નૉર્વેને ગુડ બાય કર્યું અને અમારા છેલ્લા મુકામ ડેન્માર્કની રાજધાની કોપનહેગન જવા માટેની ફ્લાઇટ પકડી. ત્યાં ઉતરીને અમે અમારા કોપનહેગન કાર્ડ લીધા અને ટર્મિનલમાંથી જ એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેઈન પકડીને સીટી સેન્ટર ગયા. અમારી હોટલ સામે જ હતી. અમે પહોંચ્યા ત્યારે લગભગ દસ વાગી ગયા હતા. હોટલ ઘણી ફૂલ હતી એટલે બંકીમભાઇ અને દિલીપભાઈને અપગ્રેડ કરીને સરસ એપાર્ટમેન્ટ આપી દીધા.
કોપનહેગન બીજા ઘણા સ્કેન્ડિનેવિયાના શહેરોની જેમ ચાલવા અને સાયકલ ચલાવવા માટે એકદમ અનુકૂળ છે. અમે સવારે ફરવાની શરૂઆત લિટલ મરમેઇડ થી કરી. આમ નજીક લાગતું હતું પણ અડધોએક કલાક ચાલવું પડ્યું. પણ રસ્તાઓ સુંદર અને લગભગ ખાલી હતા અને સવારમાં વાતાવરણ પણ ખુશનુમા હતું એટલે ભારે ન લાગ્યું. કોપનહેગન બંદરના લાન્ગેલિની ઓવારાના કિનારે એક ખડક પર આ શિલ્પકૃતિ સો વર્ષથી વધુ સમય પહેલા બેસાડવામાં આવી છે. એરિક્સન નામના શિલ્પી એ બનાવેલી બ્રૉન્ઝની આ મૂર્તિ લગભગ ચાર ફુટ ઊંચી છે. જેમ ન્યુયોર્ક માટે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એમ જ લિટલ મરમેઇડ કોપનહેગન શહેરની ઓળખ સમી આઇકોનિક ગણાય છે.
મરમેઇડ એટલે મત્સ્યકન્યા - ઉપરનું શરીર સ્ત્રીનું હોય અને નીચેનો ભાગ માછલીનો હોય. પ્રખ્યાત ડેનિશ લેખક હાન્સ ક્રિસ્ટીઅન એન્ડરસન ની જાણીતી વાર્તા લિટલ મરમેઇડ પરથી બનાવેલ ઓપેરા કાર્લ્સબર્ગ બિયર ના માલિકને બહુ ગમી ગયું અને એણે એની નાયિકાને લઈને આ મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો. એવું કહેવાય છે કે એ નાયિકાએ નગ્ન પોઝ આપવાની ના પાડી એટલે એ અસલ મૂર્તિમાં ચહેરો એનો હતો અને શરીર શિલ્પીની પત્નીનું હતું. એ ખડક, જેની પર એ મૂર્તિ મૂકી છે એ કિનારાની અડોઅડ છે એટલે એ મૂર્તિની સાથે ફોટા પડાવી શકાય છે. પણ નજીક છે એટલે એને બગાડનારા લોકો ત્યાં પણ હોય છે. દરેક પ્રદર્શનકારીઓ કે વિરોધ દર્શાવનારાઓ એની સાથે છેડછાડ કરે છે. બે વખત તો એનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું! ઓસ્લોના વિગેલાન્ડ પાર્ક ની નગ્ન પ્રતિમાની જેમ લિટલ મરમેઇડ ને પણ વિરોધ દર્શાવવા કપડાં કે સ્કાર્ફ કે બુરખો પહેરાવી દેવાય છે! આ મૂર્તિ અમે બીજી વાર ક્રુઝ બોટ પરથી પણ જોઈ. દરેક ક્રુઝ બોટ અહીં આવી રોકાય છે. એટલે જમીન પરથી ચાલીને આવવા વાળા લોકો થોડા ઓછા હોય અને ગીર્દી પણ ઓછી થાય. લિટલ મરમેઇડ સુંદર છે પણ એને આઇકોનિક ગણવું અતિરેક કહી શકાય એવો મારો અભિપ્રાય છે!
ત્યાંથી કિનારે જ ચાલતા ચાલતા અમે નજીકમાં આવેલા અમેલિએનબોર્ગ પહોંચ્યા. આ ડેન્માર્કના રાજઘરાનાનું નિવાસસ્થાન છે. વચ્ચે એક મોટો અષ્ટકોણ આકારનો પેલેસ સ્કવેર છે અને એની આસપાસ ચાર સરખા લાગતા મોટા મહેલો છે. સ્કવેરમાં વચ્ચે અઢારમી સદીના રાજાનું ઘોડા પાર બેઠા હોય એવું પૂતળું મૂક્યું છે. એક મહેલના અડધા ભાગમાં મ્યુઝિયમ બનાવ્યું છે એટલે એ મકાન સામાન્ય લોકો માટે ખુલ્લું છે. બાકીના ત્રણ મહેલોમાં રોયલ ફેમિલી ના જુદા જુદા લોકો રહે છે. પહેલા અમે મ્યુઝિયમ જોઈ આવ્યા. આગળ લેખોમાં જણાવ્યું હતું તે મુજબ સ્કેન્ડિનેવિયાના દેશોમાં પહેલા સ્વીડન અને ડેનમાર્ક વધુ જોરાવર રાજ્યો હતા. એટલે એના રાજાઓના ઠાઠ વધુ હોય જ. મહેલના જુદા જુદા ઓરડાઓ અને એમાં ગોઠવેલા પેઇન્ટિંગ, સ્કલ્પચર, મેડલ, શસ્ત્રો વગેરેની ભવ્યતા જોઈને અમે ફરી નીચે આવ્યા.
પેલેસ હોય એટલે એના ગાર્ડ હોય અને યુરોપના પેલેસ ગાર્ડના પોશાક ખરેખર જોવા લાયક હોય છે. ડેન્માર્કના પેલેસ ગાર્ડ કાળો ઓવરકોટ અને ભૂરા પેન્ટમાં હોય છે અને ઉપર મોટો કાળો ટોપો પહેરે છે. બ્રિટનના પેલેસ ગાર્ડ નો લાલ રંગ નો કોટ અને કાળો પેન્ટ વધારે જાણીતો હશે. અમને ત્યાં ખબર પડી હતી કે બપોરે બાર વાગ્યે ગાર્ડ્સની ફરજ બદલાય એટલે તે સમયે ચેન્જ ઓફ ગાર્ડ થશે. બેરેકમાંથી પોતાની ફરજ પર આવતા ગાર્ડ એક નાની વિધિ કરતા હોય એ રીતે માર્ચ કરતા કરતા પેલેસ સ્કવેરમાં આવ્યા. પછી શિસ્તબદ્ધ રીતે આખા કેમ્પસમાં પોતાની જગ્યાએ પહોંચ્યા અને ડ્યુટી પરના ગાર્ડની જગ્યા લીધી. એક જગ્યા પર ગાર્ડ બે કલાક ઊભા રહે છે. આખી સેરિમની વ્યવસ્થિત રીતે જોઈ શકાય એવી વ્યવસ્થા હતી.
અડધા માનવ, અડધા પ્રાણી :
પ્રાણી સાથે જોડાયેલ માનવ શરીરની વાત કરવામાં આવે તો હિંદુઓને પહેલો વિચાર શ્રી ગણેશજી નો આવે. જોકે વિષ્ણુ ભગવાનના દશાવતારમાં મત્સ્ય, કુરમા, વરાહ અને નરસિંહ અવતાર પણ આ પ્રકારના જોડિયા અવતાર છે. મરમેઇડ કે મત્સ્યકન્યા એક ખૂબ જાણીતું જોડકું પાત્ર છે. પંખી સાથેનું હાઈબ્રીડ કિન્નર અને એંજલ કહેવાય છે. પરી પણ આ વિભાગમાં ગણી શકાય. સેન્ટોર અને સેટિર માનવ-ઘોડા હાઈબ્રીડના નામ છે. પાંખ વાળો ઘોડો પેગેસસ પણ એક પ્રખ્યાત પાત્ર છે. ઈચ્છાધારી નાગિન અને વેરવુલ્ફ ફિલ્મોને લીધે જાણીતા બનેલા આકાર બદલી શકે એવા પાત્રો છે.
ધ લોન્લી પ્લેનેટ ની ચોપડીઓ અને વેબસાઈટ પ્રવાસીઓમાં ખૂબ જાણીતા છે. હમણાં તેના એક સર્વેમાં પ્રવાસીઓને પૂછવામાં આવ્યું કે હમણાં તેઓ કયા શહેરમાં જવાનું પસંદ કરશે? તે તેમાં પ્રથમ ક્રમ કોપનહેગનનો આવ્યો. તે શહેરના લિટલ મરમેઇડ અને તેનો રાજમહેલ અમેલિનબોર્ગ જોઈને અમે બીજું એક ભવ્ય કોમ્પ્લેક્સ ક્રિસ્ટીઅનબોર્ગ જોવા ગયા.
ક્રિસ્ટીઅનબોર્ગ પણ એક રાજમહેલ છે. પણ અત્યારે એ મહેલમાં પાર્લામેન્ટ, સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાનની કચેરી કાર્યરત છે. આમ દેશની ત્રણે શાખા - લેજિસ્લેટિવ, એક્ઝીક્યુટીવ અને જ્યુડીશિયરી આ મકાનમાં છે. તે ઉપરાંત ઘણા ભવ્ય રોયલ રિસેપશન હોલ છે જેમાં વિદેશી નેતાઓનું સ્વાગત થાય છે અને બીજા અગત્યના ફંક્શન યોજાય છે. રાજ પરિવાર અહીં રહેતો નથી પણ વિદેશી એલચીઓ અહીં રાણીને થ્રોન રૂમમાં મળે છે. સૌથી મોટા હોલનું નામ છે ધ ગ્રેટ હોલ. એમાં દીવાલ પર થોડા થોડા અંતરે મહારાણીની ટેપેસ્ટ્રીઓ લગાવવામાં આવી છે. આ સુંદર વણેલા અગિયાર પડદાઓમાં ડેન્માર્કની રાજાશાહીનો ઇતિહાસ, દુનિયાની એઇતિહાસિક ઘટનાઓ સાથે ગૂંથી લેવામાં આવ્યો છે. બાજુમાં એલેક્ઝાન્દ્રા હોલમાં ભોજન સમારંભ યોજાય છે. અમે થોડા સમય માટે એક ગાઇડેડ ટુર લીધી પણ પછી અમારી રીતે જલ્દી મહેલ જોઈ કાઢ્યો! સુપ્રીમ કોર્ટ કે પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસ તરફ પ્રવાસીઓને જવા દેવામાં આવતા નથી.
આ રાજમહેલને ક્રિસ્ટીઅનબોર્ગ - 3 કહી શકાય. આજ જગ્યા પર બીજા બે મહેલો બન્યા હતા પણ કાળક્રમે બળી ગયા કે તૂટી ગયા. બારમી સદીમાં બનેલા પહેલા મહેલમાં રાજનિવાસ પણ હતો. અઢારમી સદીમાં અને ઓગણીસમી સદીમાં એ મહેલ આગને કારણે ફરી બનાવવો પડ્યો. હજુ પણ અહીં ભોંયરામાં આ ખંડેરો - રૂઈન્સ તરીકે સાચવી રાખ્યા છે અને એને જોવા જઈ શકાય છે. ત્રીજો જોવા જેવો ભાગ છે રોયલ સ્ટેબલ્સ! ભવ્ય ઘોડાઓ અને બગીઓનું મોટું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે. છેલ્લા 200-300 વર્ષની બગીઓ અહીં જોવા મળે છે. આખા પેલેસ કોમ્પ્લેક્સમાં એક નહેર પણ પસાર થાય છે જેની પર એક સુંદર માર્બલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ખૂબ વિશાળ મહેલના કોમ્પ્લેક્સમાં ફરી ફરીને સાંજ પડી ગઈ - થાક્યા પણ હતા એટલે પછી હોટલ જઈ થોડો આરામ કર્યો અને ભોજન માટે ગયા.
જમીને અમે ટિવોલી જોવા ગયા. ટિવોલી ગાર્ડન દુનિયાનો બીજો સૌથી જૂનો એમ્યુઝમેન્ટ પાર્ક છે. કહે છે કે વોલ્ટ ડિઝનીને ડિઝનીલેન્ડ બનાવવાની પ્રેરણા ટિવોલી પરથી મળી હતી. રસપ્રદ વાત એ છે કે ટિવોલીના સ્થાપક કાર્સ્ટેન્સન જયારે ડેનમાર્કના રાજા પાસે પરવાનગી લેવા ગયા ત્યારે એમણે રાજાને કહેલું કે લોકોના આનંદ- પ્રમોદ માટે આ બનાવવા દો - લોકો મજા કરતા હોય ત્યારે રાજકારણ ઓછું યાદ આવે!! એમ્યુઝમેન્ટ પાર્ક એટલે બહુ બધી રાઈડ અને રોલર કોસ્ટર હોય જેમાં અમને સિનિયર સિટિઝનને રસ નહોતો. પણ રાત્રે ત્યાં સરસ લાઇટિંગ કરે છે એટલે રાત્રે ત્યાં જવું જ જોઈએ. તે ઉપરાંત ત્યાં થિયેટર, મ્યુઝિક શો, ચાલતા રહે છે. એનું માઇમ થિયેટર પણ પ્રખ્યાત છે. ઘણી રેસ્ટોરન્ટ પણ છે. અમે જમીને ગયા હતા અને આખો દિવસ ચાલીને પણ થાકેલા એટલે ફક્ત આઈસ્ક્રીમનો આનંદ લીધો.
એ રાત અમારી ટુરની કોઈ શહેરમાં છેલ્લી રાત હતી. બીજા દિવસે ફરીને અમારે રાત્રે રિટર્ન ફ્લાઇટ પકડવાની હતી. એટલે છેલ્લી વાત કરી આ સફરને વિરામ આપીશું!
આખરે અમારી ટૂરનો છેલ્લો દિવસ આવી ગયો. જેમ કોઈ પણ પ્રવાસમાં છેલ્લો દિવસ આવે એટલે ઘર યાદ આવવા માંડે એમ મને પણ આ સિઝનનો છેલ્લો એપિસોડ લખતાં આરામ દેખાઈ રહ્યો છે! આમ પણ એ દિવસે અમારા સાથી જ્યોતિબેન સવારે અમેરિકા માટે નીકળવાના હતા એટલે અમે મોટા ભાગની અગત્યની જોવાજેવી વસ્તુઓ - ધ લિટલ મરમેઇડ, રાજમહેલ અમેલિઓનબોર્ગ, ક્રિસ્ટીઅનબોર્ગ અને ટિવોલી આગલે દિવસે જ પતાવી દીધું હતું. સવારે અમે જ્યોતિબેનને એરપોર્ટ મૂકી દીધા અને પછી બધાએ બંકીમભાઈના ટેરેસ એપાર્ટમેન્ટમાં બેસી નાસ્તો કર્યો. એમાં જો કે મહિલાઓનું મોટા ભાગનું ધ્યાન કયો નાસ્તો પતાવવાનો છે અને કયો ફોરેન રિટર્ન તરીકે રાખવાનો છે એના પર હતું!
તૈયાર થઈને અમે ચેક આઉટ કરીને સામાન ત્યાંજ રહેવા દીધો અને બાકીના સ્થળો જોવા નીકળ્યા. સૌથી પહેલા અમે રોઝેનબોર્ગ કાસલ પહોંચ્યા. સત્તરમી સદીની શરૂઆતમાં ડેનમાર્ક ના રાજા ક્રિસ્ટીઅન-4 દ્વારા બનાવાયેલો આ કિલ્લો એના મહેલ તરીકે વપરાતો હતો. એ રાજાએ આર્કિટેક્ટ અને બિલ્ડર તરીકે સારી નામના મેળવી હતી. અત્યારે એ કિલ્લાનું મુખ્ય આકર્ષણ છે એમાં રાખવામાં આવેલા ક્રાઉન જ્વેલ્સ - રાજમુગટ, શાહી તલવાર અને શાહી દાગીનાઓ. ભોંયરાના વોલ્ટમાં આ બહુમૂલ્ય દાગીના રાખવામાં આવ્યા છે - મુખ્ય ચાર સેટ છે - હીરા, મોતી, માણેક અને નીલમ જડેલા આ ચાર સેટ રાણી પ્રસંગોપાત વાપરે છે. સરસ ઘરેણા સાથે પત્નીના ફોટા પાડી ખુશ થયા અને પછી ઉપર મહેલ ના સરસ ઓરડાઓ જોવા ગયા. એક સુંદર હોલ છે - નાઈટ્સ હોલ (knights' hall). આ વીરોનાં હોલમાં રાજ્યાભિષેકના સિંહાસનો રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત ત્રણ મોટા ચાંદીના સિંહ આસપાસ ગોઠવવામાં આવ્યા છે. દીવાલો પર તે જમાનાની સ્ટાઇલ પ્રમાણે ટેપેસ્ટ્રી પર ચિત્રકલા કરવામાં આવી છે અને એમાં ડેનમાર્ક-સ્વીડનની લડાઈઓને વણી લેવામાં આવી છે.
સ્કેન્ડિનેવિયા ના ચાર દેશોની રાજધાનીઓ જે અમે જોઈ, એ દરેકમાં અસંખ્ય અને જુદા જુદા મ્યુઝિયમો જોવા મળ્યા. કોપનહેગનમાં પણ રાજઘરાના ના મ્યુઝિયમો સિવાય અમે બે અનોખા મ્યુઝિયમ જોયા, જે અમને બાળપણની યાદો તાજી કરાવી ગયા. એક હતું રિપ્લિ નું બીલીવ ઈટ ઓર નોટ મ્યુઝિયમ. રિપ્લિ ના કોમિક્સ અને કોલમ ઘણા બધા છાપાઓમાં પહેલા આવતા. દુનિયાની માનવામાં ન આવે એવી અજાયબીઓ એ લોકો ભેગી કરીને આપણી સમક્ષ લઇ આવે છે. જોવાની મજા આવી ગઈ. બીજું મ્યુઝિયમ તેના પ્રખ્યાત લેખક હાન્સ ક્રિસ્ટીઅન એન્ડરસન ના માનમાં બનાવવામાં આવ્યું છે. એમાં એમની લિટલ મરમેઇડ સહિતની અમુક વાર્તાઓ પણ પૂતળાંઓ અને ઓડીઓ સાથે બતાવી છે.
અમારો છેલ્લો કાર્યક્રમ હતો કાર્લ્સબર્ગ એક્સપિરિયન્સ! બિયર ના શોખીન લોકો માટે કાર્લ્સબર્ગ નામ અજાણ્યું નથી. વીસમી સદીની શરૂઆતમાં કોપનહેગનમાં આ બિયર બ્રુઅરીની શરૂઆત થઇ હતી. અત્યારે એ જગ્યા ઉપર ઇતિહાસ અને બિયર નો સંગમ જોવા મળે છે. શહેરમાં અમુક જગ્યાઓથી કાર્લ્સબર્ગ ની બસ પ્રવાસીઓને કાર્લ્સબર્ગ ફેક્ટરી પર લઇ જાય છે. ત્યાં ટિકિટ લઈને બ્રુઅરી અને મ્યુઝિયમની મુલાકાત લઇ શકાય છે. અમે ગાઈડ ની ચિંતા કર્યા વગર બ્રુઅરીનું વિહંગાવલોકન કરી લીધું. ત્યાંના મ્યુઝિયમમાં એક અજોડ સંગ્રહ છે અને તે છે અકબંધ બિયરની બાટલીઓનો - દુનિયાના દરેક દેશના દરેક બિયર ની એક વણખોલેલી બાટલી અહીં જોવા મળે છે અને એ લોકો રોજ એમાં ઉમેરો કરતા જાય છે. અમે સપ્ટેમ્બરમાં ગયા ત્યારે લગભગ સત્તર હજાર બોટલ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ સમયે ત્યાં રીનોવેશન ચાલી રહ્યું છે એટલે અત્યારે જનારા લોકોએ આ અનુભવમાંથી બાકાત રહેવું પડશે. એમાંથી બહાર આવીને કમ્પાઉન્ડમાં અમે ધ લિટલ મરમેઇડની પ્રતિકૃતિ જોઈ. એટલે યાદ આવ્યું કે મૂળ પ્રતિમા પણ કાર્લ્સબર્ગ ના માલિકે જ બનાવડાવી હતી. છેલ્લે બહાર નીકળતી વખતે પહેલા બિયર સ્ટોરમાંથી પસાર થવાનું હતું જ્યાં એ લોકોએ એમની બધી બ્રાન્ડ બતાવી અને એક નવી બ્રાન્ડ - શેમપેઇન-બિયર પણ બતાવી. ત્યાંથી બહાર નીકળો એટલે રેસ્ટોરન્ટમાં તમારી પસંદગીનો એક બિયર અથવા સોફ્ટ ડ્રિન્ક મળે. પાછા ફરવા માટેની કાર્લ્સબર્ગ ની છેલ્લી ફ્રી શટલ બસનો સમય થયો હતો એટલે અમે એ પકડી શહેરમાં પહોંચ્યા. ત્યાંથી સામાન લઈને એરપોર્ટ ગયા અને સ્વદેશની ફ્લાઇટ પકડી.
આ લેખમાળાની આ સિરીઝ ની શરૂઆત મુસાફરી અને પ્રવાસ વિશેના જાણીતા અવતરણોથી કરી હતી. પ્રવાસને છેલ્લે દિવસે હાન્સ ક્રિસ્ટીઅન એન્ડરસનનું જે મ્યુઝિયમ જોયું તેમાં એ પ્રખ્યાત લેખકનો એક ક્વૉટ મૂકવામાં આવ્યો છે - ટુ ટ્રાવેલ ઇસ ટુ લિવ - પ્રવાસ કરવો એ જીવવું છે! એન્ડરસન એમના ટ્રાવેલોગ માટે જાણીતા હતા. આપણે પણ આ ટ્રાવેલોગ ને અત્યારે વિરામ આપીયે અને ભવિષ્યમાં અમને કોઈ સફરનો લાભ મળશે તો તે વિસ્મય આપની સાથે શેર કરવા ફરી મળીશું. આપના પ્રેમાળ ફીડબેક માટે ખૂબ ખૂબ આભાર!
આ લેખમાળાની આ સિરીઝ ની શરૂઆત મુસાફરી અને પ્રવાસ વિશેના જાણીતા અવતરણોથી કરી હતી. પ્રવાસને છેલ્લે દિવસે હાન્સ ક્રિસ્ટીઅન એન્ડરસનનું જે મ્યુઝિયમ જોયું તેમાં એ પ્રખ્યાત લેખકનો એક ક્વૉટ મૂકવામાં આવ્યો છે - ટુ ટ્રાવેલ ઇસ ટુ લિવ - પ્રવાસ કરવો એ જીવવું છે! એન્ડરસન એમના ટ્રાવેલોગ માટે જાણીતા હતા. આપણે પણ આ ટ્રાવેલોગ ને અત્યારે વિરામ આપીયે અને ભવિષ્યમાં અમને કોઈ સફરનો લાભ મળશે તો તે વિસ્મય આપની સાથે શેર કરવા ફરી મળીશું. આપના પ્રેમાળ ફીડબેક માટે ખૂબ ખૂબ આભાર!