"મનીષા જલ્દી તૈયાર થઇજા કેટલી વાર કરે છે હમણાં છોકરાં વાળા આવતાં જ હશે. સાવ ઘરમાં ફરતી હોય એમ ડ્રેસ પ્હેર્યો છે પેલો નવો જાંબલી કલરનો છે એ પ્હેર." મનીષાની માં એ બુમ પાડીને મનીષાને કહ્યું.
આજે મગનભાઈનાં ઘરમાં થોડી વધારે ચહેલ પહેલ હતી એમની મોટી દિકરી મનીષાને જોવા શહેરથી એક છોકરો આવવાનો હતો. મગનભાઈને બે દીકરીઓ હતી મોટી મનીષા અને નાની કોમલ. મગનભાઈ વિચારીને જ બેઠાં હતાં કે જો આ શહેરનો છોકરો મનીષાને પસંદ કરીલે તો આજે જ ગોળધાણા કરી નાખે.
મનીષા સ્વભાવે એકદમ શાંત, શુશીલ અને સંસ્કારી છોકરી હતી. મોટાને આદર આપતી નાનાને પ્રેમ અને ઘર પણ કુશળતાથી સાચવતી. મનીષા અને કોમલ ઘરના છેલ્લા ઓરડામાં હતાં. "મોટી બેન તમારાં ગોળધાણા તો આજે નક્કી જ છે. આ લ્યો પાવડર તો લગાવો મોઢે. " કોમલ પાવડરનો ડબ્બો બતાવતાં બોલી. "ના, હો.. હો જેમ છું એમજ હાજર થઈશ આ બધાની કંઈ જરૂર નથી મારે. " મનીષાએ ડબ્બો પાછો મૂકતાં કહ્યું. "એલી છોડી... આજે લગાવીદે પછી નાં લાગવતી. "એમ કહીને મનીષાની મમ્મીએ એના મોઢે મસ્ત પાવડર લગાવી દીધો. બધાના મનમાં એક જ આશ હતી કે શહેરથી આવવા વાળા દિનેશ અને એના પરિવારને મનીષા ગમી જાય.
શહેરથી મહેમાન પધારી ચુક્યા હતાં. બધા બહાર ઘરનાં વરંડામાં બેઠાં હતાં. ગામડાના ઘરમાં પહેલાં મુખ્ય ડેલી એમાં અંદર આવીએ એટલે ચોક પડે અને પછી આવે ઓસરી અને પછી ઘરની શરૂઆત થાય. મોટાભાગની એમની જિંદગી ચોક અને ઓસરીમાં જ પસાર થાય.
દિનેશ અને એના માં બાપ મગનભાઈ સાથે વાતો કરી રહ્યાં હતાં એટલામાં દિનેશની માં બોલી હવે છોકરીને તો બોલાવો એને જોઈ લઈએ. એટલે તરત જ મનીષાની માં મનીષાને લાઇને હાજર થઈ ગઈ. મનીષાએ લાંબો જાંબલી રંગનો ડ્રેસ પહેર્યા હતાં.વાળ લાંબા હતાં એટલે સરસ ઓકડિયો પાડીને ચોટલો ગૂંથ્યો હતો. એની સાદગી જ એના શૃંગારનું કામ કરી રહી હતી. જોતાની સાથે જ દિનેશનાં પરિવારને મનીષા ગમી ગઈ. બે પરિવાર વચ્ચે થોડીઘણી ચર્ચા બાદ ગોળધાણા પણ થઈ ગયાં. વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ કે મગનભાઈની મનીષાનું શહેરવાળા છોકરાં સાથે પાક્કું થઈ ગયું.
ચાર મહિનામાં લગ્ન પણ લેવાઈ ગયાં. ધામધૂમથી પ્રસંગ ઉજવાઈ ગયો. મનીષા ઘરકામમાં કુશળ હતી, પરિવારની સંભાળ પણ ખુબ સારી રીતે રાખતી. થોડ મહિનાઓ બાદ દિનેશની નોકરીની મોટા શહેર બદલી થઈ. તે મનીષા સાથે મોટા શહેરમાં રહેવા ચાલ્યો ગયો. તેની સાથે દિનેશનો નાનો ભાઈ જયેશ પણ નોકરીની શોધમાં તેની સાથે આવ્યો. થોડા જ સમયમાં જયેશને પણ સારી નોકરી મળી ગઈ.
આ બધામાં મનીષા અને દિનેશનો ઘરસંસાર પણ ખુબ સારી રીતે ચાલી રહ્યો હતો. લગ્નનાં એક વર્ષ બાદ મનીષાએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો. બંન્ને પતિ પત્ની દિકરીની પરવરીશમાં લાગી ગયાં. ઘરમાં જયેશનાં લગ્નની વાત ચાલી રહી હતી. મનીષાએ ધીમેથી સાસુમાંનાં કાનમાં વાત નાંખી કે જયેશ માટે તેની નાની બહેન કોમલ એકદમ ઠીક છે. મનીષાની સાસુને વાત ગમી ગઈ એ પોતે પણ કોમલને જાણતાં હતાં તે ખુબજ માયાળુ અને લાગણીશીલ હતી. મગનભાઈ પણ આ વાતથી ખુબજ ખુશ થઈ ગયાં કે એમની બંન્ને દીકરીઓ એકજ ઘરમાં રહેશે ને જયેશ અને કોમલનાં લગ્ન માટે તરત રાજી થઈ ગયાં.
બંન્ને બહેનો હવે એકસાથે એકજ ઘરમાં પોતાનો સુખી સંસાર ચલાવી રહી હતી. બે વર્ષ બાદ મનીષાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. એના સાસરિયામાં બધા ખુબજ ખુશ હતાં. મનીષા બંન્ને બાળકોની સંભાળ ખુબજ સારી રીતે કરી રહી હતી. એક આદર્શ પત્નિ અને પુત્રવધુ બાદ એક આદર્શ, પ્રેમાળ અને માયાળું માઁ પણ બની ગઈ હતી. પણ કહેવાય છેને કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ ચડતાં ઉતારતાં ક્રમમાં આવ્યાં કરે અને એજ સંસારનો નિયમ. મનીષાનાં જીવનમાં પણ કંઈક એવુ જ થયું.
દિનેશને જલ્દી પૈસાદાર બનવાની ઘેલછાં બંન્નેનાં જીવનમાં ખુબ મોટો વળાંક લાવી. ટૂંકા રસ્તા જલ્દી ફાયદા કરાવનાર તો હોય જ છે પરંતુ સાથે સાથે નુકશાન બમણું કરતાં હોય છે. દિનેશે લોટરીમાં પૈસા લગાવવાનું શરુ કર્યું. એક-બે વાર જીત્યા બાદ એવી લાલચ લાગી કે એને વ્યાજે પૈસા લઈને લૉટરીમાં લગાવ્યાં અને ખુબજ ખરાબ રીતે હાર્યો. એના આડઅસર એવી થઈ કે શાહુકાર એની પાસે પૈસા માંગ્યા કરતો પણ હવે તેની પાસે એક કાણી પાઇ પણ બચી નહતી. હંમેશા ખુશ રહેતો દિનેશ હવે અકળામણ અને ટૅન્શનમાં રહેવા લાગ્યો. ઘરે આવીને ચૂપચાપ જમીને સુઈ જાય. બાળકો એની પાસે જાય તો ગુસ્સો કરીને ભગાડીદે. જો મનીષા કંઈ પણ પૂછે તો એને ધમકાવીને ચૂપ કરાવીદે. જયેશ પોતાના ભાઈમાં આવતાં આ પરિવર્તનને ખુબજ સારી રીતે જોઈ શકતો હતો. જયેશ પહેલાની જેમ હવે મોટાભાઈ ભાભીથી અલગ બીજી સોસાયટીમાં પત્નિ અને બાળક સાથે અલગ રહેતો હતો. કારણકે પરિવાર હવે મોટું હતું અને ઘર નાનું અને હવે જયેશ પોતે સારું એવુ કમાવવા પણ લાગ્યો હતો. પહેલાં તો દિનેશ નોકરીથી પાછાં આવતાંની સાથેજ પોતાના બાળકોને વહાલથી ભેટી લેતો તેમની સાથેજ ક્લાકોનાં ક્લાકો રમતો, મનીષાને સાચવતો પણ હવે બધુ બદલાઈ રહ્યું હતું.
કોમલે એક દિવસ હિંમત કરીને મોટી બહેનને વાત કરી, "મોટી બહેન, દિનેશકુમાર હમણાંથી કેમ આવું વર્તન કરે છે કંઈ થયું છે? " આટલું સાંભળીને મનીષાએ ઘણાં સમયથી છુપાવેલા આંસુ દરિયાઈ મોજા રૂપે બહાર આવી ગયાં. "ખબર નહીં કોમલ, કેમ તારા બનેવી એવું વર્તન કરી રહ્યાં છે. પૂછું તો કંઈ જવાબ પણ નથી આપતા બસ ગુસ્સો કરી નાખે. અને હવે તો એમણે દારૂ પીવાનું પણ શરુ કરી દીધું છે રોજ રાત્રે પીને આવે અને જો હું કંઈ પૂછું તો હાથ પણ ઉપાડે છે."
દિનેશ દેખાવે ખુબજ સોહામણો હતો. જે કંપનીમાં એ નોકરી કરતો હતો એ જ કંપનીમાં એક માયા નામની છોકરી પણ કામ કરતી હતી એ પણ દેખાવે ખુબજ સુંદર હતી. જ્યારથી એણે નોકરી ચાલુ કરી હતી ત્યારથી જ એ મનોમન દિનેશને ચાહવા લાગી હતી પરંતુ દિનેશ પરણિત હતો અને બે છોકરાનો બાપ હતો એટલે એની કહેવાની હિંમત નહતી થતી. પરંતુ બંન્ને સારા મિત્રો બની ગયાં હતાં. રીસેસમાં બપોરનું ભોજન અને સાંજની ચા માટે બંન્ને સાથેજ જતાં. માયાને પણ હમણાંથી દિનેશનું વર્તન અલગ લાગી રહ્યું હતું પહેલાં તો એ હંમેશા હસીમજાકનાં મૂડમાં રહેતો. પટાવાળાથી લઈને મોટા સાહેબ સાથે ખુબજ સારું વર્તન કરતો પણ હવે એના બદલે બધા પર ગુસ્સો કરવાં લાગ્યો હતો, અને ચૂપચાપ ટેબલ પર બેસીને પોતાનું કામ કરે રાખતો.
માયા એકવાર રીસેસનાં સમયે તેના ટેબલ પર ગઈ. ઓફિસમાં ખાસ કોઈ હતું નહીં બધા ચા પીવા ગયાં હતાં. "દિનેશ.. શું થયું છે?? કોઈ તકલીફ છે?? ઘણા સમયથી હું જોઈ રહી છું તમે કોઈ ચિંતામાં હોય એવુ લાગી રહ્યું છે. સાવ ચૂપચૂપ રહો છો, બધા પર ગુસ્સો કરો છો. તમે મને કહી શકો છો જો એવી કોઈ વાત હોય તો. મારાથી બનતી મદદ હું જરૂરથી કરીશ." માયાની વાત સાંભળીને દિનેશ એક લાંબો શ્વાસ લીધો અને હતાશા સાથે એણે એની બધી તકલીફોની કહાણી માયાને કહી, " માયા.. ખબર નથી પડતી કે હું શું કરું !!" માયા સહેજ હસીને બોલી, "ઓહ... બસ આટલી જ વાત છેને, બોલો કેટલા પૈસા જોઈએ છે, હું તમને મદદ કરીશ." દિનેશ માયાની વાત સાંભળીને ચમક્યો, "ખરેખર... માયા તારો ઉપકાર હું કદી નહીં ભૂલું.. થૅન્ક યૂ સો મચ... જેમ જેમ મારે સગવડ થશે એમ એમ હું તને બધા પૈસા ચૂકવી દઈશ " "કાલે સવારે શહેરનાં ગાર્ડનમાં મળીએ તમને ત્યાં જ હું પૈસા આપી દઈશ. "
દિનેશ હવે ખુશ હતો આજે એને સારી ઊંઘ પણ આવી. બીજે દિવસે બંન્ને નક્કી કરેલા સમય અને સ્થાન પર મળ્યાં, "આ લો દિનેશ. " કહીને માયાએ એક પડીકા વાળી થેલી દિનેશનાં હાથમાં થમાવી. "હું તારો આભાર માનું એટલો ઓછો છે.. હું પાક્કું તારો એક એક પૈસો તને પાછો ચૂકવી દઈશ. " આ સાંભળીને માયા તરત જ બોલી, "ના..ના... એની કોઈ જરૂર નથી તમને મદદ કરીને મને ખુશી થશે. મારે કોઈ પૈસા પાછા નથી જોઈતા. " દિનેશને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું તે એકીટશે માયાની સામે જોઈ રહ્યો, "એક વાત પૂછું માયા?!! આટલો બધો ઉપકાર કેમ !!" માયા દિનેશનો સવાલ સાંભળીને ચૂપ થઈ ગઈ અને માથું નીચે કરી બોલી, " પ્રેમ.. હું તમને પ્રેમ કરું છું દિનેશ.. તમને ચાહું છું. મને ખબર છે તમે પરણિત છો અને બે બાળકોનાં બાપ પણ. પરંતુ મારી લાગણીઓ પર હું કેવી રીતે અંકુશ રાખી શકું. આટલી મદદ કરીને જો તમને જીવનમાં શાંતિ મળતી હોય તો મને ખુબજ સારું લાગશે. " બોલતાં બોલતાં માયાની આંખોમાંથી અશ્રુધારા વહેવાં લાગી. દિનેશે પેન્ટનાં ખિસ્સામાંથી પોતાનો હાથરૂમાલ કાઢીને માયાની સામે ધર્યો, એથી વિશેષ એ કંઈક બોલી શક્યો નહીં.
દિનેશ હવે ઓફિસમાં માયાની વધુ નજીક થઈ ગયો હતો. ઓફિસથી છૂટીને પણ બંન્ને લાંબો સમય સુધી જોડે ફરતાં. મોડેથી ઘરે આવતાં જયારે મનીષા પૂછતી કે કેમ મોડું થયું તો દિનેશ એને ધમકાવીને ચૂપ કરાવી દેતો. એક બે વાર તો એવુ પણ બન્યું કે દિનેશ આખી આખી રાત બહાર રહેતો. આ બધુ મનીષાને યોગ્ય લાગી રહ્યું નહતું.આ બધુ એના બે બાળકો કાવ્યા અને જ્યોત પણ જોઈ રહ્યાં હતાં અને અનુભવી રહ્યાં હતાં કે એમનાં પપ્પા હવે પહેલાં જેવા નથી રહ્યાં બદલાઈ ગયાં છે. આની સૌથી વધારે અસર ચાર વર્ષનાં જ્યોત પર થઈ. જયારે દિનેશ મનીષા પર હાથ ઉઠાવતો કે એને ધમકાવતો ત્યારે એની રડતી માં ને જોઈને જ્યોતનું લોહી ખોળી ઉઠતું.
મનીષાએ એના દિયર જયેશને વાત કરી કે, "તમારાં ભાઈ આખી રાત બહાર રહે છે ઘરે નથી આવતાં, અને કંઈ પૂછું તો મને ચૂપ કરાવીદે છે તમે જરાં જોવોને શું વાત છે." મનીષાની વાત સાંભળીને જયેશે તપાસ શરુ કરી અને જે વાત જાણવાં મળી તે અતિ ભયાનક હતી. એ જ સાંજે જયેશ કોમલને લઈને દિનેશનાં ઘરે પહોંચ્યો. "અરે, જયેશભાઈ.. કોમલ તમે આવો આવો.. મને પહેલાં કહેવું હતુંને તમારું જમવાનું હું અહીંયા જ કરી દેત. " જયેશે કાવ્યાને કહ્યું, "બેટા જ્યોત અને દેવને લઈને બહાર રમો. બંન્નેનું ધ્યાન રાખજે. " પછી એ થોડો ખોંખારો ખાઈને ધીમા અવાજે બોલવા ગયો પણ એનો અવાજ નીકળતો જ નહતો એને ખબર જ નહતી પડતી કે એ મનીષાને કેવી રીતે કહે. ખુબ હિંમત ભેગી કરીને એ બોલ્યો, "ભાભી... કંઈ રીતે તમને કહું ખુબ મહા મહેનતે મારાં પગ માંડીને તમને કહેવા આવ્યો છું. ભાભી ભાઈનું એમની ઓફિસની એક માયા નામની છોકરી સાથે લફરું ચાલી રહ્યું છે. ભાઈએ લોટરીમાં પૈસા વ્યાજે લઈને લગાવ્યાં હતાં અને હાર્યા હતાં તો એ પૈસાની મદદ આ માયાએ કરી.. મને આટલી વાત જાણવાં મળી છે.."
આ સાંભળીને મનિષાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ એ લથડિયાં ખાઈને રીતસર જમીન પર ઢગલો થઈને પડી. કોમલ દોડીને એની બહેન પાસે ગઈ જયેશ પાણી લઈને આવ્યો અને મનીષા પર છાંટ્યું. "મોટી બહેન... આમ હિંમત હારવાથી કામ થોડું ચાલે.. કાવ્યા અને જ્યોતનું વિચારો. " મનીષાનું મગજ સુન્ન પડી ગયું હતું એ રડતાં રડતાં બોલી, "શું વિચારું હું એ બંન્ને માટે...એમને હું શું કહીશ. કાવુ રોજ મને પૂછે છે કે મમ્મી પપ્પા ક્યાં છે કેમ હજુ ઘરે નથી આવ્યાં ત્યારે એનો કોઈ જવાબ મારી પાસે નથી હોતો. "
એટલામાં દિનેશ ઘરે આવી ગયો. બહાર દેવને કાવ્યા અને જ્યોત સાથે રમતાં જોઈને એને ખબર પડી ગઈ કે જયેશ અને કોમલ આવ્યાં છે. કોમલ મનીષાને લઈને પલંગ પર બેઠી હતી સામે જયેશ બેઠો હતો. દિનેશ ઘરમાં આવતાની સાથે બોલ્યો, "શું વાત છે મોટાભાઈની યાદ આવી ખરી. " દિનેશને જોઈને મનીષાથી રહેવાયું નહી એ ઉભી થઈને દિનેશ બાજુ ધસી ગઈ એનો કોલર પકડીને બોલી, "તમને સ્હેજ પણ શરમ ના આવી આવું કરતાં પહેલાં.. મારો નહીં તો આપણા બાળકોનો તો વિચાર કરવો હતો. શું નથી કર્યું મેં તમારાં અને તમારાં પરિવાર માટે. સમાજ ને દુનિયાની તો શરમ કરવી હતી. " મનીષાનો અવાજ સાંભળીને ત્રણેય છોકરાં અંદર આવી ગયાં. દિનેશ અકળાઈને બોલ્યો, "શું બોલે છે.. ભાન છે તને.. આ બધુ શું બોલી રહી છે તું !"
"અજાણ્યા ના બનશો ભાઈ.. અમને તમારાં અને માયાનાં લફરાંની ખબર પડી ગઈ છે.. તમને ભાઈ કહેતાં પણ શરમ આવે છે મને. " જયેશ ગુસ્સામાં બોલ્યો. "ઓહ.. તો એમ વાત છે... સારું થયું ખબર પડી ગઈ હવે મારે છુપાવવું નહીં પડે. " દિનેશના આ વાક્યો સાંભળીને મનીષાને કાળ ચડ્યો, "થોડી તો શરમ કર.. તારા છોકરાં સાંભળે છે.. " ત્યારેજ દિનેશે મનીષાને સમસમાઈને એક લાફો ચોળી દીધો. આ જોઈને નાના જ્યોતથી રહેવાયું નહીં એ દોડીને આવ્યો અને ગુસ્સામાં દિનેશને જોર જોરથી પગ પર મુક્કા મારવા લાગ્યો, "મારી મમ્મીને કેમ માર્યું... એને કેમ રોવડાવો છો.." બોલતો જાય અને મારતો જાય. દિનેશે બાવળેથી પકડીને જ્યોતને ઉંચો કર્યો અને એક તરફ બીજા રૂમ તરફ ધકેલ્યો અને બહારથી કુંડી મારી દીધી.
આ બધુ થયાં બાદ મનીષા હંમેશા ઉદાસ રહેતી. દિનેશ હવે ક્યારેક જ ઘરે પાછો આવતો બાકી એ માયાનાં ઘરે જ રહેતો પરંતુ જયારે પણ આવતો ત્યારે બંન્ને વચ્ચે ખુબજ ઝગડો થતો. આ બધામાં મનીષાની સાસુ પણ મનીષાનો પક્ષ લેવાને બદલે એનો જ વાંક કાઢતી કે, "પતિને ઘરે સુખ નાં મળે ત્યારે જ બહાર ફાંફાં મારે.. તારામાં જ કોઈ ખામી હશે..તારા લીધે જ આખા સમાજમાં મારાં દીકરાંનું નામ ખરાબ થાય છે" કહીને મ્હેણાં મારે. મનીષાથી આ બધુ સહન નહતું થતું. એના માં-બાપ પણ પોતે ગરીબ હોવાથી કંઈ બોલી શકતાં નહતાં. પોતાની દિકરીને દુઃખી જોઈને જીવા બાળ્યાં કરતાં અને વિચારતાં કે કાશ એક નાના ઘરમાં જ દિકરીનાં લગ્ન કર્યા હોત તો ભલે ઓછા સુખી હોત પણ ખુશ રહેતી.
સતત ચિંતા અને ઉદાસી, લોકોનાં મ્હેણાંથી મનીષાને ઘેરી વળ્યાં હતાં. જયેશ અને કોમલ પણ હવે મનીષાની સામેનાં ઘરે જ રહેવા આવી ગયાં જેથી એનું ધ્યાન રાખી શકાય. એક દિવસ અચાનક જ મનીષા ચક્કર ખાઈને ઢળી પડી. આ જોઈને કાવ્યા ડરી ગઈ અને દોડતી દોડતી સામેથી કાકા અને માસીને બોલાવી લાવી. જયેશ મનીષાને હોસ્પિટલ લઇ ગયો ત્યાં ખબર પડી કે એને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ છે અને સતત ચિંતા, ઉદાસી અને ડિપ્રેશનનાં લીધે એ વધી રહી છે. "જોવો જયેશભાઈ, કૅસ બહુ ખરાબ થઈ ગયો છે મનીષા બહેન છેલ્લા સ્ટેજ પર છે. એ હવે થોડા જ મહિનાઓના મહેમાન છે. " આ વાત સાંભળીને જયેશને ધ્રાસ્કો પડ્યો. એણે દિનેશને વાત કરી પણ એને આની કોઈ જ અસર ના થઈ ઉલ્ટાનું એ બોલ્યો, "તો હવે હું નિરાંતે માયા સાથેજ લગ્ન કરી શકીશ. મારે છૂટાછેડા આપવાની પણ જરૂર નહીં પડે. "
મનીષાની આવી ખરાબ હાલત હોવા છતાં એને બીજા લગ્ન કર્યા, અને ઘરે બાળકોને લેવાં આવ્યો. મનીષાએ બાળકોને સાથે લઇ જવાની ઘસીને ના પાડી દીધી. દિનેશે જબરજસ્તી જ્યોતનો હાથ પકડ્યો અને લઇ જવા માટે ઢસડ્યો તો જ્યોતે જોરથી એને હાથ પર બચકું ભરી લીધું અને દોડીને એના માં પાછળ જઈને લપાઈને ઉભો રહી ગયો. "સારું, કંઈ વાંધો નહી..કેટલાં દિવસ રહેશો તમે તમારી માં જોડે છેલ્લે તો મારી જોડે જ આવવું પડશે." કહીને દિનેશ ચાલ્યો ગયો. બે-ત્રણ મહિનામાં જ મનીષા મૃત્યુ પામી. બંન્ને છોકરાઓ દાદી જોડે હતાં ત્યાંથી દિનેશ એમને સાથેજ લઇ ગયો. પરંતુ બાળકો માયાને માં કહેવા તૈયાર નહતા. જયારે દિનેશે કહ્યું કે આ તમારી મમ્મી છે, "ત્યારે જ્યોત ગુસ્સામાં બોલ્યો આને લીધે જ મારી માં મરી ગઈ.. આ મારી મમ્મી નથી. " બંન્ને બાળકોથી કંટાળી દિનેશ પાછો એમને દાદી પાસે મૂકી આવ્યો. જયેશ અને કોમલે પોતાની ફરજ સમજી બંન્ને બાળકોને પોતાની પાસે લાવી દીધા.
જયેશ અને કોમલે બંન્ને બાળકોને સ્હેજ પણ માં-બાપની કમી મહેસુસ થવા ના દીધી. એમને ભણાવી-ગણાવી મોટા કર્યા એમની બધી જ જરૂરિયાત પૂરી કરી. પરંતુ કહેવાય છેને કે બાળકોનાં માસુમ મન પર બાળપણનાં જે ઘાવ હોય એ પૂરાતા નથી. એમ જ્યોત સાથે પણ એવુ જ થયું એણે પ્રણ લીધાં કે એ ક્યારેય કોઈ વ્યસન નહીં કરે. એ સ્કુલમાં હતો ત્યારે બધાનાં મમ્મી પપ્પા એમનાં બાળકોને મૂકવાં આવે, વાલી મિટિંગમાં મળવાં આવે ત્યારે જ્યોત એક આજ વાત વિચારી દુઃખી થતો.. કે બધાની પાસે મમ્મી પપ્પા છે એની પાસે જ નથી. બધાનાં મમ્મી પપ્પા ઝગડો કર્યા વગર સાથે રહે છે, અને આ જોઈને એને બીજા બાળકો પ્રત્યે ખુબજ ઘૃણા થતી કે એમની પાસે છે અને મારી પાસે નથી. જ્યોત વાતે વાતે ગુસ્સે પણ બહુ થઈ જતો.
જિંદગીની એક સાપસીડીથી ઓછી થોડી છે સાહેબ.. ક્યારેક એક એક કદમ ચાલે તો ક્યારેક પાસા એવા પણ પડે કે નાની મોટી સીડી પણ ચડી જવાય અને ક્યારેક નાનાં-નાનાં સર્પદંશથી નીચે પણ ઉતરી જવાય. ક્યારેક એમ પણ થાય કે જીત સામે દેખાતી હોય અઠ્ઠાણું નંબર પર હોઈએ અને એક પડે તો બહુ નીચે જઈને પણ પટકાઈ જઈએ. ક્યારે શું થાય કંઈજ કહી ના શકાય.
અત્યારે જ્યોત અને કાવ્યા એના કાકા અને માસીને જ મમ્મી પપ્પા કહીને બોલાવે છે. જયેશ અને કોમલે પણ પોતાના સગા બાળકની જેમ બંન્નેને સાચવ્યાં. બંન્ને બાળકો પણ એમને એટલો જ આદર અને સમ્માન આપે છે પરંતુ જેટલો હક અને જેટલી કાલવેલી પોતાની માં સાથે કરી શકે એતો ના જ થઈ શકે એ પણ બંન્ને બરોબર જાણે છે. જ્યોત અને કાવ્યા અત્યારે એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરે છે.
માત્ર એક લાલચનાં લીધે આખું પરિવાર વેર-વિખેર થઈ ગયું. જો દિનેશ ત્યાં જ અટકી ગયો હોત તો... કેમ માયા આ બધું જોતા પણ ચૂપ રહી?... દિનેશની માં એ દિકરો ખોટો હતો તો પણ મનીષાને ખરીખોટી સંભળાવી... મનીષાનાં માં બાપ પણ એ પસ્તાવો કરતાં રહ્યાં કે ક્યાં શહેરમાં દિકરી પરણાવી.. આ બધામાં બિચારા જ્યોત અને કાવ્યાનો શું વાંક!!
(સત્ય ઘટના પર આધારિત. નામ અને સ્થળ બદલેલ છે.)