one's again - 3 - last part books and stories free download online pdf in Gujarati

વન્સ અગેઇન - 3 - છેલ્લો ભાગ


ભાગ : 3



હરિબાપુનો આશ્રમ એટલે ત્યાં કોઈ સત્સંગ કે ભજન-કીર્તનનું કોઈ ભક્તિમય વાતાવરણના બદલે… ત્યાં તો ચાલતો હતો માનવસેવાનો એકધારો યજ્ઞ… આશ્રમમાં મોટી હૉસ્પિટલ, ગૌશાળા, આયુર્વેદની દવાઓ બનાવવાનું, મફત છાશ કેન્દ્ર અને એક નાનું ગુરુકુળ હતું.

હરિબાપુને ધ્રુવના ગામ સાથે ખાસ લેણું હતું અને ધ્રુવના ગામના લોકોને હરિબાપુ પર અખૂટ શ્રદ્ધા હતી. એટલે ધ્રુવ હૉસ્પિટલમાં પંડ્યા સાહેબના મદદનીશ તરીકે નોકરી આપી હતી… અને આશ્રમમાં એક રૂમ આપ્યો રહેવા માટે… તે છતાં હૉસ્પિટલના કામ સિવાય આશ્રમનાં અન્ય કામ હસતા મુખે કરી આપતો હતો, પરિણામે હરિબાપુની બહુ નજીકની વ્યક્તિ બની ગયો હતો.

આમને આમ આશ્રમમાં ધ્રુવના ચાર વર્ષ ક્યાં વીતી ગયાં એની ખબર ના પડી… શ્રેયાની યાદ તો રોજ રાતે એકલો પડતો ત્યારે નસે નસમાં વ્યાપી જતી… રાતના પડથારમાં ક્યારેક ધ્રુવ આંટો મારવા જતો ત્યારે હરિબાપુ સાદ પાડીને કહેતા કે, ‘બેટા, અનિદ્રાનો રોગ એને જ લાગુ પડે છે જેની આંખમાં કોઈ માણસ જીવતું હોય.’

ધ્રુવ સામે જવાબમાં એટલું જ કહી શકતો… ‘જી બાપુ !’

એટલે બાપુ સામે હસતાં જવાબ વાળતા, ‘એક દિન તેરે તકદીર જાગ જાયેગી, તબ તું આરામ સે સો પાયેગા… ક્રિષ્ના… ક્રિષ્ના… રાધેક્રિષ્ના…’

એક દિવસ સવારે દસ વાગ્યાની આસપાસ એક ઇમરજન્સી કેસ આવ્યો. બાજુના ગામના ચાર-પાંચ લોકો સાવ કૃષકાય અને દયનીય હાલતમાં એક બીમાર સ્ત્રીને લઈને આવ્યા… ઇમરજન્સી કેસ હોય એટલે પંડ્યા સાહેબના વૉર્ડમાં લઈ જવાનો હોય.
એ લોકોને એ બાઈને વૉર્ડમાં આવવાનું કહ્યું અને ધ્રુવ જરૂરી દવાઓ અને સામાન કાઢવા માટે રવાના થયો… હજુ સામાન લઈને વૉર્ડ પાસે પહોંચ્યો ત્યાં પંડ્યા સાહેબનો અવાજ આવ્યો… ‘ધ્રુવ, ગ્લુકોઝનો બાટલો તાત્કાલિક લઈને જલદી આવ. પેશન્ટની હાલત સાવ નાજુક છે.’

ગ્લુકોઝનો બાટલો ચડાવવા માટે બાઈનો હાથ પકડ્યો તો જાણે લોહીનું તો નામોનિશાન જ નહીં. માંડ માંડ કરીને નસ પકડીને સોઈ પરોવી.
જેવી ધ્રુવની નજર એ બાઈના ચહેરા પર પડી… ધ્રુવના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો સામે અંધારાં છવાઈ ગયાં. મારી શ્રેયા આવી હાલતમાં ! મરવાની ઘડી ગણે છે… કોણે મારી શ્રેયા સાથે પાશવી અત્યાચાર કર્યો હશે…? એવુ વિચારવા લાગ્યો.

જેમ તેમ કરીને ધ્રુવએ એની જાત સંભાળી અને સાથે આવેલા લોકોને પૂછ્યું, ‘આ બાઈનું સગું કોણ છે ?’

એક જણ સામે આવીને બોલ્યો, ‘સાહેબ, અમારામાંથી કોઈ એનું સગું નથી… અમે એના પાડોસી છીએ… અને પાડોસી હોવાને નાતે અહીંયાં લઈ આવ્યા છીએ…’

ધ્રુવ પૂછ્યું, ‘આ બાઈનો ઘરવાળો કે એના ઘરનાં કોઈ નથી ?’

એક ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ… દુઃખિયારી બાઈ છે, એનાં સાસુ-સસરા કોઈ નથી, એનો ઘરવાળો છે… એને તો એની ઘરવાળીની કાંઈ જ પડી નથી. ચાર વરસથી આ બાઈ પરણીને આવી છે. એક દી એના ઘરવાળાએ શાંતિથી જંપવા નથી દીધી. સાવ ભોળા કબૂતર જેવી આ બાઈને શંકાના લીધે એના ઘરવાળાએ આવી હાલત કરી નાખી છે…

અમે હૉસ્પિટલ લઈ જવા નીકળ્યા ત્યારે એણે ચોખ્ખું કહી દીધું કે હવે સાજી થાય તોપણ પાછી ના લઈ આવતા. હરિબાપુના આશ્રમમાં એને દઈ આવજો… હું નવું ઘર કરી લઈશ.’

ધ્રુવના રોમેરોમમાં આગ ફેલાઈ ગઈ અને ગુસ્સામાં મુઠ્ઠી ભિડાઈ ગઈ… ત્યાં શ્રેયાના અધ મૃતપ્રાય શરીર ઉપર નજર પડી અને આંખો દુઃખ અને કરુણાથી છલકાઈ ગઈ. સતત પાંચ દિવસ સુધી ધ્રુવએ શ્રેયાની ખડે પગે સેવા કરી અને આશ્રમના રસોડા તરફથી તેની માટે ખાસ પૌષ્ટિક જમવાની વ્યવસ્થા કરી
એના ગામના લોકો તો શ્રેયાને મૂકીને ચાલ્યા ગયા અને શ્રેયાની સંપૂર્ણ જવાબદારી આશ્રમ અને ખાસ હવે ધ્રુવ ઉપર આવી. પડી…
શ્રેયા માટે ધ્રુવની આટલી ઉતકૃષ્ટ લાગણી જોઈ ભટ્ટ સાહેબને કંઈક અજુગતું લાગ્યું અને તેમણે ધ્રુવને આ વિશે વધુ પૂછપરછ કરી, એટલે ધ્રુવએ લાગણી અને દુઃખના આવેશમાં છુપાવેલી બધી હકીકત બયાન કરી દીધી અને ધ્રુવએ જીવનની તમામ પાછલી વાતો કહી… ભટ્ટ સાહેબે બે હાથ આકાશ તરફ ઊંચા કરીને કહ્યું… ‘ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી.’



સમાપ્તી...

કેહવાઈ છે ને અંત રૂડું તો બધું રૂડું. અનેક કઢનાઈઓ માંથી નીકળી પ્રેમની તૃપ્તિ થઈ. શ્રેયા જીવનમાં ધ્રુવ ફરી આવે એવો કોઈ વિકલ્પ જ નહતો પણ કિસ્મત આગળ ક્યાં ચાલવાનું આપણું. "વન્સ અગેઇન" ( one's again ) વાર્તાનું નામ છે એનો હાર્દ હવે સમજાઈ ગયો હશે.

- અક્ષય વનરા

Emai address : akshayvanra781@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો