આજે નૈનાનું કામમાં બિલકુલ પણ મન નહોતું લાગતું... એક અજીબ ઉદાસીનતા એના મનને ઘેરી વળી હતી. કેમ એવું થઇ રહ્યું એ એનેય સમજાતું નહોતું... વાતાવરણ આટલું ગમગીન કેમ થઇ રહ્યું એનાથી એ અજાણ હતી...ખબર નહીં ક્યાંથી... એક અજાણ્યો ખાલીપો આવી એના મનમાં ઘર કરવાની કોશિશ કરી રહ્યો હતો. સામે વ્હાઇટ કલરના મગ માં પડેલી કૉફી ઠંડી થઇ રહી હતી એનુંયે એને ભાન ન રહ્યું... કોફીની તેજ ખુશ્બૂ પણ એને કોફી પીવા લલચાવવામાં નાકામ રહી... જોકે કૉફી એની કમજોરી હતી પણ એ અજીબ ખાલીપા સામે એની કમજોરીયે કમજોર પડી રહી હતી... કૉફી ઠંડી પડતી જતી હતી પણ વિચારોનો ગરમાવો વધતો જતો હતો... ઉપરથી કોરોના નો વધતો જતો કહેર વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો...
ત્યાંજ સ્મિતાએ અચાનક આવી...એના ખભા પર હાથ મૂકી એને વધુ ભયભીત કરી દીધી... એક હળવી ભયભરી કંપારી એના આખા શરીરને ઝણઝણાવી ગઈ...
' શું થયું નૈના ' સ્મિતાએ પૂછ્યું.
'કશું નહીં યાર...'
'તારી સામે પડેલી આ કૉફી પીધા વગર આમને આમ ઠંડી થતી હોય ને કાંઈ થયું ન હોય એવું બને ? બોલ નૈના શું વાત છે... ?'
'સ્મિતા મને અજીબ લાગી રહ્યું છે... સાવ ખાલી ખાલી... મારામાં કશું જ ન બચ્યું હોય એમ... ખબર નહીં કેમ પણ ડર લાગી રહ્યો છે... બહુ ડર લાગી રહ્યો છે...'
'ડર ? નૈના ને કેવો ડર ? જે બધાને હિમ્મત આપતી ફરે એને ડર ?'
' સ્મિતા મને મારા માટે ડર નથી... સ્વજનો માટે, દેશ માટે, સર્વજનો માટે ડર લાગી રહ્યો છે... '
'નૈના આપણે જ ડરી જઈશું તો કેમ ચાલશે... ! આપણે તો આખા દેશને હિંમત આપવાની છે... '
'જાણુ છુ સ્મિતા, જાણું છું.. પણ હવે હિંમત તૂટતી જાય છે.. '
'જો નૈના હિંમતને તૂટવા ના દેતી... આપણે તો દેશની હિંમત બનવાનું છે.'
' હા સ્મિતા, આ કપરા કાળ સામે આપણે તો લડવાનું છે જ પણ લોકોને પણ હિંમત આપવાની છે ને કોરોના સામેનાં જંગને જીતવાનું છે... ' નૈના દ્રઢતાથી બોલી.
' યે હુઈ ના નૈના વાલી બાત... ગુડ... નૈના હું ઘરે જવા નીકળું છું... કાલે મળીએ... '
'હા હું પણ નવા પ્રોગ્રામ ' કૉરોના ડૉટ કોમ ' ની રૂપરેખાની સોલંકી સાહેબ પાસે ચર્ચા કરી નીકળું જ છું.... '
કહી નૈના સોલંકી સાહેબના કેબીનમાં ગઈ...
સોલંકી સાહેબ બ્લુ રોઝ ફ્લાવર વાઝ પોતાની સામે રાખીને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે એમાં મોટો ખજાનો છુપાવ્યો હોય... નૈના ના કૅબિનમાં આવવાથી ફ્લાવર વાઝ ને હળવેકથી ઉપાડીને એની નિયત જગ્યા પર મુક્યો... નૈના નજર એ તરફ ગઈ...
' બહુ ધૂળ જામી ગઈ છે... આ રમીલા પણ ખબર નહીં કેવી સફાઈ કરે છે ' સોલંકી સાહેબે બડબડાટ કર્યો... '
નૈના સમજી ગઈ... જરૂર સોલંકી સાહેબના દિમાગમાં કોઈ ખીચડી બની રહી છે... કશુંક સડયંત્ર ચાલી રહ્યું છે... ફ્લાવર વાઝને તાકીને વિચારવાની એમની હંમેશની આદત હતી...
'બેસ નૈના... '
'જી સર... ' કહેતાં નૈના ચેર પર બેઠી...
'હા તો નૈના નવા પ્રોગ્રામની તૈયારી કેવી છે... '
'મારા તરફથી સંપૂર્ણ તૈયારી છે સર... આજના ન્યૂઝમાં જાહેર પણ કરી દીધું છે... આવતી કાલથી આપેલ સાઈડ પર મેસેજ મંગાવવામાં આવ્યા છે તો આવતી કાલથી વેબસાઈડ પર આવવાના શરૂ થઇ જશે... '
' ગુડ... શું લાગે છે નૈના ટી. આર. પી કેવી રહેશે... ?'
'સર મને પૂરો ભરોષો છે આ પ્રોગ્રામ લોકોને ગમશે... અને લોકો માટે ફાયદારૂપ પણ રહેશે.. '
'નૈના લોકોને ફાયદો થઇ ના થઇ ચેનલને થવો જોઈએ... આજ મોકો છે નૈના ટી. આર. પી વધવી જ જોઈએ...આ પ્રોગ્રામથી... ને આપણું ચેનલ અવ્વલ નંબરે રહેવું જોઈએ... ને નૈના એની જવાબદારી તારી છે... કઈ પણ કર નૈના.... પણ આ પ્રોગ્રામ આપણા ચેનલ માટે ફાયદાકારક થવો જોઈએ... '
' જી સર...આઈ વીલ ટ્રાઈ માય બેસ્ટ... '
'પ્રયત્ન નહીં નૈના મને પરિણામ જોઈએ... નૈના તારી પોતાની જાતને સાબીત કરવાનો તારી પાસે આ આખરી મોકો છે... નહીં તો..આ તારી જોબ... '
'સર... જરૂર સફળ રહેશે આ પ્રોગ્રામ... હું ખાતરી આપું છું.. ને રહી વાત ટી. આર. પી ની તો એ પણ મળશે... કારણ કે આપણો આ પ્રોગ્રામ 'કૉરોના ડૉટ કોમ 'આપણે સીધા દર્શકો સુધી અને દર્શકોને આપણા સુધી પહોંચાડશે... આપણો આ એક માત્ર એવો શૉ હશે જેમાં ગેસ્ટ કોઈ નેતા, અભિનેતા કે બીઝનેસમેન નહીં એક આમ આદમી હશે... અને આજ કારણ હશે જે લોકો આ શૉ ને પસંદ કરશે... સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ શૉ નો હિસ્સેદાર બનશે... અને આ શૉ સાથે વધુને વધુ લોકો જોડાતા જશે...અહીં સામાન્ય વ્યક્તિ પણ સરકાર સુધી પોતાની વાત પહોંચાડી શકશે.. દેશની સિસ્ટમની સાચી સ્થિતિ સામે આવશે... અને લોકોને...'
' અરે વાહ... વેરી ગુડ... અને આ રીતે એક સામાન્ય વ્યક્તિ સરકારી સિસ્ટમ પર સવાલ ઉભા કરશે... અને નેતાઓની ઊંઘ હરામ થશે... શૉ માં શું થશે એ જોવા સામાન્ય દર્શકોની સાથે સાથે નેતાઓ પણ દિલચસ્પી રાખશે... ને આપણી ચેનલ...અવ્વલ રહેશે... ' નૈનાની બધી વાત સાંભળ્યા પહેલાં જ સોલંકી સાહેબે પોતાનું સ્ટેમેન્ટ આપી દીધું...
' સર.... '
'ઓકે નૈના મારે એક મીટીંગ છે હું નીકળું છું... '
'પણ સર... '
'નૈના બાય બાય... મને મીટીંગમાં મોડું થઇ છે.. ' કહેતાં સોલંકી સાહેબ બહાર નીકળી ગયા...
નૈના પણ કેબિનની બહાર આવી...અને ટી. આર. પી માટે કઈ પણ કરી લેનાર સોલંકી સાહેબના રૂપમાં જીવતા જાગતા મશીનને જતા જોઈ રહી...
થોડીવારમાં એ પણ ઘરે જવા નીકળી...રસ્તે નવો શૉ 'કોરોના ડૉટ કોમ ' એના દિમાગમાં ઘૂમતો રહ્યો...ત્યાંજ અવિનો વિચાર આવતા થયું કે ઘરે જાવ પરંતુ મા હજી સંપૂર્ણપણે સ્વસ્થ નહોતી... એકદમ સારી હોઈ અને અચાનક જ તબિયત લથડતી... એવું ઘણી વખત થયું હતું તેથી અવિનાશે જ એને ત્યાં જ રહેવા કહ્યું હતું. એમને એકલા છોડાઈ એમ નહોતું... તેથી મા ના ઘરે જ ગઈ...
ઘરે પહોંચી ફ્રેશ થઇ... બેઠક રૂમમાં આવી બેઠી... મા કૉફી લઈને આવી... એ જોઈ નૈનાએ કહ્યું...
' મા તું કેમ પરેશાન થાય છે... હું બનાવી લેત ને.. '
'બેટા એમાં પરેશાની શાની ? તારા માટે નહીં કરું તો કોના માટે કરીશ.. '
' મા... ' કહેતાં નૈનાએ સ્હેજ સ્મિત કર્યું.
મા હસી પડી...
મા ને હસતાં જોઈ નૈનાએ શાંતિ અનુભવી... ભગવાનને પ્રાર્થના કરી કે મા બસ આમ જ હંમેશા ખુશ રહે..થોડી વારમાં મા દીકરી બન્નેએ મળી જમવાનું બનાવ્યું... જમી મા ઊંઘવા રૂમમાં ચાલી ગઈ... નૈના થોડીવાર બેઠક રૂમમાં બેઠી ટી.વી જોઈ... પછી રૂમમાં ગઈ... અનેક પ્રયત્નો છતાં એને ઊંઘ આવી નહીં... તો રસોડામાં જઈ કોફી બનાવી...
કૉફી પીધા પછી નૈના ટેરેસ પર જઈ હીંચકા પર બેઠી... હવાની એક લહેરખીએ એના વાળની લટો મોં પર લાવી દીધી... હળવેકથી નૈનાએ એ લટોને કાન પાછળ ખોસી... શાંત વાતાવરણને એનો ગ્રીન કલરનો નાઈટ ડ્રેસ વધુ શાંત બનાવી રહ્યો હતો... એ શાંતિમા એ કેટલીયે મિનિટો હીંચકાના સળીઆને માથું ટેકવી બેસી વગર કારણે અંધારાભર્યાં આભને તાકતી રહી...
ત્યાં જ એક ફોન કોલ આવ્યો... ને એ ફોન કોલે એના હોશ ઉડાવી દીધા...
* * *