Featured Books
શ્રેણી
શેયર કરો

ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 3

મારા લખેલા પત્રોની વાત એટલે કે આ નોવેલ (ના મોકલેલા નવ ઇમેઇલ) ની શરૂઆત કરું એ પહેલા તેના માટેની કેટલીક વાતો સ્પષ્ટ કરી દઉં. મારી આ વાર્તા ને મેં નવ ઇમેઇલ્સમાં કંડારેલી છે અને હું દરેક ઇમેઇલ અલગ પાર્ટમાં આગળથી અપલોડ કરીશ. જો તમને વાંચીને મજા આવે, ગમે તો અચૂકથી તમારો પ્રતિભાવ આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.

“ત્રીજો ઇમેઇલ”

લખનાર : શિવમ પટેલ

તારીખ : ૧૧ ઓગસ્ટ' ૨૦૧૩

પ્રિય શ્રુતિ,

વિષય : પહેલી મુલાકાત

મને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે આજકાલ આપણે એકબીજાની આસપાસ છીએ. હા, જે સ્વપ્નો મેં જોયા હતા એને હું ખરેખર જીવી રહ્યો છું. તને ખબર છે મેં પહેલા કેવા પ્રયાસો કર્યા છે આ દિવસો લાવવા માટેના? ખેર, તને કહેવાની હાલ મને જરૂર નથી લાગતી પણ હા, તું પૂછીશ કદાચ ભવિષ્યમાં તો હું કહીશ ખરો! આજે મારી આંખ ૪ વાગ્યાની ખુલી ગઈ છે કદાચ બહાર પડતા વીજળીના વરસાદ ને કારણે... ઈચ્છા તો છે કે હું પાછો સુઈ જાઉં પણ એના પણ બે પ્રયત્નો નિષ્ફ્ળ ગયા છે એટલે મેં આપણી કોલેજની પહેલી મુલાકાતને શબ્દોમાં કંડારવાનું નક્કી કર્યું છે કે જેના પછીથી મારા વિચારોનો ધોધ થોડા શાંત વહેણમાં પરિણમ્યો હતો.

જ્યારથી મેં પેલા નોટીસબોર્ડ પર સાત શ્રુતિના નામ વાંચ્યા હતા ત્યારથી મારું મન જાણે કોઈ કેસ સોલ્વ કરતા CBI ઓફિસરની જેમ ચાલતું હતું. એમાંથી ૩ નામ તો મેં સીધા જ અટક વાંચીને અલગ કરી દીધા હતા પણ બાકી રહેલા ચાર નામોએ મને થોડા દિવસો સતત વિચારતો રાખેલો. અચાનક એક દિવસે એવું બન્યું હતું કે મેં સવારે ચા પીધા પછી રોજિંદી દિનચર્યાના અનુક્રમે મારા પગલાં નોટીસબોર્ડ તરફ વધાર્યા હતા ત્યારે થોડે દૂરથી જોયું કે ત્યાં કોઈ નહતું પણ જેવો હું એ નોટિસ બોર્ડ આગળ પહોંચેલો તો ત્યાં મારા હોસ્ટેલના બે પંચાયતી મિત્રો ત્યાં આવી પહોંચેલા. તેમને ખબર ના પડે એ રીતે જાણે Wifi નું નેટવર્ક શોધતો હોય એમ મેં ક્ષણિક ઢોંગ કરેલો! પછી હું સીધો નોટિસ બોર્ડ આગળ જઈને કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના ચોંટાડેલા કાગળમાં ઉપરથી નીચે સુધી નામ વાળી લાઈનમાં શ્રુતિ નામ શોધી રહ્યો હતો. હવે એ વખતે સદ્દનસીબે બધા જ ડિપાર્ટમેન્ટના નામ, એનરોલમેન્ટ નંબર અને ક્લાસરૂમના લોકોના નામના કાગળો ત્યાં જ મોટા પાટિયા ઉપર ચોંટાડેલા ને એમાંય હંમેશની જેમ સમય તો મારી જ તરફેણમાં હતો તે મિકેનિકેલ અને કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના કાગળો બાજુ બાજુમાં હતા! જેના લીધે મારા અંદરના CBI ઓફિસરને પોતાનું કામ કરવામાં કોઈ રોકી શકે એમ નહતું. જો કદાચ મને કોઈ જોઈ પણ જાય તો સહેજ નજર બદલાતા કેટલીવાર...! એમ હું વિચારતો હતો.

વાત જાણે એમ થઇ, કે કોઈએ આવીને મને પૂછ્યું તો પણ વિચાર્યા પ્રમાણે હું જવાબ ના આપી શક્યો! થયું એવું કે જે મને આજે પણ યાદ છે. નામ વાળી લાઈનમાં હું શોધવાની ચાર શ્રુતિ માંથી ત્રણના નામ વાંચીને જયારે છેલ્લી બાકી રહેલી શ્રુતિના નામે પહોંચ્યો કે જે એ વખતે ૨૯માં નંબર પર હતું. મેં એક અવાજ સાંભળ્યો, "હા, હું પણ આજ જ કોલેજમાં છું" ને તું પણ... નહિ? (હસતા હસતા) આ સાંભળ્યા ને જોયા પછી મને શું થયું? એ વાતનો જવાબ કદાચ જો એ વખતે મને પૂછવામાં આવ્યો હોત તો ચોક્કસપણે હું ના આપી શક્યો હોત! પણ હાલ કહું છું કે એ અવાજ તારો જ હતો શ્રુતિ કે જેને સાંભળવા મારા કાન હંમેશા તરસે છે. જોકે એ વખતે ૧૦ સેકન્ડ માટે તો હું બેબાક હતો અને યાદ છે તને, મેં આછુ હસવાનો પ્રયત્ન કરેલો પણ તોય મારુ જુઠાણું પકડાઈ જાય એવું આછું સ્મિત મારાથી એ વખતે વેરાયું હતું. પછી તો તું કોઈ મંત્રીની ક્ષણિક મુલાકાતની જેમ આજુબાજુ રહેલી તારી બહેનપણીઓ સાથે તારા ડિપાર્ટમેન્ટમાં આગળ વધી હતી. પાછું થોડે આગળ જઈને પાછળ ફરીને તેં જે મારી બાજુ જોઈને રસપ્રદ સ્મિત કરેલું જેને હું મારા માટે કોઈ જવાબ સમજતો હતો! શ્રુતિ ખરેખર, મારા ભોળા મને તો એ વખતે જ તારા એ જવાબી સ્મિતના સવાલને શોધવાના હુકમને વધાવી લીધેલો પણ મારા હૃદયની હાલત એ વખતે કંઈક અલગ હતી એટલે જ તારું એ સ્મિત તો કોઈ ઇલેક્ટ્રિક શોક લાગેલા વ્યક્તિ ને તત્કાલ બીજો શોક આપવામાં આવે એવું મને લાગેલું. કેમકે તારું નામ જોતા જ તું મળી ગઈ તે વાતના ઝટકાથી હું હજી માંડ સ્વસ્થ થયેલો અને ત્યાં પાછો આ વધુ તીવ્રતા વાળો ઝટકો કે જે મને સીધો મારા હૃદય સુધી લાગેલો અને જેની આછી અસર તો આજેય હું આખો બંધ કરુંને તોય અનુભવાય છે.

આ ઘટનાને એ જગ્યા પર જ રહીને મેં ઘણી વાર વાગોળી કે જેના લીધે મને સમયનું ભાન ન રહ્યું ને જયારે થોડો ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે હું લેક્ચર ચુકી ગયો છું! એટલે મેં ત્યાંથી કોલેજ કૅમ્પસમાં જ આવેલી હોસ્ટેલમાં મારા મિત્રના રૂમ પર જવાનું નક્કી કરેલું. આમ તો મને એ વખતે થતું કે સારું છે કે હું બહાર પીજીમાં રહું છું કેમ કે મને હોસ્ટેલનું વાતાવરણ એક ચબૂતરે ચણવા આવતા અઢળક પક્ષીઓ જેવું લાગતું હતું! કેમકે, હું તો અત્યાર સુધી એક માળે જ રહેવા ટેવાયેલો હતો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે મારા મિત્રના રૂમ પર લોક હતું જોકે એની ચાવી ક્યાં હોય છે એની મને જાણ હતી એટલે હું લોક ખોલીને રૂમમાં પ્રવેશ્યો. પછી મેં ફિલ્મ જોવા બેગમાંથી earphones કાઢ્યા અને બેડ પર ફિલ્મ જોવાનું શરૂ કર્યું. ચાલુ ફિલ્મે જ હું થોડીવારમાં સુઈ પણ ગયેલો. તેની જાણ મને ૨ કલાક પછી થયેલી જયારે મારો મિત્ર કોલેજ પુરી થવાના સમયે જ આવીને દરવાજો ખખડાવવા લાગ્યો હતો. હું સફાળો બેઠો થઈને કોઈ ટ્રેન ચુકી જવાનો હોય તેમ બને એટલો વહેલો પાર્કિંગ પાસે આવવા દોડ્યો! રસ્તામાં આવતા મને અડચણ રૂપી કેટલાક મિત્રો મળેલા કે જે કોલેજથી હોસ્ટેલ જતા હતા ને સાથે બીજા પણ જે કોલેજ કેમ્પસમાંથી બહાર તરફ જતા હતા. ગેટ પાસે પહોંચીને સીધો હું એ કીટલી પાસે જતો રહ્યો કે જ્યાંથી હું તને બહાર આવતા જોઈએ શકું પણ તું મને ના જોઈ શકે. થોડી વાર માટે મને એમ લાગેલું કદાચ હું મોડો પડ્યો છું પણ મારો આ અંદાજ ત્યારે ખોટો પડ્યો કે જયારે તું તારી કોઈ મિત્રને Bye કહેવાનો ઈશારો કરતા કરતા અમદાવાદ જવા તરફના રસ્તાની વિરુદ્ધ બાજુએ જતી હતી.

અચાનક મેં અડધી પીધેલી ચા ના એ કપને પડતો મૂકીને તારી પાછળ ચાલવાનું શરૂ કરેલું. આમ તો રોજ હું મારા પીજી પર વહેલો પહોંચી જાઉં એટલે રૂમ ની ચાવી મારી પાસે રાખતો પણ મારા નસીબે એ દિવસે ચાવી મારા મિત્ર પાસે હતી એટલે જો કદાચ તારી પાછળ જવામાં મારે મોડું પણ થઇ જાત તો પણ મારે વાંધો નહતો. અચાનક મારા આશ્ચર્ય વચ્ચે તેં તો મારા પીજી તરફના રસ્તે ચાલવાનું ચાલુ કરેલું! એ વખતે મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. તું મારાથી થોડી આગળ હતી પણ મારી નજર તો એ વખતે પલકારો મારવાનું ભૂલી ગયેલી. કેટલાક વળાંકો વટાવીને તું છેવટે મારા પીજીના ૫૦૦ મીટર પહેલા આવતા એક વળાંકે વળી ગઈ! હું તો જેમ દર વળાંકે તને શોધી લેતો એમ આ વળાંકે ય શોધવા જલ્દીથી આગળ વધ્યો પણ જયારે હું ત્યાં પહોંચ્યો ને જોયું તો તું ત્યાંથી ગાયબ હતી. એ ઘડીએ તો તું મારી તને જોઈ લેવાની તૃષ્ણા માટે એક મૃગજળ સમાન હતી.

તે વાતને કાલે એક અઠવાડિયું થશે. ગયા સોમવારે જ આપણી એ યાદગાર પહેલી મુલાકાત પછીથી તું કેટલાક સવાલો મારી માટે મૂકીને અદ્રશ્ય છે! શું તું અહીં જ આસપાસ રહે છે? તું કોઈ મિત્ર અથવા સગાને મળવા આવી હતી? શું તું અહીં જ રહે છે પણ હાલ ઘરે ગઈ છે? આ બધાના જવાબો તો જો તારી ઇમેઇલ id મારી પાસે હોત તો બધા ઇમેઇલ લખીને પૂછી લેત અને એ રસપ્રદ સ્મિતના લીધે તું તાત્કાલિક એનો જવાબ આપી દેત એવો મારો વિશ્વાસ છે પણ હજી એ દિશાનું મારુ કામકાજ સ્થગિત છે! પણ આવતીકાલે તું મને કોલેજમાં મળે અને આપણે વાતચીત કરીએ એટલી વાર છે. જો કે મેં તારું ઇમેઇલ id પણ કાલે જ માંગી લેવાનું નક્કી કરેલ છે તો બસ હવે તને કાલે આ ઇમેઇલ્સ મોકલી શકું એવી આશા સહ.

તારો ચાહક

શિવમ પટેલ

ક્રમશ…