Pankhighar Samajik Nisbat Dharavati Vartao books and stories free download online pdf in Gujarati

પંખીઘર: ‘સામાજિક નિસ્બત ધરાવતી વાર્તાઓ’

અનુ-આધુનિક ગુજરાતી વાર્તા સાહિત્યસ્વરૂપમાં અનેક નવી કલમો પ્રગટી તેમાં શ્રી અમૃત પરમારનું નામ પણ ધ્યાનાકર્ષક ખરું. આધુનિક સાહિત્ય તરફથી અનુ-આધુનિક સાહિત્ય તરફ ગતિ એટલે જનપદ, પ્રાદેશિક, દલિત, પીડિત, દરીબી વગેરેનું સર્વાંગી નિરૂપણ. શ્રી અમૃત પરમારની વાર્તાઓ પણ અનુ-આધુનિકતાના સંદર્ભે સામાજિક રૂઢીઓ, દલિત, પીડિત, ગરીબી વગેરેની પીડાઓ વ્યક્ત કરવા પ્રતિબદ્ધ છે. ઉપરના નિરીક્ષણો અમૃત પરમારના પ્રથમ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’(૨૦૧૯)ના આધારે જોવા રસપ્રદ બાબત થઈ પડે તેમ છે. ‘પંખીઘર’ વાર્તાસંગ્રહમાં ‘પંખીઘર’, ‘જેડીઓ’, ‘નોકરી’, મામેરું’, ‘તમે કેવા?’, ‘માંજરી’, ‘આબરૂ’, ‘દોસ્તી’, ‘પડઘા’, ‘બે દોકડા’, ‘ભડાકો’, ‘ગર્વભંગ’, ‘પાણીનું પાઉચ’, ‘એકાંત’ અને ‘માણસની ખોટ’ એમ કુલ પંદર વાર્તાઓ ગ્રંથસ્થ છે. દરેક વાર્તા વિષયવસ્તુની દૃષ્ટિએ જુદી જ તરી આવે છે. અહીં આ સંગ્રહની કેટલીક વાર્તાઓ વિશે વાત કરવાનો મારો ઉપક્રમ છે જે મારી દૃષ્ટિએ ધ્યાનાકર્ષક છે.

પ્રસ્તુત વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા છે ‘પંખીઘર’. આ વાર્તામાં ‘કાળુ’ જે વિધવા ગંગાડોશીનો પુત્ર છે અને પોતે વ્યસની અને જુગારીયો ખરો. પોતાની વીંટી , ઘડિયાળ, દોરો વગેરે જેવી વસ્તુઓ ગીરવે મૂકીને શોખ પુરા કરતાં કરતાં એક દિવસ પોતાની પત્નીના દાગીના વેચી ખાય છે. છેલ્લે કાળુની નજર ગંગાડોશી એટલે એની માની જમીન પર અટકી અને છેવટે એ બે વીઘા જમીન પણ રમેશ તંત્રીને વેચી નાખે છે. ગંગા ડોશી માથું ફૂટતી બોલે છે, “...આ કપૂતર પાચ્યો મારા કારજાના કટકા જેવી અખેપાતર ધરતી માતાનવેચવા નેકળ્યોછે...”(પૃ. ૦૩) ગંગાડોશીની લગભગ બધી સંપત્તિનું દેવાળું ફૂંકી દે છે. કાળુની પત્ની પણ કાળુને કશો ઠપકો આપતી નથી ને એ પણ મોતશોખ કરતી રહે છે. “વઉં, ભંડાર તો કુબેરના નથી ભર્યાં રે’તાં, બે હુતો હુતી મજા કરો છો. કામ કરતાં જોર આવ છ. તે ચ્યોં હુદી ચાલશે ?...” (પૃ. ૦૪) ગંગાડોશી આમ ઠપકો આપતી ને રોજે રોજ સાસુ-વહુના ઝગડા થયા જ કરતાં, એક દિવસ કાળુની પત્ની ના બોલવાનું બોલે છે ને કંટાળીને ગંગાડોશી ઘરમાં પડેલી ઉંદર મારવાની દવાના બે પડીકા પી જાય છે ને જીવન ટૂંકાવી દે છે. પોતાની માના મૃત્યુથી કાળુ ખૂબ પસ્તાય છે અને તે હવે એની માના નામે કંઈક દાન આપવા માંગતો હોય છે. શાળાના આચાર્યના કહેવાથી કાળુ ગામની ભાગોળે માના નામનું પંખીઘર બંધાવે છે. ગામ આખું કાળુના આ પંખીઘરના વખાણ કરતાં થાકતું નથી પણ આ પંખીઘર કેવી રીતે બન્યું એની સચ્ચાઈ તો ગંગાડોશીના પાડોશી લખીમા જ જાણે છે. વાર્તાનો આરંભ વર્તમાનથી થાય છે પછી વાર્તા લખીમાની સ્મૃતિમાં ચાલે છે.

આ સંગ્રહની બીજી વાર્તા છે ‘જેડીઓ’. વિધુર કાનજીડોસાએ દસ વર્ષ પહેલાં ગિરનારથી “એક સરસ ઘાટવાળો, વાંકા માથાવાળો, વધારે ગાંઠોવાળો મજબૂત જેડીઓ પસંદ કરેલો”. (પૃ. ૦૭) અને લીધો હોય છે અને આ જેડીયાથી ઊભી થતી રોજ કઠિન પરિસ્થતિની વાર્તા છે. ડોસાનો પૌત્ર બંટી અને બંટીના મા-બાપ પ્રકાશ અને સંગીતા ઘરમાં રહેતાં હોય છે. આ જેડીઆથી બંટી આખો દિવસ રમતો ને રમતાં રમતાં ક્યારેક પડી પણ જતો એટલે સંગીતા ડોસાને ના બોલવાનનું બોલતી, ‘શંકરની જેમ ઝેર પી જતો’ ડોસો ખાસ બોલે નઈ. પછી અચાનક એક દિવસ જેડીઓ રમતાં રમતાં બંટી લોહી લુહાણ થઈ જાય છે ને સંગીતા ત્રાટકે છે, “તમે અને તમારા આ જમ જેવા જેડીયાએ ભેગા થઈને મારા સાત ખોટના દીકરાનું માથું ફોડ્યું...”(પૃ. ૧૦) અને સંગીતા કાં તો પોતે રહેશે ઘરમાં કાં તો ડોસો એવું નક્કી કરે છે. ડોસાથી આ બધું સહન થતું ન હોવાથી એક રાતે તે એસીડ પી જાય છે ને જીવન ટૂંકાવે છે. પ્રકાશ અને સંગીતાને ખબર પડે છે. “પ્રકાશની નજર બાપની ફાટી ગયેલી આંખો ઉપર મંડાયેલી હતી અને સંગીતાની નજર બાપની બાજુમાં પડેલા ‘જેડીયા’ ઉપર.”(પૃ. ૧૧) અહીં વાર્તા પૂરી થાય છે. જ્યાં જેડીઓ જીવનના અંતિમ પડાવમાં સહારો બનતો હોય છે એ જેડીઓ જ વાર્તામાં મૃત્યુનું કારણ બને છે.

‘મામેરું’ વાર્તા રમેશ, મુકેશ, સવિતા અને એમની માતા ‘વાલીમા’ના મામેરા માટેના સંઘર્ષની વાર્તા છે. છે, ત્રણેયનાં લગ્ન થઈ ગયાં છે ને પોતપોતાના ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત છે. સમનું ચક્ર ચાલે છે, દીકરાઓને ઘેર દીકરા અને દીકરીને ઘેર એક ભાણો એમ પારણાં બંધાયાં. બે ભાઈઓમાં મનમેળ ઓછો. સમય જતાં ભાણો મોટો થાય અને સારી નોકરી મળે ને ઘડિયાં લગ્ન લેવાય છે, વાલીમા મામેરા માટે ખૂબ ઉત્સાહિત હોય છે. બહેન સવિતા મામેરાનું કહેવા માટે બંને ભાઈઓને શહેરમાંથી ગામડે બોલાવી ત્રણેય વાલીમા પાસે આવે છે. સવિતા મામેરું લઈને આવનાનું જણાવી આગળ બોલે છે કે, “ભાઈ જે લાવો તે પણ બૈરાં, છોકરાં અને બા બધા મળીને આવજો.”(પૃ. ૨૦) બંને ભાઈઓની ચિંતા વધતી જાય છે, બંને પાસે પૈસા તો ખૂબ છે, પણ મોટો ભાઈ નાના ભાઈને સમજાવે છે કે આપણે પૈસા નથી કાઢવા અને બાના દાગીના વેચી નાંખીએ, એટલે મામેરું થઈ જશે. નાનો ભાઈ રાજી થઈ જાય છે પણ આ વાત વાલીમાને ખબર પડતાં તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે ને તેમને ગામમાં થયેલું ઠાકોરનું મામેરું અને કુંવરબાઈનું મામેરું યાદ આવી જાય છે. છેવટે એક ભાઈ બાના દાગીના વેચી નવા દાગીના લે છે, મામેરું થાય છે. આ બધું બા વગર થાય છે કેમ કે બા ચિંતામાં ને ચિંતામાં બિમાર પડી જાય છે અને લગ્નમાં જઈ શકતાં નથી, ને લગ્નના એક અઠવાડિયા બાદ દેહત્યાગ કરે છે. લોકો ચર્ચા કરે છે કે બા નસીબદાર હતા કે ભાણો પરણાવીને ગયાં. “પણ એક ડોશી અને બીજા ભગવાન જ જાણતા હતા કે ભાણીઓ પરણાવ્યો પણ ‘મામેરું’ તો ના જોયું ડોશીએ.”(પૃ.૨૪) અહીં વાર્તાનો અંત આવે છે.

‘માંજરી’ વાર્તામાં સંતાન પ્રાપ્તિ માટે ‘શકુ’એ ભરેલું પગલું એની વાર્તા છે. ભરતની પત્ની શકુ, તેમના લગ્નને સાત સાત વર્ષો થયા છતાં સંતાન નથી, ભરતના બંને ભાઈઓને સંતાનસુખ છે. ડોક્ટર પાસે શકુ અને ભરત તપાસ કરાવે છે ને જાણ થાય છે કે ભરતમાં ખામી છે ને દવા કરાવે છે. સંતાનસુખમાં આંધળી થયેલી શકુને ધીરજ રહેતી નથી અને ગામનો જ એક ‘માંજરી’ આંખો વાળો યુવાન ‘રાજુ’ જે ભરતનો મિત્ર છે તેની સાથે મધ્યાહને ખેતરમાં દેહસંબંધ બાંધે છે. “આ વાતની કોઈને જાણ ન થાય એમાં જ તમારી ભલાઈ છે.”(પૃ. ૩૫) આટલું કહી શકુ નીકળી જાય છે. સમય એનું કામ કરે છે. ત્યાં એક દિવસ અચાનક શકુને ચક્કર અને ઉબકા આવે છે, શકુ મા બનનાવની છે. જોતજોતામાં ૯ મહિના નીકળી જાય છે ને શકુને દવાખને લઈ જઈ ઓપેરશનથી ડીલીવરી થાય છે, દીકરો જન્મે છે, પરંતુ ડીલીવરી પછી થોડાજ સમયમાં શકુ મૃત્યુ પામે છે. બધાં ઘેર જાય છે, એક બાજુ શકુનો શોક તો બીજી બાજુ પુત્રપ્રાપ્તિનો આનંદ. લોકો દીકરો જોવા આવ્યા, રૂપાળો છે, એની મા જેવો લાગે છે એવી ચર્ચા થતી હતી ત્યાં ટોળામાંથી કોઈક બોલ્યું, “ અલ્યા, આની આંખો તો માંજરી છ, આતો માંજરો છ, એની મા ક્યાં માંજરી હતી?”(પૃ. ૩૮) રાજુ આ સાંભળી ત્યાંથી ચાલ્યો જાય છે અને વાર્તા પૂરી થાય છે. અહીં આપણને પન્નાલાલ પટેલની ‘કંકુ’ વાર્તા યાદ આવી જાય.

‘પડઘા’ વાર્તા પેટનો ખાડો પુરવા માટે થતા દેહવ્યાપારની અને ગરીબીના દર્શન કરાવતી કરુણવાર્તા છે. વાર્તામાં લાલપુરાથી અંબાજી જવા સંઘ નીકળ્યો છે. બોલ માડી અંબે ...જય જય અંબે..ના નાદ સંઘમાં ગુંજે છે, સંઘમાં પાંત્રીસ વર્ષના લાલો અને કાળુ રઘવાયા સાંઢ જેવાં બે યુવાન પણ છે. કાળુ વિધુર અને લાલો કુંવારો છે. સંઘ ચાલતો નાદ કરતો અરવલ્લીની ડુંગરમાળામાં એક ધર્મશાળામાં રોકાય છે. સાંજે બધાં કામમાં વ્યસ્ત હોય છે ત્યારે લાલો અને કાળુ ત્યાંથી છટકી જઈ જંગલમાં પોતાની વાસના સંતોષવા નીકળી પડે છે. ત્યાં નજીક જ એક વિધવા ‘લાખુ’ અને તેની સત્તર વર્ષની દીકરી ‘ભૂરી’ છાપરામાં રહે છે, લાખુ ખૂબ ગરીબ હોવાથી દેહવ્યાપાર કરતી અને પોતાનું અને દીકરીનું પેટ ભરતી, પણ હવે પોતે ક્ષય રોગથી પીડાય છે. લાલો અને કાળુ ફરતા ફરતા આ છાપરા પાસે આવે છે ને મનની વાત મૂકે છે, લાખુ પોતાને એમની સમક્ષ મૂકે છે પણ, “ના ભાઈ ના , આમાં તો .. મજા નઈ આવે.” (પૃ. ૫૭) કહી લાલો ના પાડે છે ને બીજું કોઈ હોય એની માંગણી કરે છે ને લાખુ પેટને ખાતર પોતાની દીકરી ભૂરીને ચારસો રૂપિયામાં ભૂખ્યા વરુ જેવા લાલો અને કાળુને સાંપી ત્યાંથી બજારમાં મકાઈ લેવા નીકળી જાય છે. થોડી જ વારમાં “કબૂતરી જેવી ભૂરીને બે-બે શિકારી કૂતરાઓ વચ્ચે સસલાનું બચ્ચું ચૂંથાઈ જાય એમ ભૂરી પીંખાઈ ગઈ..”(પૃ. ૫૮) અને બંને ત્યાંથી પાછા સંઘમાં ચાલ્યા જાય છે. બેભાન અવસ્થામાં કણસી રહેલી ભૂરી “ કોં ગી ... માડી .... માડી” બૂમો પાડે છે ને છાપરામાં માડી.... માડી...ના પડઘા પાડે છે. અને બીજી તરફ સંઘમાં માઈકમાં “બોલ માડી અંબે ... બોલ માડી...માડી...માડી...”ના પડઘા ડુંગરોમાં સમાઈ જાય છે.

‘પાણીનું પાઉચ’ વાર્તા ‘બાબો’ નામના છોકરાની સંઘર્ષની છે. હાઇવેની ચોકડીની બાજુમાં પોતાની વિધવા મા અને બે બહેનો સાથે બાબો રહે છે. બાબો બારમામાં ભણે છે. બાબાના પિતા ટ્રક ડ્રાઈવર હતા જે કેટલાંક વર્ષો પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. દરેક માની જેમ બાબાની માને પણ ઈચ્છા હતી કે બાબો સારું એવું ભણીને નોકરી લે એટલે પછી શાંતિથી જીવન ગુજરે. પણ હવે તો બાબાના પિતા મૃત્યુ પામ્યા છે તો આવક પણ બંધ થઈ ગઈ એટલે હવે બાબો હાઇવે પર પાણીના પાઉચ વેચવાનું શરૂ કરે છે. ઘરમાં થોડી આવક થઈ. બાબાનું મન હવે ભણવામાં ન હતું ને ઘરમાં આર્થિક રીતે મદદ કરવામાં હતું. બાબો પાઉચ વેચતો એટલે કેટલીક સ્ત્રીઓના અંગ પર દાગીના જોતો અને મનમાં થતું કે હું પણ મારી માને સોનાના દાગીના અપાવીશ. રોજ મોડા સુધી પાઉચ વેચીને રાત્રે ઘેર આવી પૈસાનો નાનો ઢગલો કરતો અને માને દાગીનાનું કહેતો ત્યારે એકવાર મા બોલી, “....આ ઢગલો રૂપિયામાંથી બેટા આવા તો હજાર ઢગલા કરન તાણ એક દોરો આવ.” (પૃ. ૮૦) ભાદરવી પૂનમ આવે છે બાબો પૈસા માટે વધુ ને વધુ પાઉચ વેચે છે ત્યાં એક દિવસ અચાનક રોડ ઓળંગતા બાબાનો અકસ્માત થાય છે ને બાબો મૃત્યુ પામે છે. લોકો ટોળે વળે છે, એની લાશ ઉપર કપડું ઓઢાડે છે, પોલીસ આવી તે કપડું હટાવે છે ત્યાં દ્રશ્ય એવું છે કે, ‘એક હાથમાં કોણીએ પાઉચની ડોલ હતી. તેમાં થોડાં પાઉચ હતાં. થોડાં નીચે ઢોળાઈ ગયેલાં હતાં અને બીજાં હાથમાં એક પાણીનું પાઉચ હતું.’(પૃ. ૮૧) આ વાર્તા સાથે આપણને માય ડીયર જયુની ‘છકડો’ વાર્તાના નાયક ‘ગિલા’ની યાદ આવે, ગિલાની જેમ અહિયાં પણ બાબો પૈસા માટે વધુને વધુ દોડધામ કરતો હોય છે ને છેલ્લે ‘ગિલા’નું અકસ્માતથી મૃત્યુ થાય છે, બંને વાર્તાનાયકો એક સરખા લાગે.

સામગ્રીનું કળામાં રૂપાંતર કરવા માટે સર્જક ભાષાકર્મ, બોલી, વર્ણન, કહેવત વગેરેનો કળા પ્રયુક્તિનો વિનિયોગ કરતો હોય છે, આ વાર્તાઓમાં જોઈએ તો-

“અલી ! લખી કાંઈ જોણ્યું તેં પેલી ગંગાના છોકરા કારિયાએ ચબૂતરો બનાવરાયો. ગોંમ આખું એનાં વખાણ કરતાં થાકતું નથી.” (પૃ. ૦૨)

“લખીમા હું શું કરું? મારો કારિયો નપાવટ પાચ્યો. રોજ રોજ ઝગડા એના નામની હોરી, એકેય દાળો કોરો જતો નથી. કાયમ હૈયા હોરી હોય છે. લખીમા હું તો થાચી. એનો બાપ મરી જ્યોં એવી હું મરી જઈ હોત તો હારું. આ દા’ડા જોવાના તો ના આવત” (પૃ. ૦૨)

“એટલા થાય જ મોંઘવારી છ. સોનું આસમાને છ. ચાંદીએ ચ્યાં સસ્તી છ. વળી અતાર લુઘડાના ચેટલા બધા રૂપિયા થાય છ. તમનેય ભગવાને ઘણું આપ્યું છ. એક જ બુન છ ન એક જ ભાણો, મારું તો મન થાય છ ક સારું મામેરું કરો. પછી તમારો વિચાર. હું તો હવ ઘોરમાં છુ” (પૃ. ૨૧)

“બરાબર મધ્યાહનના સૂરજ તપતો હતો. જગત આખું શાંત હતું, ક્યાંક સમડી આભમાં ફેરા ફરતી હતી. પંખીઓ માળામાં લપાઈ ગયાં હતાં” (પૃ. ૩૫)

“અરવલ્લીની ડુંગરમાળામાં લીલોતરી છવાઈ છે. ચારે બાજુથી માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. હૈયે હૈયું દબાય એવી ભીડ છે. સરકારી તંત્ર અને સેવાભાવી માણસો વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભક્તોની ભરતીથી મહેરામણ ગાજી રહ્યો છે” (પૃ. ૫૪)

“મુવા પછી કેય લે બાપા ખીચડી” (પૃ. ૦૨)

કેટલાંક અલંકારો પણ સર્જકે નિરૂપ્યા છે, જેવા કે-

“શંકરની જેમ ઝેર પી જતા” (પૃ. ૦૯)

“જમ જેવા જેડીઆ” (પૃ. ૧૦)

“ભૂખ્યા વરુ જેવા બે જણા” (પૃ. ૫૮)

“સવારથી જ સૂરજ જાણે મેશ લઈને ઊગ્યો હતો” (પૃ. ૦૯)

“બાના કાળજા ઉપર કરવત ફરી રહી હતી” (પૃ. ૨૨)

ઉપરોક્ત વાર્તાઓમાં પાત્રોના સંઘર્ષ જોઈએ તો ‘પંખીઘર’ વાર્તામાં ગંગાડોશીનો તેના દીકરા અને દીકરાની વહુ સાથેનો બાહ્ય સંઘર્ષ અને પોતાના પતિનું મૃત્યુ યાદ કરતી વખતનો આંતરિક સંઘર્ષ જોઈ શકાય છે. ‘જેડીઓ’ વાર્તામાં કાનજી ડોસાનો દીકરાની વહુ સાથેનો સંઘર્ષ, તો ‘મામેરું’ વાર્તામાં વાલીમાનો મામેરાની ચિંતાથી થતો આંતરિક સંઘર્ષ ધ્યાન ખેંચે છે. ‘માંજરી’ વાર્તામાં શકુનો સંતાનપ્રાપ્તિ માટે આંતરિક સંઘર્ષ. ‘પડઘા’ વાર્તામાં લાખુનો ગરીબી દૂર કરવા કરતી દેહવ્યાપારનો સંઘર્ષ તો એની દીકરી ભૂરીનો પણ વાર્તાના અંતે કરુણ બાહ્ય સંઘર્ષ જોવા મળે છે. ‘પાણીનું પાઉચ’ વાર્તામાં વિધવા માનો ગરીબી સામે આંતરિક અને બાહ્ય સંઘર્ષ તો બાબાનો પણ સંઘર્ષ જોઈ શકાય છે.

આ વાર્તાસંગ્રહની કેટલીક ઊડીને આંખે વળગે એવી થોડી મર્યાદાઓ જોઈએ તો સર્જક મોટાભાગની વાર્તાઓમાં પાત્રોને સંઘર્ષમાં મૂકીને ઉજ્જવળ બનાવવાના બદલે મૃત્યુનો સંદર્ભ આપી વાર્તામાંથી કાઢી નાખવાનું પસંદ કરે છે. પાત્રોના મૃત્યુ કરતાં સર્જકે બીજો કોઈ રસ્તો અપનાવ્યો હોત તો કંઈક નાવીન્યપૂર્ણ થયું હોત, મોટાભાગની વાર્તાઓ છેલ્લે કરુણરસમાં ઢળી જાય છે. ઉપરાંત સર્જકે આ આખા વાર્તાસંગ્રહમાં ‘પંખીઘર’, ‘જેડીઓ’, ‘પાણીનું પાઉચ’ વાર્તાઓને બાદ કરતાં અન્ય કોઈ વાર્તાઓમાં વિશિષ્ઠ કળા સંદર્ભો અર્થાત્ નૂતન પ્રતિકો, કલ્પનો, પુરાકલ્પનો પ્રગટવી શક્યા નથી. કેટલીક વાર્તાઓમાં વર્ણનો, સંઘર્ષો તાદૃશ્ય કરાવી શક્યા હોત તો વાર્તાઓ વધુ આસ્વાધ્ય બની શકી હોત.

આમ, સમગ્રરીતે જોતાં અમૃત પરમારના આ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’માંથી પસાર થતાં આપણા સમાજની કેટલીક સમસ્યાઓ, કૌટુંબિક પ્રશ્નો, રાગ-દ્વેષ, સામાજિક વ્યવહારો વગેરે માંથી ઊભા થતા પ્રશ્નો હૃદયસ્પર્શી બન્યા છે. સંગ્રહની બધી જ વાર્તાઓ ભાવકોને શીરાની જેમ ઉતરી જાય એવી છે અને આસ્વદ્યાત્મક પણ છે. આથી અંતે કહી શકાય કે ‘પંખીઘર’ની વાર્તાઓ સામાજિક નિસ્બત ધરાવતી વાર્તાઓ બની રહે છે. આપણે અપેક્ષા રાખીએ કે અમૃત પરમાર પાસેથી પ્રાપ્ત થતા બીજા વાર્તાસંગ્રહમાં સામાજિક નિસ્બત સાથે સાથે કળા નિસ્બત પણ પ્રગટે, એવી અપેક્ષા સાથે અટકું છું.

(પંખીઘર, લે: અમૃત પરમાર, પ્રકાશક: પોતે, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૯, મૂલ્ય: ૧૨૫/- રૂપિયા)


-હાર્દિક પ્રજાપતિ

hardikkumar672@gmail.com

Mo: 8141125140, 8320600582

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED