Emporer of the world (જગતનો સમ્રાટ) - 7 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 7

ભાગ - 6 માં આપણે જોયું કે, જૈનીષ અને દિશાને સ્કુલમાં અભ્યાસની સાથે ઈત્તર પ્રવૃત્તિ માટે એક પ્રવૃત્તિ પસંદ કરવાની હોય છે. બંને પોતાની મનપસંદ પ્રવૃત્તિ એકબીજાને જણાવે છે અને તેઓ પોતાના માતા પિતાને આ વિશે જણાવી તેમની પરમિશન લેવાનું નક્કી કરે છે. જ્યારે જૈનીષ અને દિશા પોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્ય છે એમ પોતાના માતા પિતાને જણાવે છે ત્યારે સૌ પ્રથમ તો બંનેના પિતાના ચેહરા પર અણગમો જોઈને જૈનીષ અને દિશા નિરાશ થઈ જાય છે, અને છેવટે બંનેને જાણવા મળે છે કે આ તો તેમની સાથે માત્ર રમૂજ કરવામાં આવી છે, ત્યારે બંને ખૂબ ખુશ થઈ ગયા. બંનેને માતા પિતા તરફથી સ્વીકૃતિ મળી જતા બંનેના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાય રહી હોય છે. હવે આગળ,


**********---------------********--------------**********

માતા પિતા તરફથી સ્વીકૃતિ મળી જતા જૈનીષ અને દિશા અત્યંત ખુશ થઈ જાય છે કે તેમને કાલથી પોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્ય શીખવા મળશે. આ વિચારીને જ રાત્રે જૈનીષ અને દિશા ખૂબ જ મીઠી નીંદર માણે છે. સવારમાં ઉઠીને જૈનીષ અને દિશા બંને ફટાફટ તૈયાર થઈ જાય છે. આજે તો બંનેને સ્કુલમાં જવાની ઉતાવળ એટલી બધી વધી રહી હોય છે કે બંને સવારનો નાસ્તો કરવા માટે પણ તૈયાર નથી હોતા.


રમીલાબેન તો રીતસરના જૈનીષની પાછળ દોડે છે તેને નાસ્તો કરાવવા માટે એવી જ રીતે જાણે યશોદા મૈયા દોડતા હોય તેના નટખટ કાન્હા પાછળ. પણ જૈનીષ તેમના હાથે પકડાતો નથી અને તે દિશાના ઘરે જઈને શાલિનીબેનની પાછળ સંતાઈ જાય છે. માતા પુત્ર વચ્ચે થઈ રહેલ મીઠી નોકજોક દિશા અને શાલિનીબેન ખૂબ માણે છે. રમીલાબેનને જોઈને શાલિનીબેન એમને આવકારે છે અને તે જણાવે છે કે દિશા પણ આજે નાસ્તો કરવા માટે આનાકાની કરે છે.


સવાર સવારમાં ઘરમાં થઈ રહેલ મીઠી નોક્જોક સાંભળીને દિનેશભાઈ ઊંઘમાંથી ઊઠીને રૂમની બહાર આવે છે. તેમને કોલાહલનું કારણ ખબર પડતાં તેઓ હસતા હસતા શાલિનીબેન અને રમીલાબેનને કહે છે કે " આ બંને તો સાચે જ રાધાકૃષ્ણના નામને સાર્થક કરીને જ રહસે." દિનેશભાઈના આ કથનથી શાલિનીબેન અને રમીલાબેન પણ ખડખડાટ હસવા લાગ્યા. બીજી બાજુ જૈનીષ અને દિશા એક થઈ ગયા કે આજે તેઓ નાસ્તો કરવા માંગતા નથી. આથી બંનેના માતા એક યુક્તિ વિચારે છે અને તાત્કાલિક એને અમલમાં મૂકવાનું નક્કી કરે છે.


રમીલાબેન જૈનીષને કહે છે કે જો એ નાસ્તો નહી કરે તો તેઓ દિશાને પોતાની દિકરી બનાવી લેશે અને તેને જ પ્રેમ કરશે. તો આ તરફ શાલિનીબેન પણ દિશાને એવું જ કહે છે કે તે જૈનીષને પોતાનો દિકરો બનાવશે અને એની બધી માંગણીઓ પૂરી કરશે. બિચારા બંને નાના ભૂલકાઓ માતાઓની વાતોમાં ફસાય ગયા અને જૈનીષ તરત દોડીને પોતાની માતાને ભેંટી જાય છે. રમીલાબેન હર્ષના આસું સાથે જૈનીષને જમાડે છે અને પોતાની માતાની આંખમાં આંસુ જોઈને નાનો સમ્રાટ માતાના આંસુ લૂછે છે અને પોતાના કાન પકડી લે છે અને કહે છે " સોરી મમ્મા, હવે તારી બધી વાત માનીશ."


મીઠી નોકજોક અને રમૂજમાં શરૂ થઈ ગયેલ આ ઘટનાના અંતે જૈનીષના બાળપણનું સૌમ્યરૂપ જોઈ આજે રમીલાબેન ખૂબ જ ભાવુક બની ગયા અને સાથે સાથે એમનો પ્રેમ પોતાના લાડકવાયા પર ઉભરાય આવ્યો. જૈનીષની માસૂમ આંખોમાં રહેલ હેતને જોઈ રમીલાબેન એને ભેટી પડ્યા, અને વહાલભરી પપ્પીઓથી નવડાવી દીધો. આ દ્રશ્ય જોઈ દિશા પણ એના પાક્કા મિત્રને અનુસરીને શાલિનીબેનને માફ કરવાનું કહી કાન પકડીને ઉભી રહે છે. શાલિનીબેન દિશાને પ્રેમથી ગળે વળગાડી લેય છે અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે.


દિનેશભાઈ આ બધા જ દ્રશ્યના સાક્ષી હોય છે અને જાણે આબેહૂબ ભગવાન કૃષ્ણના જીવનનો પ્રસંગ જોતા હોય એમ ઘડી બે ઘડી બધું ભૂલી જાય છે. જ્યારે એમને પરિસ્થિતિ સમજાય છે ત્યારે દિનેશભાઈ ભગવાનને હાથ જોડીને આ ઘટનાના સાક્ષી બનાવવા માટે આભાર વ્યક્ત કરે છે. દિનેશભાઈ શાલિનીબેનને ઈશારો કરે છે, જે શાલિનીબેન સમજી જાય છે અને રમીલાબેનને કહે છે કે " રમીલાબેન, લાગે છે રાધા અને કૃષ્ણ આજે અહીં જ સંગીત અને નૃત્યની તાલીમ લેવાના છે."


જેવી શાલિનીબેનની વાત સાંભળી કે દિશા અને જૈનીષ સ્કુલ જવા રીતસરની દોટ મૂકે છે. આ દ્રશ્ય જોઈને ફરી પાછા ત્રણેયના ચેહરા પર હાસ્ય ખીલી ઉઠે છે. શાલિનીબેન અને દિનેશભાઈની પરવાનગી લઈ રમીલાબેન ઘરે જવા નીકળે છે અને દિનેશભાઈ નિત્યક્રમ પતાવાની ઉતાવળે જલ્દી બાથરૂમ તરફ આગળ વધે છે. શાલિનીબેન દિનેશભાઈ માટે નાસ્તો બનાવાની તૈયારી કરવા માટે રસોડામાં જાય છે.


************-----------**********------------**********


જૈનીષ અને દિશા સવારના પહોરમાં મચાવેલી ધમાચકડી બાદ સ્કુલમાં આવી પહોંચે છે અને પોતાના ક્લાસ તરફ જઈ રહ્યા હોય છે. સ્કુલમાં પણ બંનેની જોડી એટલી જ પ્રખ્યાત છે જેટલી તેમના ઘર અને પડોશમાં હોય છે. બંનેના ખીલેલા ચેહરા અને મુખ પર સ્મિત જોઈને ક્લાસના બીજા વિદ્યાર્થીઓ સમજી જાય છે કે બંનેને પોતાની મનપસંદ પ્રવૃત્તિ માટે ઘરેથી સમંતિ મળી ગઈ છે.


સ્કુલમાં નિત્યક્રમ મુજબ સવારની પ્રાથના પત્યા બાદ સ્કુલના આચાર્ય જાહેરાત કરે છે કે આજથી ચાલુ થતા ઈત્તર પ્રવૃત્તિના તાસ બધા રેગ્યુલર તાસના અંતે લેવામાં આવશે. બીજી સુચના મુજબ સ્કુલમાં ઈત્તર પ્રવૃત્તિ માટે નવો સ્ટાફ ભરતી કરવામાં આવ્યો હોય છે જેમનો પરિચય પણ આજે રેગ્યુલર તાસ પુરા થયા બાદ સેમિનાર હોલ ખાતે આપવામાં આવશે.

આ જાહેરાત બાદ અતિ ઉત્સાહી વિદ્યાર્થીઓ થોડા નિરાશ થઈ જાય છે અને તેમના બાળ સહજ મન કહે છે કે " ભણવા કરતા પેહલા પ્રવૃત્તિ હોય તો કેવું સારું રહે ? " અને તેમના શિક્ષકો આ સંભાળીને એમને પ્રેમથી બધું સમજાવે છે કે શા માટે પેહલા ભણવાનું અને પછી ઈત્તર પ્રવૃત્તિ રાખી છે. હવે તો બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે છેલ્લા તાસની. આખરે છેલ્લા તાસ પૂરો થયાની સુચના મળતા બધા વિદ્યાર્થીઓને સેમિનાર હોલ ખાતે લઈ જવાની સૂચના શિક્ષકોને મળે છે.


વધુ આવતા અંકે, ત્યાં સુધી


હર હર મહાદેવ