મંદબુધ્ધિ કોણ...? ભાગ-3 Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંદબુધ્ધિ કોણ...? ભાગ-3

મંદબુધ્ધિ કોણ...?

ભાગ-3

(ભાગ- ૧ અને ૨ માં આપણે વાંચ્યું કે હું મારા કામ સબબ દાહોદ ગયેલો અને એક સોસાયટીમાં મને ઉતારો આપેલો. તે સોસાયટીમાં રહેતા એક પરિવારની દિકરી સેજલને નાના બાળકો અને તેના ઘરના સભ્યો ગાંડી કહીને બોલાવતા. તે જોઇ મને અજુગતું લાગેલ અને સેજલને ગાંડી કહીને બોલાવવા પાછળનું કારણ જાણવા હું ઉત્સુક હતો.) હવે આગળ...

પછીના થોડા દિવસ હું મારા કામમાં એટલો વ્યસ્ત થઇ ગયો કે મને રોજ સાંજની આદતની જેમ ગાર્ડનમાં બેસવાનો સમય મળતો ન હતો. તેવામાં અચાનક એક દિવસ હું જ્યારે મારા કામ પરથી ઘરે પરત આવતો હતો ત્યારે મેં સેજલનાં ઘરની બહાર સોસાયટીના જ દસ – બાર લોકોને ઉભેલા જોયાં. એટલે મેં ફટાફટ મારી બેગ ઘરમાં મુકી અને હું પણ રમેશભાઇના ઘર પાસે ગયો. લોકો રમેશભાઇના ઘરમાં ડોકિયા કરી રહ્યા હતાં જાણે કશુંક જાણવાની કોશિશ કરી રહ્યા હોય. ત્યાં ઉભેલા એક ભાઇને મેં પુછ્યું, શું થયું ભાઇ, કેમ બધા અહિં આવી રીતે ઉભા છે? એ ભાઇએ જવાબ આપ્યો, આજે સેજલે ઘરમાં કંઇક એવું કર્યું જેથી રાખીબેનએ સેજલને ખુબ માર માર્યો અને તેની બુમો સાંભળીને બધા અહીં ભેગા થયા છે. એવામાં રમેશભાઇ બહાર આવ્યા અને ગુસ્સામાં બધાને કહેવા લાગ્યા, અહિં શું જોવા ઉભા છો? કોઇ ફિલ્મની શુટિંગ નથી ચાલતી. પોતપોતાના ઘરે જાવ. બીજાના ઘરની પંચાતમાં જ રસ છે બધાને....!! એટલું કહી રમેશભાઇ ફરીથી ઘરમાં જતાં રહ્યા અને ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો.

એટલે હું પણ ઘરે પરત આવ્યો અને લોકો પણ પોતપોતાના ઘરે જતાં રહ્યાં. રાત્રે ભોજન લઇ હું ગાર્ડનમાં થોડો લટાર મારવા ગયો. અને ગાર્ડનની ફરતે આંટા મારી રહ્યો હતો ત્યારે જ મારી નજર ગાર્ડનના એક બાકડા પર પડી. જ્યાં રમેશભાઇ માથા પર હાથ રાખીને ખુબ જ દુઃખી હોય તે રીતે બેઠા હતાં એટલે હું તેમની પાસે ગયો. તેમના ખભા પર હાથ રાખીને બોલ્યો.

હું - રમેશભાઇ, ચિંતા ન કરો. બધુ સારૂ થઇ જશે. ભગવાન બધાનું ભલું કરશે.

રમેશભાઇ - મારૂ અને મારા પરિવારનું ક્યારેય સારૂ નહી થાય. ભગવાન અમારી તરફ તો જોતો જ નથી.

હું - એવું ન બોલો રમેશભાઇ. ભગવાન બધાનું સારૂ જ કરે છે. બની શકે કે અત્યારે જે થઇ રહ્યું છે તે તમારા અને તમારા પરિવારના લાભ માટે જ હોય..! અત્યારે ભગવાન તમારી પરિક્ષા લે છે તેવું સમજવાનું. અને પરિક્ષામાં તો પાસ થવું જ પડે....

રમેશભાઇ - હમમમ.....!

હું - એક વાત પૂછું?

રમેશભાઇ - હું સમજી ગયો તમારે શું જાણવું છે.

એ જ ને, કે સેજલ કેમ આવી છે? સેજલને લોકો ગાંડી કેમ કહે છે?

હું - હા....!

રમેશભાઇ - સેજલ નો જન્મ ૧૯૭૬ માં થયો હતો. ત્યારે હું અને રાખી મારા પરિવાર સાથે છોટાઉદેપુર રહેતા હતાં. છોટાઉદેપુર ગુજરાતનું એક નાનું ગામડું છે. અમો ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. અમે પાંચ ભાઇઓમાં હું સૌથી મોટો હતો. એટલે મારા લગ્ન પહેલા થયેલા. અમારા લગ્નના આશરે ત્રણ વર્ષમાં સેજલનો જન્મ થયો. સેજલ જન્મી ત્યારે તો નોર્મલ જ હતી. અને બધાની લાડકી પણ હતી. જાણે સેજલના જન્મથી અમારા પરિવારમાં ખુશીની લહેર આવી ગઇ. સેજલનો જન્મ થયો ત્યાં સુધીમાં મારાથી નાના બીજા બે ભાઇઓના પણ લગ્ન થઇ ગયેલાં. એટલે ઘરના સભ્યોની સંખ્યા ૧૧ ની થઇ ગયેલી. છોટાઉદેપુરમાં અમારી ખુબ મોટી ખેતીલાયક જમીન હતી. આ જમીન સહિયારી જમીન હતી એટલે કે મારા પિતા અને તેમના ત્રણ ભાઇઓની સહિયારી જમીન હતી. મારા પિતા અને મારા ત્રણ કાકા સાથે મળીને જમીનમાં ખેતી કરતાં અને જે મળે તે ચાર હિસ્સામાં વહેંચી લેતાં.

આ જમીન ઉપરાંત મારા પિતાએ તેમની કમાણીમાંથી બે મકાન અને ત્રણ દુકાનો ખરીદેલ. એ બે ઘર પૈકી એક ઘરમાં અમે રહેતાં હતાં. આ ઘર તે વખતે અમારા ગામમાં સૌથી મોટું અને મોંઘુ ઘર કહેવાતું. ઘરમાં આઠ રૂમ, બે રસોડા, એક મોટો ચોક અને આજુબાજુમાં ખુલ્લી જગ્યા અને એક કુવો. એમ ખુબ જ મોટું ઘર હતું. અમારા એ ઘરમાં અગાસી ઉપર હિંચકો રાખેલો અને ચબુતરો પણ રાખેલો. જેમાં રોજ ચણ નાંખીએ એટલે પક્ષીઓ ચણ ખાવા આવે.

સેજલનાં જન્મ પછી ઘરનાં બધા સભ્યો ખુબ ખુશ હતાં. તેના જન્મના છ-સાત માસમાં મારા સૌથી નાના ભાઇએ પ્રેમ લગ્ન કર્યાં. શરૂઆતમાં તો ઘરનાં સભ્યોએ આ લગ્નને અનુમતિ ન આપી પણ પછી બધાએ આ લગ્ન સ્વિકારી લીધા. તેની પત્નિ લાલચુ અને શંકાશિલ સ્વભાવની હતી. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે અવનવા પેંતરા કરતી રહેતી હતી. અને તે હંમેશા મિલકતની બાબાતમાં મારા ભાઇને ચઢાવતી રહેતી. એટલે ધીરેધીરે ઘરમાં ઝઘડાઓ વધતાં રહ્યા.

સેજલ નાની હતી ત્યારે તેને તેડીને ઘરનાં સભ્યો રોજ સવારે અને સાંજે પક્ષીઓને ચણ નાંખવા અગાસીમાં લઇ જાય અને સેજલને હિંચકા પર બેસાડી પક્ષીઓ આવે તેની રાહ જોઇએ અને પક્ષીઓ આવે એટલે સેજલ તેમને જોઇને ખુબ ખુશ થતી. અને સેજલના ચહેરા પર સ્માઇલ જોઇને અમે બધા ખુબ ખુશ થઇએ. પણ મારા નાનાભાઇની પત્નિને આ ખુશી ગમતી નહી. એટલે તે સેજલને નુકશાન કરવાની કોશિશો કર્યા કરતી. તેની નજર મિલકત પર હતી. અને તેમના લગ્ન સેજલના જન્મ પછી થયાં હોઇ તે એવું વિચારતી કે મિલકતોમાં સેજલને ભાગ વધુ મળશે. એ બાબતે તે મારા નાના ભાઇને ઉશ્કેરવાના પ્રયત્નો કરતી. પણ મારો નાનો ભાઇ સેજલને તેની દિકરીની જેમ રાખતો જે તેની પત્નિને ન ગમતું એટલે સેજલને તેનાથી દૂર રાખવાના નાના-મોટા પ્રયત્નો કરતી રહેતી.

પત્નિની ચઢામણામાં આવી જઇને મારા નાના ભાઇએ એક દિવસ મિલકતના બટવારાની વાત છેડી દીધી. એટલે ઘરનું વાતાવરણ દુશિત થઇ ગયું મારા પિતા અને માતા ખુબ ગુસ્સે થયા અને નાની વહુને ઠપકો પણ આપ્યો. ઘરમાં ખુબ ઝઘડા થયાં અને આ ઝઘડામાં બધાએ નાની વહુને ઠપકો આપ્યો. નાની વહુએ ગુસ્સામાં મારા નાના ભાઇ સાથે ઝઘડો અને બોલાચાલી કરી એટલે નાના ભાઇએ તેની પત્નિ પર હાથ પણ ઉપાડ્યો. અને ગુસ્સો શાંત કરવા નાનો ભાઇ અગાસીમાં જતો રહ્યો. (વધુ આવતા અંકે)