(વિધિ)
"એય પાણી તો પાવો મારા દિયોરો આ ડોશીનું થોડું તો ધ્યાન રાખો. હે ભગવાન ! કેમ મને ઉઠાવી નથી લેતા! કેમ મને પાપની ભાગીદાર બનાવો છો? અને આ પાછલી જીંદગીમાં કેમ મારે ભોગવવું પડે છે! અને પેલી સામેવાળી ધૂળ જ નાખે છે, કોથળો ભરી ભરીને. અલ્યા કહું છું પાણી પીવડાવો, આ તમારી ડોશીને."
"હા આવું” ( એવો મોટેથી ઘાંટો સંભળાયો) .
તેમના દીકરા ભોલાકાકા પાણીનો જગ લઈને ગયા અને મોટેથી બાને સંભળાવવા લાગ્યા.
"બા, થોડી વાર થઈ ગઈ. હું આવું જ છું ને: તું આટલા મોટેથી ઘાંટા ના પાડે તો ના ચાલે?"
તેમની વાત સાચી હતી. કોઈક આ સાંભળે તો એને તો એમ જ લાગે કે આ બાની કોઈ સાર-સંભાળ નથી લેતું -- એના ઘરવાળા. અને ધૂળની વાતો સાંભળે તો એમ પણ લાગે કે બાને માનસિક બીમારી છે.
હું નવો નવો આ મકાનમાં ભાડવાત તરીકે આવ્યો છું. અને આજે પહેલી વખત કોઈ ઘરડા બાનો અવાજ, અથવા એમ કહો કે ઘાંટો સાંભળ્યો ત્યારે કંઈક અંશે વિસ્મય અને કંઈક અંશે વિષાદ થયેલો. પણ પછી તો આ રોજનું થયું અને મને બાનો આ ઉચાટ કે ઘોંઘાટ સાંભળવાની ટેવ પડતી ગઈ.
હું વ્યવસાયે પત્રકાર અને લેખનમાં રસ છે. આમ મારું ગામ રાજકોટ પાસે નાનકડું ગામ છે. અમદાવાદ આમ ઘણા વખત પછી આવ્યો પણ હવે હું અહીં જ રહેવાનો. એક અખબાર કંપનીમાં નોકરી મળી છે અને હું એકલો માણહ. હજી લગ્ન નથી થયા અને થોડા વખત પહેલા જ અમદાવાદ આ ઘરમાં ભાડે રહેવા આવેલો અને ૧ મહીના પછી આ કોરોના ત્રાટક્યો છે આખા વિશ્વમાં. જોત-જોતામાં આખા વિશ્વ પર એનું આધિપત્ય થઈ ગયું. લોકો જે પોતાની જાતને કંઈક સમજતા હતા એ લોકો હવે કુદરત કહો કે ચાઈનાનો માલ કહો, એનો પ્રકોપ નિસહાય બની જોઈ રહ્યા છે.
મારી નવી નવી નોકરી અને ઘરેથી જ કામ કરવાનું થયું. એમ કહો કે ઘરમાં જ પુરાઈ રહેવાનું થયું, પણ ધાર્યા કરતા ઓછું મુશ્કેલ બન્યું કારણ, આપણે બાપુ લેખનના રસિયા એટલે કંઈક ને કંઈક નિરિક્ષણ કરતા રહીયે, કંઈક ને કંઈક લખતા રહીયે.
આજ કાલ મને સૌથી વધુ રસપ્રદ મારા પાડોશમાં રહેતા માજી લાગે છે. આશરે ૯૦ ઉપરની ઉંમર હશે એમની. ઘરે એકલા રહેતા પણ એમનો એક દીકરો એમના ઘરના ભોંયરામાં રહેતો, એના પરિવાર સાથે. એ કાકા નાનકડા એક ડ્રોઈંગ રુમ અને કિચનવાળા ઘરમાં રહેતા. લાગે છે કે આ માજીને લીધે તેમના દીકરાને આવા ઘરમાં રહેવું પડે છે. જ્યારે આ માજીનું ઘર એટલે એક મોટો ડ્રોઈંગ રૂમ, બે મોટા રૂમ, એક કિચન, ડાઈનીંગ ટેબલ રખાય તેટલી મોટી જગ્યા, અને પાછળ એક મોટો પરશાળ- કમ ગાર્ડન. હું આટલું એટલા માટે કહી શકું છું કેમ કે એમના જેવું જ ઘર હું જે મકાનમાં રહું છું તે પણ છે. અને મારા પરશાળમાંથી જોઉં તો એમનો પરશાળ એક ગાર્ડન જેવો લાગે. તેમણે મોટી મોટી વેલના છોડ અને વિવિધ ફુલોના છોડ જેમ કે -- ગુલાબ, મોગરો, ચમેલી, જાશુદ જેવા છોડ સરસ રીતે વાવેલા છે. એવું મન થાય કે રોજ સાંજ પડે અને હું મારી પરશાળમાં ખુરશી લઈને બેસું અને એ નજારો જોયા કરું. આ લાંબા વેકેશનમાં હવે એ મારો નિત્ય ક્રમ બની ગયો છે. એવું લાગે કે હું મારા ગામના ખેતરે બેઠો છું અને કંઈક લખી રહ્યો છું.
શરૂઆતમાં હું અહીં આવ્યો અને મને બાની રોજ બૂમ સંભળાય એટલે મને એમ જ લાગે કે બાનું કોઈ ધ્યાન નથી રાખતા. પણ થોડા દિવસોમાં ખબર પડી ગઈ કે બાનો સ્વભાવ જ આવો છે. હું જાત-જાતની ધારણાઓ કરવા લાગ્યો. કદાચ બાએ એમની પાછલી જીંદગી સારી નહીં જોઈ હોય, કે એમના સાસુ થોડા વિચિત્ર હશે, કે કંઈ પણ ધારણાઓ બાંધતો. એમ વિચારતા વિચારતા મને મારી બા યાદ આવી જતી.
મારી બાને અવસાન પામ્યાને ૧૦ વર્ષથી ઉપર થયા પણ એમની સાથે વિતેલી એ ક્ષણો મને સાંભરતી. અમે કેવી મજા કરતા! મારી બા બે ચોપડી જ ભણેલી પણ ઘરકામ અને ગણતરીમાં હોંશીયાર કહી શકાય. અમે વેકેશનમાં ખુબ રમતા અને ખેતરનું ખુબ કામ કરતા. એને ખબર કે મને વાંચનનો જબરો શોખ એટલે મારા બાપુજીને હંમેશા કહેતી કે આ વિધાન માટે જાત જાતના પુસ્તકો લાવો. બાપુજી પણ એવા જ પ્રેમાળ. મને કોઈ દી ભવિશ્ય માટે મેણાં ટોણાં ન મારતા. મને લખવા અને વાંચવા માટે ખુબ પ્રોત્સાહન આપતા. મને ડુંગરે કદી લઈ જતા ને કદી તળાવે લઈ જતા અને કહેતા કે હવે લખ જે તને મન થાય તે. અને હું આજુ-બાજુના દ્રશ્યો ટપકાવતો મારી નોટબુકમાં. પછી મારી બા રોજ સાંજે રોટલા ટીપતી ટીપતી સાંભળે હોંશે હોંશે કે શું લખ્યું હતું મેં. એને ઘણો અફસોસ રહ્યો તો કે એ આગળ ન ભણી શકી. એટલે એ એની ઈચ્છા મારા દ્વારા પુરી કરતી. ત્યારથી મારો લખવાનો શોખ વધતો જ રહ્યો છે, સાચું કહું તો હવે તો લખવું એ મારી ગમતી ટેવ બની ગઈ છે.
અમદાવાદ આવ્યો અને આ ઘરે મને આ મારા પાડોશમાં રહેતા બા થોડા રસપ્રદ લાગ્યા.
રોજ હું જોઉં, દરરોજ સવારે બાના સાઠેક વર્ષના દીકરા ભોલાકાકા છોડને પાણી પાવા આવે. અડધો કલાક જેવું કામ કરે એ છોડ સાથે. ઘણી વખત મને મન થાય કે હું કાકાને કહું, "કાકા મને કરવા દો. મારું આ ગમતું કાર્ય છે. અને મેં ખેતરે કામ કરેલું એટલે પાવરધો પણ છું. આ લોક ડાઉન સુધી મને આ જોબ આપી દો. હું એક પણ પૈસો નહીં લઉં”.
પણ પછી થાય ક્યાંક આ માજીને જો મારાથી કોરોના થઈ ગયો તો હું તો પોતાની જાતને માફ નહીં જ કરી શકું પણ આ ગુજરાતની પોલીસ પણ મને માફ નહીં કરે. અને લોકો મેણાં મારશે કે દિયોર એનાં ઘરવાળા ન હતા તે તું ગયો તો! આવા વિચારોએ મને રોકી દીધો.
"ધૂળ નાખવાનું બંધ કરો! ઓ બેન તમે કેમ મારી સાથે આવું કરો છો? શું બગાડ્યું છે મેં તમારું તો કોથળા ભરીને ધૂળ નાખો છો?” આવી બૂમથી મારી ઊંઘ ઊડી ગઈ અને હું ઝબકીને જાગી ગયો.
જોયું તો રાતના એક વાગવા આવ્યા હતા અને બાનો અવાજ સંભળાયો મને. મારો તો મરો થઈ ગયો. એક તો એકલા રહેવાનું અને એક વાગે આવું સાંભળ્યું. મારો તો જીવ ઊંચો થઈ ગયો. એક મિનિટ માટે તો મને મારી બા યાદ આવી ગઈ. હું તો બાનો જપ કરવા લાગ્યો. પછી ધીરે ધીરે રાહત થઈ અને ખબર પડી કે પેલા માજીને કંઈક થઈ ગયું છે. પરશાળમાં ગયો તો જોયું કે માજી તો રાતના અંધારામાં સામેવાળા ફ્લેટવાળાઓને કંઈક બૂમો પાડે છે. મને આમ તો કંઈ જ ખબર ન પડી પણ એટલી ખબર પડી કે એમને ધૂળનું કંઈક ઉપડ્યું છે. જાણે કે ધૂળનું કંઈક ખરાબ સપનું ન જોયું હોય!
જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ મને એમની સમજ પડતી ગઈ. માજીને કંઈક બીમારી જેવું લાગે છે એવી સમજ પડવા લાગી. એવામાં પેલા કાકા સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ. મને સમજાતું ગયું કે આ બીચારા કાકા સાઈઠ જેવી ઉંમરમાં આખા ઘરનું કામ જાતે અને કંઈ પણ ફરીયાદ વિના કર્યે જાય છે. મને એમનામાં પ્રેમનું બીજુ સ્વરૂપ દેખાયું. લોકો ગમતા વ્યક્તિ માટે તો જાત ઘસી નાખે પણ આ જમાનામાં કટ કટ કરતી મા માટે આખીય જીંદગી ઘસી નાખવી એ કંઈ સહેલી વાત નથી. મારે એ કાકા સાથે રોજ સવારે થોડી વાતચીતનો વ્યવહાર ચાલુ થઈ ગયો. હું એમને છોડ પાન વિશે મારું જ્ઞાન આપતો અને એમને એમાં રસ પણ પડતો. ધીરે ધીરે એમના ઘરના લોકો સાથે વાતચીતનો વ્યવહાર શરૂ થયો. પછી તો તેમના આખા પરિવાર સાથે પરિચય થયો. મને કંઈક રાંધવામાં તકલીફ પડે તો આ કાકી મને મદદ કરે.
આમ તો, મારા બાપુજીનો ગયા વર્ષે જ સ્વર્ગવાસ થયેલો એટલે હું અહીં મારા નજીકના પરિવારજનો નજીક રહેવા અમદાવાદ આવેલો. બા પછી મારા બાપુજી જ સવારની રસોઈ બનાવતા એટલે મારા ભાગે રસોઈ સિવાયના કામ આવતા. મારી બે મોટી બુન જેને પરણાવ્યાને ૫-૫ વર્ષ થઈ ગયા. એકને અમદાવાદ અને બીજીને સુરત પરણાવી. એટલે મેં સુરત કે અમદાવાદ જ વસવાટ કરવાનું નક્કી કરેલું.
પાછા પેલા માજી પર આવીયે, સવાર -- બપોર -સાંજ અને રાત સતત બા કંઈક બોલ્યા જ કરે.કદીક ધૂળ વિશે તો આવું મેં ૧ મહીના સુધી સાંભળ્યું. મને એમ કે લોકડાઉન હમણાં પતી જશે પણ એ તો લંબાતું જ ગયું. હવે કરવું શું? અખબારનાં લેખો તો હું ઘરે બેઠા બેઠા લખી આપી દેતો. પણ પુરુષ જાત આટલા દિવસ ઘરે જ કેવી રીતે બેસી રહે અને વેબસાઈટ પર ઓનલાઈન કેટલી છોકરીઓ જોયા કરે? મને થયું કે ચલો આ બા સાથે વાર્તાલાપ કરીએ અને થોડું સમજાવીએ કે કોઈ ધૂળ નથી નાખતું. આ તો તમારો મનનો વહેમ છે.
અને એ રીતે મારું ઓપરેશન ધૂળ શરૂ થયું.
૪-૫ દિવસ મેં મારા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખ્યો. આમ તો હું દરવાજો બંધ જ રાખતો પણ ઓપરેશન ધૂળમાં આ પેંતરો ચાલુ કર્યો. ૪-૫ દિવસ પછી એક દિવસ એ બાએ મને પૂછ્યું "કયા ગામના તમે?” આવી રીતે અમારો વાતોનો વ્યવહાર શરૂ થયો.
મારી પહેલી વ્યૂહરચના સફળ જઈ રહી હતી. બાને થોડો વિશ્વાસ આવી રહ્યો હતો મારી ઉપર. એક -- બે વાર કાકા સામે પણ ૨-૪ વાતો થઈ. મેં એમના છોડ વિશે સારું સારું કહ્યું. અને મેં એમને મારા ખેતરો વિશે અને મારા બા વિશે જણાવ્યું. વચ્ચે વચ્ચે કોઈક વખત બા પાસેથી વાત-વાતમાં કોઈની ખરી ખોટી પણ સાંભળવા મળે, પણ એમાં મને કંઈ ખબર ન પડે. એક તો આપણને આવી બૈરાં પંચાતમાં જરાય રસ નહીં. મને તો એક જ લક્ષ્ય દેખાતું હતું "ઓપરેશન ધૂળ”. મારે વિશ્વાસ જીતવો હતો. એ આમ તો 15 દિવસમાં ન થાય પણ નવરા બેઠા કલ્પના તો કરી જ શકાય ને.
અને એક દહાડો આવ્યો ને મેં કીધું કે "માજી કોઈ ધૂળ નાખે છે હેં તમારી ઊપર?”
પેલા માજીએ આશ્ચર્ય વચ્ચે કહ્યું કે "તમે જોયું ને, હેં ને, કેટલી ધૂળ છે? સામેવાળાએ કોથળો ભરીને ધૂળ રાખી છે અને એ મારી પર નાખે છે.”
મને જરા હસવું આવ્યું. મને એમ થયું કે આવું કેવું લાગે છે આ માજીને. મેં ધીરે રહીને કહ્યું કે હેં બા, મને તો ખબર જ નથી. કોણ આવું કરે છે મને કહો તો ખરા! માજી મને પરશાળમાં લઈ ગયા અને પેલું ઘર બતાવ્યું. આંગળીથી ઈશારો કરી કહ્યું, "જો પેલી બાયડી નાખે છે. દિવસ-રાત એની પાસે આ જ કામ છે. મને હેરાન કરે છે..”
મને ખબર હતી કે કોઈ કશું નથી નાખતા પણ આ માજીને ન કહેવાય નહીંતર બહાર કાઢી મુકે. મેં બીજો પેંતરો મુક્યો. "હેં ! સાચે! માજી તરત બોલ્યા, હા તો વળી હું શું આ ઉંમરે ખોટું બોલું? મારા ઘરમાં જ નાખે છે. જોને કેટલી છે એની પાસે."
૧ અઠવાડીયું તો મેં એમની હા માં હા જ ભરી. આવું કરવું મારા પેંતરાનો એક ભાગ હતો.
મારું ઓપરેશન ધૂળ આગળ વધ્યું. એક દિવસ મેં કીધું," માજી આજે તો હું એમને નહીં છોડું" ..
મારો ક્રોધ એટલો સખત હતો કે માજી તો હેબતાઈ ગયા. કે આ પારકા માણસને શું થઈ ગયું. હું જોરથી બોલ્યો, "આજે તો હું એમના ઘરે જઈશ અને ઠપકો આપીને જ આવીશ."
અમારે ગુસ્સામાં હોવાનું નાટક કરવાનું હતું. એટલે એમાં એમના દિકારા પણ આવી ગયા ને મારી સાથે હા માં હા પુરાવી ગયા. માજીની તો જાણે બોલતી જ બંધ થઈ ગઈ. અમે બંને જુસ્સામાં વાત કરવા લાગ્યા.
"હારીનીની તો આજે વાત ગઈ. . .મારી બાને હેરાન કરે છે અને ધૂળ નાખે છે. . . આજે તો એની હું ધૂળ કાઢી નાખું. "
અને અમે બંને ક્રોધમાં ઘરની બહાર નીકળી ગયા. માજી તો હેબતાઇ અને ચુપ જ થઈ ગયાં. એ તો દરવાજા પાસે આવ્યાં અને જોવા લાગ્યાં કે આ બંને દિયોરો ગ્યાં ક્યાં.
હું જુસ્સામાં પાછો આવ્યો અને બાને કીધું, "બા, તમે થોડી વાર પરશાળમાં આવો. પેલી હારી તમારી માફી નહીં માગે ત્યાં સુધી નહીં છોડું."
અને પછી હું જુસ્સામાં અને ગુસ્સામાં નીકળી ગયો. બા થોડી વારમાં પરશાળમાં આવ્યા. અને અમે લોકો મોટે મોટેથી બોલવાનો, એમ કહો કે ઝગડવાનો સુંદર અભીનય કર્યો. અમે પેલી બાઈના ઘરેથી પ્રયત્નપૂર્વક, બાને સંભળાય તેટલા જોરથી બોલવા લાગ્યા.
ખબર નહીં બાને કેટલું સંભળાયું. અને થોડી મિનિટોમાં બારીનો કાચ ખુલ્યો અને પેલી બાઈ જેને માજી ખખડાવી નાખતા, કશા કારણ વગર, એ બાઈ ગરીબડી બનીને બા સામે રોવા લાગી અને કીધું," બા મને માફ કરી દો. આજ પછી કંઈ ધૂળ નહીં નાખું. મારા મરેલા મા-બાપની કસમ. બસ!"
બા તો હેબતાઇ જ ગયા. જુસ્સામાં એમની જીત થઈ હોય એમ બોલ્યા, "જો હવે ધૂળ નાખીશ ને તો પોલીસમાં રીપટ લખાઈશ, આ મારો દિકરો તને છોડશે નહી.”
પેલી બાઇ તો કરગરવા લાગી. હાથ જોડી જોડીને માફી માગવા લાગી. થોડી વારમાં એનું આખુંય ઘર આવ્યું ને માફી માગી. પંદર વિસ મીનીટ ખેલ ચાલ્યો અને અમે પાછા જુસ્સામાં આવ્યા અને માજીની સામે નાટકનું અંતિમ દ્રશ્ય ભજવ્યું.
અમે બાને વિજયી સેનાના ભાવથી કહ્યું, બા બસ, હવે તમને કોઈ હેરાન નહીં કરે. માજીનો તો ચહેરો જોવા જેવો હતો.
થોડી વાત કર્યા પછી હું અને કાકા પોત-પોતાના ઘરે ગયા. ૨-૪ દિવસ અમે લોકોએ માજીની કોઈ ધૂળની ફરીયાદ ન સાંભળી. વચ્ચે હું અને કાકા જુસ્સામાં બાઈને ખખડાવવાનું નાટક કરતા.
આજે 15 દહાડા થયા અને હજી સુધી માજીની બૂમો અને ધૂળની ફરિયાદ સંભળાઈ નથી. મને રાહત થઈ અને તેથીય વિશેષ જીત થયાનો સંતોષ થયો કે વાહ! મેં કેટલું મોટું કામ કર્યું છે. હું જીતની ખુમારીમાં જ રહેતો. કોઈક વખત પોતાની જાતને કંટ્રોલ કરતો પણ અભિમાન થોડું આવી ગયું. નાટકમાં રહેલા દરેક માણસ એક બીજાને જોઈને મનોમન હસતા કે કેટલું મસ્ત કામ કર્યું આ રજાના ટાઈમે.
હવે લોકડાઉન -૩ ચાલુ થયું અને એક સાંજના ચાર વાગે "કપડા લઈ લો, કપડા લઈ લો એવો માજીનો અવાજ સંભળાયો.” હું પરશાળમાં ગયો અને જોયું તો માજી સામેવાળા ફ્લેટની બહાર કપડા સુકવતા હતા એ બાઈને કહેતા હતા કે લઈ લો કપડા, સુકાઈ ગયા છે. અને હું ફસડાઈને પડી ગયો અને મારાથી બોલાઈ ગયું, હે પ્રભુ આ કોરોના ક્યારે જશે! અને આ લોકડાઉન ક્યારે ખતમ થશે.
સાલા ચાઈનાના દરેક માલ નવું જ લાવે છે. આમ તો દરેક એનો માલ ટકે નહીં પણ આ સાલો માલ બહુ ટકાઉ નીકળ્યો. જવાનુ નામ જ નથી લેતો !!!
હું સ્વસ્થ થઈને થોડી વાર પછી ઘરમાં ગયો ને ચા બનાવીને લખવા બેઠો અને સાંજના પાંચ વાગ્યા અને ફરીથી બાની બૂમોનો નિત્યક્રમ શરૂ થયો. "પેલી બાઈ ધૂળ નાખે છે અને ઓ બેન પેલા કપડા સુકાઈ ગયા છે લઈ લો.” જાણે પેલી બાઈએ કપડા સુકાઈ જાય એટલે કહી દેવા માટે આ બાને આસીસ્ટન્ટ ન બનાવ્યા હોય!!.
અને પેલા નાટકના પાત્રો હવે એક બીજાની સામે જોઈને મોઢું લટકાવતા!
હું વિચારતો રહ્યો. આ શું થયું? અમારા વિજયનો ભ્રમ તૂટ્યો કે નાટક નિષ્ફળ રહ્યું ખબર નહીં.
વિધિ