WHO IS MENTALLY RETARDED - 1 books and stories free download online pdf in Gujarati

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૧

મંદબુધ્ધિ કોણ...?

ભાગ-૧

ડિસક્લેમર

આ વાર્તામાં ઉલ્લેખિત બધા પાત્રો, શહેરો, વ્યવસાય વગેરે કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ સાથે કોઈ પણ સામ્યતા, જીવંત કે સંયોગ ધરાવતું નથી. વાર્તા ચોક્કસ શહેરો, વ્યક્તિઓ, સંગઠનો, જૂથો, વ્યવસાયો અથવા વ્યવસાયો પર ટિપ્પણી કરતી નથી. આ ફક્ત કાલ્પનિક વાર્તા છે.

"મંદબુધ્ધિ કહો કે બુધ્ધિશાળી, વ્યક્તિની ઓળખ તો તેની પરિસ્થિતિ, સ્વભાવ અને સંજોગો ઉપરથી જ ખબર પડે."

આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે વ્યક્તિને કોઇએ કરેલી ભુલની સજા આખી જીંદગી ભોગવવી પડી. અને એ ભોગ બનનારને આપણે માનથી બોલાવવાને બદલે ગાંડું, ગાંડપણ, બેવકુફ વિગેરે જેવા અપમાનીત શબ્દોથી બોલાવી રહ્યા છીએ. શું એ યોગ્ય છે? શું આપણે આ કુટેવ સુધારવાની જરૂર છે? શું આવી દરેક વ્યક્તિ માન મેળવવાને લાયક ગણાય? આવા કેટલાય સવાલો આ વાર્તા વાંચ્યા પછી તમારા મનમાં ઉદભવશે. અને એ સવાલોનો જવાબ જાતે જ મેળવવાની કોશિશ કરજો.

આપણા સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે જેમની માનસિક પરિસ્થિતિ સ્થિર ન હોય, માનસીક રીતે તેઓ સ્થિર ન હોય. આવી વ્યક્તિ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. એક એવી કે જેઓના મગજની સ્થિરતા તેમના જીવન દરમ્યાનની પરિસ્થિતિઓ, સંજોગો અને આઘાતોના કારણે અસ્થિર થઇ હોય. અને બીજી એવી વ્યક્તિ જેમની માનસીક સ્થિતિ જન્મ સમયે અથવા જન્મ થયા બાદ તેમના વૃધ્ધિકાળમાં આવેલ બિમારીઓને કારણે અસ્થિર થઇ હોય. અહીં એક એવી જ વ્યક્તિના જીવનની ગાથા જણાવવામાં આવેલ છે.

હું મારા વ્યવસાયના કામ સબબ દાહોદ મુકામે ગયેલો. દાહોદમાં મારા વસવાટ માટે એક સોસાયટીમાં મને એક મકાનમાં રહેવા માટેનો ઉતારો મળેલો. દાહોદમાં મને ઉતારો જે સોસાયટીમાં આપવામાં આવેલો ત્યાં એક અલગ તરી આવે તેવો પરિવાર રહેતો. જે પરિવારમાં કુલ ચાર સભ્યો. રમેશભાઇ ડામોર, તેમની પત્નિ રાખીબેન, તેમનો પુત્ર મહેશ અને પુત્રી સેજલ.

રમેશભાઇ ડામોર એક પ્રાઇવેટ કંપનીમાં મુખ્ય એન્જીનીયર હતાં. રાખીબેન ઘરકામ કરતા અને સંતાનોનો ઉછેર કરતાં. પુત્ર મહેશ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો અને પુત્રી સેજલ મહેશ કરતાં સાત વર્ષ મોટી હોવા છતાં તેનું ભણતર માત્ર ત્રણ ધોરણ સુધીનું જ હતું. દેખાવમાં અને વર્તણુંકમાં એકદમ સામાન્ય અને સહજ લાગે. મને તો એ સોસાયટીમાં આવ્યાને માત્ર બે-ત્રણ દિવસ જ થયેલા. પણ સોસાયટીમાં આ પરિવાર એવું હતું કે જે પરિવારને કોઇપણ બહારનો વ્યક્તિ પણ સમજવાની ઇચ્છા ધરાવે. હું એક વખત સોસાયટીના કોમન ગાર્ડનમાં રાખેલ બાકડા પર બેઠો હતો. ત્યારે જ સેજલ ત્યાંથી પસાર થઇ. એટલે ગાર્ડનમાં રમતા નાના-નાના બાળકો એ સેજલને, “એ ગાંડી....! એ ગાંડી.....!” એવું કહેવાનું શરૂ કર્યું. અને સેજલ ગુસ્સે થતી ત્યાંથી નિકળી ગઇ. ત્યારે તો હું કંઇ ન બોલ્યો. બીજે દિવસે એ જ સાંજના સમયે હું સોસાયટીનાં ગાર્ડનમાં બાકડા પર બેઠો હતો. ત્યારે ફરીથી એ જ સમયે સેજલ ત્યાંથી પસાર થઇ. અને ગાર્ડનમાં રહેતાં બાળકો ફરીથી બોલવા લાગ્યા, “એ ગાંડી....! એ ગાંડી.....!” બાળકોને આવું બોલતા જોઇ મને જરા ખરાબ લાગ્યું એટલે મેં બાળકોને સેજલને ગાંડી બોલતાં રોક્યા. પણ બાળકો તો ઉંમરમાં ઘણાં નાના હતાં. એટલે સમજ્યા પણ નહી અને રોકાયા પણ નહી. એ તો સેજલને ગાંડી- ગાંડી કહીને એની પાછળ દોડ્યા. અને સેજલ કાંઇ પણ બોલ્યા વગર દોડીને જતી રહી અને તેના ઘરમાં જઇ દરવાજો બંધ કરી દીધો.

હું ગાર્ડનમાંથી ઉભો થઇને મારા મકાન તરફ આગળ વધ્યો. ગાર્ડન અને મારા મકાનની વચ્ચે સેજલનું ઘર આવે. એટલે હું સેજલનાં ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મને ઘરમાંથી જોર-જોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. અને નિઃસંદેહ હું એ કહી શકું કે એ રડવાનો અવાજ સેજલનો જ હતો. અને રાખીભાભી સેજલને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતાં અને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. ત્યારે જ મને ઘરમાંથી એક નવયુવાન યુવકનો અવાજ સંભળાયો. એ જોરથી બોલ્યો- “એ ગાંડી, ચૂપ રહે, મને વાંચવા દે. તું તો ભણી નહી મને તો ભણવા દે શાંતિથી, ગાંડી સાવ...!” અને હું સમજી ગયો કે આ અવાજ સેજલના નાના ભાઇ મહેશનો જ છે. મહેશ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો એટલે બોર્ડની પરિક્ષા આપવાની હોય તે વાંચવામાં ધ્યાન વધુ આપતો હોય તેવું મને તેના વાક્યો પરથી લાગ્યું. પણ હું છતાં હેરાન હતો, કે સામાન્ય અને નોર્મલ લાગતી સેજલને સોસાયટીના બાળકો અને તેનો સગ્ગો ભાઇ “ગાંડી” કેમ કહે છે? કોઇ ઓછું ભણ્યુ હોય એટલે તેને અભણ કહી શકાય પણ ગાંડું તો કહી જ ન શકાય. અભણ વ્યક્તિમાં ગાંડપણના લક્ષણો ન હોય. એટલે મારા મનમાં આવા વિચારો ચાલતા રહ્યા. હું એ વાત જાણવા ઉત્સુક હતો કે સેજલને લોકો ગાંડી કેમ કહે છે....!! (વધુ આવતા અંકે)

(લેખક- તપન ઓઝા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED