અમદાવાદથી રાજકોટ નોકરીની શોધમાં ભટકીને સ્થાયી થવામાં મને જાજો સમય નહોતો થયો. અહીંયા આ ભાડાના મકાનમાં રહેવા આવતા પહેલા ૨ દિવસ હોટેલ માં રોકાવું પડ્યું અને ત્યાં તપાસ કરતાં ત્યાંથી મને એક નંબર મળ્યો. જે મકાન લે વેચનું કામ કરે છે. મે તેમની સાથે ફોન પર વાત કરી, ને તેમણે કહ્યું, એક મકાન છે જે ભાડે આપવાનું છે તમે કહો ત્યારે હું તમને જોવા લઈ જઈશ ત્યાં.
બંનેને અનુકૂળ રહે તે રીતે અમે વાત કરી રવિવારે મકાન જોવાનો સમય નક્કી કર્યો...
રવિવારે સવારે ફોન આવે છે કે,
"હું તમારી હોટેલની બહાર રાહ જોવું છું આવી જાઓ તમે તમને હું મકાન બતાવવા લઇ જાઉં"
હું તેમની સાથે મકાન જોવા નીકળ્યો. રાજકોટ શહેર મારી માટે તદ્દન નવું છે, નવા લોકો, નવું વાતાવરણ અને આ નવું શહેર આ પરિસ્થિતિઓને લીધે હું લોકો સાથે ભળતા થોડોક ખચકાતો. તેમ છતાં મકાન સુધી પહોંચવાના રસ્તામાં હું બધું પૂછતો અને શહેર વિષે જાણકારી લેતો. અમે મકાન જોવા પહોંચ્યા. ગાડીમાંથી ઉતરતાં જ મારી નજર ત્યાંના મકાનો ઉપર પડી, મને પહેલેથી જ જુનવાણી મકાનોનો શોખ હતો ને અમદાવાદની કોઈ પોળમાં મકાન લેવાની મારી પણ ઈચ્છા હતી.
મને ઘરનાં બહારના દ્વારથી ઘર તરફ દોરતાં મને કહ્યું કે, આ મકાનનો જે ઉપરનો માળ છે એ ભાડે આપવાનો છે નીચે મોટીબા રહે છે જેમનું આ મકાન છે. ઘરનાં દરવાજે પહોંચ્યા અને મોટીબાએ સીધી ઉપરના માળની ચાવી આપી અને પાછા કામે વળગી ગયા. જરાક વાર માટે થોડું એમ લાગ્યું કે મોટીબા થોડાક કડક સ્વભાવના છે તો પોતાની ઈચ્છાથી રહેવા મળે. અમે ઉપર પહોંચ્યા અને મને મારો રૂમ બતાવ્યો અને રૂમ આગળનો ઝરૂખો(બાલ્કની). મને જગ્યા ખૂબ જ પસંદ આવી... અને રૂમ ખોલતાં જ થોડોક હાશકારો થયો કે આવીને એટલી સાફસફાઈ ઓછી નક્કી મોટીબા એ સાફસફાઈ કરીને રાખી હશે.
મને રૂમ પસંદ આવ્યો અને અમે નીચે મોટીબા સાથે પહોંચ્યા તેમની સાથે ભાડા વિશેની વાતચીત કરી અને તેમણે થોડાક પોતાના નિયમ જણાવ્યાં. મને મંજૂર હોવાથી હા પાડી. હોટલમાંથી ચેક આઉટ કર્યું ને સામાનમાં ખાલી થોડાંક કપડાં અને કેટલીક પુસ્તકો હોવાથી જલ્દીથી સમેટ્યું. રૂમ પર પહોંચતા પહોંચતા રાત પડી ગઈ ને કપડાં અને પુસ્તકો સરખાં ગોઠવ્યાને થાકેલો હોવાથી ઊંઘ પણ આવી ગઈ. હજુ માંડ હું આડો પડ્યો જ છું ને ત્યાં મને બારણું ખટખટાવવાનો અવાજ આવ્યો ને સીધી મારી નજર ઘડિયાળ પર પડી. ઘડિયાળ સામે જોયું તો રાત્રીના ૧૦:૦૦ વાગ્યાં હતાં. દરવાજો ખોલ્યો તો સામે મોટીબા દેખાયાં. એટલે મેં તરત પૂછ્યું કે બા તમે આ સમયે? તો બા જવાબ આપતા કહે છે કે,
"બેટા તારા રૂમમાં ગેસ કનેક્શન પણ નથી તો તું જમ્યો પણ નહીં હોય અને તું પાણી કે કશું માંગવા પણ ન આવ્યો".
હમમ.
" એટલે હું ઉપર તને બોલાવા આવી".
હું નીચે પહોંચું છું ને હાથ પગ મોં ધોઈને જમવા બેસું છું ને ત્યાં બા મને જ્યારે જમવાનું પરોસતા હોય છે ત્યારે બા ને લઈને મારાં મનમાં જે ધારણાઓ હતી તે તદ્દન ખોટી પડી હતી... જાણે આટલાં કડક સ્વભાવના પાછળ પણ મમતા રહેલી છે. જમતાં જમતાં વાતો ચાલી.. બા તમે અહીંયા એકલા રહો છો??
"હા હું એકલી જ રહું છું, મારો એક પુત્ર ને પુત્રવધૂ છે જે વિદેશ રહે છે તો વર્ષે એકાદવાર મળવા આવી જાય. મને કેટલીય વાર કહ્યું કે ચાલો મારી સાથે પરંતુ મારાથી આ ઘર નથી છૂટતું"
ને તે વખતે જાણે મને થયું કે, અકળાયેલા રહેતા મોં ઉપર સ્મિતને પણ સ્થાન આપે છે ખરા બા. જમતાં જમતાં બારીની બહાર દેખાતા મકાન ઉપર પડ્યું. અંધારાના કારણે સરખું દેખાતું નહોતું પરંતુ જેટલું દેખાતું હતું એટલું તે જર્જરિત હાલતમાં લાગતું. એ જોઈ મે બાને આ ઘર વિશે પૂછ્યું.
આ સાંભળતા જ અચાનક જાણે બા ના મોઢા પરનું હાસ્ય જાણે ક્યાં ખોવાય ગયું એ ખ્યાલ જ ના આવ્યો. એમની આંખોમાં એક પ્રકારનો ડર દેખાયો અને ખચકાતાં અવાજે બોલ્યાં, "તું.... તું... પણ ક્યાં અત્યારે એ ઘરને લઈને બેસી ગયો. ચ...ચાલ ઊભો થઈ જા ને જઈને સૂઈ જા બહું મોડું થઈ ગયું છે." આમ કહીને બા એ વાત ફેરવી એટલે મે ફરી પૂછવાનો પ્રયત્ન ના કર્યો.
હા, એ રાત્રિએ મને આ બાબતે સવાલોનું એકા-એક પૂર આવેલું પરંતુ તેને અવગણીને હું સુઈ ગયો. બીજા દિવસે મારા કામ પર જતી વખતે મારી નજર પાછી એ ખંડેર પર જઈ અટકી, તે જોઈને નક્કી થઈ ગયું કે અંદર કોઈ રહેતું નહીં હોય. કારણ કે, જર્જરિત મકાન ને તેના બાગમાં સૂકાયેલું ને ભયાનક લાગતું વૃક્ષ, વિખરાયેલાં સૂકા પાંદડાંનો ઢગલો અને કાટ લાગી ગયેલ જાળી ને ઝાંપા જાણે આ બિહામણા ખંડેરની ચાળી ખાતા હતા તેમ લાગતું હતું. મને ખ્યાલ હતો જ કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં મળે ત્યાં સુધી મને ચેન નથી પાડવાનું. તો આજે મન મક્કમ કરી જ લીધું હતું કે બા ને જઈને પૂછવું જ છે કે, શા માટે આ ખંડેરથી આટલાં ગભરાય છે.
દરરોજની જેમ હીંચકે આવીને બેઠો, ત્યાં મારું ધ્યાન ત્યાં ફળિયામાં રમતાં કેટલાક બાળકો પર ગયું. એ બધાં ભાગતા ભાગતા આ મકાન તરફ જ આવતા હતાં, ઉપર ધ્યાન ગયું તો એ બધા એક કપાયેલી પતંગ ને પકડવા આટલી નાસાનાસ કરી રહેલા. એટલામાં તે પતંગ સીધી ઉડીને આવીને બાજુવાળા ખંડેર મકાનના પ્રાંગણમાં જઈ પડી. એ જોઈને બધાં જ બાળકો તેને દૂરથી ઉદાસ થઇ ક્ષણભર નિહાળીને ત્યાંથી ચાલતાં થયાં. એ જોઈને, એ બચ્ચાપાર્ટી અહીંયા આવો તો... એમ બૂમ પાડીને મેં બોલાવ્યાં. કેમ પતંગ લીધા વગર જાવ છો? જાવ લઈને આવો...
"ના અંકલ ત્યાં અંદર જવાની મમ્મી ના પાડે છે અને અમને અંદર જતા ડર લાગે છે"
ડર? અહીંયા શેનો ડર તમને જાવ લઈલો પતંગ હું અહીંયા છું ને.
બાળકો એકબીજાની સામુ જોવે છે ને ગભરાયેલા અવાજ કહે છે, " અ.... અ.... અંકલ અહીંયા ભૂત છે"
એ સાંભળીને હું હસી પડ્યો..
" સાચે અંકલ અહીંયા ભ...ભ....ભૂત છે"
એવું ન હોય બેટા તમે અહીંયા જ ઉભા રહો હું લઈને આવું છું, ને મેં ત્યાં ખંડેરના બગીચામાં જઈને બાળકોને પતંગ લાવી આપી. આ બહાને મને એ ખંડરને થોડુક વધારે નજીકથી જોવાનો મોકો મળ્યો. પરંતુ બારી ને બારણાં બંધ હોવાથી હું અંદર કશું હું નિહાળી ના શક્યો.
પતંગ આપતાં જ હું એ ખંડેરના વિચારે ચડી ગયો. ત્યાં જ તો મોટીબા આવ્યાં ને મને ચા નો કપ આપ્યો ને કહ્યું,
"કાલે તારા રૂમની ચાવી આપીને જજે ગેસ કનેક્શનવાળા સાથે મારી વાત થઈ તો એ કાલે આવી જશે"
સવારે વિચાર્યું હતું એમ આજે પાછું પૂછ્યું, બા એવું તો શું છે આ ઘરમાં કે તમે કોઈ વાત કરતાં ગભરાવ છે ને આ બાળકો પણ કહેતા હતા કે અંદર ભૂત છે.
"બાળકોની વાત સાચી છે, હવે આ બાબતને તું હાસ્યમાં લે કે પછી અમારો ભય સમજે શાયદ આ બાબતના લીધે જ માટે વાત નથી કરવી"
પરંતુ બા મારે....! શ..... મને બોલતા અટકાવીને કહે છે,
"કાલે જ તો ના પાડી હતી મે તને ને આજે પાછું આ વાત લઈને બેસી ગયો! મૂક આ બધી વાતો કેમ એ ઘરની પાછળ પડ્યો છે આવ્યો ત્યારનો??"
બહું કહ્યા બાદ મે વાતને ટાળી ને બીજી વાતે વળગી ગયો પરંતુ એ ઘર વિશે જાણવાની તાલાવેલી હજુ શાંત નહોતી થઈ.
આ બાજુ બાની વાતો ચાલતી ને હું હા મા હા ઉમેરવા ડોક ધુણાવવાનું ચાલુ હતું પરંતુ મારા મનમાં આ ખંડેરમાં જવાનો રસ્તો શોધવાની કોશિશ ચાલતી.... શું કરું? શું કરું? ને એક જ વ્યક્તિનો ખ્યાલ આવ્યો કે અમારી કોલોનીના ચોકીદારકાકા. હું એટલી સારી રીતે એને જાણતો તો નહોતો એટલે મનમાં એ પ્રશ્ન પણ હતો કે આ બાબતે એ મારી મદદ કરશે કે નહીં?? એ જ દિવસે રાત્રે હું એમને મળવા ગયો અને એમને વાત જણાવીને કહ્યું કે, મારે એ ઘરની અંદર જવું છે, કંઈ કરવું નથી ખાલી એને અંદરથી મારે જોવું છે એવું તો શું રહસ્ય છે અંદર કે બધાં આટલું ડરે છે?
"સાહેબ તમે પણ ક્યાં એ ઘરની વાત લઈને બેસી ગયા એ પણ રાત્રીના સમયે. હું આ ઘરમાં જવાં માટે તમારી કોઈ મદદ નહીં કરી શકું મને માફ કરજો." ચોકીદારકાકા જવાબ આપે છે.
ઘણું કહ્યું પરંતુ ચોકીદારકાકા કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. મોડી રાત થઈ ગઈ હોવાથી વાટાઘાટો ન કરીને હું પાછો આવી ગયો. એ દિવસે હું બાલ્કનીમાં જઈ આ ઘરને નિહાળવા લાગ્યો. નિહાળતાં નિહાળતાં કેટલાય વિચારો આવતાં આ ખંડેરને લઈને. આ શાંત વાવાઝોડું મને અધીરો બનાવી રહ્યું હતું આ ખંડેરમાં જવા માટે.
કશો રસ્તો ન નીકળતા ને બીજું કશું ન સૂઝતાં કોઈને કહ્યાં પૂછયા વગર અંદર જવાનો નિર્ણય લીધો. એ જ રાત્રે હું આ ખંડેરની પાછળની તરફ પહોંચ્યો અને આ ખંડેરની અંદર જવાનો રસ્તો શોધતાં મને એક બારી દેખાય જે થોડીક ખુલ્લી હતી પરંતુ એ બારી એની જગ્યાએ અટવાયેલી હતી. મહામહેનતે બારી ખોલી ને અંદર પહોંચ્યો ને ઘોર અંધકાર ઘેરાયેલું ઘર જ્યાં બહારની કોઈ લાઇટનું નાનું અમથું ય કિરણ નહીં, મોબાઈલની ટોર્ચ ચાલું કરી ને આમ તેમ જોયું તો બહારથી જેટલું અસ્તવ્યસ્ત અને જર્જરિત દેખાતું હતું આ મકાન તેટલું અંદરથી હતું નહીં. અંદર બધી જ વસ્તુઓ તેની જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી ને ધૂળ અને કરોળિયાના જાળા થી ઢંકાયેલ પરંતુ આ ઘરના સુશોભનમાં વધારો કરતી જૂની મૂર્તિઓ. ઘરના વાતાવરણને જોઈને બહારની બધી વાતો મિથ્યા લાગતી હતી. અહીંયા હું અને હાલતા ચાલતાં મારા ડગલાં ના આવાજ સિવાય બીજું કશું નહોતું. ત્યાં હું આ ઘરના મુખ્ય બેઠકખંડમાં પહોંચ્યો આગળ જતાં મારાં પગ નીચે કંઇક આવ્યું અને મારું સંતુલન બગડતા હું જમીન પર પટકાયો. ક્ષણભર તો ગભરાયો પરંતુ મોબાઈલના અજવાળામાં નીચે જોયું તો નાના બાળકનું રમકડું જોયું પછી હાશકાર થયો. ઉભો થયો ને આજુ બાજુ નજર ફેરવી તો જમીન પર કેટલાંક રમકડાં ફેલાયેલા પડ્યાં હતા. આ જોઈને થયું કે નક્કી કોઈ નાનું બાળક આ ઘરમાં રહેતું હશે.
આ જોઈને મને વધુ નવાઇ લાગી કે એવું તો અહીંયા શું બન્યું હશે કે આ જગ્યાનું નામ લેતાં લોકો ઘભરાય છે... આ જાણવા હું આ ખંડેર માં આટલા અંધારે ફાંફાં મારતાં મને ત્યાં ઊંધઈ ચઢેલું લાકડાનું કબાટ જડયું, કબાટ ખોલવાનો પ્રયાસ કરતાં તેનો દરવાજો અટકાઈ ગયેલો હોવાથી નિષ્ફળતા મળી. હવે આને ખોલ્યાં વગર હું જવાનો નહોતો તો વિચાર્યું કે જોરથી ફટકો મારી તોડી નાખું પરંતુ મનમાં બીક પણ હતી કે અવાજ સાંભળી કોઈ જાગી ન જાય. મને ચોકીદારકાકાની બીક નહોતી, કેમ? તો વધુ ન જણાવતાં એટલું જ કહીશ કે આ ચોકીદારકાકા રાત્રે એમની અલગ જ દુનિયામાં પહોંચી જતાં. મને મોટીબા ની બીક હતી કે આ ખંડેરમાં થતાં હિલચાલનો અવાજ તેમના કાને ના પડે. આ બધું વિચારવાનું બંધ કરી ફટકો માર્યો તો દરવાજો જૂનો અને ખવાય ગયેલો હોવાથી ખુલવાના બદલે તૂટી ગયો, અવાજ તો મોટો આવ્યો પરંતુ એને મે અવગણી લીધો. દરવાજો તૂટતાં જ ધૂળથી મારી આંખો ભરાય ગઈ, આંખો સાફ કરતાં જ મારી નજર કબાટ પર પહોંચી.
ત્યાં મને નાના બાળકનાં કપડાં મળ્યાં અને અડધું ગુંથાયેલ સ્વેટર મળ્યું. કપડાનો કલર અને તેની બનાવટ જોઈને એ કોઈ બાળકીના લાગતા હતા. આ બધું જોઈને મને એમ થાતું કે નક્કી કોઈ બાળકનાં સપનાં વિંધાતા આ બધું એકઠું કર્યું હશે. હજુ હું આ કપડાંને હાથમાં લઈને જોવા જ જાઉં છું ને ત્યાં અચાનકથી મને અવાજ આવે છે... એ અવાજ તરફ દોરાઈને સામે પગલાં માંડ્યાં ને ત્યાં જઈને જોયું તો એ ઉપરનાં ઓરડામાંથી અવાજ આવતો હતો. અવાજ જાણે કોઈ જૂના અને કાટ ખવાયેલ જૂલા પર બેસીને જુલી રહ્યું હોય તેમ લાગતું હતું. મારે ઉપરનાં માળે પણ જવું હતું પરંતુ ઉપરનાં રૂમ સુધી લઈ જતો દાદર જર્જરિત હાલતમાં હતો, જો જવાનો પ્રયત્ન કરેત તો તે ભાંગી પડેત. એટલે નીચેથી થોડાંક ઊંચા અવાજે બોલ્યો, કોણ છે ઉપર?? કોઈ છે? આટલું કહેતાં એ અવાજ આવતો બંધ થઈ ગયો. એ બંધ થયાં બાદ ફરીથી પૂછ્યું... કોઈ છે ઉપર?? કોઈનો અવાજ ના આવ્યો એટલે ત્યાંથી હું દૂર હટી ગયો. વધુ સમય આ ખંડેરમાં પસાર કરી શકું તેમ નહોતું એને આમ પણ પરોઢ થવામાં થોડોક જ સમય બાકી હતો. તેથી શાંતિથી કોઈ અવાજ વિના હું મારા રૂમમાં પાછો આવીને સુઈ ગયો.
બીજા દિવસે મનને સંતોષ પણ હતો કે ખંડેરને નિહાળ્યું સરખું ને મનમાં પ્રશ્ન પણ હતો કે ગઈ કાલે રાત્રીની ઘટનામાં ઉપરનાં માળે હતું કોણ?? અને અવાજ શેનો હતો?? આ બધું મગજમાં ફરતું જ હતું ને જાણે હવે તો રોજનું રોજ ત્યાંથી નીકળું ને એ ખંડેર નિહાળું અને જરુખે લખવા બેસતો જ્યારે ત્યારે કલમ અને શબ્દો એની જ તરફેણમાં બોલે... આ બધાની વચ્ચે ક્યારેક ક્યારેક મોટી બા ને હું પૂછી લે તો આ ખંડેર વિશે પરંતુ જવાબ મા ગુસ્સા સાથે એક જ જવાબ...
મારે વાત નથી કરવી આ બાબતે કોઈ પણ. થોડાંક દિવસો પછી હું જ્યારે ઓફિસ થી ઘરે પાછો ફરું છું ત્યારે એ ખંડેર ના દરવાજા આગળ કેટલાક બોક્સ પડેલા હોય છે અને કેટલાક માણસો બગીચો સાફ કરવામાં લાગેલા હતા. હું સીધો મોટીબા ને મળવા જઉં છું, મોટી બા આ બાજુમાં કોઈ રહેવા આવે છે કે શું? સાફસફાઈ નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ને ઘરની બહાર સામાન પડ્યો છે..
મોટીબા જવાબ આપે છે, કોઈ રહેવા નથી આવતું કોઈએ આ જગ્યા ખરીદી લીધી છે ને એ આ ખંડેર ને ઘર બનાવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.
આ સાંભળતા મને સારું લાગ્યું. ચાલો, અહીંયા કોઈ રહેશે તો ભૂતની અફવાઓથી ઘેરાયેલ આ કોલોનીમાં રહેતા લોકોનો ભય શાયદ જતો રહે. આ બધું મનમાં ચાલતું હોય છે ને બા કહે છે કે, એ લોકો અહીંયા ઝાઝું નહીં ટકે. એ લોકોને આ ખંડેર વિષે ખ્યાલ પણ નહીં હોય અને કોઈ જણાવશે પણ નહીં. આ બધું મને માનવામાં નહોતું આવતું પણ જાણતો હતો કે મોટીબાની વાત નો વિરોધ કરવો મારી માટે તો અશક્ય હતું. તેથી હું મારા રૂમમાં જઈને ચા બનાવી અને જરુખામાં જઈને બેઠો. ત્યાં ગાડી આવી અને ગાડીમાંથી એક નવપરણિત યુગલ ઉતર્યું. આ હું એટલે આટલું સચોટ રીતે કહી શકું છું કારણકે દુલ્હનની હાથમાંની લગ્નની મહેંદી, સિંદૂરની પૂરેલી પેથી અને ગળે પહેલું મંગળસૂત્ર તેની સુંદરતામાં વધારો કરતું હતું. આ નવા ઘરને લઈને એ યુગલની ખુશી અને આંખોમાં દેખાતી ચમક દૂરથી જ દેખાઈ આવતી. એ જોઈને કોઈ પણ કહી દેત કે નક્કી આ નવદંપતિ છે ને પોતાનાં સુખી સંસારની સ્થાપના તરફ પ્રયાણ કરી રહી હતી.
[ આગળનું આવતાં અાંક:- ૨ માં....]
આભાર આપશ્રીનો..
:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
(પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં સલાહ અને ટકોરને ખુલ્લા દિલથી આવકાર્ય..)