Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેન્ડિનેવિયાની સફરે – 3. હેલસિન્કી અને ઓસ્લો

સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા-નાસ્તો કરી અમે અમારા હેલસિન્કી કાર્ડ મેળવી લીધા અને હેલસિન્કી કેથેડ્રલ થઇ બંદરે પહોંચ્યા. આ કેથેડ્રલ તે સમયે રીનોવેશન માટે બંધ હતું એટલે અમે બહારથી ફોટા પાડી સૌમેનલીના આઇલેન્ડ જવા માટેની ફેરીમાં બેઠા. સ્ટોકહોમની જેમ જ હેલ્સિન્કીમાં પણ વોટર-વે બહુ અગત્યનો ભાગ ભજવે છે. સમુદ્ર વાટે હેલસિન્કી આવો તો સૌમેનલીના આઇલેન્ડ પહેલા આવે. ફિનલેન્ડમાં એક સમયે સ્વીડનનું રાજ હતું અને સ્વીડ લોકોએ અહીં મોટો કિલ્લો બાંધેલો. પછી સમયની ચઢતી-પડતી સાથે આ કિલ્લામા સ્વીડ, રશિયન અને ફિનિશ - બધા સૈન્યોના હેડ ક્વાર્ટર હતા. આ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને લગભગ એક સ્કવેર કિમિ માં પથરાયેલો આઠ દ્વિપનો સમૂહ છે. એમાં પાંચ એક બીજા સાથે જોડાયેલા છે. સૌમેનલીના આઇલેન્ડ પર 500-1000 લોકો રહે છે અને અહીં એક ચર્ચ, ત્રણ મ્યુઝિયમ, થોડા રેસ્ટોરન્ટ અને કિલ્લાના ઘણા અકબંધ મકાનો છે. એક જેલ પણ છે. આમ અહીં ફક્ત કિલ્લો નથી પણ એક જીવતી વસાહત છે.

રિસેપ્શન પરથી અમે અંગ્રેજી ગાઈડ વાળી નિઃશુલ્ક ટૂર લીધી. એણે અમને ફિનલેન્ડ અને સ્વીડન-રશિયા સાથેની ભૂતકાળની લડાઈઓની વાત કરી. એ જમાનામાં કેવી જાડી દિવાલના કિલ્લા બનાવતા તે બતાવ્યું. ફિનલેન્ડ રશિયા અને સ્વીડન વચ્ચે ભૂતકાળમાં પિસાતું રહ્યું હતું. દોઢસો વર્ષ પહેલા આ દેશ એટલો ગરીબ ગણાતો કે એક દુકાળમાં તેના 10% લોકો ભૂખમરામાં મૃત્યુ પામેલા! આજે આ દેશ સૌથી સ્થિર, સૌથી સેઇફ અને હેપી, સૌથી વધુ વ્યક્તિગત સ્વતંત્રતા અને સૌથી સારી ગવર્નમેન્ટ ધરાવતા ટોચના દેશોમાં ગણના પામે છે. લગભગ એક કલાક માં ત્રણેક આઇલેન્ડ પર ફરી અમે પાછા રિસેપ્શન પર આવ્યા. પછી ત્યાંનું ચર્ચ જોવા ગયા. બહારથી જ મકાન ભવ્ય છે અને આસપાસ સરસ લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. તે જોઈ આઇલેન્ડ ના કિલ્લાની બહારના ભાગમાં ફરવા નીકળ્યા. અહીં પણ બધે સરસ બગીચા બનાવ્યા છે અને પીકનીક બેન્ચ બધે ગોઠવી છે. જોકે અહીં બાર્બેક્યૂ કરવાની મનાઈ છે. ચાલીને થાક્યા એટલે ફરી ફેરી પોર્ટ પહોંચી ગયા અને પાછી શહેર તરફની ફેરીમાં બેસી આરામ કર્યો.

હાર્બર પર ઉતર્યા ત્યાં જમણી બાજુ એક ટેકરી પર ભવ્ય લાલ રંગનું મકાન દેખાતું હતું જેના શિખર લીલા અને સોનેરી હતા. રશિયન પ્રભાવના પ્રતીક સમું એ હતું ત્યાંનું પ્રખ્યાત ઉસ્પેન્સ્કી કેથેડ્રલ - જે ઓર્થોડોક્સ ચર્ચનું મધર મેરી માટે બનાવેલું કેથેડ્રલ છે. પહેલા તો ટેકરી પર જાઓ એટલે આખું નાનકડું હેલસિન્કી શહેર દેખાય. લગભગ સાત લાખની વસ્તી ધરાવતા શહેરનું સીમાચિહ્ન રૂપી હેલસિન્કી કેથેડ્રલ પણ અહીંથી સરસ દેખાય છે. અંદર ગયા તો ત્યાં પણ કોઈ મહેલની જેમ સોનેરી રંગની કમાનોની ભરમાર હતી. ઘણા સુંદર શિલ્પ પણ છે. દસેક વર્ષ પહેલા આવા એક પ્રખ્યાત સંત નિકોલસ ના શિલ્પ ની શિલ્પની અહીંથી ચોરી થઇ હતી. સંત નિકોલસ ના જીવન પરથી સાન્ટા ક્લોઝ ની દંતકથાનો જન્મ થયો છે.

ઉસ્પેન્સ્કી કેથેડ્રલ જોઈને અમે નીચે સેનેટ સ્કવેર ઉતર્યા અને આરામ કરતા કરતા શહેર જોવા માટેનું લોકપ્રિય સાધન - હોપ ઓન-ઓફ બસમાં ગોઠવાયા. શહેરના ફેરી ટર્મિનલ - જ્યાંથી સ્ટોકહોમ વગેરે માટેના જહાજ શરુ થાય છે - પાર્લામેન્ટ સ્કવેર, રોક ચર્ચ, ઓપેરા હાઉસ, વગેરે અમે ડબલ ડેકર બસના ઉપલા માળથી જોઈ લીધા. સાથે એમના વિશેષતા ની કોમેન્ટ્રી પણ સાંભળી લીધી. પાણીની વચ્ચે વસેલું શહેર એટલે બધે સુંદરતા જોવા મળે. એક કલાકના ચક્કર પછી અમે શહેરની મધ્યમાં આવેલા એસ્પ્લેનેડ પાર્કમાં લટાર મારી. ત્યાં એક છેડે સરસ કાફેટેરિયા હતી એટલે કોફી પીતા એ પાર્કનો વધુ સમય આનંદ લીધો. બહાર બીજી તરફ એક સારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી ત્યાંથી જમવાનું પેક કરાવી અમારે એપાર્ટમેન્ટ લઇ ગયા. બીજા દિવસે સવારે અમારે ત્રીજા મોટા શહેર અને નોર્વે ની રાજધાની ઓસ્લો જવા નીકળવાનું હતું.

જીવંત કિલ્લો: જેસલમેર

આખી દુનિયાનો કદાચ એકમાત્ર જીવંત કિલ્લો - સૌમેનલીના જેવા આઇલેન્ડ ગણી લો તો બહુ ઓછામાંનો એક - આપણા રાજસ્થાનના જેસલમેરમાં છે. આ સોનેરી કિલ્લામાં શહેરની 25% વસ્તી રહે છે. અહીંના ખાસ એવા પીળા સેન્ડસ્ટોન પથ્થર ને લીધે સોનેરી શહેર તરીકે પ્રખ્યાત જેસલમેર, બારમી સદીમાં રાજવી જેસલ રાવલે વસાવ્યું હતું. રાજસ્થાનના રાજવીઓ જુદા જુદા નામે ઓળખાય છે - મારવાડમાં રાજા, મેવાડમાં રાણા અને જેસલમેરમાં રાવલ કહેવામાં આવે અને વધુ સશક્ત હોય તો આગળ મહા - લગાડવામાં આવે! આ કિલ્લાના નાનકડા રસ્તાઓ સાંકડા, ઢોળાવ વાળા પણ સ્વચ્છ છે. થોડે સુધી રીક્ષા જઈ શકે બાકી ચાલતા અથવા ત્યાંના રહેવાસીઓની જેમ સ્કૂટર રાખવું પડે. રાજમહેલ ઉપરાંત ઘણી દુકાનો, નાની હોટલો અને ઘણા મંદિરો આ કિલ્લામાં છે. એમાં એક જૈન મંદિર તો કલાકૃતિનો અદભુત નમૂનો છે. આ કિલ્લા ને લીધે હવે બહાર પણ જેસલમેર શહેરમાં જેટલી હોટલો કે મકાનો બને છે એ યલો સેન્ડસ્ટોનના જ બને છે અને તેના પર જૂના ઢબની કોતરણી પણ હોય છે એટલે આખા શહેરમાં એકવિધતા જળવાઈ રહે છે.

સવારે ટેક્ષીમાં ગોઠવાઈ અમે વહેલા એરપોર્ટ પહોંચ્યા અને ફિનલેન્ડ ને બાય કહી નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા. ત્યાં અમે એક સુંદર એપાર્ટમેન્ટ એરબીએનબી દ્વારા બુક કરેલું. પહોંચીને અમે ફોન કર્યો એટલે એની માલિક આર્કિટેક્ટ ત્યાં આવી ગઈ અને અમને એપાર્ટમેન્ટમાં લઇ જઈ બધું બતાવ્યું. ચાર બેડરૂમનું ભવ્ય એપાર્ટમેન્ટ, અમે અત્યાર સુધી ભાડે લીધેલા એપાર્ટમેન્ટમાં સૌથી ભવ્ય કહી શકાય એવું હતું. એ મહિલાએ અમને જણાવ્યું કે એની પાસે બીજી રિવર કોટેજ અને બોટ છે અને એ અને એના પાર્ટનર ત્રણ દિવસ ત્યાં રહેવા જતા રહેશે. એપાર્ટમેન્ટમાં નિયમિત વપરાતા ઘરની બધી નિશાની હતી અને એ લોકોએ કોઈ તાળા મારવાનો પ્રયત્ન પણ નહીં કરેલો. બીજાની ઈમાનદારી અને કાયદાવ્યવસ્થા પર કેટલો વિશ્વાસ! હેલ્સીન્કીથી વહેલા નીકળેલા એટલે એપાર્ટમેન્ટમાં થોડો આરામ કરી બધા તૈયાર થયા. બપોરે એકાદ વાગ્યે ફરવા નીકળ્યા અને પહેલા વિગેલાન્ડ પાર્ક પહોંચ્યા.

યુરોપના મોટા ભાગના શહેરોમાં જોવા લાયક સ્થળો સાંજે પાંચ વાગ્યે બંધ થઇ જાય એટલે અમે ઓસ્લોમાં એક દિવસનો જ સિટી પાસ સાંજે જ લેવાનું નક્કી કર્યું! એપાર્ટમેન્ટમાં મૂકેલા નક્શાઓ જોઈ લાગ્યું કે વિગેલાન્ડ પાર્ક નજીક છે એટલે ત્યાં ફરી આવીયે. કરી રીતે આખા બાગનું નામ ફ્રોગનર પાર્ક છે અને તે 110 એકરમાં પથરાયેલો છે. તેમાંથી એક છેડે ગુસ્તાવ વિગેલાન્ડ નામના શિલ્પીએ બનાવેલી 200 થી વધુ શિલ્પકૃતિઓ ગોઠવવામાં આવી છે. આ જગ્યા એટલી પ્રખ્યાત થઇ ગઈ છે તે જોવા દર વર્ષે દસ લાખથી વધુ પર્યટકો આવે છે અને એટલે એટલે આખો બાગ વિગેલાન્ડ પાર્ક તરીકે જ ઓળખાતો થઇ ગયો છે. ફક્ત એક જ કલાકારની આટલી બધી કૃતિઓ આટલી વિશાળ જગ્યામાં હોય એવુંય આખી દુનિયામાં બીજે કશે ય નથી! મોટાભાગની મૂર્તિઓ અને શિલ્પ ગ્રેનાઈટ, રોટ આયર્ન અથવા કાંસા ના બનેલા છે.

એની નજીકના ગેટમાંથી દાખલ થાઓ એટલે એક બુલેવર્ડ અને તે પછી એક પુલ આવે. બેઉ બાજુ પર ભાતભાતની જીવનના અલગ અલગ રૂપ અને મુકામોની મૂર્તિઓ મૂકવામાં આવી છે. માનવતાને લગતા આ શિલ્પોમાં ઘણા તો અજીબોગરીબ છે! એક ગુસ્સો કરતો નાનકડો છોકરો, નૃત્ય કરતી યુવતી, સાથે બેઠેલું એક વૃદ્ધ સુખી જોડું, ચારપાંચ બાળકોને એક સાથે હવામાં ઉછાળતો પહેલવાન વગેરે શિલ્પકૃતિઓ સહજ ધ્યાન ખેંચે છે. પણ દરેક શિલ્પકૃતિની ખાસિયત એ છે કે બધી જ કૃતિઓ નગ્ન છે! વિગેલાન્ડ નું એવું માનવું હતું કે કપડાથી લોકો કયા સમય, દેશ કે ધર્મના છે તે ખબર પડે અને એમને એમની કૃતિઓ આ બધાથી પર હોય એવું જોઈતું હતું! આપણા દેશમાં આવું શક્ય બને ખરું? કોઈ ને કોઈ ધાર્મિક કે રાજકીય સંગઠન એ કૃતિઓને કપડાં પહેરાવવા પહોંચી જ જાય ને!

પુલની આગળ ગયા એટલે એક ફુવારો આવ્યો. એની આસપાસ મૂકેલી 20 મૂર્તિઓ - જે જીવનના જન્મથી મૃત્યુ સુધીના જુદા જુદા સમય દર્શાવે છે - તે ફુવારાને ભવ્ય સુશોભન આપ રહી હતી. થોડા વધુ આગળ ગયા એટલે થોડા અને એક મોટા પ્લેટફોર્મ પર મૂકેલું ખૂબ દૂરથી દેખાય એવું શિલ્પ આવ્યું, જેનું નામ છે મોનોલીથ અને એ પાર્કનું શો-પીસ કહી શકાય. એના નામ પ્રમાણે આ શિલ્પ એક જ મોટી શિલા માંથી કંડારવામાં આવ્યું છે. 46 ફુટ ઊંચા આ સ્તંભ શિલ્પ પર 121 આકૃતિઓ કંડારવામાં આવી છે અને એવું લાગે કે જાણે દરેક મનુષ્ય એક બીજાને હરાવી કે પછાડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે! આ મોનોલીથ ની ગોળ ફરતે પણ ઘણી શિલ્પકૃતિઓ છે. બે કલાક ક્યાં પસાર થઇ ગયા એ ખબર પણ ન પડી! Incredible! એવી લાગણી સાથે અમે ત્યાંથી બહાર નીકળ્યા।

નોર્વેની રાજધાની ઓસ્લો મજાનું શહેર છે. વિગેલાન્ડ પાર્ક ના ભવ્ય શિલ્પ માણીને અમે હાર્બર તરફ ગયા. રસ્તામાં અમારા ઓસ્લો પાસ લઇ લીધા. સાંજ ઢળતી હતી એટલે વાતાવરણ સરસ થઇ રહ્યું હતું. ટ્રામ, બસ, ફેરી, બધું આમતેમ દોડતું હોવા છતાં હાર્બર પર સીટી હોલ જેવા ભવ્ય મકાનો માં એક અજબ શાંતિ વર્તાતી હતી. એમાં તો એક આખું મકાન જ શાંતિ માટેનું હતું - નોબેલ પીસ પ્રાઈઝ મ્યુઝિયમ! સ્કેન્ડિનેવિયા સફરની શરૂઆતના લેખોમાં આપણે વાત કરેલી કે નોબેલ પ્રાઈઝ, જે સ્વીડ દાનવીર આલ્ફ્રેડ નોબેલ દ્વારા શરુ કરવામાં આવેલા, તે દર વર્ષે સ્ટોકહોમમાં આપવામાં આવે છે. પણ નોબેલ શાંતિ પારિતોષિક આપવાનું માન એમણે નોર્વેને આપ્યું છે અને દર દસમી ડિસેમ્બરે આ પારિતોષિક ઓસ્લોના સીટી હોલમાં આપવામાં આવે છે. પરંપરા પ્રમાણે ઇનામ બપોરે અપાઈ જાય પછી ત્યાંના નાગરિકો સાંજે ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ટોર્ચ માર્ચ કરીને વિજેતાઓનું અભિવાદન કરે છે.

અમે અમારો ઓસ્લો પાસ બતાવી પીસ સેન્ટર જોવા ગયા. નોબેલ, શાંતિ પારિતોષિક વગેરેની માહિતી સરસ રીતે ગોઠવવામાં આવી છે. પણ ખાસ અદભુત છે નોબેલ ફિલ્ડ - હજાર ફાઈબર-ઓપ્ટિક લાઇટથી શણગારેલા આ રૂમમાં દરેક વિજેતાને આઈ-પેડ જેવા ડિજિટલ ટેબ્લેટ પર પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આછી ભૂરી રોશનીમાં એક આગવું સન્માન પ્રકટ થાય છે. અમે ભારતને કર્મભૂમિ બનાવનાર મધર ટેરેસા, ભારતમાં શરણાર્થી તરીકે વસેલા દલાઈ લામા અને આપણા બાળમજૂરી લડવૈયા કૈલાશ વિદ્યાર્થી ની ટેબ્લેટ પરની માહિતી વાંચી લીધી. તે પછી ફરી હાર્બર પર થોડું ચાલી લીધું. બીજે દિવસે સવારે ફરી ત્યાંજ હાજર થઇ ગયા અને સીટી હોલના સુંદર બગીચા ફરી હોલમાં દાખલ થયા.

સ્ટોકહોમના સીટીહોલ વિષે આપણે જોયેલું કે નોબેલ પ્રાઈઝ વિતરણ પછીના ડાન્સ અને ડિનર ત્યાં યોજાય છે. નોબેલ પીસ પ્રાઈઝ બધાથી જુદું ઓસ્લોમાં અપાય છે. હોલ ની ચારે બાજુએ દીવાલો પર ભવ્ય ચિત્રો દોરવામાં આવ્યા છે. મારા જેવા બહુ કલારસિક ન કહી શકાય એવા લોકોને પણ ચારે બાજુ અને ઉપરની ગેલેરીની દીવાલો પરના પેઇન્ટિંગ જોવાની મજા પડી. અહીંનો સીટી હોલ પણ આપણી મહાપાલિકાની જેમ શાસનકાર્ય પણ કરે છે. અમે કાઉન્સિલ રૂમમાં પણ આંટો મારી આવ્યા. સ્ટોકહોમ અને હેલ્સિન્કીની જેમ ફેરીમાં બેસીને થોડે દૂરના આઇલેન્ડ પણ જોવાના હતા. મુખ્ય આઇલેન્ડનું નામ બિગડોય અને ત્યાં થોડે દૂરથી મોટરમાર્ગે પણ જઈ શકાય.

બિગડોય પર ધનિકોની સુંદર વિલાઓ તો છે જ, પણ ખાસ તો ચાર મ્યુઝિયમ છે. સ્કેન્ડિનેવીયા ટૂર પહેલા મને બહુ મ્યુઝિયમનો શોખ નહોતો. પણ આ લોકોએ એટલા બધા જુદા અને નવીન રીતે મ્યુઝિયમો બનાવ્યા છે કે એક નવો પ્રેમ ઉત્પન્ન થયો. ફક્ત ઓસ્લો શહેરમાં - જેની વસ્તી માંડ દસ લાખ છે - ત્યાં પચાસથી વધુ મ્યુઝિયમ છે. બિગડોય આઇલેન્ડ પર પહોંચી અમે પહેલા વાઇકિંગ મ્યુઝિયમ જોવા ગયા. હજારેક વર્ષ પહેલાના એ દુનિયાના સાગરખેડુઓ વાઇકિંગ તરીકે ઓળખાતા. વયસ્ક લોકોને માથા પાર શીંગડાંવાળી ટોપી પહેરીને નોંકઝોંક કરતા વાઇકિંગ દંપતિ ની કાર્ટૂન સ્ટ્રીપ યાદ હશે. મ્યુઝિયમમાં દાખલ થતા જ એક ખૂબસૂરત રીતે જળવાયેલું વાઇકિંગ જહાજ જોવા મળ્યું. એ છે ઓસબર્ગ શિપ. એ જમાનામાં વગદાર અને બહાદુર સાગરખેડુ કમાન્ડરનું મૃત્યુ થાય તો તે પછી એના મૃતદેહને એના જહાજ પર મૂકવામાં આવતો. સાથે તેના હથિયારો અને જીવનજરૂરિયાતની સામગ્રીઓ મૂકવામાં આવતી. અને પછી આખું જહાજ દરિયાકિનારે દાટી દેવામાં આવતું, જેથી તે વીરને મૃત્યુ પછીના સમુદ્રો ખેડવામાં તકલીફ નહિ પડે! આફ્ટર-લાઈફ - મૃત્યુ પછીના જીવન માટેની મધ્યકાલીન યુગની તૈયારીઓ વિષે મેં ચીનની સફર વખતે લખ્યું હતું. ઇજિપ્ત ના પિરામિડ અને શિયાનના ટેરાકોટા વોરિયર્સ આવી તૈયારીના ઉત્તમ નમૂના છે. વાઇકિંગ મ્યુઝિયમમાં આ વધારાનું જાણવા મળ્યું! સદીઓ પછી એવા ખોદી કાઢેલા ત્રણ-ચાર જહાજો આ મ્યુઝિયમમાં છે. સાથે સાથે બીજા જહાજો પરથી મળેલી વસ્તુઓ પણ આ મ્યુઝિયમમાં છે અને વાઇકિંગ જીવન પર બનાવેલી ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવવામાં આવે છે. અમારા સાથી પ્રીતિબેને અહીં ખૂબ વીડિયોગ્રાફી કરી.

બોક્સ: જશવંત થડા, જોધપુર

હિંદુ સંસ્કૃતિની પોતાની આગવી માન્યતાઓને લીધે હિંદુ રાજા-મહારાજાઓએ મૃત્યુ પછીના જીવન માટે કોઈ તૈયારી કરી હોય એવું જાણમાં નથી. પણ, જોધપુરમાં જશવંત થડા એક વિશિષ્ટ પ્રકારનું સ્મારક કહી શકાય. મહેરાનગઢ કિલ્લા જવાના રસ્તા પર પાતળા આરસ ને કોતરી ને ઘડેલું આ અપ્રતિમ સ્મારક મહારાજા જશવંતસિંહ ની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. એટલો સુંદર સફેદ આરસ અહીં વપરાયો છે કે અમુક જગ્યાએ તો એ ટ્રાન્સલ્યુસન્ટ છે - એમાંથી સૂર્યપ્રકાશ પણ પસાર થાય છે. એની આસપાસના મેદાનમાં જ મારવાડના શાહી કુટુંબના સભ્યોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ ત્યાંના મહારાણીનું નિધન થયું - જેમનો રોલ ફિલ્મ ઝુબેદામાં રેખાએ કર્યો હતો. અમારા જોધપુરી ગાઈડનું માનવું હતું કે જશવંત થડા ને તાજમહાલ સાથે સરખાવી શકાય! એ કદાચ વધારે લાગે પણ જોધપુર જાઓ તો આ ચોક્કસ જોવી જ પડે એવી જગ્યા છે.

થોડા વખત પહેલા તાપી નદીનો એક ફોટો છપાયો હતો જેમાં સૂકા તટ પર એક હોડકું પડ્યું છે અને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કોણ માનશે કે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા? કદાચ તાપીમાં પાણી આવી પણ જાય તો પણ સુરત ના દરિયાઈ વ્યાપારની જાહોજલાલીની ભાગ્યે જ સુરતમાં કોઈ નિશાની મળે! આપણે ઓસ્લોના મધ્યકાલીન ભૂતકાળ દર્શાવતા વાઇકિંગ મ્યુઝિયમની વાત કરી - તેની જ નજીકમાં બિગડોય આઇલેન્ડ પર બીજા ત્રણ મ્યુઝિયમ નોર્વેજિયન સાગરખેડુ અને એમની નજીકના ભૂતકાળની સફળતા પર બનાવવામાં આવ્યા છે.

પહેલું મ્યુઝિયમ હતું - કોન ટીકી મ્યુઝિયમ. કોન ટીકી સાંભળીને આપણને આલુ ટીકી યાદ આવે એટલે એમ થાય કે કોઈ ખાવાની વસ્તુ હશે. પણ આ એક ભવ્ય બાલ્સા વુડ ના બનેલા તરાપા નું નામ છે જેના પર નોર્વેના સૌથી પ્રસિદ્ધ સાગરખેડુ થોર હેયરડાલ અને એના સાથીઓ એ 1947માં પેસિફિક સમુદ્ર પાર કર્યો. 'સરહદ? મેં તો કોઈ જોઈ નથી, પણ સાંભળ્યું છે કે અમુક લોકોના મગજમાં હોય છે!" આવા શબ્દો સાથેની થોર ની પ્રશાંત મહાસાગરની સફરની ફિલ્મને બેસ્ટ ડોકયુમેન્ટરી નો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તે પછી તેણે બીજી બે સફર નાની રીડ બોટમાં કરી. તે એવું દર્શાવવા માંગતો હતો કે હિમ્મતથી એવી સફર કરી શકાય જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે! એ મ્યુઝિયમમાં કોન ટીકી રાફ્ટ (તરાપો) અને અને એની બીજી બે બોટ પણ મૂકવામાં આવી છે અને એની સફરની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

બીજું એવું મ્યુઝિયમ છે ફ્રામ મ્યુઝિયમ. ફ્રામ નામનું જહાજ લાકડાનું બનેલું સૌથી મજબૂત શીપ ગણાય છે. એ જહાજ પર નોર્વેજીયન લોકો આર્કટિક અને એન્ટાર્કટિક ની સફર કરી આવ્યા છે અને એનો રેકોર્ડ છે કે સૌથી વધુ ઉત્તર અને સૌથી દક્ષિણમાં જનારું એ એકમાત્ર જહાજ છે. આ મ્યુઝિયમમાં એ જહાજ તો છે જ પણ સાથે સાથે આર્કટિક અને એન્ટાર્કટિક ની ફિલ્મ પણ છે. બેઉ ધ્રુવ પ્રદેશમાં કેવું વાતાવરણ હોય અને તે માટેના તંબુ, ઈગ્લુ વગેરે બનાવવામાં આવ્યા છે. એક વધારાનું મેરિટાઇમ મ્યુઝિયમ પણ બાજુમાં જ આવેલું છે. આ મ્યુઝિયમમાં નોર્વે ના વહાણ ઉદ્યોગને લગતી વાતો છે. પહેલા કેવા શીપ બનતા અને પછી સદીઓ દરમિયાન એમાં કેવા ફેરફાર થયા એનો ઇતિહાસ અને માહિતી મોડેલ અને ફિલ્મ દ્વારા આપવામાં આવી છે. અમે અહીં જલ્દી પતાવ્યું કારણકે કોઈને કાયમી ખલાસી બનવામાં રસ નહોતો! પણ ખાસ નોંધવા જેવી વાત એ છે કે એ લોકોને પોતાની સાગરખેડુ જીવન અને ઇતિહાસ પર એટલો ગર્વ છે કે એક સાથે નજીક નજીકમાં ચાર જુદા જુદા પ્રકારના મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે!

બિગડોય આઇલેન્ડના મ્યુઝિયમોની મુલાકાત પછી અમે પાછા મેઇનલેન્ડ હાર્બર પહોંચી ગયા. ત્યાંથી રોયલ પેલેસ ગયા જ્યાં નૉર્વેનુ શાહી કુટુંબ રહે છે. પેલેસ ની આજુબાજુ 54 એકરમાં ફેલાયેલો પેલેસ ગાર્ડન સામાન્ય જનતા માટે ખુલ્લો હોય છે. નાના તળાવ, ફુવારા અને સરસ લેન્ડસ્કેપિંગ આખા બગીચાને નયનરમ્ય બનાવી રહ્યા હતા. અમે ત્યાં થોડું ફર્યા અને લોનમાં થોડો આરામ કર્યો. પેલેસના આગળના ભાગમાં મોટો ચોક છે જ્યાં ઘોડા પર બેઠેલા આગલા રાજાનું મોટું પૂતળું મૂકેલું છે. ત્યાં તહેનાત સંત્રીઓના ડ્રેસ સરસ હતા એટલે એની સાથે ફોટા પડાવ્યા. ચોક થોડો ઊંચાઈ પર છે એટલે સામેની બાજુ શહેર ના મકાનો અને ટ્રાફિક જોઈ શકાતો હતો. તે જોઈને અમે અમારા એપાર્ટમેન્ટ પર જઈ એના સન ડેક પર બેસી ચા-કોફી પીધા. થોડો આરામ કરી નજીકના ભારતીય રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા. બીજા દિવસે સવારે અમારે ઓસ્લો છોડી ફરી નોર્વેના અંતરિયાળ પ્રદેશોમાં જવાનું હતું. એમાં મુખ્ય હતા એટલાન્ટિક રોડ અને ગાઈરેંગર ફ્યોર્ડ। એમના વિષે વાતો હવે પછી.

ભારતના નવીન મ્યુઝિયમ:

ભારતના જાણીતા મ્યુઝિયમો ની વાત કરીયે તો દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, કોલકતા નું ઇન્ડિયન મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી (પ્રિન્સ ઓફ વેલ્સ) મ્યુઝિયમ ને હૈદરાબાદ નું સાલાર મ્યુઝિયમ યાદ આવે. દિલ્હીમાં જ રેલ મ્યુઝિયમ અને આંતરરાષ્ટ્રીય ઢીંગલીઓનું મ્યુઝિયમ તો અનોખા છે જ પણ એક અનોખું સુલભ ટોયલેટ મ્યુઝિયમ પણ છે! પૂણે ના કેલકર મ્યુઝિયમના સંગીત વાદ્યો, પુડુચેરીના જવાહર મ્યુઝિયમના રમકડાં, અમદાવાદના કાઇટ મ્યુઝિયમના પતંગો કે કેલિકો મ્યુઝિયમ ના ટેક્સટાઇલ જોવા જેવી વસ્તુઓ ગણી શકાય. આસામમાં આવેલું કાળા જાદુનું મ્યુઝિયમ કે મુંબઈનું સેક્સયુઅલ બાબતો વિશેનું અંતરંગ મ્યુઝિયમ કંઈક હટકે કેટેગરીમાં ગણી શકાય!