લેખક: @prit_ki_lines
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી અને જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સંગીતાની વાત છે. ૩પ વર્ષીય સંગીતા તેના પતિ અને એક દીકરી સાથે રહે છે. તેમના પતિ બિઝનેસમેન છે. સંગીતાનો સ્વભાવ ખૂબ સુંદર છે અને સાથે-સાથે તે પરિવાર તથા ઘરની તમામ જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે. સંગીતા પ્રોફેસર હોવાની સાથે-સાથે હેલ્થનું પણ ખૂબ ધ્યાન રાખે છે, જેથી તે વહેલી સવારના પાંચ વાગ્યે ઊઠીને નિત્યક્રમ મુજબ કસરત-યોગ કરે છે. ત્યારબાદ પતિ સાથે સવારમાં ચા-નાસ્તો કરી દિવસની શરૂઆત કરે છે, જોકે દિવસ દરમિયાન સંગીતાને કોલેજ જવાનું, ઘરકામ કરવાનું, દીકરીને તૈયાર કરવાથી લઈ સ્કૂલે મૂકવા જવાનું હોવાથી તે આ બધા કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે, જોકે સંગીતાને જ્યારે જ્યારે નવરાશ મળે ત્યારે મોબાઈલનો ઉપયોગ કરતી હોય છે. નવરાશમાં સંગીતાને મોબાઈલમાં સોશિયલ મીડિયા સિવાય ઓનલાઇન શોપિંગ કરવાનો ખૂબ જ શોખ છે. નવી નવી વસ્તુઓ ઘરમાં સજાવટ કરવા કે પછી દીકરી માટેનાં કપડાં હોય કે તેમના માટે નવું ક્લેક્શન આવ્યું હોય તો જોવાનો અને તે ઓનલાઇન મંગાવતી પણ હતી. ઘણી વાર મંગાવ્યા મુજબ દરેક વસ્તુ ઘર સુધી આવી પણ જતી હતી અને હાલ લોકડાઉન હોવાથી સંગીતા, તેના પતિ અને દીકરી ઘરે જ હતી.થોડા દિવસ પહેલાં જ લોકડાઉન ખૂલ્યું છે, જેથી સંગીતા ઘરે હતી તે સમયે તે મોબાઈલ વાપરતી હતી ત્યારે સંગીતાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો.
સૌથી પહેલાં તો મોબાઈલ પર આવેલ મેસેજ વાંચ્યા પછી સંગીતાએ ઇગ્નોર કર્યો હતો.
સંગીતાએ િવચાર્યું કે આખો દિવસ કંપનીવાળા ગમે તે મેસેજ કે ફોન કરે છે.
આમ વિચારીને ફરી તે મોબાઈલમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઇ ગઈ હતી, જોકે થોડી વાર પછી ફરી એક મેસેજ આવતાં સંગીતાએ ફરી એક વાર મેસેજ વાંચ્યો તો મેસેજમાં કહ્યું હતું કે તમારા પેટીએમમાં કેવાયસી ર૪ કલાકમાં અપડેટ નહીં કરાવો તો તમારું એકાઉન્ટ થોડા સમય માટે હોલ્ડ કરવામાં આવશે.
આ કેવાયસી અપડેટની કાર્યવાહી પૂરી કરવા માટેનો મેસેજ હતો.
સંગીતાએ પેટીએમ બંધ થઇ જશે એમ માની તેના પર આવેલ મેસેજવાળા નંબર પર ફોન કર્યો હતો.
સુમિત નામના યુવકે ફોન ઉપાડ્યો હતો.
સુમિતે સંગીતાને કહ્યું કે હું પેટીએમમાંથી વાત કરું છું. બોલો, હું તમને શું મદદ કરી શકું.
સંગીતાએ તેને વાત કરી કે પેટીએમ અપડેટ કરવાનો મેસેજ આવ્યો છે.
સુમિતે કહ્યું કે હા, તમે પેટીએમ અપડેટ કર્યું નથી, જો તમે અપડેટ નહીં કરો તો તમારું પેટીએમ ર૪ કલાકમાં બ્લોક થઈ જશે.
સુમિતે સંગીતાને વિશ્વાસમાં લેવા કહ્યું કે તમને વિશ્વાસ ન આવતો હોય તો હું નંબર આપું તે ઓફિસમાં તમે વાત કરી લો.
સુમિતે આમ કહેતાં સંગીતાને સુમિત પર વિશ્વાસ આવી ગયો હતો અને સંગીતાએ કહ્યું કે પેટીએમ અપડેટ કરવા શું કરવું પડશે?
સુમિતે કેવાયસી અપડેટ કરવા માટે એક એિપ્લકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું.
સંગીતાએ આ એિપ્લકેશન ડાઉનલોડ કર્યા બાદ સુિમતે કહ્યું એિપ્લકેશનમાં તમારી બધી વિગત ભરી દો. ત્યારબાદ તમારા મોબાઈલમાં એક નંબર આવશે, જે માગ્યો હતો.
નંબર મેળવ્યા બાદ સંગીતાના બેન્કના ખાતામાંથી લાખ રૂપિયા કપાઈ ગયાનો મેસેજ મોબાઈલ જોઈ સંગીતા ચોંકી ગઇ હતી.
જોકે સંગીતાને ફ્રોડ થયાની જાણ થતાં જ તેણે એિપ્લકેશન ઇન્સ્ટોલ કરી એટીએમકાર્ડ પણ બ્લોક કરાવી દીધું. સંગીતાએ સતત ફોન કરી સુમિતનો સંપર્ક સાધવાની કોશિશ કરી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ સંગીતાએ તેના પતિને જાણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ઓનલાઇન ફ્રોડના કિસ્સા દિવસ ને દિવસે વધી રહ્યા છે, જેમાં માત્ર પ્રોફેસર જ નહીં, ઘણા બધા લોકો આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે, ઘણા ફરિયાદ નથી કરતા, કારણ કે પોલીસના ધક્કા કોણ ખાય? ઘણા એવા હોય છે, જે શરમના માર્યા પણ ફરિયાદ નથી કરતા,, પરંતુ આવા કોલ કે મેસેજ આવે તો સતેજ થઇ જવું, જેથી આવા લોકોની જાળમાં ફસાતાં બચી શકાય.
જો તમારા મોબાઈલમાં આવા મેસેજ કે ફોન આવે તો ચેતજો.
લોકડાઉન પછી ફરી શરૂ થયું ધબકતું જીવન
એક વાર ચેતજો:
કૌન બનેગા કરોડપતિમાંથી ફોન આવે તો એક વાર ચેતજો.
પેટીએમ કેવાયસીના નામે મેસેજ કે ફોન આવે તો એક વાર ચેતજો
સસ્તા વ્યાજે લૉનના મેસેજ કે ફોન આવે તો એક વાર ચેતજો
Olx/facebook પર ખોટી જાહેરાત હોય તો
એક વાર ચેતજો
વધુ કેશ બેકની મળશે આવા મેસેજ કે ફોન આવે તો
એક વાર ચેતજો
એટીએમમાં મદદ કરવાના બહાને કોઈ આવે તો
એક વાર ચેતજો
EMIના બેન્કના નામે મેસેજ કે ફોન આવે તો
એક વાર ચેતજો
ગૂગલ પર ઓનલાઈન હેલ્પલાઇન નંબર સર્ચ
કરતાં પહેલાં ચેક કરી લેજો.
એક વાર ચેતજો
પ, ૧૦, ર૦ રૂપિયા ભરવાનું કોઈ કહે તો
એક વાર ચેતજો
બધાની ખરાઈ કર્યા બાદ કંઈક કરજો,
નહીંતર તમારી મહેનતથી કમાયેલા રૂપિયા
કોઈ ગઠિયાના હાથે ન આવી જાય તે માટે ચેતજો
સચેત રહો, સુરક્ષિત રહો
ઉલ્લેખનીય છે કે ગઠિયા પેટીએમ વાપરતા લોકોને એવા વિશ્વાસમાં લે છે કે યુઝર આઇડી પાસવર્ડથી કોઇ નુકસાન નહીં થાય અને બેન્કમાં ગયા વગર કેવાયસીની પ્રોસેસ થઇ જશે. ગઠિયા ઘણી વાર ફોન કરે છે અને તમને તમારા પેટીએમ એકાઉન્ટના કેવાયસીને પૂર્ણ કરવા કહે છે. ત્યારબાદ તેઓ તમારી વિગતો લઇ છેતરપિંડી કરે છે. તેથી જો તમને આવા કોલ આવે તો સૌપ્રથમ પેટીએમ કસ્ટમર કેરમાં જાણ કરવી જોઈએ. આ સિવાય જો તમે કેવાયસી કરાવવા માગતા હો તો તેને પેટીએમ એપ પર જઇને અપડેટ કરી શકો છો અથવા તમે પેટીએમ એક્ઝિક્યુટિવને કોલ કરી શકો છો. આમ, થોડી સાવધાની રાખીને ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરશો તો ક્યારેય છેતરાશો નહીં.
(પાત્રોના નામ કાલ્પનિક છે.)