ટુંકમાં ઘણું Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટુંકમાં ઘણું

નમસ્કાર મિત્રો, "ટૂંકમાં ઘણું-1" એ માઇક્રોફિક્શન ટાઈપ નાની વાર્તાઓનો બોધપાઠ સાથેનો સંગ્રહ છે. આ વાર્તાઓ તમેં ક્યાંક કદાચ સાંભળેલી પણ હશે કે ક્યાંક અનુભવી પણ હશે. ક્યારેક નાની વાતમાં પણ મોટો બોધપાઠ છુપાયેલો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની. તો આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને માણો.

(૧) જિજ્ઞાસુ

શિષ્યે તેના ગુરુને પૂછ્યું "તમારા પણ ગુરુના બધા જ શિષ્યોમાંથી તમને એકને જ કેમ જ્ઞાનની પ્રાપ્તિ થઇ?"

ગુરુએ સૌમ્યભાવે કહ્યું "કેમકે જ્ઞાનપિપાસા માટે હું એક જ સૌથી વધારે સાચો જિજ્ઞાસુ હતો."

(૨)સાચો પરિચય

લોકડાઉન દરમિયાન ગામમાં એક શેઠ માઈકમાં એક-એક કિલો અનાજ આપવાની જાહેરાત કરતા હતા. ફક્ત એક જ કિલો અનાજ હોવાથી અતિ જરૂરિયાતમંદ લોકો જ લેવા માટે આવ્યા અને બાકીના લોકોએ મોઢું મચકોડ્યું કે 'એક જ કિલો અનાજ આપે છે ને પાછા તો માઈકમાં જાહેરાત કરે છે.' પણ જયારે અનાજ મળેલા લોકોએ ઘરે જઈને થેલી ખોલી તો એમાંથી અનાજ ઉપરાંત ૧૫,૦૦૦ રૂપિયા રોકડા નીકળતા આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. પછી તો લોકો એ શેઠને શોધવા નીકળ્યા પણ શેઠ ક્યાંય મળ્યા નહિ અને અફસોસ કરતા કરતા પણ તેમને શેઠની સાચી ઉદારતાનો પરિચય થયો.

(૩)કેટલું મૂક્યું

શહેરના એક ધનાઢ્ય વ્યક્તિની અંતિમયાત્રામાં સ્મશાને એક વ્યક્તિએ બીજાને પૂછ્યું "કેટલું મૂકીને ગયો છે?"

પેલાએ કહ્યું "બધું જ".

(૪)સાચું હૃદય

દિલ ઉપર હજારો શાયરીઓ, કવિતાઓ, ગઝલો લખનારા જાણીતા કલાકારનું અનિયમિત જીવનશૈલી, દારૂનું વધારે પડતું વ્યસન અને બેફામ જીવાતી જિંદગીથી ફક્ત ૪૦ વર્ષની ઉમરમાંજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ડૉક્ટર બધી વિધિ પતાવીને પોતાની ચૅમ્બરમાં આવીને બેઠા અને મનમાં જ બોલ્યા "આ બધી કલાગીરી અમે પણ માણીએ છીએ, પણ પ્રેક્ટિકલ બનીને નિયમિત જીવનથી સાચા હૃદયની સંભાળ રાખીને."

(૫)અસરકારક સલાહ

જાણીતા સફળ ઉદ્યોગપતિને એક વાર પુછવામા આવ્યું "તમારી સફળતા નું રહસ્ય શું છે?"

જવાબ મળ્યો "મેં અનેકના ઉપદેશો લીધા છે, અનેકની સલાહો સાંભળી છે. પણ મારા આ અનુભવી સફેદવાળ જેટલો ઉપદેશ કોઈનો સાંભળ્યો નથી કે અંતરાત્માના અવાજ જેટલી અસરકારક સલાહ કોઈની સાંભળી નથી."

(૬)જીવનનું ચિત્ર

કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના વિદાય સંભારંભમાં એક પ્રોફેસરે કિંમતી સલાહ આપતા કહ્યું કે "જીવનનું સાચું ચિત્ર પૂરું કરવા ફક્ત આર્થિક જ નહિ પણ શારીરિક, માનસિક, આધ્યાત્મિક, પારિવારીક, સામાજિક આ બધી સ્થિતિમાં સંતુલન જાળવજો અન્યથા તમારા જીવનનું ચિત્ર અધૂરું જ રહેશે."

(૭)નિયતિ

બગીચામાં બેઠેલા એક ગ્રુપ ના યુવાનો પોતાની નિષ્ફળતા વિશે ચર્ચા કરતા હતા.

તેમાંથી એક યુવાન બોલ્યો "યાર,મારી નિયતિ જ ખરાબ છે."

આ સાંભળીને બાજુના બાકડાંમાં બેઠેલા ૯0 વર્ષના અનુભવી વડીલે ખુબ સરસ વાત કરી કે "બેટા, નિયતિ સારી કે ખરાબ જેવું કશું હોતું નથી. નિયતિ કોઈ ધ્યેય કે ટાર્ગેટ નથી કે તમે તેને પામી લો કે મેળવી લો. જયારે તમે સાચી દિશામાં ખંતપૂર્વક મહેનત કરો છો, તમે કરેલી ભુલો, તમને મળેલી સફળતા-નિષ્ફળતા એ બધાને પાર તમે જીવનના સાચા હેતુ તરફ આગળ વધો છો, તમારા જીવનના પ્રવાહ સાથે લય મેળવો છો, ત્યારે અંતમાં તમારી નિયતિ તમને શોધતી આવશે."

(૮)ખમીર

વરસાદના દુકાળમાં દૂર એક ગામમાં સેવાભાવી સંસ્થાના લોકો રાહત પહોંચાડવા માટે ગયા ત્યારે ગામના પાદરમાં બેઠેલા વયોવૃદ્ધ વડીલે પૂછ્યું "શેના માટે આવ્યા છો?"
એક સેવકે કહ્યું "રાહત પહોંચાડવા."
વડીલે કહ્યું "સારી વાત છે, તમારો ખુબ ખુબ આભાર, પણ અમારે એની જરૂર નથી. અમે લોકો બીજી ત્રીજી રીતે મહેનત કરીને અમારા પરિવારજનોનું ભરણપોષણ કરીશુ,પણ વગર મહેનતનું તો ક્યારેય નહિ ખાઈએ. અત્યારે વરસાદનો દુકાળ છે, અમારા ખમીરનો નહિ."

****

-Sagar Vaishnav

નાની અસરકારક વાર્તાઓ વાંચવા બદલ ખુબ ખુબ આભાર. આશા રાખું છું કે આપ સૌને વાર્તાઓ પસંદ આવી હશે તો Please મારા નાનકડા આ પુસ્તકને તમારો યોગ્ય પ્રતિભાવ આપજો.