Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેન્ડિનેવિયાની સફરે –4. અંતરિયાળ નોર્વે અને બર્ગેન

ઓસ્લોમાં બે દિવસ ફરીને પછી અમે ત્રીજી સવારે વહેલા તૈયાર થયા. તે દિવસે અમે ફરી ગાડી ભાડે રાખેલી હતી. સવારે એ ગાડી લેવા પહોંચ્યા એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી શરૂઆત થઇ. કંઈક વેબસાઈટના ગોટાળાને લીધે અમે બુક કરાવેલી ઓટોમેટિક કાર ને બદલે અમને મેન્યુઅલ ગીયર વાળી ગાડી મળી. પહેલી ટ્રીપ વખતે એ મળી હોતે તો અમે ના જ પાડી દેતે પણ થોડો વખત જમણી બાજુએ ગાડી ચલાવ્યા પછી અમારો આત્મવિશ્વાસ વધેલો એટલે થોડા ડર સાથે એ ગાડી લઇ લીધી. જો કે ત્યાંથી અમારા એપાર્ટમેન્ટ સુધી પહોંચતા એટલી ઠંડીમાં ય પરસેવો વળી ગયો. એપાર્ટમેન્ટ પરથી બધાને લઈને અમે આગલા મુકામ પર જવા નીકળ્યા.

અમારા પ્લાન મુજબ અમારે છ કલાક દૂર ગાઈરેંગર જવાનું હતું. પણ હેલસિન્કી હતા ત્યારે અમે થોડો ફેરફાર કરી નવો પ્લાન બનાવેલો. ત્યાં એક રાત્રે બેઠા બેઠા યાદ આવ્યું કે નોર્વેનો એક રોડ વિશ્વના સુંદર અને જોખમી રસ્તાઓમાં ગણના પામે છે. ગાઈરેંગર થી લગભગ ત્રણેક કલાક વધુ દૂર જવાનું હતું. થોડી ચર્ચા પછી બધાએ એ જોવું જોઈએ એવું નક્કી કર્યું અને અમે ગાઈરેંગર ને બદલે ક્રિસ્ટીઆનસંદ માં રહેવાનું બુકીંગ કરાવી લીધું. એટલે એ દિવસે અમારે લગભગ નવ કલાકનું ડ્રાઈવિંગ હતું એની માનસિક તૈયારી સાથે અમે મુસાફરી શરુ કરી. એક વાર ઓસ્લો ની બહાર નીકળ્યા એટલે ગિયર બદલવાની ચિંતા પણ નીકળી ગઈ અને અમે ગાડી સાથે એડજસ્ટ થઇ ગયા!

નોર્વેની કન્ટ્રીસાઇડ ખરેખર સુંદર છે. સુંદર પહાડ, થોડા થોડા અંતરે લુભામણાં ફ્યોર્ડ અને પહેલા વાત કરી હતી એવી ટનલ આવ્યા કરે એટલે લાંબી મુસાફરી પણ આનંદદાયક બની રહે. રસ્તામાં જરૂરી બ્રેક સાથે અમે લગભગ પાંચેક વાગ્યે એટલાન્ટિક રોડની નજીક પહોંચ્યા. ત્યાં એક કોફી શોપમાં પૂછ્યું કે આગળ રસ્તો જોખમી નથીને - તો પેલો કહે કે જરા પણ નહીં! એ સાંભળીને થોડી શાંતિ અને થોડી નિરાશા બંને થઇ! પછી એણે સમજાવ્યું કે કે રસ્તાના અમુક ભાગ પર દરિયો તોફાને ચઢે તો એના મોજા આવી શકે એટલે એ સમય પૂરતું એ જોખમી થાય. અમે આગળ નીકળ્યા એટલે આઠ કિમિ લાંબા રસ્તાની સુંદરતા શરુ થઇ. એવેરોય ટાપુ અને મેઇનલેન્ડના આઇડે ની વચ્ચેના આ રસ્તા પર થોડા સુંદર પુલ પણ આવ્યા. અને પછી અચાનક એક મોડ પરથી એ ભવ્ય પુલ દેખાયો જેની તસવીરો અમે જોઈ હતી. બાજુમાં તરત જ એક વ્યુ પોઇન્ટ આવ્યો એટલે અમે ગાડી ત્યાં ઊભી રાખી. સ્ટોરસાઈસુંડેટ પુલની ડિઝાઇન એવી વળાંક વાળી છે કે જાણે ડિઝનીલૅન્ડની કોઈ ખતરનાક રાઈડ હોય અને ત્યાં ઊભા એવું લાગે કે આગળ પુલ ઉપર જઈને કશાકમાં વિલીન થઇ જાય છે અથવા તો પછી પાછળના દરિયામાં આપણને લઇ જશે! એ ફોટા અમુક મિત્રોને મોકલ્યા તો એમનો સામે પ્રશ્ન એવો હતો કે આ પુલ સ્વર્ગમાં જાય છે કે શું?! પછી એ પુલ પર ગાડી ચલાવી. બેઉ બાજુ અને ઉપર-નીચેના વળાંકો - છેક ઉપર પહોંચો પછી જ આગળનો નીચે ઉતરતો રસ્તો દેખાય! આગળ નીચે ઉતરી અમે ફરી ઊભા રહ્યા અને ત્યાં એક નાનકડા ટાપુ પર ગોળ ચક્કર લગાવ્યું અને થોડા વરસાદના છાંટાઓ સાથે તીવ્ર બનેલી ઠંડીમાં એટલાન્ટિક સમુદ્ર નિહાળ્યો.

એક વસ્તુ સ્પષ્ટ કરી લઉં - આ પુલ અને રસ્તો ખરેખર સુંદર છે. નોર્વેનો સૌથી સુંદર રસ્તો અને સ્ટોરસાઈસુંડેટ પુલને એન્જીનીયરીંગ માર્વેલ ગણાય છે એમાં અતિશયોક્તિ નથી, પણ જોખમી જરા પણ નથી. કદાચ વર્ષમાં થોડા દિવસો જોખમી બનતો હશે, બાકી આપણા ચાર ધામ કે બીજા કોઈ પણ હિલ સ્ટેશન ના રસ્તાઓ પર વધારે ગભરાટ થઇ શકે! એટલે એ વિસ્તારમાં જવાના હો તો એ જોવા જવાય - ખાસ એના માટે જવાય નહીં ! ત્યાંથી અમે આગળ નીકળ્યા એટલે ફરી એક ટનલ વટાવી ક્રિસ્ટીઆનસંદ પહોંચ્યા. લગભગ આઠ વાગ્યા હતા એટલે ત્યાંના સમય પ્રમાણ તો મોડું થઇ ગયું હતું. એટલે મેનેજરે અમને એનું રસોડું વાપરવા આપી દીધું અને અમને ઘણા વખતે ખીચડી ખાવા મળી ગઈ!

બે સુંદર રસ્તાઓ:

મોટા ભાગના સુંદર રસ્તાઓના લિસ્ટમાં નોર્વેના એટલાન્ટિક રોડ ને સ્થાન મળે છે. બીજા બે એટલા જ સુંદર રસ્તાઓ જેના પર મને સફર કરવાનું સદ્દભાગ્ય મળ્યું છે એ છે ન્યુઝીલેન્ડ નો મિલ્ફર્ડ રોડ અને ઓસ્ટ્રેલિયાનો ગ્રેટ ઓશન રોડ. મિલફર્ડ રોડ ન્યૂઝીલેન્ડના એડવેન્ચર કેપિટલ તરીકે જાણીતા કવીન્સટાઉન થી જવાય છે અને મિલફર્ડ સાઉન્ડ એક પ્રવાસી આકર્ષણ છે. રેઇન ફોરેસ્ટમાંથી પસાર થતો આ રોડ ની આસપાસ રંગબિરંગી પાણી વાળા લેક અને ધોધ જોવા મળે છે.

મેલબર્ન, ઓસ્ટ્રેલિયા નજીક આવેલો લગભગ 250 કિમિ લાંબો ગ્રેટ ઓશન રોડલગભગ દરિયાની સાથે સાથે જ ચાલે છે અને આખે રસ્તે થોડા થોડા અંતરે સર્ફિંગ કરી શકાય એવા બીચ મળે છે. આ રોડ ની આસપાસ ઘણા વિકેન્ડ રિસોર્ટ અને આકર્ષણો છે. એમાં મુખ્ય પ્રવાસી આકર્ષણ છે ટ્વેલ્વ એપોસ્ટલ્સ - લાઇમસ્ટોન માંથી બનેલા સદીઓ જૂના આ રોક દરિયામાં ઊભેલા સંત જેવા દેખાય છે.

એટલાન્ટિક રોડ અને તેના શિરમોર જેવા સ્ટોરસાઈસુંડેટ પુલ જોઈને અમારો આગલો દિવસ જે ખોટી ગાડી મળવાથી ખરાબ શરુ થયો હતો, તે ખૂબ સારી રીતે પૂરો થયો. બીજે દિવસે અમે ક્રિસ્ટીઆનસંદથી નીકળ્યા ત્યારે અમને સ્વાભાવિક રીતે ખ્યાલ નહોતો કે એ દિવસે આગલા દિવસથી ઊંધું થવાનું હતું! સવારે સરસ નાસ્તો કરીને અમે ગાઈરેંગર જવા નીકળ્યા. જતી વખતે જુદો રસ્તો લીધો - એ પણ એટલો જ સુંદર હતો. કુદરતી સૌંદર્યની તો જાણે અહીં ખોટ જ ન પડે એમ ઠાંસી ઠાંસીને ભર્યું હતું. આ રસ્તો પહાડી હતો. એક ટેકરીની ટોચ પરથી નીચે બે પહાડની વચ્ચે સરસ મજાનો ફ્યોર્ડ દેખાયો - એ જ ગાઈરેંગર ફ્યોર્ડ હતો. અહીંથી જ ગાઈરેંગર ફ્યોર્ડ નોર્વેના એક સુંદરતમ ફ્યોર્ડમાં કેમ ગણના પામે છે તેનો ખ્યાલ આવી જતો હતો. સદીઓ જુના બરફ - ગ્લેશિયર ના વહેવાથી પહાડની વચ્ચે જે ખીણ બને એને ફ્યોર્ડ કહે છે. ઝરણાના પાણીથી બનેલી ખીણ ને ગૉર્જ અથવા સાઉન્ડ કહે છે. ગાઈરેંગર ફ્યોર્ડ તો દેખાયો પણ નીચે જવાનો રસ્તો દસેક અંગ્રેજી અક્ષર વી ની થોકડી ગોઠવી હોય એવો હતો અને પહેલી વાર થોડા ખાડા પણ જોવા મળ્યા.

ગાઈરેંગર પહોંચીને અમે પહેલા અમારી ફ્યોર્ડ ની ક્રૂઝ બૂક કરાવી. સદનસીબે થોડા સમયમાં જ એક શરુ થવાની હતી એટલે અમે બોટમાં ગોઠવાયા. થોડી વાર પછી એક સ્કુલ વિદ્યાર્થીઓનું મોટું ગ્રુપ આવ્યું. ક્રુઝ શરુ થવાના દસેક મિનિટ પછી એ બધા એક જગ્યા પાર ઉતરી ગયા - અમે જોયું કે બધા પાસે હાઇકીંગ ની તૈયારી હતી - પછી જાણવા મળ્યું કે આ ફ્યોર્ડની આસપાસ એવા ઘણા ફાર્મ છે જ્યાં હાઇકીંગ કરવાની મજા પડે એવું છે અને વિદ્યાર્થીઓને શાળામાંથી અહીં નિયમિત લાવવામાં આવે છે. ત્યાંથી થોડા સહેલાણીઓ સાથે બોટ આગળ ચાલી. ગાઈરેંગર ફ્યોર્ડ લગભગ પંદર કિમિ લાંબો છે અને દોઢ કલાકની સફરમાં લગભગ આખો ફરી લેવાય છે. આસપાસના પહાડો પણ ઘણા ઊંચા છે - વધુમાં વધુ 1700 મીટર. આ બધી ક્રુઝમાં હેડફોન મળી રહે એટલે કોમેન્ટ્રી ચાલતી રહે જેથી તે વિસ્તારની માહિતી મળી રહે.

આગળ જતા સામસામે બે ધોધ આવ્યા। એક બાજુ પર ધોધસમુહ કહી શકાય - જેનું નામ હતું સેવન સિસ્ટર્સ! સાત ધારાઓ મસ્તીમાં નાચતી સાત કન્યાઓની જેમ નીચે આવી રહી હતી અને એની એની વચ્ચે સાત રંગનું મેઘધનુષ દેખાતું હતું! સાત કન્યાઓ હોય અને સામે કોઈ માંગા નાખવા વાળો આશિક ન હોય? એટલે સામેના ધોધને સૂટર ફોલ્સ કહે છે - આ ધોધ સામેની કન્યાઓને રીઝવવાનો પ્રયત્ન કરતો હોય એમ જોશથી નીચે આવે છે! ભારતમાં પણ બે ઠેકાણે સેવન સિસ્ટર્સ ફોલ્સ છે. એક મેઘાલય અને એક સિક્કિમમાં. થોડા આગળ ગયા એટલે એક બીજો ધોધ આવ્યો - બ્રાઇડલ વેઇલ ફોલ્સ. કુદરતના અપ્રતિમ સૌંદર્ય ની મજા લેતા દોઢ કલાક ક્યાં નીકળી ગયો એ ખબર ન પડી અને અમે ક્રુઝ પતાવી ફરી ગામમાં આવી ગયા.

ત્યાર બાદ ત્યાં એક ટેકરી પર આવેલું મ્યુઝિયમ જોવા ગયા. મ્યુઝિયમ તો ઠીક પણ ઉપરથી આખો ફ્યોર્ડ સરસ જોવા મળ્યો. તેની આસપાસ પણ નાના ઝરણાં વહેતા હતા જેના પર બોર્ડવોક બનાવ્યા છે. એટલે એના પર ચાલવાની અને ફોટા પાડવાની મજા આવી. પછી અમે આગલા મુકામ ફ્લેમ જવા નીકળ્યા. રસ્તો ઘણો ડુંગરીયાળ હતો એટલે વળાંકો આવ્યા જ કરતા હતા. આખો રસ્તો સિનિક કહી શકાય એવો હતો. એમાં એક માનવરહિત ટોલનાકું આવ્યું। ત્યાં ક્રેડિટ કાર્ડ થી પૈસા ભરી માંડ એક કિમિ ગયા હશું અને ગાડી બંધ પડી ગઈ. આપણા નહિવત ઓટોમોબાઇલ જ્ઞાનથી જેટલું કરી શકાય એટલું કર્યું પણ ગાડી ચાલુ થવાનું નામ ન લે! અધૂરામાં પૂરું એકદમ એવો વિસ્તાર હતો કે કોઈ ફોનના સિગ્નલ ન આવે. સાંજ પડી રહી હતી અને એટલો ઓછો ટ્રાફિક હતો કે માંડ એકાદ ગાડી દેખાય. ચોવીસ કલાક પહેલા જ સ્વર્ગનો અનુભવ કાર્ય પછી એમ લાગ્યું કે ખરા ફસાયા છીએ!

એક નામના ઘણા ફોલ્સ: બ્રાઇડલ વેઇલ અને સેવન સિસ્ટર્સ

સેવન સિસ્ટર્સ ફોલ્સ ઘણા છે એવી વાત આ લેખમાં છે. આપણા દેશમાં મેઘાલયનો આ ફોલ્સ ઘણો જ નયનરમ્ય ગણાય છે. એવું જ બ્રાઇડલ વેઇલ ફોલ્સનું છે. દુનિયાના ઘણા દેશોમાં આ નામના ફોલ્સ જોવા મળે છે. ખ્રિસ્તી સંસ્કૃતિમાં લગ્ન સમયે કન્યા જે પારદર્શક ઘૂમટો કે નકાબ પહેરે તેને બ્રાઇડલ વેઇલ કહેવાય। જે ધોધમાં પાણી ની ધાર ની આરપાર પાછળનો ખડક જોઈ શકાય એને બ્રાઇડલ વેઇલ ફોલ્સ કહે છે. પ્રખ્યાત નાયગરા ફોલ્સ નું નામ બધાએ સાંભળ્યું હશે. આ ફોલ્સ ના ત્રણ ભાગ છે. મૉટે ભાગે લોકો જેને નાયગ્રા તરીકે ઓળખે છે એ હોર્સ-શુ ફોલ્સ, અમેરિકન ફોલ્સ અને ઓછો જાણીતો બ્રાઇડલ વેઇલ ફોલ્સ. અમેરિકામાં જ બીજા આ નામના 25થી વધારે અને ન્યુ ઝીલેન્ડમાં પાંચ ધોધ છે. પારદર્શક પરદેકે પિછે નું આકર્ષણ આખી દુનિયામાં ફેલાયેલું છે!

ગાઈરેંગર થી ફ્લેમ જતા રસ્તામાં સાંજના સમયે પહાડીઓમાં અમારી ગાડી ખોટકાઈ. વિસ્તાર પણ એવો હતો કે ત્યાં મોબાઈલના સિગ્નલ પણ નહોતા મળતા, એટલે બીજી કોઈ સુવિધાની તો આશા જ નહોતી. પણ ત્યાંથી પસાર થતી દરેક ગાડી ઊભી રહેતી અને અમને મદદની ઓફર થતી. પહેલી બે ગાડીઓને તો અમે અમારી રેન્ટલ કંપની નો ઇમર્જન્સી નંબર આપ્યો અને એમને એ લોકોનો સંપર્ક કરવા વિનંતી કરી. પછી એક કાર જે સામેની દિશામાં જતી હતી અને જેમાં એક જર્મન કપલ હતું, એ થોડે આગળ જઈને પાછી આવી અને અમને કહ્યું કે જે માનવરહિત ટોલ નાકા પર અમે પૈસા ભરેલા ત્યાં હોટલાઇન ફોન છે. એટલે હું તેમની સાથે ગયો અને હોટલાઇન પરથી સામે ટોલ ઓફિસરને અમારે માટે ઇમર્જન્સી વેહિકલ મોકલવા કહ્યું. પણ એણે કહ્યું કે એને માટે એ વાત શક્ય નથી. પેલા લોકો મને પાછા અમારી ગાડી પાસે મૂકી ગયા અને અમને પાણી અને સ્નેક્સ નો મોટો સ્ટોક આપી ગયા કે અમારે મોડી રાત સુધી રહેવું પડે તો વાંધો ન આવે. એટલે અમને પણ થોડી ચિંતા થવા લાગી! એ શક્યતા દેખાવા માંડી એટલે અમે એવું નક્કી કર્યું કે બંકીમભાઇ, કિરણભાઈ અને લેડીઝ ત્યાં રહે અને પછીની કારમાં અમે લિફ્ટ માંગી અને હું અને દિલીપભાઈ 20 કિમિ દૂર નજીકના નાનકડા શહેરમાં પહોંચ્યા. પેલા કપલે મોટા ભાગની વાતચીત નોર્વેજિયનમાં કરી અને અમને બે બચાવ - ગાડીની વ્યવસ્થા કરાવી દીધી. એમણે પોતાના રિસોર્ટ પર જવાનો પ્રોગ્રામ લંબાવીને અમારી પાછળ લગભગ કલાક બગાડ્યો હશે.

અમે બે કાર લઇ પાછા ગયા અને અમારા ગ્રુપને લઇ નજીકના ગામ - ઓરડાલ પહોંચ્યા. આપણા માટે નોકરી એ દેશની મોટી સમસ્યા છે પણ નોર્વેમાં અમને એક અજોડ અનુભવ થયો. ગામમાં એકની એક સારી હોટલમાં ગયા. ઇમર્જન્સીમાં ગયેલા એટલે રિઝર્વેશનનો સવાલ હતો નહીં. એ હોટલની મેનેજરે કહ્યું કે ત્યાં તો જગ્યા નથી પણ બીજે તમને વ્યવસ્થા કરી આપું પણ ખાવાનું નહીં મળે. અમે હા પાડી એટલે અમને નજીકના જોડકા ગામમાં મોકલ્યા. પેલી જ કારમાં ત્યાં ગયા અને એ મકાનમાં ગયા તો એક નાનકડો રૂમ હતો જેમાં એક ફોન હતો જેના પર એક નંબર જોડવાનું લખેલું. ફોન કર્યો તો પેલા બેને જ ઉપાડ્યો અને અને બીજા રૂમ માં જવા માટે નો કોડ આપ્યો જેમાં જઈ ક્રેડિટ કાર્ડથી પૈસા ભરવાના હતા. એ કર્યું એટલે એણે ફોન પર રૂમ ની ચાવી બનાવવાના મશીન અને પ્રક્રિયા વિષે સમજાવ્યું! એટલે અમે અમારી ચાવી બનાવી રૂમમાં પહોંચ્યા! ત્યાં અમને જણાવવામાં આવેલું કે ખાવાનું કઈ નહિ મળે પણ ડાઇનિંગ રૂમમાં માઇક્રોવેવ વગેરે સગવડ હતી. અમારા સદ્દનસીબે મૃદુલાબેન, પ્રીતિબેન, જ્યોતિબેન બધાએ નાસ્તા અને સીધું સામગ્રી ઘણી રાખેલી એટલે અમે થોડી પેટ પૂજા કરી લીધી અને પ્રભુનો પાડ માન્યો. પણ રસ્તે મળેલા સામાન્ય લોકોની નિસ્વાર્થ મદદને લીધે જ આ બધું શક્ય બન્યું અને અમારે કોઈ મોટી તકલીફ નો સામનો કરવો ન પડ્યો. બાકી ઓફિશિયલ સિસ્ટમ - રેન્ટલ કાર રેસ્ક્યુ, ઈન્સ્યુરન્સ, વગેરે એ જગ્યાએ કામ ન લાગ્યા!

સવારે ખબર પડી કે અમારી રેન્ટલ કાર કંપની અમને બીજી ગાડી મોકલી શકે એમ નથી અને અમારી વ્યવસ્થા જાતે કરવાની છે. અમે બસના સમયની તપાસ કરી અને એક બસ બદલીને સાંજે બર્ગેન પહોંચ્યા. રસ્તામાં આગળ વાત કરી હતી એ નોર્વેની સૌથી લાંબી લેરડાલ ટનલ - જે 25 કિમિ છે- અમે ક્રોસ કરી. એ સમયે લાગ્યું કે સારું થયું આટલો લાંબો સમય અંધારામાં અમારે કાર નહોતી ચલાવવાની! ત્રણ લાખથી ઓછી વસ્તી ધરાવતું બર્ગેન નૉર્વેનુ બીજા નંબરનું શહેર છે અને સદીઓ પહેલા તેનું સૌથી મોટું બંદર હતું. અમારી હોટલ બંદર પર જ હતી - અમે સામાન મૂકીને તરત બહાર નીકળ્યા. તરત જ સામે તરફ સ્કેન્ડિનેવિયાના હસ્તાક્ષર જેવા મોનોપોલી કે વ્યાપાર રમતમાં હોય એવા રંગબિરંગી ઘરો દેખાયા. અમારી નજીક જ વિઝિટર સેન્ટર હતું।. ત્યાં વાત કરીને જાણ્યું કે સાંજનો સમય શ્રેષ્ઠ રીતે પસાર કરવા માટે અમારે માઉન્ટ ફ્લોયેન જવું જોઈએ.

બર્ગેન ની આસપાસ પર્વતોની હારમાળા છે જેમાં આ માઉન્ટ ફ્લોયેન સૌથી મોટું પ્રવાસી આકર્ષણ છે. તેનું એક અગત્યનું કારણ છે એની ટોચ પર લઇ જતી સો વર્ષ જૂની ફ્યુનિકયુલર ટ્રેઈન. લગભગ 1 કિમિ લાંબા ટ્રેક પર એ ત્રણસો મીટર ઊંચે લઇ જાય છે એટલે લગભગ સીધું ચઢાણ જેવું લાગે. વચ્ચે 3-4 સ્ટોપ પણ છે એટલે ચાલતા ઉપર કે નીચે જનારા લોકો કે ત્યાંના સ્થાનિક લોકો ટ્રેનમાં જોડાઈ શકે. ફ્લોયેન પર્વત પર બહાર આવો એટલે આખા બર્ગેન નો અફલાતૂન વ્યુ જોવા મળે. પર્વત પર બહાર નીકળ્યા ત્યાં આસપાસ વોકિંગ ટ્રેક અને નાના રેસ્ટોરન્ટ પણ છે જેમાં બેસીને સૂર્યાસ્તની સરસ મજા માણવા મળી. એ સરસ કુદરતી સૌંદર્યને મનમાં ભરીને અમે ફરી નીચે ઉતર્યા અને ભોજન કરવા પહોંચ્યા.

ફ્યુનિકયુલર ટ્રેઈન

થોડા સમય પહેલા સમાચાર હતા કે સ્વિટ્ઝર્લેન્ડ માં સ્ટૂસ પાસે દુનિયાની સૌથી સ્ટીપ - વધુ ઢોળાવ ધરાવતી ફ્યુનિકયુલર ટ્રેન શરુ થઇ છે. બર્ગેન પહેલા અમે આગલા વર્ષે જ સ્કોટલેન્ડમાં કેઈર્નગોમ પર્વત પર આવી બે કિમિ લાંબી ટ્રેનમાં સફર કરી હતી. ફ્યુનિકયુલર ટ્રેઈન કેબલ પર ચાલે છે અને ઉપરના છેડે પુલી પરથી આ કેબલ ચાલે. સામસામે ડબ્બાઓ એક બીજાને બેલેન્સ કરીને એક જ ટ્રેક પર ચાલે છે. એક ઉપર જાય અને એક નીચે આવે. જ્યાં બે ડબ્બાઓ ભેગા થાય ત્યાં પાટાઓ ડબલ થઇ જાય એટલે મુસાફરીમાં એક વખત તમને સામેની ટ્રેઈન અડધે રસ્તે ક્રોસ થાય. ઢોળાવવાળા પર્વતો પર આ સારો વિકલ્પ છે.

બર્ગેનમાં માઉન્ટ ફ્લોયેન જઈ આવીને અમે જમીને આરામ કર્યો. સવારે નાસ્તા પછી હોટેલમાંથી ચેક આઉટ કરી સામાન ત્યાં જ મૂકી અમે બર્ગેન શહેર ફરવા નીકળ્યા. આ શહેરના મુખ્ય જોવા લાયક સ્થળો નજીક નજીક જ આવેલા છે એટલે આમ ચાલવાનું જ સહેલું પડે - દિવસને અંતે ખ્યાલ આવે કે કેટલું બધું ચાલી કાઢ્યું! સૌ પ્રથમ બંદરની સામે જ આવેલા જૂના બર્ગેન - જેને બ્રિગ્ગેન કહે છે - જોવા ગયા. પહેલા થોડા તાજા હતા એટલે ઉપર ચઢાણ વાળા ભાગમાં ચક્કર માર્યું. આ વિસ્તાર માં મુખ્યત્વે રહેઠાણના ઘરો છે. બધા રસ્તાઓ કોબલસ્ટોનના છે. પછી પાછા વૉટરફ્રન્ટ આવી ગયા. ત્યાં આગલા લેખમાં વાત કરેલી એવા વ્યાપારના હોય એવા મકાનો છે અને ત્યાં પ્રવાસીઓ જોઈ શકે એટલો ધંધો પણ ચાલે છે. રેસ્ટોરન્ટ વગેરે પણ ત્યાં છે.

આટલા નાના કહી શકાય એવા બર્ગેન માં પણ મ્યુઝિયમની ખોટ નથી. તે દિવસ થોડો વરસાદનો હતો એટલે ગમે ત્યારે થોડા છાંટા પડી જાય - એવા સમયે જરૂર પડે તો બાજુના એક મ્યુઝિયમમાં જતા રહેવાય. એવી એક જગ્યા પર તો ત્યાંના મેનેજર બહેન એટલે સાલસ સ્વભાવના હતા કે અમને કહ્યું કે તમે ઠંડીમાંથી આવો છો તો ગરમ કોફી પી શકો. એમણે જ પછી અમને રોઝેનક્રાત્ઝ ટાવર જવાનું સૂચવ્યું. એ જૂના જમાનાના કિલ્લાનો ભાગ છે અને નાના અંધારા દાદરો ચઢીને ઉપર જવાય છે. ઉપરના ઓરડાઓમાં સુંદર પેઇન્ટિંગ અને કલાકૃતિઓ રાખવામાં આવી છે, એટલે મહેનત લેખે લાગે. ટાવરની છેક ઉપર જાઓ તો આખું બર્ગેન જોવા મળે - પણ અમે આગલે દિવસે માઉન્ટ ફ્લોયેન પરથી એ લાભ લઇ લીધેલો એટલે એ કસરત માંડી વાળી. એ જ કોમ્પ્લેક્સ માં સિટી મ્યુઝિયમ પણ છે જેમાં રાજા-રાણીના સિંહાસન, વગેરે જોવા મળે છે. એ બધું ઠીક છે પણ એથી વધુ પણ વ્હાર્ફ - બંદરના ડોક ની આસપાસ ફરવાની વધુ મજા આવી.

એ પછી અમે અમે સીટી સ્કવેર ગયા. બંદરથી એક બ્લોક જ અંદરથી છે. વચ્ચોવચ એક મોટું અષ્ટકોણ આકારમાં લેક બનાવવામાં આવ્યું છે. એક તરફ સરસ મજાનો લંબચોરસ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. એની વચ્ચે એક સંગીત પેવિલિયન બનાવ્યું છે જ્યાં સ્થાનિક કલાકારો સંગીત વગાડી શકે. અમે ત્યાં ગયા ત્યારે વરસાદ શરુ થયો એટલે અમારે માટે એ શેલ્ટર તરીકે કામ આવ્યું. લેક ની એક બાજુ પર ચાર કોડે મ્યુઝિયમો છે. એકમાં અદભુત ચાંદીની વસ્તુઓનો સંગ્રહ છે. બીજા બધા મ્યુઝિયમોમાં જાણીતા કલાકારો જેવાકે પિકાસો, મંચ, દાહલ, એસ્ટ્રપ વગેરેની કલાકૃતિઓ છે. તે વખતે જોવાની મજા આવી અને બહાર આવ્યા ત્યાં સુધી વરસાદ અટકી ગયો. લેક અને બાકીના સીટી સેન્ટરની સુંદરતા પણ અમે પછી જ માણી શક્યા. શહેરની મધ્યમાં આટલી શાંતિ મળી શકે એવું આપણને આવી જગ્યાઓએ જ જોવા મળી શકે.

બર્ગેન ની આસપાસ પણ ઘણા સુંદર ફ્યોર્ડ છે. તે ઉપરાંત ફ્લેમ જે અમે અહીં આવતા જવાના હતા, એ પણ નજીક છે. એટલે નોર્વેમાં ઉત્તરમાં ગાઈરેંગર જેવી જગ્યાએ ન જવું હોય તો અહીં વધુ રહીને નોર્વેના અલૌકિક નૈસર્ગીક સૌંદર્યનો લાભ લઇ શકાય છે.ત્યાર બાદ અમે ફરી હોટેલ જઈ અમારો સામાન લીધો અને સાંજે એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર કોફી પીતા નૉર્વેને ગુડ બાય કર્યું અને અમારા છેલ્લા મુકામ ડેન્માર્કની રાજધાની કોપનહેગન જવા માટેની ફ્લાઇટ પકડી.