્વતો હતા, લીલાંછમ વૃક્ષો, નદી-ઝરણાં, પંખીઓનો કલરવ, સુગંધી ફૂલો પર રંગબેરંગી પતંગિયાં ઉડતાં હતાં..’ જાડીયો : ‘અરે હા... મને પણ...’ જીગલીએ એને ટોક્યો, ‘વચ્ચે ના બોલ... આખું સપનું સાંભળી લે... હા, અને ત્યાં એક અદ્‌ભુત મહેલ હતો, જેમાં કોઈ નહોતું અને તેની બહાર એક બગીચાના હિંચકા પર આપણે બેઠાં. પછી હું તારા ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ. અને સવાર પડી ગઈ... વાઉ હાઉ રોમેન્ટિક!!! બોલ, મજા આવીને?’

જાડીયાએ કહ્યું, ‘એક્ઝેટલી, મને પણ આ જ સપનું આવ્યું હતું... પણ મારું સપનું થોડુંક આગળ ચાલ્યું હતું.’ જીગલી : ‘હેં!? ખરેખર!!! આપણાં વિચારો અને સપનાં કેટલાં મળતાં આવે છે! હા, બોલ...’ જાડીયો : ‘તું મારા ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ એટલે હું હિંચકા પરથી ઊભો અને પેલા મહેલમાં અંદર ગયો. ત્યાં કોઈ નહોતું... પણ આખા મહેલમાં ખોખાં જ ખોખાં પડ્યાં હતાં. મને એ જાણવાની ઇચ્છા થઈ કે એમાં શું હશે, એટલે મેં એક પછી એક બધાં ખોખાં ખોલી નાંખ્યાં...’ જીગલી : ‘એમાં શું હતું? હીરા-મોતી.. ઝવેરાત.. સોનું-ચાંદી... કે રાજકુમારીનાં કપડાં..! વાઉ..! જલ્દી બોલ ને...’ જાડીયો : ‘એમાં મીઠાઈ હતી, સ્વીટ્‌સ... તેં કહ્યું હતું ને સ્વીટ ડ્રીમ... અને હું તો પછી એ મીઠાઈ ખાવા...’ જીગલી એ ત્યાં જ જાડીયાને બોલતો અટકાવ્યો.

દસેક મિનિટ પછી જીગલી બગીચામાંથી નીકળી ગઈ. ત્યાં બેઠેલા એક ભાઈએ કહ્યું : ‘એ ગઈ પછી અમે ચાર-પાંચ જણાં ભેગા થઈને એ જાડીયાને ઉપાડ્યો અને હાડવૈદના ત્યાં લઈ ગયા.’

- ધિરેન પંચાલ

બીજા રસપ્રદ વિકલ્પો