Tunkma ghanu - 3 books and stories free download online pdf in Gujarati

ટુંકમાં ઘણું (ભાગ-૩)

નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઈક્રોફિકશન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમા પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની. આ વાર્તાઓ તમે ક્યાંક અનુભવી હશે, ક્યાંક સાંભળેલી હશે, ક્યાંક વાંચેલી પણ હશે, તો ક્યાંક જોયેલી પણ હશે. ટુંકમાં ઘણું ભાગ-1,2 પછી આ ત્રીજો સંગ્રહ છે. આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને માણો.

(૧) બળવાન

ભગવાને પૂછ્યું "તારા કરતા બળવાન કોણ છે?"

બળે ઉત્તર આપ્યો: "ચતુરાઈ"

(૨) એક અલ્પવિરામ

એક બિઝનેસ ડીલ માટેની ફાઇનલ પ્રાઇસ માટેના લેટરમાં કર્મચારીની થોડીક બેદરકારીથી માત્ર એક અલ્પવિરામની ભૂલથી 'નો,પ્રાઇસ ટુ હાય' ને બદલે 'નો પ્રાઇસ ટુ હાય' એવો જવાબ મળ્યો અને ઊંચા ભાવે ખરીદવાની ડીલ થવાથી કંપનીને ઘણું નુકસાન ગયું.

(૩) સમય પારખું

ગામમાં લૂંટારૂઓએ જાસાચિઠી નાખી હતી, ત્યારે તેની સામે લડવા માટે તૈયારી કરી રહેલા વ્યક્તિઓ સાથે ગામના સંત પણ જોડાતા બધાને આશ્ચ્રર્ય થયું. ત્યારે સંતે કહ્યું કે "દરેક ચીજને માટે સમય હોય છે. ઉપદેશ અને પ્રાર્થનાનો પણ સમય હોય છે અને તે સમય જતો રહ્યો છે. લડવાનો પણ સમય હોય છે અને તે હવે આવ્યો છે." આમ કહી તેણે પણ ગામની રક્ષા કરવા હથિયાર ઉઠાવ્યા.

(૪) જીવંત

પ્રેમલગ્ન કરેલા પતિ-પત્ની લગ્નનાં થોડાક વર્ષો પછી એક સાંજે નિરાંતે બાલ્કનીમાં બેસીને મીઠી ચર્ચા કરતા હતા.

પતિએ પૂછ્યું: "તું મારા પ્રેમમાં પડી ત્યારે મારુ વ્યક્તિત્વ ડોલાવી દે તેવું હતું ને?"

પત્નીએ શેતાની સ્મિત આપીને કહ્યું કે: "ના રે ગાંડા! એ તો તું તોફાની જ એટલો હતો કે બીજા બધામાં એક તું જ મને જીવંત લાગેલો."

(૫) સાચી પ્રાર્થના

એક સરોવરમાં કેટલાક પ્રવાસીઓ હોડીમાં મુસાફરી કરતા હતા, એવામાં એક મોટા મગરમચ્છે આવીને તે હોળી ઊંધી વાળવાનો પ્રયત્ન કર્યો. જયારે તે લોકોને જણાયું કે આપણ ભારે સંકટમાં ફસાયા છીએ ત્યારે એક યુવાન ભયભીત થઈને બોલ્યો "પ્રાર્થના કરો, પ્રાર્થના કરો!" પરંતુ હોળીનો વૃધ્ધ અનુભવી ખલાસી બોલ્યો કે "ના, ના, પ્રાર્થના તો પેલા બિમાર-અશક્ત માણસોને જ કરવા દો અને આપણે તો હલેસા મારવાનું ચાલુ રાખો!"

(૬) ખજાનો

"તારો સાચો ખજાનો ક્યાં છે?"

સોનું બોલ્યું "મારામાં નથી."

હીરા-માણેકે કહ્યું "અમારામાં પણ નથી."

આત્માએ કહ્યું "મારામાં શોધ, મળી આવશે."

(૭) સઘળી કિંમત

પૈસાના ઘમંડી એક શ્રીમંત વ્યક્તિએ એક જાણીતા સદગૃહસ્થને કહ્યું "સાહેબ! શું તમે જાણો છો કે હું ૧૦ કરોડનો ધણી છું?"

આ સાંભળી પેલા સદગૃહસ્થે ઉત્તર આપતા શાંતિથી કહ્યું કે "હા, હું જાણું છું અને હું એ પણ જાણું છું કે, તમારી સઘળી કિંમત એટલામાં જ સમાઈ જાય છે!"

(૮) સાચી ધાર્મિકતા

નાસ્તિકતાના લેબલથી વગોવાઈ ગયેલા તે વ્યક્તિએ આ મહામારીમાં સેવાકાર્યો માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. તેણે પોતાની નીજી બાબતોનો ત્યાગ કરીને દિવસ-રાત સેવા માટે કાર્યરત રહીને સાચા અર્થમાં આસ્તિક બન્યો હતો. જયારે બીજા કહેવાતા આસ્તિકો કે ધાર્મિક શ્રદ્ધાળુઓ(!?) ક્યાંય ફરકતા પણ ન હતા.

(૯) જીવનનો અર્થ

એકવાર બધા શિષ્યોએ ગુરૂજીને પૂછ્યું કે "જીવનના સાચા અર્થને જો એક જ શબ્દમાં કહેવાનું આવે તો એ શબ્દ કયો હશે?"

ત્યારે તે જ્ઞાની ગુરૂજીએ હળવા સ્મિત સાથે કહ્યું કે "માણો".

(૧૦) પોઝિટિવિટી

એક માણસ દાદર પરથી પડી ગયો અને તેથી તેનો પગ ભાંગી ગયો ત્યારે તે બોલ્યો કે "પ્રભુનો પાડ થયો કે મારી ગરદન ભાંગી ગઈ નહિ."

(૧૧) સારું-ખરાબ

એક વૃધ્ધ અનુભવી વ્યક્તિ યુવાનોને કહેતો હતો કે "મારા ખભા પર બે પ્રાણીઓ છે. એક છે કાળું પ્રાણી, જે દુષ્ટ છે અને મને સતત ખોટી વસ્તુઓ કરવાને કહેવા લલચાવે છે. મારા બીજા ખભા પર છે સફેદ પ્રાણી, તે મને સતત મારામાં જે સૌથી વધુ શ્રેષ્ઠ છે, તેની અપેક્ષા પ્રમાણે જીવવા માટે ઉત્તેજે છે."

આ સાંભળી એક યુવાને પૂછ્યું "આ બંને માંથી કયા પ્રાણીની તમારા ઉપર સૌથી વધુ સત્તા છે?"

તે અનુભવી વૃધ્ધે જવાબ આપ્યો "જેને હું ખવડાવું છું તેની."

(૧૨)સાચી સફળતા

એક શાળામાં બાળકોને પુછવામાં આવ્યું કે "તમે ભવિષ્યમાં શું થવા માંગો છો?"

ત્યારે એક બાળકના જવાબે બધાના દિલ જીતી લીધા. જવાબ હતો: "સૌથી પહેલા મારે એક સારા મનુષ્ય થવું જોઈએ; જો હું સારો મનુષ્ય બનવામાં સફળ થઈશ નહિ, તો હું કોઈ પણ કાર્યમાં સફળતા મેળવીશ નહિ."

(૧૩) સાચો ખજાનો

મરણપથારીએ પડેલા એક ખેડુતે પોતાના ત્રણ આળસુ અને કામચોર છોકરાઓને કહ્યું "દીકરાઓ! હું તમારે માટે એક જાગીર મૂકી જાઉં છું તેમાં મોટો ખજાનો છે." આ સાંભળી આળસુ છોકરાઓએ એકીસાથે પુછ્યું કે "ક્યાં છે?"

બીમાર ખેડુતે કહ્યું કે "આપણા ખેતરમાં દાટ્યો છે." આમ કહેતા તેના પ્રાણ નીકળી ગયા. ખજાનાની લાલચમાં જમીન ઉપેરનું ઢેફેઢેફું છોકરાઓએ ખોદી નાખ્યું પણ કાંઈ નીકળ્યું નહિ, પણ આથી તેઓ કામ કરતા શીખ્યા અને જયારે ખેતર વવાયાં અને વરસાદ થયો ત્યારે તેમના ભારે ખોદકામનો બદલો ઘણા પાકથી મળ્યો.

(૧૪) સાચી ફિટનેસ

શહેરમાં યોજાયેલી હાફ મેરેથોન દોડમાં ૮૦ વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ ભાગ લીધો અને સફળતા પૂર્વક ૨૧ કિ.મી. ની રેસ પૂર્ણ કરતા તેની આ ફિટનેસ વિષે પૂછવામાં આવતા તે સ્ફૂર્તિદાયક વૃદ્ધે કહ્યું કે "હું ઉદ્યોગી રહુ તે માટે કાંઈકને કાઈંક શોધી કાઢું છું, કાંઈ પણ કરતા રહેવું એ માણસે લેવાની સારામાં સારી દવા છે. હું મારા મગજને નવરું નથી પડવા દેતો તથા નિયમિત જીવનશૈલી, સપ્રમાણ ખોરાક અને દરરોજની નિયમિત કસરતથી હું આ ઉંમરે પણ આટલો ફિટ છું."

(૧૫) વધુ મહેનત

ગણિતશાસ્ત્રમાં ગોલ્ડમેડલ મેળવનારા વિદ્યાર્થીને તેની સફળતાના રહસ્ય વિશે પૂછવામાં આવતા જવાબમાં તે હોનહાર વિદ્યાર્થીએ કહ્યું કે "જયારે હું વિદ્યાપીઠમાં દાખલ થયો અને હોસ્ટેલમાં રહેતા તપાસ કરતા માલુમ પડ્યું કે મારો હરીફ એક જ છે. હું જેટલી વખત અભ્યાસ કરવા લાઈટ ચાલુ રાખતો તેના કરતા તેની બારીમાં લાઈટ વધારે ચાલુ રહેતી. પછી બીજા દિવસથી જ મેં મારા હરીફ કરતાં વધારે સમય ગાળવાનું નક્કી કર્યું અને હું સારૂ પરિણામ લાવ્યો."

(૧૬) ખંતીલો અભ્યાસ

પ્રખ્યાત માઈકલ એન્જેલો જયારે સિત્તેર ઉપરની ઉંમરનો થઇ ગયો હતો અને ઘણા લાંબા સમયથી પોતાની કલાના મહાનમાં મહાન વિજયો મેળવી ચુક્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે "હું તો હજુ અભ્યાસ કરું છું."

(૧૭) પ્રામાણિકતા

હજુ થોડાક સમય પહેલા જ ટ્રાન્સફર થઈને આવેલા સાહેબની ફરીથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા તેની ઑફિસના બે કર્મચારીઓ ચર્ચા કરતા હતા.

પેલાએ કહ્યું "આ સાહેબની આટલી બધી ટ્રાન્સફર કેમ થાય છે?"

બીજાએ કહ્યું "એ સાહેબ ખુબ જ પ્રામાણિક છે, પણ એને ખ્યાલ નથી કે અહીંયા પ્રામાણિકતા ને જ દુષ્ટતા ગણવામાં આવે છે." આમ કહીને બંનેએ ખંધુ હાસ્ય કર્યું.

**** સમાપ્ત ****

✍️...Sagar Vaishnav

નાની અસરકારક વાર્તાઓ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આશા રાખું છું કે આપને આ વાર્તાઓ પસંદ આવી હશે તો Please મારા આ નાનકડા સંગ્રહ ને તમારો યોગ્ય પ્રતિભાવ(Review) અચૂક આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો