રસોઇમાં નવીનતા ભાગ-૧ Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રસોઇમાં નવીનતા ભાગ-૧

રસોઇમાં નવીનતા ભાગ-૧ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. ઘણાં વાંચકોને એવું લાગતું હશે કે પુરૂષ અને તે પણ રસોડામાં...!! હા, મારો મૂળ વ્યવસાય કાયદાકિય સલાહનો છે. પણ મારો શોખ રસોડામાં વિવિધત્તમ વાનગીઓ બનાવવાનો છે. એટલે હું સમય મળ્યે રસોડામાં ક્યારેક નવા-નવા નુસ્ખા અપનાવતો રહું છું. જેનાં કારણે ઘણી નવી વાનગીઓ બનાવવાના આઇડિયા આવતાં હોય છે. જે પૈકી એક વાનગી અહિં આપની સમક્ષ રજૂ કરેલ છે.

        રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક નવી વાનગી લઇને આવ્યો છું. બનાવવામાં સરળ, શાકાહારી અને ઓછી વસ્તુઓના વપરાશથી ઝડપથી વાનગી બનાવી શકાશે.

        આજની વાનગીનું નામ છે “ચેવડાનાં પૂડલાં”. આ વાનગી બનાવવા માટે બહુ સમય લાગતો નથી. માત્ર અડધો કલાકમાં વાનગી બનાવી શકાય છે. અને ઓછી વસ્તુઓના ઉપયોગથી સારી, સ્વાદિષ્ટ અને નવીનતમ વાનગી આરોગી શકાય છે. આ ઝડપી અને સરળ વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રીઓનું લીસ્ટ નીચે જણાવ્યા મુજબનું છે. આ વાનગી બનાવવા માટેની જરૂરી વસ્તુઓ આ મુજબ છે.

(૧) મમરા (બાસમતિ મમરા હોય તો વધારે સારૂ), (૨) જીણી સેવ, (૩) ફર્સી પુરી, (૪) જીણા ગાંઠીયા, (૫) પાતળા પૌંઆ, (૬) રવો, (૭) પીવાનું પાણી, (૮) તેલ, (૯) મીઠું, (૧૦) ચાટ મસાલો, (૧૧) લાલ મરચુ પાવડર, (૧૨) હળદર પાવડર, (૧૩) લીંબુ, (૧૪) દહીં.

બનાવવાની રીતઃ-

        સૌપ્રથમ મમરા અને પાતળા પૌંઆને એક સાથે એક તવામાં શેકવાનાં અને તેનો ચેવડો બનાવવો. આ ચેવડાને એક મોટા વાસણમાં કાઢી તેમાં જીણી સેવ અને જીણા ગાંઠીયા નાંખીને સરખુ મીક્ષ કરવું. ત્યારબાદ તેમાં ફર્સી પૂરીનો ભૂકો કરીને ભેળવવો. ફર્સી પૂરીનો ભુકો એકદમ જીણો ન કરતા થોડો કરકરો રાખવો. ત્યારબાદ એક નાની વાટકીમાં ચાર-પાંચ ચમચી પાણી લઇ તેમાં એક આખું લીંબુ નીચોવી તેને ચેવડામાં નાંખી એક સરખું હલાવી દેવું અને તેને મીક્ષ કરી દેવું. ચેવડામાં લીંબુવાળું પાણી નાંખ્યા બાદ તેમાં સ્વાદ પુરતો ચાટ મસાલો, હળદર પાવડર,  અને સ્વાદ પૂરતું લાલ મરચાનો પાવડર ભેળવી ચાર-પાંચ મિનીટ સુધી પલળવા દેવું.

        ચેવડો પલળે ત્યાં સુધીમાં એક બીજા વાસણમાં બે વાટકી રવો લઇ તેમાં એક વાટકી પીવાનું પાણી ભેળવી તેમાં સ્વાદ પૂરતું મીઠું નાંખી રવો પાંચ-છ મિનીટ સુધી પલળવા દેવો. પાંચ-છ મિનીટ પછી રવો પલળી જાય એટલે તેમાં જરૂર પૂરતો હળદર પાવડર નાંખવો. (જો હળદર વગર ભાવતું હોય તો હળદર પાવડર નાંખવો જરૂરી નથી.) હવે આ પલળેલા રવામાં પહેલેથી જ તૈયાર રાખેલો ચેવડો ઉમેરવો અને આ મિશ્રણને ધીમા હાથે થોડો હલાવવો અને તેમાં સ્વાદ પુરતું મીઠું નાંખવું. મિશ્રણ એ રીતે હલાવવું કે રવો અને ચેવડો બંને સરખી રીતે મીક્ષ થઇ જાય. હવે તેમાં થોડું દહીં ઉમેરવું અને ફરી વખત મીક્ષ કરવા થોડું હલાવવું.

        ત્યારબાદ નોનસ્ટીક તવી પર આ મિશ્રણની પેસ્ટ પાથરવી અને તેનું પડ પ્રમાણમાં થોડું જાડું રાખવું. પેસ્ટની ફરતે થોડું તેલ મુકવું અને ગરમ થવા દેવું. થોડી વાર પછી આ પૂડલું ઉથલાવીને તેની બીજી બાજુને શેકાવા દેવું બંને બાજુ વ્યવસ્થિત શેકાઇ જાય એટલે પૂડલાંને એક ડિશમાં કાઢી તેના પીઝાની જેમ ટૂકડા કરી પીરસી શકાય. આ ચેવડાનાં પૂડલાં દહીં, સોસ, ચટણી, દહીંનું રાયતું વિગેરે સાથે ખાઇ શકાય. ચેવડાનાં પૂડલાંની સાથે ટોમેટો સુપ, વેજીટેબલ સુપ પણ લઇ શકાય.

        મારી આ રેસિપી ઘરે બનાવજો અને બનાવ્યા પછી રેસિપી કેવી લાગી તેનો રિવ્યુ કમેન્ટ સેક્શનમાં જરૂરથી આપજો.

 

 

 

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Vasani Bhagvati

Vasani Bhagvati 1 વર્ષ પહેલા

panna

panna 1 વર્ષ પહેલા

Sonal Parmar

Sonal Parmar 1 વર્ષ પહેલા

Bijal Vora

Bijal Vora 1 વર્ષ પહેલા

Varsha

Varsha 1 વર્ષ પહેલા

wah.good idea