અહમ લઘુકથાઓ Ashish Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અહમ લઘુકથાઓ

લઘુકથા: દાદા
આ પેન આકળ-વિકળ થઈ એટલે લખવા બેઠો. મારા ગામડાના ઘરે ફળિયામાં અડીખમ ઊભેલા પીપળાને જોઈ હમેશા લખવાની પ્રેરણા મળે. અનેક ખાટા-મીઠા પ્રસંગોના પાન આ પીપળાની ડાળીએ હજુ ઝૂલ્યા કરે છે. મારા દાદા એ પીપળાને બાળપણથી ઉછેરી મોટો કરેલો. દાદા આસપાસના ગામમાં ગોરદાદા તરીકે પુજાય જ્યારે આ પીપળાને આખું ગામ પુજે.
“પીપળામાં પ્રેતનો અને પિતૃઓનો વાસ હોય, આ પીપળો તમને ક્યારેય ઊંચા નહીં આવવા દે, આ પીપળાને લીધે તમારા ઘરમાં કંકાસ છે, આ પીપળો તમારું ધનોત-પનોત કાઢી નાખશે.......” આવી અનેક વાતો દાદાને કહેવાતી પણ દાદા કશું સાંભળતા નહીં.
પીપળો પડકાર પણ ફેકે અને વળી પ્રેમથી માથે હાથ પણ ફેરવે. ઘરમાં ઝઘડાઓ થાય, ઘણીવાર જીવલેણ બીમારી આવી પડતી ત્યારે દાદાને થતું કે આ પીપળો..........પણ, ઝઘડા પછી વળી બધા સાથે બેસી પીપળાના છાયે જમવા બેસતા અને હસી પડતા, જીવલેણ બીમારીમાં પણ આત્મવિશ્વાસથી ઉછળતા માણસને જોઈ. દાદા પીપળાની માફી માંગી પ્રેમથી ભેટી પડતાં. દાદા છેલ્લા બે વર્ષ ખૂબ બીમાર રહ્યા, પીપળામાં પણ જીવાત પડી. બધા ભાઈઓએ પીપળાને કાપવાનો નિર્ણય લીધો. દાદાએ પોતાની છેલ્લી ઈચ્છા બધાને કહેલી, “મારા મૃત્યુ પછી આ પીપળાને કાપજો.”
પીપળાના પડછાયામાં દાદા પોતાનો ઓછાયો છોડી, જીવ શિવમાં વિલીન થયો. પણ થોડા દિવસો પછી પીપળાના ખરી પડેલા, પીળા પડેલા અને જીવાતથી ખદબદતા એ થડની ઉપરની એક ડાળીએ નવી તાજી કુપળ ફૂટી જાણે કે દાદા મને કહેતા હતા કે “લખ તું.........લે હું વાંચું......... લેખક - આશિષ ત્રિવેદી ‘સ્વ.’

લઘુકથા: અહમ
“ધડામ” ....... ઘરનું બારણું પછાડી, રોશની સાથે ઝઘડો કરી અમન ઘરેથી નીકળી ગયો. લગ્નને એક દશકો વીતી ગયો છતાં તેના જિદ્દી સ્વભાવ પર સમયની અસરની ઉણપ વર્તાતી હતી.દિવડી ચોકે બાઇક પહોચે ત્યાં રોશનીનો કોલ, “સોરી અમન ફોર એવરીથિંગ” પછી વાંક ભલે અમનનો હોય, આવી જતો.આખી પ્રક્રિયા અહમ સંતોષવા સિવાય બીજું કઈ ન હતું. ક્રમ તુટ્યો, સર્કલ પાસે નિયત જગ્યાએ બાઈક અટક્યું.શિકારને મારવા અજગરની જેમ હદય ફરતે ભરડો મારતી મૂંઝવણ, રાત્રે નિઃશબ્દ ભાસતું પારિજાત, ફુવારા માંથી છૂટતો ઉદાસીનતાનો ધોધ, ગમગીનતાના વાદળોથી ઘેરાઈને ઝાખો પડેલો અર્ધ ચંદ્ર, દુઃખના ટોળાનું આ એક જુટ આક્રમણથી તેને ન સમજાયું કે શું કરવું? 5 ની 15 મિનિટ થઈ.
“ક્યાક રોશની પણ મારી જેમ?.......... કેમ કોલ ન આવ્યો?.............. ચિંટુડાએ તો કઈ નહીં કર્યું હોય ને.!!!.......”
અમનના આ શબ્દો તેના મનમાં ઉઠેલા ઉદ્દવેગની ચાડી ખાતા હતા. એવામાં તાર પર બેઠેલું એક પક્ષી પોતાની ભાષામાં, કુદકા મારી, નખરા કરી માદાને મનાવતું હતું. માદા પણ ઘૂંટર..... ઘું કરી થોડું ભાવ ખાતું હતું. ધીમે-ધીમે બંને પક્ષીના તાર પર સરકીને નજીક જતા પગ અને તેઓનું આલિંગન.....! અહમને ઓગાળવા આ તાજી ઉગેલી આંખો પુરતી હતી. તેણે ખિસ્સા માંથી ફોન કાઢ્યો, ડાયલ કરે તે પહેલા સ્ક્રીન પર હતું, રોશની કોલિંગ. પાંખો ફફડાવી, ઊડી એકબીજાને આલિંગન કરતા પક્ષીઓને તે એકીટશે જોઈ રહ્યો.
"હેલ્લો" નરનું ઉડવું ને ત્યારેજ શોટ-સર્કિટ થતા..........
"સોરી, અમન ફોર.........." સામે અવાજ હતો ફેમિલી ડૉ. રાવલનો.
લેખક: આશિષ ત્રિવેદી “સ્વ.”


લઘુકથા: આંબે આવ્યો મોર
મોહિતને M.B.B.S ના અભ્યાસાર્થે વિદ્યાનગર મુકી સવારે પરત ફરેલા સુનિલભાઈને ગઈ રાતે આંબાના છોડની વૃદ્ધિ થતાં તુટેલા કુંડાનું કારણ મળી ગયું. દરવાજાની ડાબી બાજુ તેને રોપી પાંજરાથી સુરક્ષિત કર્યું. સુનિલભાઈનો પર્યાવરણ પ્રેમી જીવ એક અઠવાડિયામાં વૃક્ષાન્વિત થયો. મોનીકાને દિકરાનો ખાલીપો ખૂંચતો તો- સવારે ચા ની સાથે જુના ગીતો ગાતો મોહિત, રોજ સાંજે વોક પર નીકળવું અને આખા દિવસની વાતો કરતો મોહિત, રાત્રે મોનિકાબેનના કાવ્યોનો સ્પષ્ટ સમીક્ષક મોહિત- તેના જતાં રહેવાથી મોનિકાનું હદય ધીમે-ધીમે વધેરાતું હતું. શરૂઆતમાં હોમસિકનેસના કારણે તેના પણ સવાર-સાંજ ફોન આવતા, દિવસભરની વાતો થતી. એક વર્ષ આમ જ પસાર થયું, હવે તે સેટ થઈ ગયો. પેલો આંબો પણ પાંજરાની બહાર ડોકા કાઢતો હતો. સમયની રેત સરકી, પસાર થતા મહિનાઓ વર્ષમાં તબદીલ થયા. હવે, આખા દિવસમાં એકવાર વાત થતી, તે વ્યસ્ત રહેવા લાગ્યો. આંબો ખુબ વૃદ્ધિ પામ્યો અને મોનિકાબેનનું સ્યૂગર પણ. ઘરનું રાચરચીલું છેલ્લા એક વર્ષથી એકબીજા સાથે અબોલા લઈ બેઠું હતું.
“મોહિતનો ત્રણ મહિનાથી કોલ નથી આવ્યો.” મોનિકાએ અબોલા તોડ્યા.
“હા, તેણે કહ્યું હતું છેલ્લું વર્ષ છે, ઈંટર્નશીપ ચાલે છે તે સામેથી કોલ કરશે.” સુનિલ એ જવાબ વાળ્યો.
પેલા આંબાનું થડ મોટું થતા પાંજરું વળી અને લગભગ તૂટી ગયું હતું. સ્યૂગરની સાથે બ્લડપ્રેશરની તકલીફ વધતા એક મહિનાથી મેડિકલ લીવ પર રહેલા મોનિકાબેન અને બાજુમાં નિઃશબ્દ બેસી રહેતા સુનિલભાઈ. ડોરબેલ રણક્યો,
સુનિલભાઈ :“કોણ?”
“ડેડી, હું... ડૉ.મોહિત.” સાંભળતા જ છેલ્લા ત્રણ મહિનાથી મૃતઃપ્રાય થયેલું ઘર સળવળી બેઠું થયું. ફરી થયો વાતોનો ઉઘાડ. સુનિલભાઈને આંબા પર બેઠેલો મોર આજે સ્મિત વેરતો લાગ્યો. લાંબા સમયે તેણે પણ હોઠ પર ઉપકાર કરી જ નાખ્યો.
લેખક: આશિષ ત્રિવેદી “સ્વ.”