5.
આમ ને આમ મહેકનું દસમું ધોરણ પણ પૂરું થઈ ગયું અને રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું. ભણવામાં તો મહેક પહેલેથી જ હોશિયાર હતી. સાથે ઇત્તર પ્રવૃતિમાં પણ ભાગ લેતી.
હવે મહેકે આગળ આર્ટ્સ ફિલ્ડમાં જવાનું વિચાર્યું. અગિયારમું ધોરણ પૂરું થયું અને બારમા ધોરણની ફાઇનલ એક્ઝામ લેવાઈ એને પણ અઠવાડિયું થઈ ગયું હતું. આ વેકેશનમાં નયનભાઈને એકસાથે વધારે રજા નહોતી મળી. એટલે બહાર ફરવા જવાનો પ્લાન બન્યો નહોતો. મહેક વેકેશનમાં રસોડામાં એના મમ્મી અને બા ને મદદ કરવા લાગી અને રસોઈ શીખવા લાગી.
વેકેશનને એકાદ મહિનો થયો હશે. એકદિવસ નયનભાઈ રાતે ડ્યૂટી પતાવીને ઘરે આવે છે પણ એમનો ચહેરો થોડો ચિંતિત લાગે છે.
" શું થયું નયન , કંઇક ચિંતામાં લાગો છો. " કાજલબેને સૂતી વખતે પૂછ્યું.
" એક કેસને લઈને થોડો પ્રોબ્લેમ છે. તું ચિંતા ના કર. " નયનભાઈ બોલ્યા.
" પપ્પા, તમે તમારો પ્રોબ્લેમ અમને પણ શેર નહીં કરો ?" મહેકને તેના પપ્પા પાસેથી વાત કઢાવતા સારી રીતે આવડતું.
" ના બેટા એવું કશું નથી. ખોટા તમે પણ ચિંતા કરો. " નયનભાઈ બોલ્યા.
" એમાં ચિંતા શાની ? અમે પણ જાણીએ ને કે આજકાલ મુંબઈમાં ચાલી શું રહ્યું છે ! " કાજલબેન બોલ્યા.
" હા પપ્પા, ખાલી જનરલ નોલેજ માટે તો કહી દો." મહેક હસતા હસતા બોલી.
" વાત કઢાવવામાં તો બંને ઉસ્તાદ છો." નયનભાઈ મહેકના ગાલે ધીમેથી મારીને હસતા ચહેરે બોલ્યા.
મહેક અને કાજલબેન એકબીજાની સામે જુએ છે અને થોડું હસે છે.
" આજે સવારે જ કેસ આવ્યો. રેપ કેસ... તેનો આરોપી તો ઝડપાઇ ગયો છે પરંતુ તેની સાથે કોણ કોણ હતું તેની તે જાણ આપતો નથી. એટલે એને લઈને જ થોડો ચિંતિત છું. " નયનભાઈ બોલ્યા.
" પપ્પા, કેસ ડિટેઇલમાં કહોને પ્લીઝ ! " મહેક બોલી.
" તારે જાણીને ક્યાં જવું છે ? " નયનભાઈએ કહ્યું.
" નયન, આમ તો મારે પણ જાણવું છે, જો તમને કંઈ વાંધો ના હોય તો.. " કાજલબેને મહેકનો પક્ષ લીધો.
" સારું તો, સાંભળો. એ છોકરી કોલેજના બીજા વર્ષમાં છે. અને કલાસની ટોપર છે. હાલ તો એ છોકરી હોસ્પિટલાઈઝડ છે. કેમ કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેના માથામાંથી લોહી નીકળેલું લાગતું હતું અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. પેલા નરાધામોએ તેને માથાના ભાગ પર કાચની બોટલ વડે હુમલો કર્યો હોય તેવો અંદાજ છે અને તેમાંથી એકની જાણ અમે મેળવી લીધી છે. તે અઢારેક વર્ષનો કોઈ સડકછાપ રોમિયો હોય તેવો લાગે છે. પણ તે બીજા કોઈ વિશે માહિતી આપવા તૈયાર નથી. જોકે બધી જ કાર્યવાહી હાલ તો ચાલુ જ છે. બસ હવે તે છોકરી હોશમાં આવે એટલી વાર છે." નયનભાઈ બોલ્યા.
" નયન, એ નરાધમોને બરાબરની સજા આપજો. " કાજલબેન થોડા ગુસ્સા સાથે બોલ્યા.
" હા , એટલે જ હવે હું આ કેસ પતે પછી જ આવીશ. ત્યાં જ જમી લઈશ. તમે બંને શાંતિથી સુઈ જાવ. " નયનભાઈ બોલ્યા.
નયનભાઈ મહેકને વ્હાલ કરે છે અને જતા રહે છે પછી કાજલબેન તથા મહેક સુવા જાય છે.
" ચાલ મમ્મી , આજની વાર્તા કે. " રોજે વાર્તા સાંભળીને સુવાવાળી મહેક બોલી.
" આજે તારા પપ્પાએ જે કેસ કહ્યો તેને વાર્તા સમજી લે અને સુઈ જા. " કાજલબેન બોલ્યા.
" ના મમ્મી.. એક કામ કર તું તારી અત્યાર સુધીની જીવનકથા કે. " મહેક બોલી.
" જીવનકથા ? " કાજલબેન હસવા લાગ્યા. " આવું ક્યાંથી શીખી આવી ? "
"ચાલ મમ્મી, ખોટા નાટક ના કર. તું જ હંમેશા કહેતી કે મોટી થઈ જા પછી મારી લવ - સ્ટોરી કહીશ. હવે હું મોટી થઈ ગઈ છું , ચાલ કે. " મહેક બોલી.
" પણ રાત થઈ ગઈ છે. સુઈ જઈએ. કાલે કહીશ. "
" આજે તો હું સાંભળ્યા વિના નહીં જ સુવ. " મહેક મોઢું બગાડતા બોલી.
" સારું ચાલ કહું છું. " કાજલબેન બોલ્યા.
મહેક ફટાફટ તેનું ટેડી લઈને કાજલબેનના ખોળામાં માથું નાખીને સુઈ જાય છે ને કાજલબેન મહેકના માથા પર હાથ ફેરવતા ફેરવતા ભૂતકાળમાં સરી પડે છે.
બંને જાણે ટાઈમ મશીનથી ભૂતકાળમાં પહોંચી ગયા..
6.
" કાજલ ચાલ હવે ઉપર આવી જા. રમવાનું બહુ થયું. લેશન બાકી છે , ખબર છે ને ?" સુમનબેન બોલ્યા.
" મમ્મી, આ નયનને કે ને, ચીટિંગ કરે છે." કાજલ બોલી.
આમ જ નયનની ફરિયાદ રોજે સુમનબેનને થતી. અને અધૂરી રમતે જ કાજલ ઝઘડો કરીને ઉપર આવી જતી.
નયન અને કાજલ બાળપણથી જ સાથે. બાજુ બાજુમાં જ રહેવાનું. સાથે જ રમવાનું ને નાની નાની વાતમાં ઝઘડવાનું. સ્કૂલ પણ બંનેની એક જ. એટલે સ્કૂલે પણ ઝઘડો તો થાય જ. વળી પાછા તોફાન કરવામાં બંને એકબીજાથી ચડિયાતા.
બાળપણમાં તો કાજલ અને નયન વચ્ચે દુશ્મની જ લાગે. પણ આ દુશ્મનોને એકબીજા વગર ચાલે પણ નહીં.
કાજલનું ઘર એટલે સમાજમાં માનવા વાળું. એમા પણ એના પપ્પા રમેશભાઈ તો ખાસ. સમાજમાં માનવાવાળા એટલે.. 'લોકો શું કહેશે ? આવું ના કરાય.. તેવું ના કરાય.. સમાજ સાથે રહેવાનું. સમાજ સાથે જીવવાનું... ને બીજું ઘણું બધુ..'
સામાન્ય રીતે બાળકોના તોફાન ઘરમાં વધારે હોય ને બહાર જઈએ ત્યારે શાંત. પણ કાજલનું એકદમ ઊંધું હતું. બહાર હોય ત્યારે તોફાન જ તોફાન ને જેવી ઘરમાં આવે કે બોલતી બંધ. એનું કારણ હતા રમેશભાઈ.
બારમા ધોરણ સુધી તો કાજલ અને નયન સાથે જ ભણ્યા. પણ જેમ મોટા ને સમજુ થતા ગયા એમ ઝઘડો ઓછો થવા લાગ્યો. હવે તો કાજલને કામ વગર ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડતું. એના ઘરના રીતિ રીવાજો થોડા આકરા હતા. એટલે કાજલ કામ વગર બહાર ના જઇ શકતી.
બારમા ધોરણનું રિઝલ્ટ પણ આવી ગયું. હવે કાજલ C.A. ના કોર્સ માટે ક્લાસ જોઈન કરે છે અને સાથે એક કોલેજમાં B. com નો કોર્સ પણ કરે છે. જ્યારે નયનને પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હોય છે એટલે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. કાજલ જે કોલેજમાં હોય છે ત્યાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના ક્લાસ ચાલતા હોય છે. એટલે નયન પણ ત્યાં જ એડમિશન લે છે.
હવે પહેલાની જેમ ઘરે ના મળી શકાતું, પણ કોલેજે બંને મળતા. કાજલને લેકચર પૂરો થઈ જાય એટલે તરત જ રોજની સ્પેશિયલ જગ્યાએ પહોંચી જતી. અને પછીથી નયન પણ ત્યાં આવતો. ક્યારેક કાજલ પહેલા પહોંચી જતી તો ક્યારેક નયન. એમની સ્પેશિયલ જગ્યા એટલે કોલેજથી થોડે દુર નદીકિનારે એક નાનકડું શિવજીનું મંદિર. બંને ત્યાં રોજે થોડી વાર બેસતા , વાતો કરતા અને નદીના શાંત પાણીને જોયા કરતા.
બંનેનો આ નિત્યક્રમ. ઘણીવાર કાજલ કંઈ સારો નાસ્તો બનાવીને લાવી હોય તો નયન માટે રાખતી અને નદીકિનારે બેસીને બંને નાસ્તો પણ કરતા.
આ બંને નાનપણના દુશ્મનો માંથી ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ માંથી બેસ્ટ ફ્રેન્ડસ અને બેસ્ટ ફ્રેન્ડસમાંથી પ્રેમી ક્યારે બની ગયા એની તેમને પણ ખબર ના રહી. ક્યારેક બંને સાથે ફરવા પણ જતા.
હવે તો બંને એ સાથે જ જીવન વિતાવવાનું પણ નક્કી કરી લીધું હતું પરંતુ કાજલને તેના પપ્પાનો ડર તો હંમેશા રહેતો જ.
એકવખત નદીકિનારે બેઠા બેઠા શાંત પાણીને નિહાળતા બંને વાતો કરતા હોય છે.
" કાજલ, તને નથી લાગતું કે હવે આપણે ઘરે વાત કરી દેવી જોઈએ. " નયન નદીમાં પથ્થર નાખતા નાખતા બોલ્યો.
કાજલ તરત જ નયન સામે ફરીને બોલી, " ઓ જનાબ... આ અહીંયા મળીયે છીએ ને એ પણ બંધ થઈ જશે. "
" એટલે ? " નયન પણ હવે તો કાજલ સામે ફરીને બોલ્યો.
" એટલે એમ મિસ્ટર નયન કે, આ રમેશભાઈ છે ને એ મારી કોલેજ જ બંધ કરાવી દેશે. પછી આવજે મારા ઘરે મળવા.. તારા સસરાજીને.. " કાજલ હસતા હસતા બોલે છે.
" તું મજાકના મૂડમાં છે? " નયને ગંભીરતાથી પૂછ્યું.
" જો.. પહેલા મારી કોલેજ પતવા દે, મને C.A. થઈ જવા દે.. અને ત્યાં સુધીમાં તું પણ સારું કરિયર બનાવી લે એટલે પછી મારા પપ્પા પાસે વાત કરવી સહેલી પડે." કાજલ બોલી.
" ઠીક છે. તો હજુ આમ જ ચોરી છુપી રીતે વર્ષો કાઢવાના છે એમ ને ? " નયન બોલ્યો.
" એ.. વર્ષો વાળા.. હમણાં જ બંનેનું કરિયર સેટ થઈ જશે.. પછી આપણે વર્ષો વિતાવીશું.. 'સાથે' .. " કાજલ મોટી સ્માઈલ આપતા બોલી.
એ નીરવ શાંતિમાં બંને એકબીજાની બોલતી આંખોને સાંભળ્યા કરે છે...
આમ ને આમ કાજલનું B. com પૂરું થયું અને બીજા બે વર્ષ પછી તે C.A. પણ બની ગઈ. પણ તેના ઘરેથી જોબની પરમિશન ના મળી. એટલે હવે તે આખો દિવસ ઘરમાં જ રહેતી.
જ્યારે બીજી બાજુ નયને એક્ઝામ ક્લીયર કરી દીધી હતી અને એકાદ મહિનામાં જ ટ્રેનિંગ ચાલુ થવાની હતી, પરંતુ ટ્રેનિંગનું સ્થળ હજુ સુધી નયનને ખબર નહોતી.
કાજલની કોલેજ પુરી થયા પછી તે અને નયન મળી ના શકતા, પરંતુ બંને ક્યારેક ક્યારેક ફોન પર એકબીજાના હાલ ચાલ પૂછી લેતા.
થોડા દિવસો પછી કાજલના ઘરમાં એના લગ્ન બાબતે વાતચીત થવા લાગી. એના પપ્પા સારો મુરતિયો શોધવા લાગ્યા. જ્યારે કાજલને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે નયનને વાત કરી. ત્યારે નયનને કહ્યું કે આપણે બંને આપણા ઘરે વાત કરી દઈએ.
નયને તેના ઘરે વાત કરી. ત્યારે તેના પપ્પાએ કહ્યું કે, " છોકરી તો સારી જ છે અને તું પણ જો એની સાથે જ લગ્ન કરવા ઈચ્છતો હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ મને રમેશભાઈના સ્વભાવની ખબર છે. એ કદાચ તો હા નહીં જ પાડે."
બીજી બાજુ કાજલને લાગતું હતું કે તેની પસંદ જેવીતેવી નથી, નયનને હમણાં સારી જોબ લાગી જશે , સારું કમાવા લાગશે, સ્વભાવે પણ સારો છે. કદાચ તો પપ્પા ના નહિ જ પાડે.
કાજલ હિંમત કરીને બીજે દિવસ સવારે તેના પપ્પાને વાત કરે છે.
" પપ્પા.. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે." કાજલ ગભરાતા બોલી.
" બોલ. " રમેશભાઈ પેપર વાંચતા વાંચતા જ બોલ્યા.
" અમમ.. એ.. મારા લગ્નની વાત.. તમે કરતા હતા.. " કાજલ બોલી.
" હં .. તો ?" રમેશભાઈ બોલ્યા.
" તો .. મારે તમને કંઈક કહેવુ છે." કાજલ હજુ ગભરાયેલી જ છે.
" જે કહેવું હોય તે સ્પષ્ટ બોલ." પેપરનું પાનુ ફેરવતા રમેશભાઈ બોલ્યા.
" શું વાત છે કાજલ ? આટલી ગભરાયેલી કેમ છે ?" સુમનબેન બોલ્યા.
કાજલ ઊંડો શ્વાસ લે છે અને કેમ પણ કરીને બોલવાની હિંમત જુટવે છે.
કાજલ તેના મમ્મી તરફ ફરી જાય છે અને રમેશભાઈને સંભળાય તેમ બોલે છે.
" મમ્મી, મારા લગ્નની ચિંતા કરવાની જરૂર નથી." કાજલ બોલી.
સુમનબેન કંઈ બોલે એ પહેલાં જ રમેશભાઈ ગુસ્સાથી સિંહની જેમ બોલી ઉઠે છે, " એટલે ? કહેવા શુ માંગે છે? સીધે સીધુ બોલ. "
" મારા માટે મુરતિયો શોધતા પહેલા એક વાર મને તો પૂછી લો પપ્પા. " કાજલ હજુ પણ સુમનબેન સામે જોઈને જ બોલે છે.
" તને પૂછવાનું કંઈ વિશેષ કારણ ?" રમેશભાઈની ગર્જના સંભળાય છે.
" પપ્પા, ભણવામાં અને જેની સાથે આખી લાઈફ રહેવાનું છે, એ બંન્નેમાં તો પોતાની ચોઇસ હોવી જોઈએ ને." આટલા વર્ષમાં કાજલ પેલી વાર તેના પપ્પા સામે આટલું બોલી.
" શું કરવું ને શું નહીં.. એ હવે તું તારા બાપને શીખવે છે ?" પેપરનો ઘા કરતા રમેશભાઈ ગુસ્સાથી બોલ્યા.
" ખાલી કહું છું પપ્પા. મને ખબર તો હોવી જોઈએ ને મારી સાથે જીવવાવાળો મારે લાયક છે કે નહીં ?" કાજલ રડતા રડતા બોલી.
" કહેવા શું માંગે છે ?" રમેશભાઈ બોલ્યા.
" હું નયન સાથે લગ્ન કરવા ઈચ્છું છું. " કાજલ બોલી.
" એ શક્ય નથી. " રમેશભાઈ બોલ્યા.
" એ સારું કમાય છે, સારા ઘરનો છોકરો છે, કોઈ ખરાબ આદત પણ નથી. કોઈ રખડુ છોકરા સાથે તો પ્રેમ નથી કર્યો ને, અને મને નથી લાગતું કે નયન કરતા સારો છોકરો તમે.."
કાજલને વચ્ચેથી જ બોલતી અટકાવી રામેશભાઇ ગુસ્સાથી બોલ્યા, " સુમન.. અંદર લઈ જા આને, મારે બીજું કંઈ નથી સાંભળવું, અને આમ પણ આના પર ખોટો હાથ ઉપાડવા નથી માંગતો હું."
કાજલ અંદર રૂમમાં જતી રહે છે.
સુમનબેન પણ રમેશભાઈને ઘણા સમજાવે છે પણ રમેશભાઈની કેસેટ અહીં આવી ને જ અટકે છે કે," સમાજ આપણી વાતો કરશે, લોકો આપણી વાતો કરશે."
છેવટે સુમનબેન પણ રમેશભાઈને સમજાવાનું છોડી દે છે અને કાજલને સમજાવે છે, પરંતુ એ પણ સમજવા તૈયાર હોતી નથી.
કાજલ એના રૂમમાં સૂતી સૂતી રડી રહી હતી. ત્યાં જ તેના ફોનમાં કોઈનો મેસેજ આવે છે. કાજલ જુએ છે તો એ મેસેજ નયનનો હોય છે.
" કાજલ, મારી પાસે એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ છે, બોલ પેલા કઈ સાંભળીશ ?"
કાજલ રીપ્લાય આપે છે.." કોઈ પણ સંભળાવ, મારે માટે તો બંને સરખી જ હશે."
"શું થયું કાજલ ? આમ કેમ વાત કરે છે? કંઈ પ્રોબ્લેમ છે ?"
" તું પેલા બંને ન્યૂઝ કે પછી મારી વાત કરીએ." કાજલ મેસેજ કરે છે.
" ગુડ ન્યૂઝ એ છે કે મારા ઘરેથી હા પાડી દીધી છે અને હમણાં જ મને જોબ માટેનો મેસેજ આવ્યો. હવે મારી જોબ કન્ફોર્મ થઈ ગઈ છે."
" ગુડ. ચાલ હવે બેડ ન્યૂઝ કે."
" જોબ મને મુંબઇ લાગી છે."
કાજલ તરત જ બેઠી થઈ જાય છે અને નયનને મેસેજ કરે છે.
" ચાલ ભાગી જઈએ ?"
" વ્હોટ ? પાગલ થઈ ગઈ છે કે શું કાજલ ? તું હોશમાં તો છે ને ?"
" હા હું પૂરેપૂરી હોશમાં જ છું. ચાલ મુંબઈ.."
"એક મિનિટ.. તે તારા ઘરે વાત કરી ?" નયને પૂછ્યું.
" હા નયન, પપ્પા સમજવા તૈયાર જ નથી."
"ભાગવું એ કોઈ રસ્તો નથી કાજલ. "
" જો મારુ તો નક્કી જ છે, તું આવે તો તારી સાથે નહીતો એકલી... આ ઘરમાં હવે હું નથી રહેવાની બસ.." કાજલ રડવા લાગી.
" તારી ઘરે બધા સુઈ ગયા ?" નયને પૂછ્યું.
" વાતને બદલ નહિ. તું આવે છે કે નહીં એટલું કે બસ."
" વાત તો પુરી સાંભળવી નથી તારે. ઘરે બધા સુઈ ગયા હોય તો ટેરેસ પર આવ."
" આવું છું."
બંને ટેરેસ પર મળે છે.
" જો કાજલ.. "
નયનને વચ્ચેથી જ અટકાવતા કાજલ બોલી, "હવે અડધી રાતે મને સલાહ ના આપતો પ્લીઝ !"
" ઓકે , ઠીક છે. તારા પપ્પા સાથે હું વાત કરું ?"
" એ માનશે તો નહીં જ.."
" તો.. હવે શું કરવાનું છે ?"
"ભાગી જઈએ..!"
" કાજલ.. તું નાની નથી. તને મારે સમજાવવી ના પડે."
" તો.... મારા પપ્પા નાના છે ? એ કેમ નથી સમજતા ?" કાજલ થોડી રડતી રડતી બોલી.
" જો કાજલ મારા પપ્પાએ તારા પપ્પા સાથે વાત કરેલી પણ એમણે ઘણા સમય પહેલા જ તારા લગ્ન માટે છોકરો પસંદ કરી રાખ્યો છે. સારું ફેમેલી છે, પૈસાવાળું ઘર છે. એકનો એક છોકરો છે. સાત પેઢી બેઠા બેઠા ખાય એટલા અમીર છે."
" કહેવા શું માંગે છે ? ત્યાં હું મેરેજ કરી લવ એમ ? જો નયન એક વાત સ્પષ્ટ કરી દવ છું. ક્યાં તો તું , ક્યાં તો કોઈ નહિ.." કાજલ ગુસ્સાથી બોલી.
" ઓકે સોરી.. તું સ્યોર છે ને કાજલ ?"
" તો અત્યાર સુધી શું હું તને મજાકના મૂડમાં લાગતી હતી ?" કાજલ વધુ ગુસ્સાથી બોલી.
" ઓકે ઓકે.. આમ ગુસ્સે ના થા. બોલ ક્યારે નીકળવું છે ?"
"અત્યારે જ "
"વ્હોટ ? કાજલ હજુ વિચારી લે.. "
" ઓકે તો તારે નથી આવવું.. હું જાવ છું , અત્યારે જ.." બોલીને કાજલ નીચે જતી રહી.
નાનકડી બેગમાં થોડો સામાન લીધો અને એક કાગળમાં સોરી લખીને નીચે જતી રહી. પાર્કિંગમાં નયન પહેલેથી જ તેની રાહ જોઇને ઉભો હતો.
કાજલનો ગુસ્સો હજુ થોડો દેખાતો હતો એટલે નયન તેને પેલા શિવજીના મંદિરે લઈ ગયો કે જ્યાં તેઓ રોજે બેસતા.
કાજલ અને નયન મંદિરે પહોંચે છે. હવે કાજલ થોડી હોશમાં આવે છે ને ઠંડી પડે છે.
" કાજલ હવે છેલ્લી વાર અહીં જ બેઠા બેઠા વિચાર કરી લે. પછી હું તને આ બાબતે ક્યારેય નહીં કહું. બસ છેલ્લી વાર.."
કાજલ થોડીવાર શાંત રહે છે.
" ના નયન, જો હું આ ઘરમાં રહીશ તો મારા પપ્પા ક્યાંક ને ક્યાંક તો મને પરણાવી જ દેશે પણ તારી સાથે તો ક્યારેય હા નહિ જ પાડે. જો તારી ઈચ્છા હોય તો તું સાથ આપ, મારા વિશે વધુ ના વિચાર."
"ઓકે કાજલ, ચાલ મંદિરમાં.." નયન કાજલને ખેંચીને અંદર લઈ જાય છે.
" કાજલ , હું શિવજીને સાક્ષી માનીને તને પ્રોમિસ આપું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી તારો સાથ નિભાવીશ."
" હું પણ તને પ્રોમિસ આપું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી તું જ હશે.. "
બસ.. બંને જીવનસાથી નીકળી પડ્યા એમના નવા જ જીવનમાં..
" વડાપાવ ખાઈશ ?" નયન વડાપાવ ખાતો ખાતો બોલ્યો.
" ટ્રેઈન ?"
" ટ્રેઇનને આવવમાં હજુ એકાદ કલાક લાગશે, ત્યાં તો આવા દસ વડાપાવ ખવાઈ જાય."
" હવે એકલો એકલો જ ખાઈશ કે શું ?" કાજલ થોડું હસતા બોલી.
વાતોમાં ને વાતોમાં એક કલાક પણ નીકળી ગઈ ને મુંબઇ પણ આવી ગયું.
બંને સામાન લઈને મુંબઈના અજાણ્યા રસ્તે ચાલતા થાય છે.
ક્યાં જવું તેની ખબર નથી, બસ બંને ચાલ્યા જ જાય છે.
રસ્તામાં ક્યાંક ઘર દેખાય તો ભાડે રહેવા માટે પૂછે છે પરંતુ કોઇ હા પાડતું નથી.
સાંજ પડવા આવી હોય છે અને બંનેને ભૂખ પણ લાગી હોય છે એટલે એક નાસ્તાની લારી પાસે જાય છે અને બંને નાસ્તો કરે છે.
તે આખો દિવસ તો એમ જ રોડ પર નીકળી ગયો પણ સવાલ હવે હતો.. રાતે શું કરવું ? ક્યાં જવું ?
બંનેએ તે રાતે ફૂટપાથ પર જ સુઈ જવાનું નક્કી કર્યું.
ક્યારેય બેડ સિવાય ન સુતેલાને ક્યારેક ફૂટપાથ પર પણ સુવાનો વારો આવશે એવું તો ક્યારેય વિચાર્યું પણ નહોતું.
ક્યારેક વાહનોનો અવાજ તો ક્યારેક કોઈ પીધેલા વ્યક્તિનો શોર , કોઈ કુતરાનો ભસવાનો અવાજ તો કોઈ રાહદારીનો અવાજ, ઉંદર, વંદાનો ડર તો બીજી બાજુ મચ્છરનો ત્રાસ. આ બધાની વચ્ચે બન્ને એ જેમ તેમ કરીને રાત કાઢી.
સવાર પડતા જ બંને ફરી મુંબઈના રસ્તે ચાલતા થયા. વ્યસ્ત મુંબઇ ને વ્યસ્ત લોકો વચ્ચે બંનેના પગ આગળ ચાલી રહ્યા છે. દરેકના ચહેરા પર એક અલગ જ ઉતાવળ સ્પષ્ટ દેખાતી હતી. લોકો પાસે શ્વાસ લેવાનો પણ સમય ના હોય એવું લાગતું હતું. સૌ કોઈ પોતાની જ ચિંતામાં કામ પર જતા હોય એવો નજારો જોતા જોતા બંને આગળ વધે છે.
અચાનક જ કોઈ વ્યક્તિ એક રાહદારીની નાનકડી થેલી જુટવીને ભાગવા લાગ્યો. તેની પાછળ તે રાહદારી સ્ત્રી પણ તેની થેલી પરત મળવાની આશાથી ભાગવા લાગી.
અહીં કોઈને જ કોઈની પડી નહોતી. સૌ કોઈ પોતાનાથી જ વ્યસ્ત હતા. ક્યારેક કોઈએ તેમની બાજુ નજર કરી, પણ ફરી પોતાના કામમાં વ્યસ્ત. માણસ પોતાનામાં જ ક્યાંક અટવાયેલો લાગ્યો.
નયન અને કાજલ બાજુ જ તે ચોર આવતો લાગ્યો એટલે નયને તરત જ તેની સામે દોડીને તેને પકડી પાડ્યો. થોડી વારમાં પેલા સ્ત્રી પણ ત્યાં હાંફતા આવી પહોંચ્યા. નયને પેલા ચોર પાસેથી થેલી લીધી અને પેલા ચાલીસેક વર્ષના લાગતા સ્ત્રીને એમની થેલી પરત આપી. તે સ્ત્રી નયનનો ખૂબ આભાર માને છે.
તે થેલીમાં માત્ર એક નાનકડું ટિફિન અને થોડાક જ રૂપિયા હતા, પરંતુ બંનેની લાચારી તો જુઓ.. માત્ર એક ટિફિન માટે બંને સંઘર્ષ કરતાં હતાં...
નયન એમને પણ કોઈ ખાલી ઘર વિશે પૂછી લે છે.
ત્યારે એ સ્ત્રી પોતાના વિશે થોડી જાણકારી આપે છે.
" મારું નામ શારદા છે ને હું અહીંથી થોડે આગળ બે ત્રણ ઘરમાં કામ કરું છું, ત્યાં એક શેઠનું ઘર ભાડે આપવાનું છે. જો તમારે રહેવું હોય તો અત્યારે મારી સાથે ચાલો."
નયન ને કાજલ એમની સાથે જાય છે અને તે ભાડાના ઘરમાં રહેવા લાગે છે. શારદામાસી ક્યારેક ક્યારેક બંનેને મળતા અને હાલ ચાલ પુછતા. આ અજાણ્યા શહેરમાં બંનેને તમામ મદદ કરતા શરદામાસી.
જ્યાં સુધી ઘરમાં આવક નહોતી આવતી ત્યાં સુધી કાજલ C.A. ની ઓફીસમાં જોબ કરતી. થોડા દિવસોમાં નયનની ટ્રેનિંગ પુરી થઈ ને હવે જોબ પણ લાગી ગઈ. હવે કાજલ અને નયન બંને જોબ કરવા લાગ્યા એટલે ત્રણ ચાર મહિના પછી ઘર સાંભળવા માટે તેઓએ શારદામાસીને બોલાવી લીધા. ઘરના નાના મોટા દરેક કામ શારદામાસી કરી આપતા. આમ ને આમ કાજલનો ને શારદામાસીનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો.
7.
અચાનક જ મહેકના ગાલ પર કાજલબેનની આંખમાંથી આંસુ પડે છે. મહેક બેઠી થઈ જાય છે.
" અરે મમ્મી, કેમ રડે છે ? શું થયું તને ?" મહેક કાજલબેનના ગાલ પર હાથ મૂકીને પૂછે છે.
થોડી વાર કાજલબેન કંઈ બોલતા નથી, પછી શાંત પડે છે અને ફરી મહેકને તેની ભૂતકાળની એક વાત કરે છે.
મહેક, શરૂઆતમાં તો મને એમ જ લાગતું કે સારું થયું હું અહીં નયન સાથે આવી ગઈ. હા, ક્યારેક પપ્પા પર ગુસ્સો પણ આવતો. પણ એકાદ મહિનો મુંબઈમાં રહ્યા બાદ મને લાગ્યું કે પપ્પા ને મમ્મી શું કરતા હશે.. એટલે એમના ખબર અંતર પૂછવા મેં મમ્મીનો નંબર ડાયલ કર્યો, પણ ફોન કરવાની હિંમત ના ચાલી. એટલે પછી મેં ત્યાં મારી એક ફ્રેન્ડને ફોન લગાવ્યો. ત્યારે ખબર પડી કે મેં મારા પપ્પાને કેટલો મોટો ઝટકો આપ્યો હતો.
કાજલબેનની આંખમાં ફરી આંસુ ફરી વળે છે. થોડી વાર બાદ તે મહેકને કહે છે,
પપ્પાનો સ્વભાવ પહેલેથી જ એવો હતો કે તે નાની નાની વાતમાં ટેંશન લઈ લેતા, હા.. પણ ક્યારેય કોઈને કહેતા નહિ. ધંધામાં કંઈ આમતેમ થયું હોય તો ઘરે વાત ના પહોંચતી પણ એમને ખૂબ જ અસર પડતી. દરેક વાત એમના મનમાં જ રહેતી. એટલે જ કદાચ તેમનો સ્વાભાવ થોડો ગુસ્સાવાળો હતો. એમાં એમનો પણ શું વાંક હતો ?
ચાલીસેક વર્ષની ઉંમરમાં જ તેમને બ્લડ પ્રેશરની બીમારી હતી ને જ્યારે એમને ખબર પડી કે હું નયન સાથે મુંબઇ આવી ગઈ છું ત્યારે એમને વધુ એક ઝટકો લાગ્યો, સીધો હૃદયમાં...
ઘણી સારવાર ચાલી. પંદરેક દિવસ સુધી હોસ્પિલાઈઝડ રહ્યા પણ છેવટે મારી એ કરતૂત સામે પપ્પા હારી ગયા. કદાચ શરૂઆતમાં હું એમ માનતી કે પપ્પા સામે હું જીતી ગઈ, પણ જીતીને પણ મેં તો એમને ગુમાવી જ દીધા..
લોકો પણ ત્યારે સારી સારી વાતો કરતા..
" એને શું ફરક પડે છે, બાપ જીવે કે મરે. "
" એ એના બાપની ના થઇ તો પેલા નયનની શું થવાની હતી ?"
" હવે એની આત્માને શાંતિ થઈ હશે, આ સુમનનો સુહાગ છીનવીને.."
કદાચ એ બધા સાચું જ કહેતા હશે. મેં પોતે તો બાપ ગુમાવ્યો પણ મારી સગી માં ને પણ વિધવા...
આટલું તો કાજલબેનથી માંડ બોલાયું. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મહેક પણ કાજલબેનને ભેટીને રડી પડી. બંને ઘણી વાર સુધી રડતા જ રહ્યા...
થોડી વાર પછી ચુપકીદી છવાઈ જાય છે. મહેક થોડી સ્વસ્થ થઈને બોલે છે.
" મમ્મી પછી તું નાનીમાં ને ક્યારેય મળવા ગઈ ?"
" મળવાની વાત તો દૂર, મારામાં ક્યારેય એટલી હિંમત જ નથી આવી કે હું તેમને એક ફોન પણ કરું !" કાજલબેન પણ સ્વસ્થ થઈને બોલ્યા. તે મહેકને હજુ આગળ પણ કંઈક કહેવા માગતા હતા. એટલે ઉભા થયા, મોઢું ધોઈ આવ્યા અને પાણી પીને ફરી મહેક પાસે બેડ પર આવીને બેઠા.
તને ખબર છે મહેક, મેં દુનિયાનો સૌથી સારો છોકરો પસંદ કર્યો છે. તેણે દરેક વખતે મારો સાથ આપ્યો છે. મારી ખુશીમાં, દુઃખમાં, મારી જીદ ને ગુસ્સો પણ તેણે સહન કર્યો છે. હું પણ નયનને ખૂબ જ પ્રેમ કરું છું. અમારો પ્રેમ તો સાચો જ છે, બસ મેં અપનાવેલો રસ્તો ખોટો હતો.
અહીં આવ્યા ને એકાદ મહિના પછી જ મારી પરીક્ષા ચાલુ થઈ ગઈ. જીવનની પરીક્ષા. મને મમ્મી ને પપ્પા ખૂબ યાદ આવતા પણ હું તેમની પાસે જઈ ના શકતી કેમ કે જ્યારથી જ મારા પપ્પાને આ વાતની જાણ થઈ ત્યારથી એમણે તો મનથી જ મારા નામનું પાણીઢોળ કરી નાખ્યું હતું. એમના ફોટાને જોઈને રડવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. જ્યારે તે યાદ આવતા એટલે બસ રડયા કરતી. ને ખૂબ પસ્તાવો કરતી.
નયન મને સમજાવતો, હિંમત આપતો પણ મારામાં હિંમત તો ન જ આવી. આમ ને આમ બે વર્ષ વીતી ચુક્યા. પછી તો હું પણ કામમાં ને જોબમાં વ્યસ્ત રહેવા લાગી જેથી મને મમ્મી પપ્પાની યાદ ઓછી આવે. ત્રણેક વર્ષ પછી મને પ્રેગનેન્સી રહી. નયન પહેલા કરતા પણ વધુ કેર કરવા લાગ્યો. જોબ પણ બે મહિના પછી છોડી દીધી.
તારા આવ્યા પછી મેં અને નયને નક્કી કર્યું હતું કે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થાય છીએ એનો ભોગ અમે તને તો નહીં જ બનવા દઈએ. મારી સાથે જે કાંઈ પણ થયું તેનું એકમાત્ર કારણ હતું વાતચીતનો અભાવ. મેં ક્યારેય પપ્પા સાથે ખુલ્લા મને વાત કરી જ નહોતી. એનું જ પરિણામ કદાચ આજે ભોગવી રહી છું એટલે જ અમે પહેલેથી જ તને તારી વાત કરવાની પૂરતી સ્વતંત્રતા આપવાની કોશિશ કરી છે.
" સાચું કહે છે તું મમ્મી, હું તને બધી વાત ખુલ્લા મને શેર કરી શકું છું. મમ્મી, આ ફોરમ છે ને એને પણ કંઈક આવું જ છે. એને અમારા ક્લાસમાં પેલો રવિ છે ને તે ગમે છે. પણ એ તેની ફેમેલીના લીધે આગળ વધતી નથી."
" બેટા આ ઉંમરમાં આ બધું સ્વાભાવિક જ છે પરંતુ ખોટો છોકરો પસંદ ના થાય એ તો પોતાના જ હાથમાં છે."
વાતોમાં ને વાતોમાં સવારના પાંચ વાગી ગયા અને બંને ને ખબર પણ ના રહી. મહેક આજે ખૂબ ખુશ હતી કેમ કે એને એની મમ્મીની લવ સ્ટોરી સાંભળી જોકે તે થોડી દુઃખદ હતી પરંતુ સાથે એને એ પણ જાણવા મળ્યું કે મમ્મી અને પપ્પાને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એમના જેટલો પ્રેમ મને દુનિયામાં કોઈ જ ના કરી શકે...
" ચાલ મહેક હવે થોડી વાર તું સુઈ જા, મારો આમ પણ જાગવાનો સમય થઈ ગયો છે."
" ઓકે મમ્મી, ગુડ નાઈટ."
મહેક ફટાક કરતી સુઈ જાય છે અને કાજલબેન રસોડા તરફ દિવસની શરૂઆત કરવા જાય છે...
8.
ઘડિયાળ સવારના આઠ વાગ્યા એવું કહેવા માટે રણકી ઉઠે છે. મહેક પણ ઉઠી જાય છે.
ફોનની રિંગ સંભળાય છે એટલે કાજલબેન કામ અધૂરું મૂકીને આવે છે અને ફોન ઊંચકે છે.
સામેથી અજાણ્યા વ્યક્તિનો અવાજ સંભળાય છે અને એ સાંભળતા જ કાજલબેનના હાથમાંથી ફોન પડી જાય છે અને તે પણ જમીન પર ફસડાઈ પડે છે. મગજ એકદમ સુન થઈ જાય છે. આંખો પહોળી રહી જાય છે, કોઈ વિચાર આવતો નથી તેથી શું કરવું તે પણ કંઈ સૂઝતું નથી. વારંવાર બસ એ વ્યક્તિના શબ્દો જ સંભળાયા કરે છે. કાજલબેન કાન પર હાથ મૂકી દે છે, પણ એ અજાણ્યો અવાજ વધુ ને વધુ એમના કાનને પીડા આપતો જાય છે.
મહેક અને શારદામાસી દોડતા આવે છે. શારદામાસી કાજલબેનને ઉભા કરે છે, પાણી માટે આગ્રહ કરે છે અને શું થયું એ જાણવાનો પ્રયત્ન કરે છે પણ બધું વ્યર્થ.
અચાનક જ કાજલબેન હોશમાં આવે છે અને ગાડીની ચાવી લઈને દોડતા ગાડી તરફ જાય છે. મહેક અને શારદામાસીને તો કંઈ સમજાતું જ નથી. શારદામાસીને કાજલબેનની હાલત ઠીક ના લાગતા તે પણ કાજલબેનની સાથે જ જવાનું વિચારે છે. કાજલબેન ઝડપથી ગાડી સ્ટાર્ટ કરે છે, શારદામાસી અને મહેક પણ પાછળની સીટ પર બેસી જાય છે, પણ કાજલબેનને એનો ખ્યાલ રહેતો નથી. હજુ તો શારદામાસી દરવાજો બરાબર બંધ કરે એ પહેલા જ કાજલબેને પવનવેગે ગાડી દોડાવી મૂકી.
કાજલબેનને આટલી ઝડપથી ગાડી ચલાવતા મહેકે અને શારદામાસીએ પહેલી વાર જ જોયા. કાજલબેનની આવી હાલત જોતા શારદામાસીને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે વાત કંઈક ગંભીર છે.
મહેકે વચ્ચે વચ્ચે કાજલબેનને શું થયું છે તે પૂછવા ઘણા પ્રયત્નો કર્યા પણ કાજલબેનને પેલા વ્યક્તિના શબ્દો સિવાય બીજું કંઇ સંભળાતું જ નથી. હવે તો મહેકને પણ ચિંતા થવા લાગી અને એ પણ ચૂપ થઈ ગઈ.
પુર ઝડપે જતી ગાડી હોસ્પિટલે પહોંચીને ઉભી રહી. કાજલબેન ઝડપથી જ હોસ્પિટલમાં ઉપર ગયા અને નર્સને પૂછવા લાગ્યા, " મિસ્ટર નયન... ઇન્સ્પે... નયન.. પ્લીઝ.. "
એમની હાલત જોઈને નર્સ તેમને ઓળખી ગઈ અને ફટાફટ નયનના બેડ સુધી કાજલબેનને લઇ આવી. નયનને જોઈને કાજલબેને ગાલ થપથપાવીને બે ત્રણ વાર નયન.. નયન.. એમ કહ્યું. પણ સામેથી કોઈ જવાબ મળ્યો નહિ.
હવે કાજલબેનથી ચીસ નીકળી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા. આ આખું દ્રશ્ય દૂર ઉભેલા મહેક અને શારદામાસીએ જોયું.
મહેક પણ દોડતી નયનભાઈના બેડ પાસે આવી અને એ પણ ચોધાર આંસુએ રડી પડી.
શારદામાસી પણ બેડ નજીક આવે છે અને પોતાનો સગો દીકરો ગુમાવ્યો હોય એમ તે પણ રડી પડે છે.
" નયન.. એકલા કેમ.. પ્લીઝ એકવાર આંખો.. મને સાથે.. નયન પ્લીઝ... " રુદન સાથે આવા અધૂરા પણ લાગણીથી છલોછલ વાક્યો કાજલબેન બોલી રહ્યા હતા.
નયનનભાઈના મૃત દેહને ઘરે લાવવામાં આવ્યો. ત્યાં પોલીસ ટિમ પહેલેથી જ હાજર હતી. એમના દ્વારા બધી જ વિધિ કરવામાં આવી. નયનભાઈના મૃતદેહની અંતિમ વિધિ એમની દીકરીના હાથે કરવામાં આવી.
અઠવાડિયાથી કાજલબેન અને મહેક સરખું જમ્યા નથી. ઘરમાં બસ એક ખૂણામાં આખો દિવસ બંને બેસી રહે છે. હંમેશા મહેકથી મહેકતું આ ઘર થોડા દિવસથી કરમાઈ ગયું છે. હવે અહીં પહેલા જેવી ચિચિયારી સંભળાતી નથી. પહેલાની જેમ સાથે બેસીને મસ્તી કરનારું કોઈ ગાયબ છે. આખો દિવસ અને રાત અહીં સરખા બની ચુક્યા છે. રાતની નીરવ શાંતિએ અહીં કબજો જમાવ્યો છે.
શારદામાસીને પણ દીકરો ગુમાવ્યાનું દુઃખ છે, પણ સાથે તે એ પણ જાણતા હતા કે કાજલબેનની આ પરિસ્થિતિમાં જો એ પોતે જ ભાંગી પડશે તો કાજલબેનને અને મહેકને કોણ સાંભળશે ? તે ઘણી વાર કાજલબેનને મનાવતા, સમજાવતા ,જમવા આગ્રહ કરતા, પણ આ બનાવ એટલી જલ્દી ભુલાય એવો ક્યાં હતો ?
દિવસો વીતતા જાય છે. આ બનાવને એકાદ મહિનો થઈ જાય છે, કાજલબેન જેમ તેમ કરીને થોડા સ્વસ્થ થાય છે પણ મહેકને તો નાની ઉંમરમાં જ મોટો આઘાત લાગી ગયો હતો. તેના માટે આ વાત ભૂલવી લગભગ અશક્ય જેવી જ હતી. મહેક તેના પપ્પાને ભૂલી શકતી નથી.
કાજલબેન થોડી હિંમત જુટવીને મહેકને સમજાવે છે કે " દીકરા, મૃત્યુ તો અંતિમ સત્ય છે, એને તો આપણે સ્વીકારવું જ રહ્યું. "
" મમ્મી, તું સ્વીકારી શકે છે ?" મહેકની નિર્દોષ આંખો બોલી.
કાજલબેનથી આગળ કંઈ બોલી શકાતું નથી. પણ એમને ખબર હોય છે કે મહેકને થોડો ટાઈમ લાગશે પણ આખરે એ છે સમજુ. પરિસ્થિતિને સ્વીકારી તો લેશે જ. અને આમ પણ બીજો રસ્તો જ ક્યાં હતો !
આમ ને આમ આ ઘરમાં બે મહિના સુધી શાંતિનું સામ્રાજ્ય અકબંધ રહે છે. મહેક પણ હવે થોડી સ્વસ્થ થાય છે. પરિસ્થિતિ સ્વીકારતી થાય છે.
થોડા જ દિવસોમાં મહેકનું બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું. મહેક ભણવામાં તો હોશિયાર જ હતી. તે આખી સ્કૂલમાં પ્રથમ આવી. અને આગળ ભણવા માટે સ્કોલરશીપ પણ મળી.
મહેકને આ વખતે રિઝલ્ટની ખુશી નહોતી. કેમકે આટલા વર્ષથી મહેક સૌથી પહેલા રિઝલ્ટ એના પપ્પાને જ બતાવતી પછી જ બીજા બધાને પણ આ વખતે તો..
નયનભાઈના ગયા પછી એકાદ મહિના પછી પોલીસ સ્ટેશનેથી એક ઇન્સ્પેક્ટર આવ્યા. જે નયનભાઈના ખાસ મિત્ર પણ હતા. કાજલબેન અને મહેક ઘરે જ હતા. કાજલબેને જ એમને ઘરે બોલાવ્યા હતા.
ઘરે આવ્યા પછી તે કાજલબેન સાથે થોડી વાત કરે છે અને કંઈ જરૂર હોય તો મદદ કરશે એવું પણ કહે છે. પછી કાજલબેને જે વાત કરવા માટે જ ખાસ બોલાવ્યા હતા એ વાત કરે છે.
" મને ખબર છે નયનનું ખુન થયું છે. મને પહેલેથી બધી વાત કરો." કાજલબેન કોઈ પણ પ્રકારના હાવભાવ વગર સ્થિર ચહેરે બોલ્યા.
મહેક પણ સાંભળતી હોય છે.
" એક રેપ કેસ હતો, તેનો જે આરોપી મળ્યો હતો એની જ સાથેના કોઈ આરોપીએ નયનભાઈનું ખુન કર્યું છે. ત્યારે તો હું ડ્યૂટી પર નહોતો પણ મને એટલું જાણવા મળ્યું હતું કે નયનભાઈ કેસની વધારે જાણ મેળવવા ફરી તે જગ્યા પર ગયા હતા અને ત્યાં જ.. " ઇન્સ્પેક્ટર બોલે છે.
કાજલબેનને અને મહેકને આખી વાત સમજાઈ ગઈ કેમ કે એ રેપ કેસની વાત બંનેએ નયનભાઈ પાસેથી સાંભળી હતી.
9.
એ ઘટનાને હવે ચારેક મહિના વીતી ચુક્યા હતા. મહેકની કોલેજ પણ શરૂ થઈ ગઈ હતી અને હવે એ પરિસ્થિતિને સ્વીકારતા પણ શીખી ચુકી હતી. બસ ક્યારેક એકલી તેના ટેડી સાથે રડી લેતી.
કોલેજનું પહેલું વર્ષ પણ પૂરું થઈ ગયું અને હવે તો મહેકમાં પહેલા કરતા પણ વધુ હિમત આવી ગઈ હતી કેમ કે કાજલબેન પહેલેથી જ મહેકને એકવાત કહેતા કે,
" મહેક, એકલી હોય ત્યારે રડવું હોય એટલું રડી લેવાનું પણ દુનિયા સામે તો આંખમાં આછું એવું પાણી પણ ના આવવું જોઈએ, કેમ કે જો દુનિયાને ખબર પડશે ને કે આ કમજોર છે તો આપણો ફાયદો પહેલા ઉઠાવશે."
જીવનના અમુક બનાવો એવા હોય છે જે માણસને રડાવી રડાવીને એટલી હિંમત આપી દે છે કે પછી દુનિયાની કોઈ તાકત તેને રડાવી શકતી નથી.
મહેક સાથે પણ કંઈક આવું જ થયું. હવે મહેકનું સ્વરૂપ જ આખું બદલાઈ ગયું, બહારથી નહિ, પરંતુ અંદરથી...
હવે તો કાજલબેને પણ ફરી જોબ શરૂ કરી દીધી હતી અને મહેક પણ કોલેજની સાથેસાથે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરે છે.
મહેકને પહેલેથી જ નવા નવા કપડાં પહેરવાનો શોખ હતો અને છ - સાત મહિનામાં તો મહેકે આખો કોર્સ શીખી લીધો એટલે તેણે જ્યાં કોર્સ કર્યો હતો ત્યાં સામેથી જ ટીચિંગ માટેની જોબ ઓફર કરવામાં આવી. મહેકે ઘરે કાજલબેન સાથે વાત કરી. કાજલબેને કહ્યું કે જો તારે જોબ કરવી હોય તો એમાં ટેરો જ ફાયદો છે. તને વધુ કંઇક જાણવા મળશે.
મહેક પાર્ટ ટાઈમ જોબ કરવા લાગે છે.
મહેક કોલેજના બીજા વર્ષમાં આવી જાય છે. એકવાર કોલેજે મહેક અને તેના બધા ફ્રેન્ડ્સ વિચારે છે કે આપણે કોલેજ આમ જ પુરી કરી દઈશું, એક વર્ષ પૂરું થઈ ગયું છતાં આપણે ક્યાંય ફરવા તો ગયા જ નહીં. ને પછી તેઓ મુંબઈના દરિયાકિનારે જવાનું વિચારે છે અને બધું નક્કી કરે છે.
" મમ્મી, બે દિવસ પછી અમે દરિયાકિનારે ફરવા જવાના છીએ સવારથી સાંજ સુધી, થોડો નાસ્તો બનાવી આપજે અને રાતે હોટેલમાં જવાનો પ્લાન છે." મહેક કોલેજેથી આવીને બેગ તેના રૂમમાં મુકતા મુકતા બોલી.
" કોણ કોણ જાઓ છો ?" કાજલબેન કોમ્પ્યુટર પર કંઇક કામ કરતા કરતા બોલ્યા.
કાજલબેને ફરી જોબ શરૂ કરી દીધી હતી અને થોડું કામ ઘરે પણ કરતા.
" હું, મીશ્રી, ફોરમ, રવિ અને ધ્રુવ. "
" આપણી ગાડી લઈ જવી હોય તો કેજે. હું રામુકાકાને કઈશ તમને મૂકી જાય. "કાજલબેન બોલ્યા.
" ના મમ્મી, બધા એ બસમાં જવાનું જ નક્કી કર્યું છે એટલે ગાડીની જરૂર નથી."
" સારું."
બે દિવસ પછી સવારે નક્કી કરેલા સમયે મહેક, મીશ્રી અને ફોરમ બસ સ્ટેશને પહોંચે છે પરંતુ રવિ અને ધ્રુવ હજુ સુધી પહોંચ્યા હોતા નથી. એટલે મહેક રવિને ફોન કરે છે.
" ક્યાં છે હજુ સુધી ?"
" બસ આવું જ છું."
" તારો કલાકથી અમે વેઇટ કરીયે છીએ. છોકરી અમે છીએ કે તું એ નથી સમજાતું." મહેક બોલી.
" ઓ કલાક વાળી... કલાક પેલા તો તું ઉઠી પણ નઇ હોય. અને હું કંઈ તારી જેમ નાહ્યા વગર જ ના આવી જાવ સમજી ?"
" શટ અપ રવિ..! ચૂપચાપ આવ અહીં નહીતો તને મારીશ હું.." મહેક બોલી.
પછી ધ્રુવને પણ કોલ કર્યો અને એની સાથે પણ થોડી મસ્તી કરી. થોડી વારમાં બંને સ્ટેશને પહોંચે છે.
બસ આવે છે એટલે બધા ઝડપથી જ સીટ માટે દોડી જાય છે. બધાને સીટ મળી ગઈ પણ મહેકને ના મળી.
આમ તો બસમાં હંમેશા ભીડ જ હોય. ઉભા રહેવાની જગ્યા માંડ મળે પણ આજે તો બધાના નસીબ કંઇક વધારે જ સાથ આપતા હતા.
મીશ્રી અને ફોરમે મહેક માટે થોડી જગ્યા કરી આપી અને એ બેસી ગઈ. એટલે ફરી રવિને અને ધ્રુવને મસ્તી કરવાનો મોકો મળી ગયો.
" મીશ્રી તે ખોટી જગ્યા કરી આપી.. મહેક તો તારા ખોળામાં પણ સમાઈ જાત. કેમ ટીટી મહેક ?" રવિ મહેકને ચિડવવા બોલ્યો.
" હા તો ટીટી હોવાનો ફાયદો થયો ને.. જગ્યા ન હતી તો પણ બેસી ગઈ.. અને તારું તો જો.. ગાડી પર તું બેસે એટલે પાછળ કીડી પણ ના બેસી શકે. " મહેકે સામું તિર છોડ્યું.
" જો મહેક, હું ને ધ્રુવ રોજે એક જ ગાડી પર સાથે જ આવીએ છીએ ઓકે.. એટલે તું બોલે અને બધા માની લે એવું તો તું સમજતી જ નહીં ઓકે..!" રવિ બોલ્યો.
આમ ને આમ એમની મસ્તી અને બસ બંને આગળ વધી રહ્યા હતા. થોડીવાર પછી તે સિટી બસ એક સ્ટેશને ઉભી રહી અને એક મજુર સ્ત્રી અને તેની સાથે તેના બે નાના બાળકો બસમાં ચઢ્યા.
મહેકની નજર તેમના તરફ ગઈ. બસમાં બેસવાની જગ્યા નહોતી એટલે એ સ્ત્રી દરવાજા પાસે તેના નાના બાળકને તેડીને ઉભી રહી અને તેનું મોટું બાળક મહેકની સીટની બાજુમાં આવીને ઉભું રહ્યું.
થોડીવાર મહેકે તેની સામે જોયું અને સ્માઈલ આપી. તે બાળકે પણ મહેકની સામે જોયું સ્માઈલ આપી પણ તે શરમાઈ ગયું એટલે તેણે નજર ફેરવી લીધી.
મહેકને એ બાળક સાથે વાત કરવાનું મન થઇ આવ્યું પણ તેને લાગ્યું કે કદાચ આ બાળકને અજાણ્યું લાગશે, કદાચ એ ડરી જશે, કે પછી રડશે તો ? આવા વિચારો આવતા મહેક એની સાથે વાત તો નથી કરતી પણ બસ એ બાળકનો માસુમ ને નિર્દોષ ચહેરો જોયા કરે છે.
મહેકનું ધ્યાન ને વિચારો તો એ બાળક તરફ હતા ત્યાં અચાનક જ બસ ટર્ન લે છે અને મહેક આમ પણ અડધી સીટ પર જ બેઠેલી હતી એટલે સ્પીડમાં આવેલા ટર્નને કારણે અજાણતા જ મહેક સીટ પરથી નીચે પડી જાય છે અને હજુ મહેક કંઈ પણ સમજે એ પહેલા જ પેલું બાળક નિર્દોષતાથી હસી પડ્યું. એને જોઈને મહેક પણ મહેકાઈ ઉઠી અને એ બાળક સાથે હસી પડી.
હવે મહેકને લાગ્યું કે કદાચ એ બાળક મારી સાથે વાત કરશે. એટલે તેણે સૌથી પહેલા તો તેનું નામ પૂછ્યું. બાળક કંઇક બોલ્યું પણ મહેકને સમજાયું નહીં પણ મહેકને એની સાથે વધુ વાત કરવાનું મન થયું. એ બાળકની બોલી થોડી અલગ લાગી પણ મહેકને એ જે કાંઈ પણ બોલે તે સાંભળવાનું મન હતું. એટલે મહેક તે બાળક સાથે વાત કરવા લાગી. હવે તો એ બાળક પણ વધુ ને વધુ વાત કરવા લાગ્યું. હા.. મહેકને એ બાળક જે કાંઈ પણ બોલતું હતું એમાંથી મોટા ભાગનું તો સમજાતું જ નહોતું, છતાંયે એ વાત કર્યે જ જતી હતી.
પછી તો મહેકના બધા ફ્રેન્ડસને પણ રસ પડ્યો અને બધા આ બાળકની વાતોને સમજવા માટે પ્રયત્ન કરવા લાગ્યા.
થોડી વાર પછી તો એ બાળકનું સ્ટેશન આવી ગયું એટલે એ અને પેલી સ્ત્રી બસમાંથી ઉતરી ગયા પણ પેલું બાળક બસમાંથી ઉતરીને મહેકને ટાટા કરવા લાગ્યું. જ્યાં સુધી બસ ઉભી રહી ત્યાં સુધી જ નહીં પરંતુ જ્યાં સુધી એ બાળકને મહેક દેખાઈ ત્યાં સુધી તે બાળક ઉંચુ થઈ થઈને ટાટા કરવા લાગ્યું.
આ બાજુ મહેક પણ તેની સીટ પરથી ઉભી થઈને એ બાળકને ટાટા કરવા લાગી. મહેકનું ધ્યાન હતું એ બાળક તરફ અને બસમાં બેઠેલા લોકોનું મહેક તરફ.
મહેકને એની આટલા વર્ષની મુસાફરીમાંથી આ મુસાફરી સૌથી બેસ્ટ લાગી. મહેક હવે તો ખૂબ જ ખુશ થઈ ગઈ. એના મનમાં પેલા બાળકનો હસતો ચહેરો છપાઈ ગયો અને દિલમાં વસી ગઈ ' એની મુસ્કાન ...'
છેલ્લું સ્ટેશન આવ્યુ અને બધા બસમાંથી ઉતર્યા. થોડું ચાલ્યા અને પહેલા જ નાસ્તો કરી લીધો. પછી ઘણા બધા ફોટા પાડ્યા, દરિયાના પાણી સાથે મસ્તી કરી, દરિયાને જોઈને બેસી રહ્યા અને વાતો ને મસ્તી કરતા રહ્યા.
રાત્રે એક હોટેલમાં જમ્યા અને પછી બધા છુટા પડ્યા.
મહેક ઘરે પહોંચી. મહેકે અને એના બધા ફ્રેન્ડ્સએ ખૂબ મસ્તી કરી હતી પરંતુ મહેકને તો બસ એ ચહેરો અને એ ચહેરા પરની મુસ્કાન જ દેખાતી હતી. એ ઘરે આવીને કાજલબેનને પણ વાત કરે છે. કાજલબેનને પણ એની વાત ગમે છે.
" મમ્મી, એમની લાઈફ કેટલી મુશ્કેલીવળી હોય છે, તેમ છતાં એમના ચહેરા પર સ્માઈલ ? કેટલી અજીબ વાત છે ને !" મહેક કાજલબેન પાસે બેડ પર બેઠી અને બોલી.
" એ જ તો સાચું જીવન છે મહેક, મુશ્કેલી ગમે તેટલી કેમ ના હોય.. હસતો ચહેરો જ કાફી છે અને આમ પણ રડવું એ કોઈ સમસ્યાનું સમાધાન તો નથી જ ને !" કાજલબેન બોલ્યા.
" એ લોકોનું કામ પણ આપણા કરતા વધુ શક્તિ માંગી લે એવું હોય છે, તેમ છતાં એમના ચહેરા પર થાક ક્યારેય દેખાયો નથી મને."
" એ લોકો મહેનતનું કમાય છે અને સંતોષી જીવન જીવે છે એટલે જ તો થાક પણ ત્યાં જતા ડરતો હશે."
" મમ્મી, આજે ઊંધું થઈ ગયું ને ?" મહેક થોડી વાર પછી અચાનક જ બોલી ઉઠી.
" એટલે ?"
" રોજે તું મને વાર્તા સંભળાવે, આજે મેં તને કંઇક સંભળાવ્યું."
ઘણા દિવસો પછી કાજલબેનના ચહેરા પર આજે મુસ્કાન આવી અને એ પણ પેલી મુસ્કાનના કારણે.
શારદામાસી આવે છે પછી ત્રણેય થોડી વાતો કરે છે અને પછી સુઈ જાય છે.
એ રાતે પણ મહેકને તો પેલો માસૂમ ચહેરો જ દેખાતો હતો.
તેને તે રાતે ઊંઘ નથી આવતી. આમથી તેમ અંધારાને જોયા કરે છે. મનમાં કોતરાયેલી પેલી છબી સાથે શાંત વાતાવરણને અનુભવ્યા કરે છે. અચાનક જ મહેકને વિચાર આવે છે કે તે રોજે આવા નાના નાના બાળકોને મળશે, તેમના માટે થોડો નાસ્તો લઈ જશે અને તેમની સાથે સમય વીતાવશે. બસ આવા વિચારો કરતી કરતી મહેક સુઈ ગઈ.
10.
બીજા દિવસે સવારે મહેકે ઉઠીને તરત જ કાજલબેનને એ વાત કરી.
કાજલબેને કહ્યું કે ,"તું ત્યાં જઈ શકે છે પણ તારી જોબ ?"
" જો મમ્મી, બપોરે અગિયાર વાગ્યા આજુબાજુ હું કોલેજથી આવી જાઉ છું, પણ હવેથી હું એકાદ કલાક એ લોકો સાથે રહીશ પછી ઘરે આવીને જમીને ક્લાસિસ પર જતી રહીશ."
" સારું. જેવી તારી ઈચ્છા."
હવે મહેકને કાજલબેનની પરવાનગી મળી ગઈ હતી. એટલે તે ખુશ થઈ ગઈ.
સવારે તૈયાર થઈને મહેક કોલેજ જાય છે. રોજ કરતા મહેક આજે કંઇક વધારે જ ખુશ હતી. તેના ફ્રેન્ડ્સ તેને પૂછે છે.
" ઓહો મહેક, સવાર સવારમાં આજે આટલી ખુશ ? અમારા જીજુને જોઈ લીધા લીધા કે શું ?" મીશ્રીએ મસ્તી ચાલુ કરી.
પછી તો ફોરમ, રવિ અને ધ્રુવ બધા થઈને મહેકને ચિડવવા લાગ્યા. મહેકને લાગ્યું કે આ બધાને કહેવું જ પડશે નહીતો આખો દિવસ મને હેરાન કરશે.
" અરે એવું કંઈ નથી. તમે બધા પણ કારણ વગર જ.." મહેક ફોન મચાડતા બોલી.
ધ્રુવ મહેકના હાથમાંથી ફોન લઈને બોલ્યો, " એવું નથી તો કેવું છે ચાલ બોલ એટલે તને તારો ફોન આપી દઉં."
" અરે યાર તમે લોકો પણ ખરા છો. તમારી ફ્રેન્ડને પણ ખુશ નથી જોઈ શકતા." મહેક બોલી.
" અરે યાર મહેક તું પણ ખરી છે, કેટલો ભાવ ખાઈશ ?" મીશ્રી બોલી.
મહેકને લાગ્યું કે હવે તો આ લોકોને કહેવું જ પડશે. એટલે તે બધી વાત કરે છે. એના બધા ફ્રેન્ડ્સને પણ મહેકનું આજથી શરૂ થવાનું આ નવું કામ ગમે છે. અને બધા મહેકનો ઉત્સાહ પણ વધારે છે.
લેકચર બધા પુરા થયા એટલે મહેક સીધી જ નાસ્તો લેવા જાય છે. થોડા બિસ્કિટ, વેફર અને બીજો નાસ્તો લે છે.
મહેકને એક જગ્યા ખબર હતી જ્યાં થોડા મજુર પરિવાર રહેતા હતા. મહેકે તે બાજુ ગાડી દોડાવી મૂકી.
એ બધા પરિવાર જ્યાં રહેતા હતા ત્યાં જ એક મોટું મેદાન જેવો ખૂલ્લો પટ હતો. બધા બાળકો આખો દિવસ ત્યાં જ રમતા અને થાકે એટલે પોતપોતાના નાનકડા ઘરમાં લપાઈ જતા.
મહેક એ બાળકો પાસે પહોંચે છે. બધાને નાસ્તો આપે છે. પહેલા તો એ બાળકો મહેક તરફ કઈં ખાસ ધ્યાન આપતા નથી પરંતુ પછી મહેક બોલાવે છે એટલે બાળકો તેની નજીક આવે છે. મહેકનો આજે બાળકો સાથે પહેલો જ દિવસ હતો એટલે બાળકો મહેક સાથે અને મહેક બાળકો સાથે વાત કરતા થોડા ખચકાય છે. મહેક એમને નાસ્તો આપીને જતી રહે છે.
બીજે દિવસે પણ મહેક એમને નાસ્તો આપે છે. બાળકો આજે પણ નાસ્તો લઈને જતા રહે છે.
ચાર પાંચ દિવસ પછી મહેક એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. બાળકો કદાચ એ ક્યારે અમારી સાથે વાત કરે એની જ રાહે હોય એમ તેઓ મહેક સાથે થોડીવારમાં જ ભળી ગયા. આજે મહેકે તેમને નાસ્તો આપ્યો અને એકાદ કલાક એમની સાથે વાતો કરી.
આજે તો મહેક અને એ બાળકો બધા જ ખુશ હતા.
મહેક રોજે એ બાળકો પાસેથી કંઈ નવું શીખતી અને એ પણ બાળકોને થોડું ઘણું વાંચતા લખતા શીખવતી. ક્યારેક બધા ખૂબ મસ્તી કરતા, ક્યારેક રમતા તો ક્યારેક મહેક દીદી પાસેથી કંઈક ભણતા.
એકદિવસ રોજ ની જેમ જ મહેક પેલા બાળકો સાથે મસ્તી કરતી હોય છે ત્યારે દૂરથી એક મહેકની વયનો લાગતો એક છોકરો આ મસ્તીભર્યા માહોલને જોતો હોય છે. થોડીવાર પછી મહેકનું તે તરફ ધ્યાન ગયું. મહેકને લાગ્યું કે કદાચ એ છોકરો ભૂખ્યો હશે એટલે તેણે એ છોકરાને પણ નાસ્તો આપ્યો.
પછીથી તો એ રોજે જ ત્યાં આવવા લાગ્યો. મહેકને અને બાળકોને જોયા કરતો. મહેક તેને નાસ્તો આપતી. તેની સાથે ક્યારેક વાત કરવાનો પ્રયત્ન કરતી પણ તે ક્યારેય કંઈ બોલતો નહિ. ચુપચાપ ત્યાંથી જતો રહેતો.
હવે મહેકને એ છોકરા સાથે વધુ વાત કરવાનું મન થયું કેમ કે મહેકને હંમેશા એની આંખમાં કંઈક ભારે ભૂતકાળ હોય એવું લાગતું. એ છોકરાના થોડા હસતા ચહેરા પાછળનો છુપાયેલો સાચો ચહેરો દેખાતો. મહેકે તો તેનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો.
" નામ શું છે તારું?" મહેકે એ છોકરાને પૂછ્યું.
સામેથી કંઈ ખાસ જવાબ મળ્યો નહિ અને તે ત્યાંથી જાવા લાગ્યો.
" આટલા દિવસથી પૂછું છું, ખાલી નામ તો કેતો જા." મહેક જોરથી બોલી.
" મન..." ધીમા એવા બે અક્ષર મહેકના કાને પડ્યા.
બસ તે ચાલ્યો ગયો પણ મહેકને હચમચાવતો ગયો. હવે મહેકને ક્યાંય ચેન પડતો નથી. એને બસ એ છોકરો, એનો ભાવવિહીન ચહેરો અને બસ એ જ દેખાય છે. મહેકે નક્કી કરી લીધું કે મારે આ છોકરાની આંખોને જાણવી છે, કોઈક તો વાત છુપાયેલી છે જ એની આંખોમાં.
દરેક વાત કાજલબેનને પહેલા કહેનારી મહેક આ વાત એમનાથી દૂર રાખે છે. કદાચ હવે પોતે મોટી થઈ ગઈ છે એવું માનવા લાગી છે...
રોજની જેમ ફરી મન ત્યાં આવે છે અને મહેકને જુએ છે. મહેક થોડી વાર બાળકો સાથે રમીને મન પાસે જાય છે. આજે તો તે જાણીને જ રહેશે એવુ મનમાં નક્કી કરીને જાય છે.
" મન.. સારું નામ છે." મહેક બોલી.
મહેકને જવાબમાં માત્ર એક સ્માઈલ મળી.
" અહીં જ રહે છે તું ?" મહેક બોલી.
" ના. " ખૂબ જ નાનો જવાબ મળ્યો.
" તો અહીંયા રોજે કેમ આવે છે ?" મહેકે પૂછ્યું.
" કામથી. " મન બોલ્યો.
" શું કામ ?" મહેક બોલી.
" પર્સનલ કામથી. "મહેક બોલી.
મહેકે ઘણા પ્રયત્નો કર્યા કે તે મન પાસેથી એના વિશે કંઈ જાણી શકે. પણ મહેકને કંઈ જ જાણવા મળ્યું નહિ.
બીજા દિવસે પણ મહેક તો તેનો પ્રયત્ન ચાલુ રાખે છે.
" તું હંમેશા અહીં જ હોય છે. મને લાગે છે કે તું આ લોકો સાથે જ રહે છે. " મહેક મન પાસેથી વાત કઢાવવા માટે બોલી.
" હા. " મને જવાબ આપ્યો.
મહેક એક ક્ષણ માટે માની ના શકી કે મન આ લોકો સાથે જ રહેતો હશે.
મહેકે તેની સાથે વધુ વાત કરવાનો પ્રયાસ કર્યો.
" જોતા તો લાગતું નથી. પણ તું કહે છે તો માની લઉં છું." મહેકે તેની સામે જોઇને કહ્યું.
થોડા દિવસો આમ ને આમ વીતે છે. મહેક ઘરે આખો દિવસ મન વિશે જ વિચાર્યા કરે છે. ઘરે કોઈ કામ કરે તો તેમાં કઈક ને કંઇક ભૂલ થાય. તે કાજલબેનથી આ વાતને દૂર રાખવા માંગતી હતી પણ લાંબો સમય આ વાત દૂર રહી ના શકી.
એકદિવસ રસોડામાં મહેક કંઈક લેવા માટે ખુરશી ઉપર ચડી હોય છે અને અચાનક જ તેનું ધ્યાન ભટકતા તે નીચે પડી જાય છે. કાજલબેન અને શારદામાસી દોડતા આવે છે
" મહેક, ક્યાં ધ્યાન હોય છે તારું ? " કાજલબેન મહેકને ઉભી કરતા કરતા બોલ્યા.
મહેક કંઈ બોલતી નથી.
" થયું છે શું તને ? આ પહેલા તો ક્યારેય આમ ભટકેલી જોઈ નથી તને. " કાજલબેન થોડા ગરમ થતા બોલ્યા.
મહેક હજુ ચૂપ છે. શારદામાસી મહેકના પગ પર હળદરનો લેપ લગાવી આપે છે.
"તું સાંભળે છે ?" કાજલબેન હવે તો ગુસ્સામાં હતા.
કાજલબેનને લાગે છે કે છેલ્લા કેટલાક દિવસથી મહેકના મનમાં કોઈ વાત છે પણ એ કહેતી નથી. એટલે આજે તો ગમે તેમ કરીને વાત જાણવી જ હતી. એટલે જ કોઈ દિવસ મહેકને આટલું ન ખિજાવાવાળા કાજલબેનનો મિજાજ આજે ગરમ છે.
" હવે તું બોલીશ કંઈ ?" કાજલબેન ખીજવાતા બોલ્યા.
" કંઈ નથી થયું." મહેક કાજલબેન તરફ જોયા વગર જ બોલી.
" મહેક, હવે તું ખોટું પણ બોલવા લાગી એમ ને ?"
" ના મમ્મી."
કાજલબેને મહેક પાસેથી વાત કઢાવવાની પૂરતી કોશિશ કરી અને છેવટે મહેકે પણ કહેવું જ પડ્યું.
" એક છોકરો છે, મન. મને એ છોકરો ગમે છે."
" બસ આટલી વાત ?" કાજલબેનને ખૂબ નવાઈ લાગી, " શુ કરે છે તે ? તારી સાથે ભણે છે ? ક્યારેક ઘરે લઈ આવજે." કાજલબેન સવાલોનો વરસાદ વરસાવી દે છે.
" મમ્મી.. એ મારી સાથે નથી ભણતો. હું રોજે જે બાળકોને મળવા જાઉં છું ત્યાં તે હોય છે."
" એટલે રસ્તા પર રહેતો છોકરો ?" કાજલબેન થોડા ગંભીર થઈને બોલે છે.
" હા કદાચ તો.."
કાજલબેન વચ્ચેથી ગુસ્સામા બોલી પડે છે, " તને ખબર છે ને મહેક, એક સડકછાપ રોમિયોના લીધે જ આજે તારા પપ્પા.."
" મમ્મી પણ એ એવો નથી."
" મહેક... બધા સારા નથી હોતા." કાજલબેન ઊંચા અવાજે બોલ્યા.
" બધા ખરાબ પણ નથી હોતા ને!" મહેક પણ સામે બરાડી ઉઠી.
" તને આ બધું કરવાની છૂટ આપું છું એનો મતલબ એવો નથી કે તું ગમે તેની સાથે.. " કાજલબેન બોલ્યા.
" ગમે તે એટલે મમ્મી ? તેને હું ઘણા દિવસથી જોઉં છું તે મને સારો છોકરો લાગે છે."
" જોઈને જ માણસને ઓળખતા તું ક્યારથી શીખી ગઈ ? કાજલબેનનો ગુસ્સો વધી ગયો.
" મમ્મી, મેં એની નિર્દોષ આંખોને જોઈ છે. પણ તારી સાથે આ બાબતે વાત કરવી મને યોગ્ય નથી લાગતી."
હંમેશા મમ્મીને જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ માનનારી અને મમ્મીની દરેક વાત માનનારી મહેકનું વર્તન આજે અચાનક જ બદલાયેલું હતું.
બંને વચ્ચે થોડી તકરાર થઈ અને છેવટે મહેક ગુસ્સામાં તેનું ટેડી લઈને રડતી આંખે અને મારોડાયેલા પગે ગાડીની ચાવી લઈને જતી રહી.
11.
ગાડી સીધી પેલા બાળકોવાળા ગ્રાઉન્ડ પાસે આવીને ઉભી રહી. અત્યારે તો ત્યાં બાળકો નહોતા પણ મહેક તેના ટેડી સાથે ત્યાં એકલી બેઠી અને તેના પપ્પાને યાદ કરતી કરતી રડતી હતી.
થોડી વારમાં ત્યાં બાળકો રમવા આવ્યા અને મહેકને જોઈ એટલે બધા ખૂબ ખુશ થઈ ગયા અને રોજની જેમ લાઈનમાં પોતપોતાની જગ્યાએ બેસી ગયા. મહેકને આજે તેના પપ્પા ખૂબ જ યાદ આવતા હતા એટલે તેણે બાળકોને એક તેના પપ્પાની આખી જીવની વાર્તા સ્વરૂપે કહી.
રોજની જેમ આજે પણ મન ત્યાં હાજર જ હતો અને મહેકને જોઈ રહ્યો હતો, સાંભળી રહ્યો હતો. વાર્તા પુરી થઈ ત્યારે મહેકની આંખના ખુણા સુધી આવીને અટકી ગયેલું આંસુ મને જોયું.
મન દોડતો આવ્યો અને મહેકના પગમાં પડી ગયો. મહેક ચોંકી ઉઠી. મહેકે બાળકોને ઇશારાથી દૂર રમવા મોકલી દીધા.
મહેકને કંઈ સમજાતું નહોતું. તેણે શુ કરવું તે કંઈ સૂઝતું પણ નહોતું.
" સોરી મહેક, પ્લીઝ માફ કરી દે. હું તારો અપરાધી છું મહેક.. પ્લીઝ માફ કરી દે. તું મને સજા પણ આપી શકે છે મહેક પ્લીઝ..." મનનો રડતો અવાજ સંભળાયો.
મહેકને તો આ સપનું જ લાગતું હતું કેમ કે હંમેશા મમ્મીની લાડકી એવી મહેક આજે એમની જોડે જ ઝઘડો કરીને, ગુસ્સો કરીને અહીં આવી ગઈ હતી અને અહીં પણ હંમેશા ટૂંકમાં જ જવાબ આપતો મન પણ આજે આટલું બધું બોલી રહ્યો હતો.
મન આજે આટલું બધું બોલી રહ્યો હતો એની ખુશી હતી કે મમ્મી પર ગુસ્સો કર્યો એનું દુઃખ, એ મહેકને સમજાયું નહીં.
" અરે મન.. કેમ તું રડે છે? અને પહેલા તો તું ઉભો થઇ જા." મહેક મનને ઉભો કરતા બોલે છે.
મન મહેકની આંખો સામે જોઈ શકતો નથી. તેનામાં એટલી હિંમત નથી આવતી કે તે મહેક સામે જોઈ શકે. એ બસ નીચું મોઢું કરીને ઉભો છે.
" મન.. તે તો મારી સાથે ક્યારેય વધુ વાત પણ નથી કરી અને તું એવું બોલે છે કે તું મારો અપરાધી છે.." મહેકે મનને કહ્યું.
" હા મહેક, હું છું તારો અપરાધી. પ્લીઝ માફ કરી દે. "
હવે મહેક માટે આ બધું સમજવું અઘરું થતું જતું હતું એટલે તેણે મનને કહ્યું, " જો મન, મને તારી આ વાતો સમજાતી નથી. સીધુ સીધુ બોલ કહેવા શુ માંગે છે ?"
" મહેક, પહેલા પ્રોમિસ આપ કે તું અધૂરી વાત સાંભળીને જતી નહીં રહે. અને તારે ગુસ્સે થવું હોય કે પછી મને મારવો હોય, વાત પૂરી થાય પછી જ. "
મહેકને હજુ પણ કંઈ સમજાતું નથી. એને એમ થાય છે ક્યાંક મન મારી સાથે મજાક તો નથી કરતો ને!
" જો હું પહેલેથી જ ગુસ્સામાં છું અને એમાં પણ તે કોઈ પણ જાતની મજાક આદરી છે ને તો.. "
" મજાક નથી મહેક."
" ઓકે. પ્રોમિસ ચાલ. વાત કર તારી."
મન બોલવાનું ચાલુ કરે છે.
મહેક સોરી. હું એક સામાન્ય પરિવારનો છોકરો છું. અહીં નથી રહેતો. એક ફ્લેટમાં અમે રહીએ છીએ. અને હું અહીંયા રોજે તને જોવા માટે જ આવું છું. બીજું કોઈ કામ નથી. અને તને જોવા નહીં પરંતુ તારી સાથે વાત કરવા પણ આજ સુધી ક્યારેય હિંમત જ ના ચાલી.
હું કોલેજમાં છું. અમારું પાંચ છ મિત્રોનું ગ્રુપ છે. એમાંથી એક ફ્રેન્ડ ક્લાસનો ટોપર છે. કોલેજના બીજા વરસથી એક નવી છોકરીએ એડમિશન લીધું. પછીથી એ ક્લાસમાં ટોપ પર આવવા લાગી. જેના કારણે મારા ટોપર ફ્રેન્ડને ગમ્યું નહિ. હું એને ઘણીવાર સમજાવતો પણ તેના મનમાં તે છોકરી સાથે બદલો લેવાની ભાવના હતી. વાત તો એકદમ અજીબ લાગે કે કલાસમાં ટોપ આવવાના કારણે કોઈ દુશ્મન બને ખરું ? પણ બન્યું. એ છોકરીનો દુશ્મન બની ગયો મારો ફ્રેન્ડ. જોકે એ છોકરીએ ક્યારેય મારા ફ્રેન્ડ સાથે કંઈ ખોટું નથી કર્યું. પણ મારો ફ્રેન્ડ જ...
" એક મિનિટ.. તારા ફ્રેન્ડની લાઈફ સાંભળવામાં મને કોઈ રસ નથી. " મહેક તેને વચ્ચેથી અટકાવીને જ બોલી.
" તું સંભાળ તો ખરી. માંડ આજે મેં બોલવાની હિંમત કરી છે."
" બોલ."
મન આગળ વધે છે.
મેં તેને ખૂબ સમજાવ્યો પણ તે ના સમજ્યો. એકવાર તેણે અને બીજા ફ્રેન્ડસએ તે છોકરીને ક્યાંક બહાર મળવા બોલાવવાનો પ્લાન બનાવ્યો પણ મને આ વાતની ખબર નહોતી. તે છોકરી મારી સારી ફ્રેન્ડ હતી. એને લાગ્યું કે હું પણ તેને મળવા આવવાનો છું. એટલે તેણે મને ફોન કર્યો અને પૂછ્યું કે ક્યારે આવે છે તું ?
પછી મેં બધી વાત તેની પાસેથી જાણી મને લાગ્યું કે નક્કી આ લોકો તેને ધમકાવશે ક્યાં તો મારશે પણ. એ ડરથી હું રાતે કપડા બદલ્યા વગર જ ઉતાવળથી તે જ્યાં હતી ત્યાં હું ગયો. ત્યાં તો મારા બધા ફ્રેન્ડ્સ પહેલેથી જ હતા અને તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. મેં બધાને રોકવાની કોશિશ કરી પણ તેઓએ મારી સાથે પણ દુશ્મની કરી લીધી. એ છોકરીની સાથે સાથે મને પણ મારવા લાગ્યા. ખૂબ જ માર્યો. અચાનક પાછળથી એક કાચની બોટલ મારા માથા પર આવી અને હું ત્યાં જ ઢળી પડ્યો. મારી આંખ થોડી ખુલ્લી હતી ને મારા જ મિત્રોનું એક નવું સ્વરૂપ જોયું. મિત્રો.. મિત્રો કહેતા પણ શરમ આવે છે મારા પર જ.. એ નરાધમોએ એ છોકરી સાથે રેપ કર્યો અને હું કઈ જ ના કરી શક્યો.
મન થોડી વાર કંઈ બોલતો નથી. મહેક પણ શાંત થઈને તેને સાંભળે છે.
થોડી વાર પછી મન બોલે છે,
સવાર સુધી મને હોશ ના આવ્યો. અને હોશ આવ્યો ત્યારે હું પોલીસ સ્ટેશને હતો. પોલીસને લાગ્યું કે હું જ અપરાધી છું અને મારી સાથે બીજા પણ આ કેસમાં ભાગીદાર છે. પોલીસે ઘણા પ્રયત્નો કર્યા એમના વિશે માહિતી મેળવવાના પરંતું જતા જતા એ મને ધમકી આપતા ગયા હતા, " મમ્મી પપ્પા જોઈતા હોય તો અહીં જે થયું તે ભૂલી જજે .."
જે લોકોને હું આજ દિન સુધી મિત્રોના નામે ઓળખતો હતો તે મને તો ઠીક મારા મમ્મી પપ્પા સાથે પણ...
બસ આ જ વિચાર મને પોલીસ સામે બોલતા રોકતો હતો.
મારા પપ્પા પોલીસ સ્ટેશનથી મને છોડાવી ગયા. ઘરે પહોંચ્યો ત્યારે બીજા ઘાતક સમાચાર મળ્યા કે મારા એ કહેવાના મિત્રોએ કોઈ ઇન્સ્પેક્ટરનું ખુન કરી નાખ્યું છે અને નામ મારુ આવ્યું છે. ફરીથી પોલીસ આવી અને મને પકડી ગઈ. બે ત્રણ દિવસ સુધી મને ત્યાં જ રાખ્યો, પછી તો અસલી ગુનેગાર પણ પકડાઈ ગયા અને મને છોડી દીધો.
તે દિવસે ઘરે આવીને મને પપ્પા ખૂબ જ ખીજવાયા અને કહ્યું કે જ્યાં સુધી એ ઇન્સ્પેક્ટરના ફમેલીની માફી ના માંગી આવે ત્યાં સુધી પાછો આવતો નહિ.
પછી તો હું રોજે ભટકવા લાગ્યો એમની શોધમાં. રાતે અહીં જ ફૂટપાથ પર સુઈ જતો. ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા અને ક્યારેય મમ્મી પપ્પાથી અલગ ન રહેનાર હું આખો દિવસ રડયા કરતો. શુ કરવું, ક્યાં જવું કઈ જ સૂઝતું નહિ.
પણ એકાદ અઠવાડિયા પછી મારા પપ્પા સામેથી જ મને ગોતતા આવ્યા અને મને ત્યાં જ ફૂટપાથ પર જ પૂછવા લાગ્યા.
" અમારા વગર એક અઠવાડિયું કેવું લાગ્યું?"
મારાથી કંઈ બોલાયું નહિ, બસ પપ્પાને ભેટીને રડવા લાગ્યો ત્યારે પપ્પાએ સમજાવ્યું કે, તું અઠવાડિયું પણ તારા પપ્પા વગર રહી ના શક્યો, તો તારા મિત્રોના લીધે તે કોઈના પપ્પા હંમેશા માટે છીનવ્યાં છે. તારી એક ખોટી સંગતને લીધે તું તો આરોપીના લિસ્ટમાં આવી ગયો પણ એના કરતાં પણ વિશેષ તારા મિત્રોના લીધે એક બાળક અનાથ બન્યું છે આજે. જેટલો ગુનો તારા મિત્રોનો છે, એટલો જ તારો પણ છે. પોલીસ માટે ભલે તું આજે આરોપી નથી પણ મારા માટે તો ત્યાં સુધી છે જ્યાં સુધી તું એ પરિવારની માફી ના માંગે..
પછી પપ્પા મને ઘરે લઈ ગયા અને હું હંમેશા એ પરિવારની શોધમાં રહ્યો.
પછીથી મને જાણ થઈ કે તે ઇન્સ્પેક્ટરને એક છોકરી છે જે હંમેશા તેની સાથે એક ટેડી રાખે છે.
મહેક હવે એકદમ જ ચોંકી જાય છે અને રડવા લાગે છે, એ થોડી ગુસ્સામાં પણ હોય છે. તેણે મનને ગુસ્સામાં એક ગાલ પર ફેરવી દીધી. મન ચૂપ છે.
મન મહેકની પરિસ્થિતિ સમજી શકે છે એટલે તે કંઈ જ બોલતો નથી અને મહેકને રડતી શાંત કરવાનો પ્રયત્ન કરે છે.
ક્યારેય કોઈની સામે ના રડેલી આ મહેક આજે મન સામે મન મુકીને રડે છે. મન મહેકને શાંત કરવા તેના માથા પર હળવો હાથ ફેરવે છે અને મહેક તેને વળગી પડે છે અને વધુ રડવા લાગે છે.
મન મહેકને શાંત કરે છે. થોડીવાર પછી મહેક શાંત પડે છે. અને મન તેની વાત આગળ વધારે છે.
તને સૌથી પહેલી વાર મેં બસમાં જોયેલી. તારા હાથમાં ટેડી હતું, તું એક બાળક સાથે વાતો કરી રહી હતી. પણ મને સંપૂર્ણ ખાતરી નહોતી કે તું જ મહેક છે.
પછી બે દિવસ પછી અહીં જ આ જ ગ્રાઉન્ડમાં જોઈ. બાળકોના મોઢે તારું નામ સાંભળ્યું અને તારા હાથમાં પેલું ટેડી જોયું. મને ખાતરી થઈ કે તું એ જ મહેક છો જેને હું શોધું છું.
રોજે તને મળવાની , તારી સાથે વાત કરવાની કોશિશ કરતો પણ મારી હિંમત ન ચાલતી ને જીભ પણ ખચકાતી. પણ આજે જ્યારે તારા પપ્પા વિશે તારા મોઢે વાત સાંભળી અને તારી આંખના ખુણા સુધી આવીને અટકી ગયેલું આંસુ જોયું ત્યારે મેં કેમ પણ કરીને તને આ વાત કહેવાની હિંમત કરી.
મહેક, હવે તું મને જે સજા આપે તે મને મંજુર રહેશે. સોરી મહેક.
મહેકને લાગે છે કે મન ખરેખર સારો છોકરો છે. પોતાનો વાક ન હોવા છતાં તેના પપ્પાના કહેવાથી તે બે વર્ષ સુધી મારી શોધમાં રહ્યો.
" ચાલ મારા ઘરે." મહેક બોલી.
" તારા ઘરે ?" મનને નવાઈ લાગી.
" હા, અત્યારે તું જે કંઈ પણ બોલ્યો તે બધું મારા મમ્મીને કે બસ આ તારી સજા." મહેક બોલી.
મનને કંઈ સમજાયું નહીં પણ તે મહેક સાથે ગાડીમાં બેસી જાય છે.
12.
કાજલબેન મહેકની ચિંતામાં જ હોય છે, ત્યાં જ મહેક ઘરે આવે છે.
" મમ્મી, તું થોડી વાર માટે કંઈ બોલશે નહિ. "મહેકે કાજલબેનને ઓર્ડર આપ્યો.
કાજલબેન આમ તો મહેકથી નારાજ જ હતા, એટલે એ મહેકના સવાલનો જવાબ આપતા નથી. પછી મહેક મનને અંદર બોલાવે છે. અને મન બધી વાત કરે છે.
કાજલબેનની પણ આંખો ભીંજાય જાય છે. તે મહેકને અને મનને બંનેને માફ કરી દે છે. મહેક કાજલબેનને ભેટી પડે છે.
" મહેક, હવે તું ચાલ મારા પપ્પાની સામે મારે તારી પાસે માફી માંગવાની છે." મન મહેકને કહે છે.
બંને કાજલબેનની પરવાનગી લઈને જાય છે.
મનના ઘરે બંને પહોંચે છે. હજુ તો મન કંઈ બોલે તે પહેલા જ મહેક બોલી ઉઠે છે.
" અંકલ તમે ?"મનના પપ્પાને જોઈને મહેક બોલી.
" હા બેટા, હું તો તને ત્યારથી જ ઓળખતો હતો જ્યારે તારા પપ્પાને મળવા તું અને કાજલબેન અમારી હોસ્પિટલે આવેલા." મનના પપ્પા એટલે કે ડોક્ટર સાહેબ બોલ્યા.
" પપ્પા, તમે મહેકને ત્યારથી ઓળખો છો ? તો મને ત્યારે જ કહી દેવાય ને." મન બોલ્યો.
" હા તે દિવસે જ મેં મહેકને જોયેલી જ્યારે તે તેના પપ્પા માટે માટે ગાંડી બની હતી. એની રડતા ન થાકેલી આંખો જોઈ હતી અને એ પણ તારી સંગતને લીધે. મને ખબર હતી કે તું નિર્દોષ છે, પણ તારી આંખ સામે જ બધુ થયું છતાં તું કંઈ કરી ના શક્યો એટલે મને તું દોષી લાગ્યો. જ્યારે પહેલી વખત તને પોલીસ સ્ટેશને લાઇ જવામાં આવ્યો ત્યારે જ તે ત્ર મિત્રો વિશે કહી દીધું હોટ તો કદાચ આજે મહેક..."
મહેક આછા આંસુ સાથે ખામોશ ઉભી છે. થોડી વાર ત્યાં રહીને તે ઘરે પાછી આવે છે.
આજે મનના પપ્પાને પણ વર્ષોનો બોજ ઉતરી ગયો હોય એવું લાગ્યું.
મહેક ઘરે આવે છે અને બધી વાત કાજલબેનને તથા શારદાબાને કરે છે. બંનેને મન અને તેનો પરિવાર ગમે છે. વાંક ન હોવા છતાં પણ આટલો પશ્ચાતાપ ? કાજલબેનને લાગે છે કે ખરેખર આજના યુગમાં પણ માણસાઈ જીવે છે.
પાછળથી મહેકને ખબર પડે છે કે મન તેની જ કોલેજમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય છે. પછી તો બંને કોલેજ પણ સાથે ટાઇમ વિતાવે છે અને મહેકની રોજની સ્પેશિયલ જગ્યા એટલે કે બાળકો વાળું ગ્રાઉન્ડ ત્યાં પણ બંને સાથે જ બાળકો સાથે ટાઈમ વિતાવે છે. ખરેખર બંને સાથે ખૂબ જ ખુશ હોય છે.
કાજલબેનને પણ મહેક આ વાતની જાણ કરે છે અને કાજલબેન આ વાતથી ખુશ પણ હોય છે.
થોડા દિવસો પછી મહેકની કોલેજમાં એક કેમ્પનું આયોજન હોય છે. તે કાજલબેનને વાત કરે છે.
" મમ્મી, કોલેજમાં એક કેમ્પ છે. દસ દિવસનો. સુરત અને તેની આજુ બાજુના કોઈ વિસ્તારો છે, અને અમારે કંઈ સર્વે અને લોકજાગૃતિ માટેનું કામ કરવાનું છે."
" સુરત ?" કાજલબેન બોલ્યા.
" હા મમ્મી, કેમ ?"
" કંઈ નહીં. તારા ગ્રૂપમાંથી કોણ કોણ જોડાયું છે ?"
" મીશ્રી, ધ્રુવ, રવિ અને મમ્મી મન પણ આવે છે."
" સારું ત્યારે, જજે."
કૅમ્પનો દિવસ આવે છે. કાજલબેન મહેકને રેલવે સ્ટેશને મુકવા જાય છે, ત્યાં મનના મમ્મી - પપ્પા પણ આવ્યા હોય છે. કાજલબેન તેમને મળે છે. ટ્રેન આવી જાય છે એટલે મહેક અને તેના ફ્રેન્ડ્સ પોતપોતાની સીટ માટે ચડવા લાગે છે અને ત્યાં બાળકોને મુકવા આવેલી દરેક માં ના મોઢેથી કંઇક આવા શબ્દો સંભળાય છે,
"બેટા સંભાળીને જજે, સમયસર જમી લેજે. કંઈ આમતેમ થાય તો ફોન કરી દેજે." બાળકની સૌથી વધુ ચિંતા તો એક માને જ થવાની ને!
દસ દિવસ મહેક માટે તો જલ્દી જ નીકળી ગયા કેમ કે તે તેના ફ્રેન્ડ્સ સાથે હતી અને આમ પણ તેઓની ત્યાંની કામગીરી જ કંઈક એવી હતી કે દિવસ તો તેમાં જ નીકળી જતો.
પણ આ બાજુ કાજલબેનને ઘરમાં એકદમ ખાલીપો અનુભવાતો. મહેક વગરનું આ ઘર મુરજાયેલું લાગતું. કાજલબેને મહેક વિના પહેલીવાર આટલા દિવસો કાઢ્યા.
આજે તો મહેક આવવાની હતી. તેમને લેવા માટે કોલેજે જ આવવાનું હતું. એટલે કાજલબેન સીધા મહેકની કોલેજે જ પહોંચ્યા. ત્યાં બધા જ વિદ્યાર્થી આવી ગયા પણ મહેક અને મન હજુ સુધી ના આવ્યા. કાજલબેને મીશ્રીને મહેક વિશે પૂછ્યું.
" આંટી, એ તો બધાની પહેલા જ આવી ગયા છે અને ઘરે પણ પહોંચી ગયા છે." મીશ્રી એ કહ્યું.
કાજલબેન સીધા જ ઘરે પહોંચ્યા પણ ત્યાં મહેક હજુ સુધી આવી નહોતી.
કાજલબેન મીશ્રીને ફોન કરે એ પહેલા જ મીશ્રી કાજલબેન પાસે પહોંચી ગઈ.
" મીશ્રી, તું તો કહેતી હતી ને કે મહેક ઘરે આવી ગઈ છે. ક્યાં છે ?"
" આવે જ છે આંટી, તમારા માટે સરપ્રાઈઝ છે."
" પણ ક્યારે ?"
ત્યાં જ મહેક આવે છે.
કાજલબેન લહુબ જ ખુશ થઈ જાય છે અને મહેકને ભેટી પડે છે.
મહેક ખૂબ જ ખુશ થઈને બોલે છે, " મમ્મી, તારા માટે એક સરપ્રાઈઝ છે. "
કાજલબેનને કંઈ સમજાતું નથી.
" અંદર આવી જાવ. " મહેક બોલી.
ત્યાં મન અંદર આવે છે. કાજલબેન ખૂબ હશે છે. " આ સરપ્રાઈઝ છે મારા માટે ?" આટલું બોલીને કાજલબેન ફરી હસવા લાગે છે.
" એ મન, શું કરે છે ? એકલો કેમ અંદર આવી ગયો. હવે જા લઈ આવ એમને. બુદધુ.."
મન એમને અંદર લઈ આવે છે.
કાજલબેન ચોંકી જ જાય છે. આ શું ? હું સપનું તો નથી જોતી ને ?
" મમ્મી..." કાજલબેન બોલી ઉઠે છે.
હા.. મહેકનું સરપ્રાઈઝ હોય છે સુમનબેન. મહેકના નાની.
પણ આ શું ? સુમનબેન કાજલબેનને મળવાના બદલે અચાનક જ એમનો રસ્તો બદલી લે છે. પહેલા તો કાજલબેનને જ મળવાની ખુશી નહોતી સમાતી એ જ સુમાનબેનના પગ શારદામાસી બાજુ ફરીને દોડવા લાગ્યા.
" શારદાબેન તમે ?" સુમનબેનનો આશ્ચર્યજનક અવાજ નીકળ્યો.
" સુમનબેન તમે ?" શારદામાસી પણ બોલી ઉઠ્યા.
મન, મહેક અને મીશ્રી તો ઠીક પણ ખુદ કાજલબેન પણ સમજી નહોતા શકતા કે આ બધું ચાલી શું રહ્યું છે.
" મને કોઈ સમજાવશો આ બધું ચાલી શું રહ્યું છે ?" કાજલબેન મહેક સામે જોઇને બોલે છે.
" અરે મમ્મી, આ તો મારા માટે પણ પ્રશ્ન છે. બા તમે જ કહો." મહેક બોલી.
સુમનબેન બોલવાનું ચાલુ કરે છે,
" કાજલ, આ એ જ શારદાબેન છે કે જેના છોકરા વિવેક સાથે તારા પપ્પાએ તારા લગ્ન નક્કી કર્યા હતા. પણ તે રાતે તો તું અહીં આવી ગઈ અને પછી શારદાબેનના ઘરેથી પણ સમાચાર મળ્યા કે વિવેકે કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા છે. એટલે હું શારદાબેનને અને તેઓ મને ઓળખે છે.
અને બીજી વાત કાજલ, તું જે રાતે અહીં આવી હતી તે જ રાતે અમને વિવેકના સમાચાર મળેલા અને તારા પપ્પા એ મને કહેલું કે હવે કાજલના લગ્ન નયન સાથે કરાવી આપીએ. તારી સાથે વાત કરવા હું અને તારા પપ્પા તારા રૂમમાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો તું નીકળી ચુકી હતી, એ જોઈને તારા પપ્પાને ખૂબ જ આઘાત લાગેલો. કાજલ જો તું એકાદ કલાક ત્યાં રોકાઈ ગઈ હોત ને તો ..."
વાતાવરણ એકદમ શાંત છે. બધા સુમનબેનને ધ્યાનથી સાંભળી રહયા હતા. કાજલબેનની આંખો પસ્તાવથી ભરાઈ આવી અને તે સુમનબેનને વળગી પડી.
" તું તારા પપ્પાને વહેલી સમજી ના શકી બેટા, અને જ્યારે એમણે તને સમજી ત્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું." સુમનબેન બોલ્યા.
થોડી વાર વાતાવરણ શાંત રહે છે પણ હવે કાજલબેનને એમના મમ્મી મળી ગયા એનો ખૂબ જ આનંદ હતો. થોડીવાર પછી કાજલબેનના મનમાં એક પ્રશ્ન થયો.
" મહેક, તને મમ્મી મળ્યા કેવી રીતે?"
અરે મમ્મી, અમને તો વિચાર જ નહોતો કે આટલી સિમ્પલ રીતે જ નાની મળી જશે.
" જો મમ્મી, હું ને મન કેમ્પમાં એકદિવસ સર્વે માટે ગયા, ત્યારે નાનીએ સર્વેના પ્રશ્નો પુરા થયા બાદ મારી સાથે થોડી વાત કરી, નામ પૂછ્યું અને છેલ્લે એક વાક્ય બોલ્યા કે , તું મારી દીકરી કાજલ જેવી જ દેખાય છે. પછી મારું મગજ અચાનક જ ચાલ્યું અને મેં સર્વેના ફોર્મ તરફ નજર કરી તો નાનીનું અને નાનાનું નામ દેખાયું. પછી તો મેં નાનીને બધી વાત કરી અને એમને અહીં લઈ આવી."
કાજલબેનની ખુશી આજે સાતમા આસમાને હતી.
" થેન્ક યુ મહેક, તે મને મારી જિંદગી પાછી આપી છે." કાજલબેન ખુશીમાં જ બોલી ગયા.
" અરે મમ્મી, તને નથી લાગતું કે મન આવ્યો પછી આપણી લાઈફમાં ખુશી આવવા લાગી." મહેકે તીર માર્યું.
" મને બધી ખબર છે મહેક. તારો કહેવાનો મતલબ હું જાણું છું." કાજલબેન હસતા હસતા બોલ્યા.
" અરે મમ્મી, નયનના ઘરના શું સમાચાર છે ?"
" નયન એમના ઘરે વાત કરીને જ અહીં આવ્યો હતો. નયન તેમને ત્યારે જ અહીં મુંબઇ લાવવાનો હતો, પણ તેના પપ્પાની જોબ ફરે તેમ નહોતી એટલે હવે તે રિટાયર્ડ થાય પછી અહીં આવવાના છે. કાલે જ મારી તેમની સાથે વાત થઈ.
કાજલબેનને તો આજે એમ જ લાગતું હતું કે ક્યાંક હું ખુશીથી પાગલ ના થઇ જાઉં.
જોકે કાજલબેન માટે તો તેનું જીવન જ છીનવાઈ ગયું હતું, પણ સામે ઈશ્વરે પરિવાર પણ આપી જ દીધો.
* * *
થોડા વર્ષો પછી...
એક સાઇકલ પર જોબ લેટર આપવા માટે એક ચાચા આવે છે. ડોરબેલ વગાડે છે અને તેમનું ધ્યાન એ દરવાજા પર પડે છે,
" મનમહેક વિલા" ને બાજુમાં દોરેલું નાનકડું ટેડી...
ખૂબ ખૂબ આભાર...
લેખનની દુનિયામા મારો પહેલો પ્રયત્ન. કદાચ ક્યાંક કોઈ વાચકમિત્રોની લાગણીને ઠેસ પહોંચે તેવું લખાયું હોય તો દિલથી માફી ચાહું છું. આપનો સારો કે ખરાબ પણ ' સાચો' પ્રતિભાવ મેળવવાની આશા સહ...
ફરીથી આપનો ખુબ ખૂબ આભાર...