મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને સમર્પિત કરું છું.
પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ અમારા માટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. રોજ-બ-રોજ નવા અનુભવો, નવી Challenge તથા નવા Thrills આ બધું મારી હોસ્ટેલ Life નું આગવું અંગ બની ચૂક્યું હતું. તે પ્રસંગોને યાદ કરતા આજે પણ રોમાંચિત થઈ જવાય છે.
હોસ્ટેલમાં બધા લોકોની સાથે રહેવાનો એક અલગ અનુભવ છે. અલગ-અલગ શહેરોમાંથી, અલગ અલગ બોલીઓ ધરાવતા, અલગ અલગ રહેણીકહેણી ધરાવતા લોકો વચ્ચે રહેવું એ પડકારજનક છે પરંતુ બધું ભૂલી જઈને એકબીજા સાથે હળવું, મળવું અને ભળવું એ આપણા ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. મારા ખ્યાલ મુજબ દરેક વ્યક્તિએ હોસ્ટેલ life નો જીવનમાં એકવાર અનુભવ લેવો જોઈએ. જીવનના જુદા જુદા દ્રષ્ટિકોણનો અને પાસાઓનો અનુભવ થાય છે.
આપણે ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બાળકને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતા ત્યારે તેનો ગુરુકુળમાં પ્રવેશ થતો. ગુરુકુળ એટલે જૂના જમાનાની હોસ્ટેલ life. ત્યાં અમીર-ગરીબના ભેદ, ઊંચ-નીચના ભેદ, ભાષાભેદ, ધર્મભેદ, જાતિભેદ વગેરે ભેદો ન હતા. ફક્ત એક ગુરુના જ બધા શિષ્યો એટલે ગુરુકુળમાં યુનિફોર્મ હતો. યુનિફોર્મ એટલે ફક્ત એક સરખા વસ્ત્રો નહીં એકસરખાં વિચારો, એકસરખાં આચારો. ગુરુ શિષ્ય પ્રત્યે સમર્પિત અને શિષ્ય ગુરૂ પ્રત્યે સમર્પિત. આ સમર્પણની ભાવનાને લીધે જ જીવનમાં માતા-પિતા પછી જો કોઈનું મહત્વ હોય તો તે ગુરુનું જ છે પરંતુ આધુનિક સમયમાં હવે બધી માન્યતાઓ બદલાઈ ગઈ છે છતાં પણ કંઈક અંશે અમને તેનો અનુભવ મળ્યો હતો તેનો અમને આનંદ હતો. અમને અફસોસ એ વાતનો હતો કે અમારો આનંદ ફક્ત એક વર્ષ માટે જ હતો જો અમને તક મળી હોત તો કદાચ વધારેમાં વધારે સમય અમે હોસ્ટેલ life માં જ ગાળત કારણ કે ત્યાં જીવનને જાણવા કરતા માણવાનું વધારે હતું. જીવન સાચા અર્થમાં રોમાંચિત, લાઈવ અને મસ્તીભર્યું હતું.
હોસ્ટેલ Life ની ચડ -ઉતર, અનેક પ્રસંગો તમને જિંદગી જીવવા માટે પ્રેરક બને છે. તે તમને જિંદગીમાં Independent બનાવે છે. જિંદગીનો પાયો નાખે છે જે ખુબ જ અગત્યનું છે. Independent, Self Respect, Awareness, Discipline, Unity જેવા ગુણોનો વિકાસ કરે છે. જેમ શિલ્પકાર શીણી અને હથોડી વડે પથ્થરને તોડી-તોડીને મૂર્તિ બનાવે છે તેમ હોસ્ટેલ Life તમને મજબૂત બનાવે છે. ખરેખર હોસ્ટેલ Life ના અનુભવો અદ્વિતીય, અવર્ણનીય અને અદભૂત હતા.
હોસ્ટેલનું વર્ણન : મારી હોસ્ટેલ રાજકોટના હાર્દ સમા વિસ્તાર પંચનાથ પ્લોટમાં આવેલી હતી. ત્યાં નજીકમાં જ પંચનાથ મહાદેવનું મંદિર આવેલું હતું. હોસ્ટેલની પાછલા રોડ પર હનુમાનજીની દેરી આવેલી હતી. હોસ્ટેલ લગભગ 1000 વારના પ્લોટમાં હતી. આમ તો, હોસ્ટેલનું બિલ્ડીંગનું બાંધકામ જૂનૂં પરંતુ ખૂબ જ મજબૂત અને એક જૂની પુરાણી હવેલી જેવું હતું જેમાં મહેલ જેવા 2 માળ આવેલા હતા. 50 થી 60 વિદ્યાર્થીઓ આરામથી રહી શકે તેટલા રૂમોની સગવડ હોસ્ટેલમાં હતી. હોસ્ટેલના મેઈન ગેટ પાસે એક મોટું ફળિયુ હતું જેની અંદર નાના છોડ તથા વૃક્ષો વાવેલા હતા. અમે ક્યારેક ત્યાં ક્રિકેટ રમતા હતા. હોસ્ટેલની અંદર પહોંચતા પહેલા લાંબી ચાલી આવેલી હતી. હોસ્ટેલની અંદર પહોંચતા એક વિશાળ ભોજનાલય અને કન્વીનરની ઓફિસ હતી. ભોજનાલયમાં બધા લોકો એક સાથે ભોજન લેતા હતા. વિદ્યાર્થીઓ માટે ભણવાના રૂમો નીચે Ground Floor પર આવેલા હતા જ્યારે કામ કરતા લોકો માટે ઉપરના બીજા માળે રૂમો હતા. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ, કામ શીખતા અને કામ કરતા લોકો એમ ત્રણ ગ્રૂપમાં વહેચાયેલા હતા. હોસ્ટેલના રૂમની છતો લગભગ 20 ફૂટ જેટલી ઉંચી હતી અને લગભગ 20 ફૂટ પહોળા અને 40 ફૂટ લાંબા રૂમો હતા. હોસ્ટેલના રૂમો આમ તો, આલિશાન હવેલીના રૂમો જેટલાં જ મોટા હતા. દરેક રૂમમાં પાંચથી છ જણના બેડ આરામથી સમાય શકે અને તેનો સામાન પણ રાખી શકે તેટલા મોટા હતા. હવાની અવર-જવર માટે મોટી બારીઓ હતી. પંખા, બેડ, ટેબલ વગેરેની સગવડ પણ રૂમમાં હતી. જૂના જમાનામાં પથ્થરો પર નામ કોતરવાનો જેમ રિવાજ હતો તેમ હોસ્ટેલના રૂમોની દીવાલો પર જૂના વિદ્યાર્થીઓના નામ બોલપેનથી અથવા કોતરણીથી કોતરેલાં હતાં. રૂમમાં હવા ઉજાસની પૂરતી સગવડ હતી. હોસ્ટેલમાં પીવાના પાણી માટે મોટું ફિલ્ટર આવેલું હતું.
હોસ્ટેલની પાછળ મોટું ચોગાન હતું ત્યાં શિયાળામાં ગરમ પાણી કરવા માટે મોટી ચીમની હતી તેની પાસે ભોજન બનાવવા માટે મોટું રસોડું આવેલું હતું. કન્વીનરની ઓફિસ પાછળની સાઈડ ગલીમાં સંડાશ અને બાથરૂમ આવેલા હતા. હોસ્ટેલમાં આશરે 60-70 લોકો રહેતા હતા જેમાંથી 15-20 વિદ્યાર્થીઓ હતા. અમારા હોસ્ટેલની એક વિશેષતા હતી કે બધા એકબીજાને તેના ગામના નામથી ઓળખતા હતા જેમકે પ્રિતેશ દીવ, ચિરાગ પંચાસર, ભાવિન જુનાગઢ વગેરે...
હોસ્ટેલના બીજા માળે રૂમોની વચ્ચે એક મોટો પ્રાર્થના હોલ હતો. હોસ્ટેલમાં દરરોજ સવાર-સાંજ પ્રાર્થના થતી હતી. બીજા હોસ્ટેલની જેમ આ હોસ્ટેલમાં પણ નિયમો હતા જેનો બધાએ ફરજીયાત પાલન કરવાનું રહેતું. અમને વિદ્યાર્થીઓને તેમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી. હોસ્ટેલમાં નિયમો હોવા છતાં અમે લોકો એકબીજાના રૂમમાં વિના રોકટોક જઈ શકતા હતા. હોસ્ટેલમાં મોનિટર હોસ્ટેલના લોકોની સંભાળ લેતો હતો. તે હોસ્ટેલમાં બધા લોકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દેખરેખ રાખતો. હોસ્ટેલમાં પાન, માવો, ફાકી, તમાકુ, બીડી, સિગારેટ પીવાની સખત મનાઈ હતી. આમ તો, અમારી હોસ્ટેલમાં મોનિટરનું કોઈ ખાસ મહત્વ હતું નહીં પરંતુ તેને લીધે હોસ્ટેલના લોકો થોડા discipline માં રહેતા.
હોસ્ટેલના લોકોની રસોઇ કરવા માટે, કચરાં-પોતા કરવા માટે અને વાસણ ધોવા માટે બહારથી કામવાળા બહેનો આવતા હતા. હોસ્ટેલમાં બધાએ પોતાના કપડાં જાતે ધોવાના રહેતા. હા, જો પૈસાની સગવડ હોય તો બહાર લોન્ડ્રીમાં પણ કપડાં ધોવા આપી શકીએ. પરંતુ મોટાભાગના લોકો હોસ્ટેલમાં જ કપડાં ધોઈ નાખતા. હોસ્ટેલમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ સિવાય બીજા લોકોને નિંદર કરવાની મનાઈ હતી. તેવી રીતે, રાત્રે 11 વાગ્યા પછી હોસ્ટેલમાં બહાર નીકળવાની મનાઈ હતી. હોસ્ટેલમાં સવારે ફક્ત દૂધ મળતું હતું, જો કોઈને ચા પીવી હોય તો તેને બહાર હોટલમાં જવું પડતું.