The Definition of Love books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા‘હેય ડીયર, તું રડે છે?’ જેવો હું પાછળથી તેની આંખો બંધ કરવા ગયો ત્યાં તેના આંસુનો સ્પર્શ થતાં મેં પૂછ્યું.

એના તરફ થી કોઈ જવાબ ન મળ્યો. હું પાસે બેઠો અને તેના ખભા પર હાથ મૂક્યો. એણે મારી સામે જોયું અને અચાનક જ મારા હ્રદય પર છરીના ઘા ઝીંકાયા હોય એવો અનુભવ થયો.

એનો નિસ્તેજ ચહેરો જોઈને થોડી ક્ષણો માટે એવું થઇ ગયું કે જાણે આ પૃથ્વી પર કોઈ રંગ છે જ નહીં. હંમેશા એની મીઠી સ્માઈલ સાથે અમારી મુલાકાત શરુ થતી અને અમે બંને એકબીજાને ભેટી પડતાં. તે દ્રશ્ય આજની મુલાકાતમાં બસ મારા સ્મૃતિપટમાં જ હતું.

મારી બેસ્ટ ફ્રેન્ડ ની આવી હાલત મારાથી ના જોઈ શકાય. મેં એને સાંત્વના આપવા તેનો હાથ પકડ્યો અને તેની આંગળીઓમાં મારી આંગળીઓ પરોવીને વધુ મજબુતી થી હાથ દબાવ્યો.

સાંજનો સમય હતો. લગભગ સાડા પાંચ વાગ્યા હશે તો પણ અમે મેઘાલયમાં હતા આથી થોડા જ સમયમાં અહીં અંધારું થઈ જવાનું હતું. અમે જે નદીના કિનારે બેઠા હતા ત્યાંથી થોડે દૂર જ અમારો કેમ્પ આવેલો હતો. ત્યાં ચાલી રહેલી પાર્ટી નો અવાજ અમને ધીમો ધીમો સંભળાતો હતો. અમારો કેમ્પનો આ ત્રીજો દિવસ હતો. અહીંનું વાતાવરણ અને માહોલ ગમે તેવા થાક ને ઉતારી દે તેવા હતા. પવનની લહેરો, આસપાસની હરિયાળી, વરસાદી વાતાવરણ અને આથમતો એ સુરજ કંઈક અલગ જ રોમાન્ટીક વાતાવરણ બનાવી રહ્યા હતા.

પણ અફસોસની વાત એ હતી કે મારી બાજુમાં બેસેલી વર્ષો જૂની મારી બેસ્ટ ફ્રેન્ડ ઈશિતા આજે ઉદાસ હતી. તેની ઉદાસી સ્વાભાવિક રીતે જ મારા સંપૂર્ણ અસ્તિત્વને અંધકારમાં લઈ જઈ રહી હતી. જેનું કારણ હતું મારી એના માટેની લાગાણીઓ. જેમ એક છોકરો અને છોકરી ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ ના રહી શકે તે વાક્ય તેની સત્યાર્થતા આ૫તું હોય એમ હું ઈશિતા તરફ દિવસેને દિવસે આકર્ષાઈ રહ્યો હતો.

અમારા બંનેના ઘર સામે હતા આથી નાનપણમાં પણ અમે સાથે રમેલા. અભ્યાસ માટે ગામ છોડવાનું થયું તો પણ અમે એકબીજાના સંપર્કમાં હતા અને જ્યારે કોલેજ શરૂ થઈ ત્યારે બંનેને એક જ કોલેજમાં એડમિશન મળ્યું. ફરી પાછી અમારી એ વર્ષો જૂની દોસ્તી મજબૂત બની ગઈ.

ઈશિતા કોલેજની સુંદર છોકરીઓ માની એક હતી આથી તેને મારી સાથે જોઈને એના ઘણા બધા આશીકો ને મારી ઈર્ષા થતી. એને કારણે ઈશિતાને એ બધા મનઘડત વાતો કરતા. જેથી મારી છાપ ઈશિતા સામે ખરાબ થાય. ઈશિતા ખૂબ ભોળી હતી. આથી એ આવી બધી જાળમાં ઘણી વાર ફસાઈ જતી. આજુબાજુના દાનવો નિર્મિત ઘૃણાને કારણે હું ઈશિતા સાથેનો સંબંધ આગળ ન વધારું એટલા માટે એક દિવસ ઈશિતાએ સામેથી જ આવી ને મને કહી દીધું હતું કે આપણે ફક્ત બેસ્ટ ફ્રેન્ડ છીએ. એ પછીથી અમારી વચ્ચે બેસ્ટ ફ્રેન્ડ ની દિવાલ બની ગઈ.

હા, ‘બેસ્ટ ફ્રેન્ડ ની દિવાલ’. એક એવી દિવાલ જેનો તમે ફાયદો પણ ઊઠાવી શકો છો અને એ જ દીવાલ તમને નુકસાન પણ કરી શકે છે. કોલેજમાં ઘણા એવા so called couples હોય છે જે આસપાસના લોકો શું સમજશે એવું વિચારીને આગળ બેસ્ટ ફ્રેન્ડ ની દિવાલ ઉભી કરી દેતા હોય છે. પછી એ જ દીવાલની પાછળ સંતાઈ ને મજા માણતા હોય છે.

પરંતુ, મારા કેસમાં આ દીવાલ નુકસાનકારક હતી. બેસ્ટ ફ્રેન્ડ ની આ દીવાલે મને ઈશિતાને મારા મનની વાત કહેતા રોકી રાખેલો હતો અને આજ સુધી મારામાં એ હિંમત નથી આવી શકી કે ઈશિતા સામે હું મારી લાગણીઓને વ્યક્ત કરી દઉં. આ જ કારણ હતું કે હજુ પણ અમારો સંબંધ ફક્ત અને ફક્ત બેસ્ટ ફ્રેન્ડ સુધી જ સીમિત હતો.

એનાં આંસુનું ગરમ ટીપુ મારા હાથ પર પડ્યું. મને વર્તમાનનું ભાન થયું. એનું રડવાનું હજુ ચાલુ જ હતું.

‘શું થયું ઈશિતા કેમ રડે છે?’ મેં એના ગાલ પર ના આંસુ મારા અંગૂઠાથી લૂછતાં લૂછતાંપૂછ્યું.

‘Please leave me alone’ એણે કહ્યું.

‘પણ થયું છે શું એ તો કહે’ મેં ફરીથી પૂછ્યું.

એ ચુપ રહી.

મેં જાણવા માટે ફરી એકવાર પૂછયું.

એણે મને જોરથી ધક્કો માર્યો. હું બે ડગલા દૂર પડ્યો.

‘આહ’ મારાથી રાડ પડી ગઈ.

નદી કિનારે કોઈએ નાખેલી ફૂટેલી દારૂની બોટલ નો ટુકડો જમીન પર ટેકો દેવા જતાં મારી હથેળીમાં વાગ્યો હતો. મારા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું.

ઈશિતાએ મારી તરફ જોયું. એ મારું લોહી ના જોઈ જાય એટલે મે હાથ પાછળ સંતાડી દીધો કેમ કે હું મારા તરફથી એને કોઈપણ જાતનું દુઃખ આપવા માગતો નહોતો માગતો.

પણ શું ખબર એણે એ લોહી જોયું હોત તો પણ કદાચ એ દિવસે કોઇ પ્રતિભાવ ન આપ્યો હોત.

પહેલી વાર એણે મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું હતું.

પણ મને તો પ્રેમ હતો ને સાહેબ... બધી જ જાતની સેલ્ફ રિસ્પેક્ટને બાજુમાં મૂકીને હું હાથ પાછળ રાખીને ઊભો થયો.

‘શું હું એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે એટલું ન જાણી શકું કે મારી ફ્રેન્ડ ને શું તકલીફ છે?’

‘ખોટી સાંત્વના આપીને મારી નજીક આવવાનો પ્રયત્ન ના કર અને હા, તને જણાવી દઉં કે તું મને બેસ્ટ ફ્રેન્ડ તરીકે નથી જોઈતો. કોલેજમાં આવીને તારા વિશે સાંભળ્યા પછી મારે તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવો ન હતો પણ આપણા ફેમિલી વાળા ને એકબીજા સાથે સારા સંબંધો છે એને જાળવી રાખવા જ હું પરાણે તને બેસ્ટ ફ્રેન્ડ કહેતી રહી’ એક શ્વાસે તે આ બધું ગુસ્સામાં બોલી રહી હતી.

એનો આટલો બધો ગુસ્સો પહેલીવાર જોઇ રહ્યો હતો.

મેઘાલયના સાંજના સમય નો વરસાદ વરસવાનો શરૂ થયો. મારી અંદરની બધી જ લાગણીઓ પર જાણે વીજળી પડી અને બધું રાખ થઈ ગયું. હું નહોતો જાણતો કે એણે એના તથા કથિત શુભ ચિંતકો પાસેથી મારા વિશે શું સાંભળ્યું છે. પણ એની વાતો પરથી મને સ્પષ્ટ દેખાતું હતું કે ઈશિતાને મારાથી દૂર કરવા માટે એની અંદર એક પ્રચંડ દાવાનળ સળગાવવામાં આવેલો છે. એ જ દાવાનળ નો ધુમાડો તેના શબ્દોમાં મને દેખાઈ રહ્યો હતો.

વરસાદ થોડો વધ્યો.

એ સમયે મને તદ્દન અનોખો અનુભવ થયો. એ એક એવો વરસાદ હતો કે ના તો એ નફરતનાં દાવાનળને ઓલવી શકતો હતો... કે ના તો એના ધુમાડા ને... એ વરસાદ બસ લાચાર બનીને અમને જોઈ રહ્યો હતો. જીવનમાં પણ કદાચ એવું જ હોય છે. આપણી પાસે સામર્થ્ય હોવા છતાં પણ આપણે અમુક સમયે ફક્ત લાચાર બનીને થઈ રહેલી ઘટનાને જોઈ રહ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો.

‘જો આપ તકલીફ જણાવશો તો કદાચ તમારી સામે ઊભેલો આ ખરાબ પણ એને દૂર કરવાનો પ્રયત્ન કરશે ‘ મારા એ પ્રેમ એ આટલા બધા ઘાવો પછી પણ છેલ્લો પ્રયત્ન કર્યો.

‘Shut up અભી, દૂર થઈ જા મારી સામે થી. તું પણ બીજા છોકરાઓ જેવો જ છે.’ તેણે ગુસ્સામાં મારી સામે ૨ડતા ૨ડતા કહ્યું અને ત્યાંથી ઊભી થઈને ચાલવા લાગી.

‘મારી પર્સનલ લાઇફ વિશે વધારે જાણવાની તારે કોઈ જરૂર નથી’ જતા જતા એ પાછળ ફરીને બોલી.

હું તેના મોઢા પર એના આંસુ અને વરસાદનું પાણી નીતરતા જોઈ શક્યો. મને એ સમયે flames season 2 નો ડાયલોગ યાદ આવ્યો, ‘હર બારીશ રોમાન્ટિક નહિ હોતી’.

🌸🌸🌸🌸🌸

બે વર્ષ પહેલા

કોલેજમાં એડમિશન મળ્યા પછી નો બીજો દિવસ હતો. સાંભળ્યું છે કે કોલેજ નો પહેલો દિવસ યાદગાર હોય છે પણ હું એ દિવસ નો લાભ લઈ શક્યો ન હતો. ઘણા સમય થી હું ઈશિતાને મળ્યો ન હતો.

‘હેય ઈશિતા, આ શું બધા સભા ભરીને બેઠા છો’ ઈશિતાને કોલેજ ગાર્ડનમાં બીજી છોકરીઓ સાથે બેઠેલી જોઇને મેં દૂરથી જ બૂમ પાડી.

ત્યાં બેઠેલા આખા ટોળાએ મારી તરફ જોયું. મારું ધ્યાન ઈશિતા પર થી આખા ટોળામાં ગયું. એક છોકરી એ ટોળાની સામેની બાજુએ ઊભી હતી. તેનું માથુ નીચુ નમેલું હતું અને પગ ધ્રૂજતા હતા. બાજુમાં ચાર-પાંચ છોકરીઓ હતી જેમની ઉંમર અમારા કરતા એક-બે વર્ષ વધારે હોય તેવું લાગ્યું.

‘અને આ છોકરીને બધા ભેગા મળીને હેરાન કેમ કરો છો’ મેં નીચું માથું કરેલી છોકરી સામે હાથ ચીંધીને પૂછ્યું.

એ અલગ વાત છે કે મારી આ હીરોગીરી ને કારણે આગળ મારે ઘણું બધું સહન કરવું પડ્યું હતું.

‘એય, તું પહેલા અહીંયા આવ’ એમાંથી એક છોકરી બોલી.

મેં એની સામે જોયું. ખુલ્લા વાળ, માથે કાળા ચશ્મા, વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ શોટ્સમાં તે બુલેટ પર બેઠી હતી.

‘મહાશયને સભામાં આવવાનો રસ્તો કરી દો’ એક જાડી છોકરી બોલી અને કટાક્ષ હસી.

હું આગળ વધ્યો અને ત્યાં બેઠેલી છોકરીઓ એ મને રસ્તો કરી દીધો. હું નજીક પહોંચ્યો કે તરત જ પેલી જાડી છોકરી એ મને નીચું માથું કરેલી છોકરી ની જગ્યા પર ઊભા રહેવા માટે કહ્યું અને તે છોકરીને તેની જગ્યાએ પાછી મોકલી દીધી. હું ત્યાં ઊભો રહ્યો અને બુલેટ વાળી છોકરી સામે જોયું.

‘નજર નીચે રાખ’ એ ગુસ્સામાં બોલી.

‘નામ શું છે તારું?’ પેલી જાડી છોકરી એ પૂછ્યું.

‘અભી’ મેં કહ્યું.

‘આખું નામ બોલ’ ફરી એણે થોડા કડક અવાજમાં કીધું.

‘અભિષેક ભટ્ટ’ નીચે જોતાં જ મેં જવાબ આપ્યો.

‘ન્યુ એડમિશન?’ બુલેટ પર બેઠેલી છોકરી એ પૂછ્યું.

‘હા’ મેં ધીમેથી કહ્યું.

‘ફિર તો ઉઠા લે નયા મુર્ગા હૈ’ જાડી છોકરી બોલી.

‘આ કેસને સુપ્રિમ કોર્ટ જ સંભાળશે’ બુલેટ પર બેઠેલી છોકરી બોલી અને ઉભી થઈને તે મારી પાસે આવી.

એણે એનો મોબાઈલ કાઢ્યો.

‘ચલ આજે તું આ સભામાં આવી જ ગયો છે તો તને પ્રસાદ પણ અપાવી દઇએ’

એણે આટલું કહીને મારી સાથે એક સેલ્ફી લીધી અને whatsapp ખોલીને કોઈને એ સેલ્ફી સેન્ડ કરી. હું નામ ના જોઈ શક્યો પણ દિલવાળો કંઈક ઈમોજી હતું. તેના પરથી લાગ્યું કે તેનો બોયફ્રેન્ડ જ હશે. ફોટો મોકલીને એણે નીચે કંઈક લખ્યું જે હું વાંચી ના શક્યો.

‘પ્રોફેસર આ બાજુ આવતા હોય એવું લાગે છે’ એક છોકરીએ આવીને બધાને એલર્ટ કર્યા.

જાડી છોકરી એની એક્ટીવા પરથી ઝડપથી ઊભી થઈ અને બધાને વિખેરાઈ જવા માટે કહ્યું. થોડીવારમાં બધા ગાયબ થઇ ગયા. હવે ફક્ત હું ઈશિતા અને હું પહોંચ્યો ત્યારે જે છોકરી નીચું મોઢું કરીને ઊભી હતી તે, અમે ત્રણ જ ત્યાં હતા.

‘હાય અભિષેક, હું તન્વીશા’ પેલી છોકરીએ મારી સામે હાથ લાંબો કરીને કહ્યું.

‘હાય તન્વીશા’ મેં થોડા સ્મિત સાથે સામે હાથ મિલાવ્યો.

અમારો એ હેન્ડશેક જોઈને ઈશિતાને ઈર્ષા થઈ હોય એવું લાગ્યું. પણ એની ઈર્ષા સ્વાભાવિક હતી કારણ કે અહીં હું ઈશિતાને મળવા માટે આવ્યો હતો પણ તન્વીશાએ પહેલા હાથ લાંબો કર્યો એટલે પહેલા એને રિસ્પોન્સ આપવો પડ્યો.

‘હેય ઈશિતા, કેમ છે’ મેં ઈશિતા તરફ જોતાં કહ્યું.

‘હેય વાળી, તને ખબર છે અત્યારે તે જે હીરોગીરી કરી એ તને કેટલી ભારે પડવાની છે’ ઈશિતાએ કહ્યું.

‘મતલબ?’ હું કંઈ સમજ્યો નહીં.

‘અરે ડફોળ, આ સભા નહીં રેગીંગ ચાલતું હતું અમારું. તું હજુ આજે આવ્યો છે એટલે તને નથી ખબર રેગીંગ કોને કહેવાય’ ઈશિતાએ એના કપાળ પર હાથ મૂકતાં કહ્યું.

મેં અડધી જીભ કાઢી. આજ સુધી રેગીંગ વિશે મેં સાંભળ્યું હતું તેના પરથી મને સમજાણું કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી.

‘તો તો મારી વાટ લાગશે એ વાત તો પાક્કી છે’ મે કહ્યું.

ઈશિતા અને તન્વીશા હસી પડ્યા.

તે દિવસે સાંજે જયારે હું હોસ્ટેલ પહોંચ્યો ત્યારે મને રેગીંગનો અસલી અનુભવ થયો હતો. એમાં પણ એ રેગીંગમાં તો મને પેલી સેલ્ફી ને લીધે સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

‘અભી, થેન્ક્યુ મને બચાવવા માટે. મારો વારો આવ્યો હતો ત્યાં જ તું આવી ગયો. આજે મારો પણ પહેલો દિવસ હતો અને હું ખૂબ ડરી ગઈ હતી. જો તુ ટાઇમ પર ના આવ્યો હોત તો કદાચ ત્યાં ઊભા ઊભા જ હું રડવા લાગી હોત.’ તન્વીશાએ આભાર ભાવ સાથે મને કહ્યું.

‘અભી’ શબ્દ સાંભળીને મને થોડી નજીકની અને કોઈ પોતાની વ્યક્તિ હોય તેવું લાગ્યું. આજ સુધી ફક્ત ઈશિતા અને મારા ઘરના સભ્યો જ મને અભી કહીને બોલાવતા હતા.

‘પણ તારી મદદ કરવામાં એને કેટલું બધું ભોગવવું પડશે એ ખબર છે’ ઈશિતાએ કટાક્ષમાં કહ્યું.

મને ના ગમ્યું. હું એ બે છોકરીઓ વચ્ચે ની તિરસ્કારની ભાવના સ્પષ્ટ જોઈ શકતો હતો.

પણ ઈશિતાનું આ વાક્ય સાંભળીને થોડું સારું પણ લાગ્યું કે એને મારી ચિંતા થાય છે એ મને જાણવા મળ્યું.

‘અરે કોઈ વાંધો નહીં જે થવાનું હતું તે થઈ ગયું. આમ પણ તન્વીશાને તો મેં અજાણતા બચાવી છે. મને ક્યાં ખબર હતી અહીં શું ચાલી રહ્યું છે’ મેં વાત પૂરી કરવા માટે કહ્યું.

‘તો પણ અભી હું તારી આભારી રહીશ આ મદદ માટે’ તન્વીશાના આ વાક્યમાં રહેલું અભી ફરી મને સ્પર્શી ગયું.

પછી હું અને ઈશિતા બહાર ઇવનિંગ વોક માટે નીકળ્યા. અમે ઘણી બધી જૂની વાતોને યાદ કરી અને ખૂબ હસ્યા. એકબીજાની નાનપણની મૂર્ખામી અને અત્યાર નું શાણપણ આ બધાનો સમન્વય થઇ રહ્યો હતો એ વાતોમાં. ઈશિતા વાતો કરતાં હસતી ત્યારે સૂરજના આછા તડકામાં દેખાતો એનો ચહેરો મને વધુ મોહીત કરી રહ્યો હતો. તેને હસાવવા માટે હું વારંવાર પ્રયત્નો કરતો અને એના હસતા ચહેરા નો આનંદ માણતો રહ્યો. ઘણીવાર ચાલતાં-ચાલતાં હું પાછળ રહી જતો ત્યારે એના ઉડતા વાળ મારા ચહેરા પર આવતાં જે મારી અંદર કંઈક અલગ જ લાગણીઓ જમાવતા હતા. હું જાણી જોઈને પાછળ રહી જતો અને એ મારો હાથ પકડી ને ખેંચી ને મને એની સાથે કરતી.

વાહ!!! શું અદભુત સાંજ હતી એ.

બધા માટે ભલે કોલેજ નો પહેલો દિવસ યાદગાર બનતો હોય પરંતુ મારા માટે બીજો દિવસ એ બધા કરતા ત્રણ ગણો વધુ યાદગાર બન્યો હતો.

પરંતુ આ બધાની વચ્ચે જાણતા અજાણતા જ ક્યાંક અમારી વચ્ચે એક નવું પાત્ર પ્રવેશી ચૂકયું હતું.

તન્વીશા...

🌸🌸🌸🌸🌸

રાતના દસ વાગ્યા હશે. વરસાદ બંધ થઇ ગયો હતો. ખૂબ ઠંડી હોવાથી કોઈ દારૂ ના પેગ લગાવી રહ્યા હતા તો કોઈક તાપણું કરીને બેઠા હતા.

હું એ બધાથી થોડો દૂર અલગથી નાનું તાપણું કરીને બેઠો હતો. ઈશિતા તેના કેમ્પમાં સુઈ ગઈ હતી. સાંજે જ્યારે નદી કિનારે તે મને છોડીને ગઈ પછી હું કિનારે જ બેઠા બેઠા ખૂબ રડ્યો હતો.

વરસાદમાં રડી લેવાથી કોઈને ખબર પણ નથી પડતી અને તમારી બધી જ વેદનાઓને વહાવવામાં વરસાદનું પાણી તમારી મદદ કરે છે. વરસાદની સાથે વહીને નદીમાં ભળી જતાં આંસુ પરથી મને ખ્યાલ આવ્યો કે દરિયો આટલો ખારો શા માટે હોય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે આમ જ નદીકિનારે રડતા લોકો ના આંસુ અંતે દરિયા માં ભણતા હશે અને દરિયો આટલો ખારો બનતો હશે.

મારા ફોનની નોટિફિકેશન ટોન વાગી.

મેં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને જોયું તો તન્વી નો મેસેજ હતો. છેલ્લા બે વર્ષમાં એ તન્વીશા માંથી મારા માટે તન્વી થઈ ગઈ હતી. મને તન્વીશા નામ બોલવામાં લાંબુ લાગતું હતું એટલે હું એને તન્વી જ કહેતો. મને એ નામમાં લાગણીઓ ઉમેરાયેલી હોય એવું લાગતું. કોલેજના બીજા દિવસથી લઈને આજ સુધીમાં મને હર્ટ થાય એવું કોઈ પણ વર્તન એણે મારી સાથે કર્યું ન હતું. વળી ક્યારેક તો મને એવું લાગતું કે ઈશિતા કરતા તન્વી મને વધારે સમજે છે. હું ક્યારેક ઉદાસ હોવ તો ઈશિતા કરતા તન્વીને સૌથી પહેલા ખબર પડી જતી હતી.

તન્વીનું મારી સાથેનું વર્તન જોઈને મને ખ્યાલ આવી ગયો હતો કે એ મને પ્રેમ કરે છે. પણ એણે ક્યારેય શબ્દોથી વ્યક્ત નહોતું કર્યું. એનો પ્રેમ ‘અવ્યક્ત’ હતો!

મેં મેસેજ વાંચ્યો.

‘Hi અભી, કેવો રહ્યો આજનો દિવસ?’

એ જ સમય અને એ જ મેસેજ જે મને દરરોજ કરતી. એ વાંચીને મારા આખા દિવસનો ભાર હલકો થઈ જતો. ક્યારેય સમયનું પાલન ન કરનારી છોકરી ફક્ત આ મેસેજ કરવામાં હંમેશા સમયસર રહેતી.

કદાચ એ જ પ્રેમ એનો હતો. તમે ક્યારેય ના કરી શકતા હોય તેવું કામ પણ ખુશીથી તમારી પાસે કરાવે એ છે પ્રેમ ની તાકાત. એ પ્રેમ જ તો છે જે આખા દિવસની કાળી મજૂરી કરીને એક પિતા તેની દીકરી ના મોઢા પર ખુશી જોવા આખા દિવસની કમાણી વાપરીને એના માટે ઢીંગલી લાવી આપે છે.

‘બસ સારું છે’ મેં ટૂંકમાં રીપ્લાય આપ્યો.

‘ચલને વિડીયો કોલ કરીએ’

‘પણ હું અહીં અંધારામાં બેઠો છું તાપણું કરીને’

‘ભલે તો પણ ચાલશે’

‘O.K.’ મેં રિપ્લાય આપ્યો.

એનો વિડીયો કોલ આવ્યો. મેં રિસીવ કર્યો.

‘હેય અભી’ મને જોતા જ તેણે થોડા નિરાશ સ્વરમાં કહ્યું.

‘Hi’ મેં કહ્યું.

‘શું થયું છે તને, તું રડેલો હોય એવું કેમ લાગે છે?’

મને યાદ આવ્યું મારી આંખો રડી-રડીને સોજાઈ ગઈ હતી. મેં મારા ફ્રન્ટ કેમેરામાં મારું મોઢું જોયું. આછા પીળા પ્રકાશને કારણે સ્પષ્ટ નહોતું દેખાતું પણ એને ખબર પડી ગઈ હતી કે હું રહેલો છું.

‘કંઈ નહીં બસ એમ જ’ મેં સ્વસ્થ થવા નું નાટક કર્યું.

‘તું કહીશ નહિ ત્યાં સુધી હું કોલ નહિ મુકું’

મને ખબર હતી કે નહીં માને. મેં એને આખી વાત કહી.

પરંતુ ઈશિતા ના રડવાનું કારણ હજુ અકબંધ હતું.

‘ઈશિતા સાથે નક્કી કંઇક મોટી ઘટના થઈ હશે અભી, એ આટલો બધો ગુસ્સો કારણ વગર ના કરે’ તન્વી એ ચિંતા વ્યક્ત કરી.

‘મને પણ એવું જ લાગે છે’

‘અત્યારે એ ક્યાં છે?’ એણે પૂછ્યું.

‘એના કેમ્પમાં સૂઈ ગઈ છે’

મારી પાછળની બાજુથી મને કોઈના રડવાનો અવાજ સંભળાયો.

મેં એ તરફ જોયું તો ત્યાં ઈશિતા હતી.

‘Wait, એ મારાથી થોડે દૂર જ છે પણ એ રડે છે’ મેં ઈશિતા ને જોતા જ તન્વી ને ફોન પર કહ્યું.

‘ઓકે. મારી વાત ધ્યાનથી સાંભળ અભી, એને કંઈ પણ પૂછતો નહીં અને તેની પાસે જઈને કહે કે તન્વી તારી સાથે વાત કરવા માંગે છે’

‘હા ઠીક છે’ એટલું કહીને હું ઈશિતા પાસે ગયો.

ઈશિતાને હજુ ખ્યાલ ન હતો કે હું પાછળ ઉભો છું.

‘ઈશિતા, તન્વી નો વિડીયો કોલ છે અને તે તારી સાથે વાત કરવા માગે છે’ મેં પાછળથી જ કહ્યું.

ઈશિતાએ પાછળ જોયું. એ જ ઉદાસ ચહેરો હતો. પણ સાંજ જેવો ગુસ્સો ન હતો.

એણે વાત કરવા માટે મારો ફોન લેવા હાથ લાંબો કર્યો. મેં એને ફોન આપ્યો.

‘હેલો તન્વી’ એ ધીમા અવાજે બોલી.

તન્વી નો ચહેરો અમે જોઈ શકતા હતા. તે તેના રૂમ પર હતી. અમે અંધારામાં હોવાથી એ સામે અમને નહોતી જોઇ શકતી. મને વિચાર આવ્યો કે અમે મેં કરેલા તાપણા પાસે જઈને બેસી એ તો તે સામે અમને જોઈ શકે પણ મને એ સમયે તેને કંઈ પણ કહેવું ઉચિત ન લાગ્યું. મેં એમ જ એ બંનેને વાત કરવા દીધી.

‘ઈશિતા, આજે સાંજે જે કાંઇ થયું એ બધી વાત મને અભિ એ કરી. અત્યારે ત્યાં તારી સાથે અભી સિવાય એવું કોઈ નથી જે તારી મદદ કરી શકે. સાંજે જે કાંઈ થયું તેના માટે અભી એ તને માફ કરી દીધી છે. તું અમને તારી તકલીફ જણાવી શકે છે.’ આ વાક્યો મને તન્વી નું શાણપણ દેખાયું.

તન્વી એ આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

‘તું જેવું ધારે છે તેવો અભી નથી. હું જ્યાં સુધી એને જાણું છું મને ખાત્રી છે કે એ તને મદદ કરવા પૂરો પ્રયત્ન કરશે. તને બીજા લોકોએ અભી વિશે ઘણું બધું કીધું હશે અને મને પણ સાંભળવા મળ્યું છે. પણ એ લોકોના કહેવાથી સારા વ્યક્તિ નો સ્વભાવ બદલાઈ જતો નથી. અભી આજે પણ એટલો જ સારો છે જેટલો તું એને પહેલા માનતી હતી.’

ઈશિતાએ મારી તરફ જોયું. ફોન ના આછા અજવાળા માં હું એ જોઈ શકતો હતો. તન્વી હજુ બોલતી હતી.

‘મારે તને હજુ એક વાત કહેવી છે... જે આજ સુધી મેં તને નથી કીધી...’ આટલું બોલી તે થોડું અટકી.

મારા કાન પણ એ વાત સાંભળવા માટે આતુર થયા.

‘અભી તને સાચો પ્રેમ કરે છે. એને ક્યારેય હર્ટ ના કરતી’ આટલું બોલી એણે ફોન કાપી નાખ્યો.

હું તન્વીને જાણું છું ત્યાં સુધી એ ફોન મુક્યા પછી ખૂબ રડી હશે.

મારા મનમાં વિચારોનું તોફાન આવ્યું. સૌથી પહેલો તો ઝટકો એ લાગ્યો કે હું જે વાત ઈશિતાને આટલા વર્ષોથી નહોતો કહી શકતો તે વાત તન્વીએ કહી દીધી હતી. પણ એને કેવી રીતે ખબર પડી હશે... આજે મને અહેસાસ થયો કે સૌથી વધારે મારા મનની વાત જાણનારી તન્વી હતી.

એ બધાથી પણ મહત્ત્વની વાત તો એ હતી કે તન્વી મને ચાહતી હતી તેમ છતાં હું જેને ચાહતો હતો તેની સાથે મને મેળવવા તેણે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું. આટલું મોટું બલિદાન કોઈ કેમ આપી શકે!

ખબર નહીં પણ ક્યાંક એવું લાગ્યું કે જીત પ્રેમની થઈ હતી. એનો મારા માટે નો પ્રેમ સાચો સાબિત થયો. એણે મારા માટે પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી. તમે જેને ચાહોછો એને મેળવવું ફક્ત એ પ્રેમ નથી. પ્રેમ તો એ છે કે તમે જેને ચાહો છો તેને હંમેશા માટે ખુશ રાખો. તેને થતી પીડાઓના તમે ભાગીદાર બનો અને તમને મળતી દરેક ખુશીઓને તેની સાથે વહેંચો.

પણ અહીં સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે તન્વીના આ પ્રેમનું બલિદાન લેખે લાગશે કે કેમ? આ ઘટના પછી તન્વી નો મારી સાથેનો વ્યવહાર કેવો હશે? શું એ મારી જિંદગીમાંથી હંમેશા માટે જતી રહેશે? ઈશિતા મને સ્વીકારશે કે નહીં? કે પછી ઈશિતા પણ મારી સાથેનો સંબંધ તોડી નાખશે?

મનમાં સવાલો તો ઘણા બધા ઉઠી રહ્યા હતા. પણ એ બધા સવાલોનો જવાબ ફક્ત એક જ આપી શકવાનો હતો... તે હતો આવનારો સમય...

🌸🌸🌸🌸🌸

ઈશિતા એ મારી સામે જોયું.

મેં એનાથી નજર હટાવવાનો પ્રયત્ન કર્યો.

હું મારા નાના તાપણા પાસે આવીને બેસી ગયો. ઈશિતા મારી પાછળ આવી.

‘અભી...’ આટલું બોલી ત્યાં જ મેં એને અટકાવી.

‘આપણે એ બાબતે પછી ચર્ચા કરીશું. તું પહેલા મને કહીશ કે તને શું થયું છે?’ મેં થોડા કડક શબ્દોમાં કહ્યું.

એણે રડવાનું શરૂ કર્યું.

અગ્નિ ના આછા પ્રકાશ માં એના આંસુ હું જોઈ શકતો હતો.

‘અભી... હું કદાચ પ્રેગ્નન્ટ છું’ રડતા રડતા એ બોલી.

‘What?’ મેં મોટેથી કીધું.

મારાથી આ સહન ન થયું પણ મારી અંદર નો એક બીજો અભી હતો તે આગળ આવ્યો. એ મને કહેવા લાગ્યો કે જો તું એને ખરેખર પ્રેમ કરતો હોય તો આ સમયે એને કોઈ પ્રતિભાવ આપવાનો નથી. પહેલા તું એને સાંભળ.

‘આઈ મીન કેવી રીતે?’ મેં ધીમેથી પૂછ્યું.

‘રોનક...’ એ ફક્ત એટલું જ બોલી.

આ નામ સાંભળતા જ મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પણ એ ક્ષણે મે ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. મારી વિરુદ્ધ ઈશિતાને ભડકાવવામાં ૭૦ ટકા જેટલો ભાગ એ હરામિ રોનકનો હતો. મને ઈશિતા થી દુર રાખવા માટે એ ત્રણ વખત મારી સાથે ઝઘડી ચૂક્યો હતો પણ આ વાતની જાણ અમે ઈશિતાને નહોતી થવા દીધી. રોનક ની કપટી વાતોમાં ભોળી ઈશિતા ફસાઈ જતી. હું તેને ઘણી વખત સમજાવતો પણ કોલેજમાં આવ્યા પછી એને મારી વાતો ખોટી અને બીજાની વાતો સાચી લાગતી હતી.

મેં ઈશિતાને આગળ બોલવા દીધી.

‘કાલે રાત્રે ડ્રગ્સ અને આલ્કોહોલના નશાને કારણે હું અને રોનક પરિસ્થિતિનું ભાન ભૂલી ગયા હતા. નશાના કારણે મને ભાન ન રહી પણ આજે સવારે જ્યારે અમે જાગ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું કેટલી મોટી ભૂલ કરી ચૂકી હતી. મેં તરત જ રોનક ને જગાડ્યો અને આખી વાત કરી તો એણે એની જાતને બચાવવા માટે મારા પર ખોટા આરોપ લગાવવાનું શરૂ કર્યા. મને મદદ કરવાને બદલે એ મને ચારિત્ર્યહીન કહેવા લાગ્યો અને જે કંઈ થયું એના માટે મને જવાબદાર ગણવા લાગ્યો. મને ખૂબ ચિંતા થવા લાગી પણ તમને કોઈને આ વાતની ખબર ન પડે એટલા માટે આખો દિવસ તમારી સાથે નોર્મલ રીતે રહી.’

‘તને મને કહેવાનું પણ યોગ્ય ન લાગ્યું’ મેં સવાલ કર્યો.

‘સોરી અભી, પણ તારા વિશે મેં લોકો પાસેથી અને રોનક પાસેથી જે સાંભળ્યું હતું તેના કારણે મેં તને પણ કોઈ વાત ન કરી. મને મારી ભૂલ અત્યારે સમજાય છે. સાંજે મે તારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું એના માટે હું દિલથી માફી માગું છું. પ્લીઝ મને માફ કરી દે અભી.’

હું એનો પશ્ચાતાપ સમજી શકતો હતો. એને એની ભૂલ સમજાઈ હતી અને એ જ મારા માટે મહત્વનું હતું.

‘ઇટ્સ ઓકે ઈશિતા કોઈ વાંધો નહીં ‘ મેં એનો હાથ પકડતા કહ્યું.

‘થેન્ક્યુ અભી, મને સમજવા માટે’ એણે મારો બીજો હાથ પકડ્યો.

‘અભી, હજુ પણ એક મુશ્કેલી ઊભી છે’ એણે ચિંતા વ્યક્ત કરી.

‘શું?’

‘પ્રેગ્નન્સી રોકવા માટેની દવા મેળવવા મેં આજુબાજુના મેડિકલ સ્ટોરમાં તપાસ કરી પણ ક્યાંય મળતી નથી’

આ સાંભળીને મને પણ થોડી ચિંતા થઈ. મેં સમય જોવા માટે મારો મોબાઇલ કાઢ્યો. પોણા અગિયાર થયા હતા.

‘તું ચિંતા ના કર હું એક વાર પ્રયત્ન કરી જોઉં છું આજુબાજુમાંથી ક્યાંકથી મળે તો’ મેં એને સાંત્વના આપી.

વધારે સમય ન બગાડતા મેં ઈશિતાને કેમ્પ તરફ જવા કહ્યું અને હું દવા શોધવા માટે નીકળી પડ્યો.

મેં આજુબાજુના બધા જ મેડિકલમાં પૂછપરછ કરી પણ ક્યાંય દવા મળી નહીં. હું શોધતો શોધતો કેમ્પ થી ઘણો દૂર આવી ચૂક્યો હતો. આ અજાણ્યા શહેરમાં ને વધુ દૂર જવું યોગ્ય ન લાગ્યું એટલે હું પાછો ફર્યો.

મનમાં નિરાશા છવાઈ ગઈ હતી.

પાછો ફરતો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં વરસાદ ચાલુ થયો. સાંજે વરસાદમાં પલળ્યા પછી જો અત્યારે ફરીથી પલળું તો મારી તબિયત ખરાબ થાય એમ હતું. હું થોડો સમય એક દુકાન ના છાપરા નીચે ઉભો રહ્યો.

હું જ્યાં ઊભો રહ્યો એટલામાં મને કોઈ કલબ પાર્ટી ના ગીતો નો અવાજ સંભળાયો. મેં આજુબાજુ નજર કરી તો એક નાની ગલી પાછળની તરફ દેખાઈ રહી હતી. હું એ તરફ ગયો. મેં ત્યાં જોયું તો દૂરથી મને એક ક્લબ દેખાયું.તે કોઈ એડલ્ટ ક્લબ જેવું મને લાગ્યું.

મારા મનમાં આશાનું કિરણ જાગ્યું. હું ઝડપથી ત્યાં પહોંચ્યો. આજુબાજુના ફોટા જોયા એના પરથી મને ખ્યાલ આવી ગયો કે અહીં શું ચાલી રહ્યું હતું.

મેં ખૂણામાં એક નાના રિસેપ્શન ટેબલ જેવું કંઇક જોયું. હું ત્યાં ગયો. મેં ખુરશી પર બેઠેલા ભાઈને દવા માટે પૂછ્યું. સદ્નસીબે મને દવા મળી ગઈ.

હું ઝડપથી કેમ્પ પર પહોંચ્યો અને ઈશિતાને દવા આપી.

ઈશિતા મને ભેટી પડી.

તે દિવસે પૂરી પાંચ મિનિટ સુધી અમે એકબીજાને એમ જ ભેટી રહેલા. ના કોઈ શબ્દો નો સંવાદ હતો... કે ના આંખનો ઈશારો... બસ અમારી એકબીજાની લાગણીઓ જ પરસ્પર વાત કરતી રહી.

વરસાદ પણ ધીમીધારે કદાચ એ વાતો ને સાંભળી રહ્યો હતો.

‘જો તન્વી એ ફોન પર કહ્યું એ સાચું હોય તો હું તારી સાથે આગળ ની લાઈફ જીવવા માટે તૈયાર છું’ ઈશિતાએ મારી બાહોમાં ૨હિને જ કહ્યું.

‘અને જો ના હોય તો?’ મે ભેટી રહીને જ મજાકમાં કહ્યું.

‘હું જ્યાં સુધી તને જાણું છું તને બીજી કોઈ છોકરી સાથે પ્રેમ નથી. અને રહી વાત મારી. તો જો તું મને પણ ના ચાહતો હોય તો પોસિબલ છે કે તને સજાતીય આકર્ષણ હોય.’ એક જ વાક્યમાં એ જીતી ગઈ.

અમે બંને હસી પડ્યા.

‘તન્વી સાચું કહેતી હતી’ મેં ધીમેથી કહ્યું.

એ વધુ મજબૂત રીતે મને ભેટી.

🌸🌸🌸🌸🌸

મેં મારી ડાયરી બંધ કરી.

આદિત્ય એ આકાંક્ષા નો હાથ પકડ્યો અને તેને એન્ગેજમેન્ટ રીંગ પહેરાવી.

આકાંક્ષા મારી અને ઈશિતાની એકની એક દીકરી હતી અને આદિત્ય તન્વી અને રાઘવનો એકનો એક દીકરો. એ દિવસ પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે તન્વી ને અમે બંને સાથે જ મળવા ગયા હતા અને એને બધી વાત જણાવી હતી. એકલામાં મળીને તન્વી ને મે જ્યારે એના મારા માટે ના પ્રેમ વિશે પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે હજુ પણ એ મને ચાહે છે. એ હંમેશા મને કહેતી કે પ્રેમનો ક્યારેય અંત આવતો નથી.

તન્વી નો મારા માટે નો પ્રેમ એવો જ રહ્યો હતો. ત્યારે પણ... અને તેના રાઘવ સાથે થયેલા અરેન્જ મેરેજ પછી પણ... એટલે જ કદાચ અમારા બધા કરતાં પ્રેમની પરિભાષા એ વધુ જાણતી હતી. રાઘવ તન્વી ને હંમેશા ખુશ રાખતો અને અમારી સાથે પણ સારી રીતે ભળી ગયો હતો. તે જાણતો હતો કે તન્વી મને ચાહે છે પણ એને એનાથી કોઈ વાંધો ન હતો કારણ કે તે તન્વીના પવિત્ર પ્રેમને સારી રીતે સમજતો હતો.

હવે આટલા વર્ષો પછી આદિત્ય અને આકાંક્ષા ની સગાઈ અમારા સંબંધોને વધુ મજબુત બનાવી રહી હતી. તન્વી નો મારા માટે નો પ્રેમ હવે આગળ આદિત્ય અને આકાંક્ષા નિભાવવાનાં હતા. મને તન્વી નું પેલું વાક્ય યાદ આવ્યું, ‘પ્રેમનો ક્યારેય અંત આવતો નથી’.


THE END

બીજા રસપ્રદ વિકલ્પો