વમળ..! - 4 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ..! - 4

“વમળ..!”

ડૉ.હેરત ઉદાવત (પિડિયાટ્રિશ્યન)

પ્રકરણ ૪

અત્તર : ખૂનની મહેક

“કોણે કહ્યું કે મહેક સુંદરતાની વ્યાખ્યા આપે છે,

સાચવીને રેહજો,આ મહેક ખૂનીને તાગ આપે છે.”

રસ્તામાં પાછા આવતા ઈન્સપેકટર જાડેજાને યાદ આવી ગયું હતું કે આવા ફૂલ અને બીજ તેમણે પહેલાં ક્યાં જોયા હતા.

અને તેમાંથી મળેલા કેમિકલ વિષે જાણ થતા જ તેઓ તાત્કાલિક ગોરી સાહેબના ઘરે પહોંચ્યા.

ગોરી સાહેબના રૂમની અગાશીમાં પહોંચી તેમની નજર ચારે બાજુ ફરવા લાગી,

ત્યાં ઘણા બધા કૂંડા હતા જેમાં જાતભાતની વનસ્પતિના છોડ હતા. તેમની નજર ફરતી ફરતી એક કૂંડા પર સ્થાયી થઈ. આબેહૂબ એજ વનસ્પતિ અને એવા જ ફૂલ કે જે ઈન્સપેકટર જાડેજાએ ધોલપુર ગામમાં ગોરી સાહેબના ખેતરમાં જોયા હતા.

ઇન્સ્પેક્ટર જાડેજાની નજર સીધી જ ગોરી સાહેબના નોકર રામજી કાકા તરફ ગઈ.

"આ ફૂલ શેના છે, કાકા..?"

કડકાઈથી જાડેજાએ પૂછ્યું.

"ખ..ખ.. ખબર નથી સાહેબ..!"

રામજી કાકાની જીભ લપસી, એટલે જાડેજા ની આંખો ચમકી.

કેસને ઉકેલવાની જાણે જાદુઈ ચાવી એમના હાથમાં લાગી હતી.

"કસ્ટડીમાં લો આ કાકાને. "

ઈન્સપેકટર જાડેજાએ આદેશ આપ્યો.

રામજીકાકાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ઉંમર ઘણી વધારે હોવાથી તેઓ જૂઠું બોલી શકે તેમ ન હતા.

ઈન્સપેકટર જાડેજા વડે કરવામાં આવેલા બે ઊંચા ઘાટાં માંતો આખુ રહસ્ય બહાર આવી ગયું. મુખ્ય આરોપીનું નામ તરત જ રામજીકાકાએ કહી દીધું.

બીજા દિવસે સવારે,

કેસ સાથે જોડાયેલા તમામ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા.

મુખ્ય અપરાધીની ધરપકડ તો રાતે જ જાડેજાએ કરી દીધી હતી અને ગુનેગારે ગુનો કબૂલ પણ કરી દીધો હતો.

"ગુનેગાર કોણ છે? જલદી જણાવો..!"

આજીજી કરતાં પ્રણય બોલી રહ્યો હતો.

જાડેજાએ મૂછોને તાવ દેતા દેતા આંખોથી જમણી તરફ ઈશારો કર્યો.

કોન્સ્ટેબલ એક વ્યક્તિને હાથમાં હથકડી પેરાવીને લઈને આવ્યો.

ગુનેગારને જોઈ બધાંની આંખો પહોળી થઈ ગઈ.

અન્વેષીએ જોરથી ચીસ પાડી,

"તમારાથી ભૂલ થાય છે સર,આ શક્ય જ ન બને..! "

"ઇમોશન્સ કંટ્રોલમાં રાખો અન્વેષી મેડમ.

ગોરી સાહેબના હત્યારા બીજુ કોઈ નહીં પણ તમારા પપ્પા છબીલ કાકા જ છે.

છબીલ કાકા એ જ આ બધો તખ્તો તૈયાર કર્યો હતો.

વાત જાણે એમ છે કે અર્પણ અને અન્વેષીના સંબંધોને લઈને છબીલ કાકા ઘણાં જ ખુશ હતાં. તેમને હતું કે ચંદ્રકાંત ગોરી સાહેબને આ બંનેના લગ્નથી વાંધો નહીં હોય .

પણ અેમને ઘણો મોટો વાંધો હતો.

અર્પણની વાત સાચી હતી, ગોરી સાહેબે અન્વેષીને મારી નાખવાની ધમકી ખાલી અર્પણને જ આપી હતી એવું ન હતું.

તેમણે આવીજ ધમકી છબીલ કાકાને પણ આપી હતી જ્યારે તેઓ અન્વેષીના સગપણની વાત કરવા ગયેલા.

અને અન્વેષીને જર્નલિસ્ટ બનાવી, અમદાવાદમાં નવું ઘર અપાવી અને બીજા ઉપહારોથી ગોરી સાહેબે છબીલ કાકાનું મોઢું જ જાણે સીવી લીધું.

"એક મજૂરની દિકરી મહેલમાં ના શોભે..!"

ગોરી સાહેબે બોલેલું આ વાક્ય છબીલ કાકા ને ઘણું ડંખતું હતું.

બદલાની ભાવના ઘણી તીવ્ર હતી.

રામજી કાકા સાથે બેસીને એમણે ગોરી સાહેબની હત્યાનો તખ્તો ઘડવાનો શરૂ કર્યું.

વર્ષોથી ખેતી કરેલો માણસ, તમામ વનસ્પતિ અને ફૂલોની સારી જાણકારી પણ છબીલ કાકા પાસે હતી.

ધોલપુર ગામની એક અનોખી ખાસિયત છે,

યુરોપિયન દેશોમાં એક વનસ્પતિ ઉગે છે, "એકોનિટમ નેપોલિસમ". ધોલપુરની જમીનોમાં ગોરી સાહેબના ખેતરોમાં પણ આ વનસ્પતિના છોડ ઉછરી રહ્યા છે.

આ વનસ્પતિ વિષે ખાલી છબીલ કાકાને જ જાણ હતી. તે ફૂલોમાંથી મળતી અનોખુ તત્વ એટલે

"એકોનાઈટ".

તેની ખાસિયત એ છે કે જરૂર કરતાં વધારે પ્રમાણમાં જો લોહીમાં ભળે તો તે વ્યકિતના શ્વાસ અને હૃદય બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.

અને તેનાથી પણ સૌથી મોટી ખાસિયત તેની એ છે કે તે કેમીકલ કદી રિપોર્ટમાં ડિટેક્ટ પણ નથી થઈ શક્તું.

છબીલ કાકાની બુદ્ધિને પણ ધન્યવાદ આપવા જેવું છે, તેમણે એકોનાઈટનો પાવડર બનાવ્યો અને એ પાવડર એમણે રામજી કાકાની મદદથી અર્પણે ગોરી સાહેબને ભેટ આપેલા પર્ફ્યુમમાં નખાવ્યો.

રામજી કાકા રોજ રાત્રે એ પર્ફ્યુમ ગોરી સાહેબના બ્લેન્કેટમાં છાંટતા રહ્યા. સુગંધ સારી હોવાથી તેનો વિરોધ પણ ગોરી સાહેબે ના ઉઠાવ્યો.

અને પછી અનોખો સંજોગ સર્જાયો.

જે રાત્રે ગુસ્સામાં અર્પણે પિસ્તોલ ઉગામી એ જ રાત્રે એકોનાઈટે પોતાની અસર બતાવી.

એજ રાત્રે ગોરી સાહેબને એકોનાઈટે ચીર નિંદ્રાની ભેટ આપી. "

વાતને પૂર્ણ કરતાં ઈન્સપેકટર જાડેજા બોલ્યા.

વાત સાંભળીને ત્યાં હાજર બધા જ સ્તબ્ધ હતા.

"માફ કરી દેજે દિકરી, મારું અપમાન મને સહન થાય પણ તારું અપમાન તો હું સહન નહીં જ કરી શકું,

જાડેજા સાહેબ સાચું જ કહે છે, મેં જ ખૂન કર્યું છે ચંદ્રકાન્ત ગોરીનું. મને એમ હતુ કે હ્રદય રોગના હુમલાની વાતમાં આ ખૂન દબાઈ જશે અને પછી મારી દીકરી અને અર્પણના લગ્નમાં કોઈ વાંધો નહી આવે,

પણ મારુ કપટ પકડાઈ જ ગયું અને તેની સજા ભોગવવા હું તૈયાર છું "

છબીલ કાકાએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું.

આંસુ લૂછતા લૂછતા અન્વેષી પોલીસ સ્ટેશનની બહારની તરફ ભાગી, તેને સંભાળવા અર્પણ તેની પાછળ દોડ્યો.

"બદલો અને ખોટી અપેક્ષાઓ જીંદગી બરબાદ કરવા સક્ષમ છે.

એક સાથે બંને અનાથ થયા,

અર્પણે પોતાના પિતા હંમેશા માટે ખોયા અને અન્વેષીના પપ્પા ખૂનના ગુનામાં આજીવન કારાવાસ મળ્યો. "

ઇન્સ્પેક્ટર જાડેજા કંઈ ક્યાંય સુધી મનમાં વિચારી રહ્યા, આજે તેમને કેસ પૂર્ણ કરવાનો એટલો આનંદ ના મળ્યો.

*****