મારું નાનું એવું ગામ કે એ સમયે વસ્તી લગભગ સાતસોની આજુબાજુ હશે. ગામમાં મોટા ભાગના લોકો પરંપરાગત રીતે ખેતી કરતા. ગામમાં સાતથી આઠ જણાં બહુમાળી ભવન, માસ્તર અને જમાદારની નોકરી કરતાં હતાં. જ્યારે પંદરેક જેટલાં જુવાનિયાઓ ભિમોરા અને ધજાળા ખાતે ઉતર બુનિયાદીમાં શિક્ષણ મેળવતાં. આ સિવાયનાં નાનાં બાળકો ગામમાં આવેલ સરકારી નિશાળમાં ભણવા માટે યુરિયા ખાતરની થેલીમાંથી બનાવેલ દફતર લઈને જતાં.
નિશાળે જવા માટેનો સમય અગિયારથી પાંચનો હતો. ઠીકરાની પાટી લઈને પહેલા ધોરણમાં કલમ ખટારો ગણપતિ અને ઘર તથા એકથી ચાર એકડા શીખી લેતાં. સાંજના પાંચ વાગવાની બધા નાના છોકરાઓ રાહ જોતા. ગામનાં ગોપાદાદા કબજો, ચોરણો અને માથામાં પાઘડી પહેરીને ગામમાં નાના છોકરાઓને ખાટી મીઠી ગોળીઓ ખાવા માટે આપતાં. ગોપાદાદાની ઉંમર લગભગ સીત્તેર વર્ષની આજુબાજુ હશે. બાળકોને ખાટી મીઠી ગોળીઓ આપવાની રોજની આદત પડી ગઈ હતી અને બાળકો પણ સૂકા રણમાં વરસાદની જેમ ગોપાબાપાની રાહ જોતા.
એ સમયે બાળકો નિશાળે જવા માટે ઘરેથી નવ વાગ્યે નીકળી જતા હતાં. નિશાળે જતી વખતે નદીમાં નાહીને જતા હતા, તો ક્યારેક બાળકો ડૂબકી દાવ રમતાં. પછી નિશાળે જઈને પ્રાથના કરે પછી સૌ પોતપોતાના વર્ગખંડમાં જતા રહેતાં. સાહેબ હાજરી પુરે એટલે જય ભારત બોલવાનું. બપોરે બે વાગે એટલે ઘંટ વાગે અને બધાં બાળકો થાળી લઈને જમવા માટે હરોળમાં ગોઠવાઈ જાય. રસોઈયા ક્યારેક લાપસી અને મગની દાળ, ક્યારેક દાળ અને ભાત કે ક્યારેક ખીચડી અને બટેકાનું શાક હોય.
આ પછીનો સમય એવી રીતે પસાર થઈ કે કોઈને ખબર પણ ના પડી. જે વિદ્યાર્થીઓ સાતમાં ધોરણમાં પાસ થઈ ગયાં. પાસ થઈ ગયેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક ખેતી કરવા લાગ્યા તો કેટલાક ચાંદીકામ કરવાં અને બાકી રહેલા શહેરમાં આવેલ છાત્રાલયમાં પોટલાં બિસ્તરા બાંધીને ચાલ્યા ગયાં. અમૂક અમૂક વિદ્યાર્થીઓને છાત્રાલયમાં ફાવ્યું નહિં તો ગામમાં પાછા ભાગી આવેલા.
આજે જે વિદ્યાર્થીઓ શહેરમાં આવેલી મોટી શાળામાં કે કોલેજમાં આવો આનંદ ન આવે જેવો નાનકડાં ગામમાં આવેલ નાની અને ઓછાં રૂમવાળા મકાનમાં આવતો. ત્યારે તે નિશાળ જાણે એક મંદિર હોય તેવું લાગતું. ક્યારેક ગામમાં ભવાયા રમવા આવતાં અને જોગિદાસ ખુમાણનું એવું આખ્યાન રમે કે બધાં બાળકોને ત્યારે એમ જ થઈ જાતું કે મારે જોગિદાસ ખુમાણ જ બનવું છે. વળી, નવલાં નોરતાની રાત્રે નરસિંહ મહેતાનું આખ્યાન કરે તો એમ જ થાય કે મારે નરસિંહ મહેતાની જેમ ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત બની જાવ. તો ક્યારેક રામદેવપીરનું આખ્યાન કરે તો ભેરવાની એવી બીક લાગે કે મને હમણાં જ ખાય જાશે. આવાં આખ્યાન હોય એટલે આખી રાત આંખનું મટકું પણ નહીં મારવાનું અને બીજા દિવસે નિશાળે નહીં જવાનું અને જાહેર રજા હોય ઈ રીતે આખો દિવસ સૂઈ રહેવાનું.
એક દિવસ રોજની જેમ બધાં બાળકો રોજની જેમ નિશાળેથી પાંચ વાગવાની સાથે જ થેલીનો ઘા કરીને ખાટી મીઠી ગોળીઓ ખાવા માટે ગોપાબાપાની રાહ જોતાં. પરંતુ, ગોપાબાપા આવ્યાં નહીં. તેઓ દેવ થઈ ગયાં તેવાં સમાચાર સાંભળતાની સાથે જ બધાં જ બાળકો કેટલા દુઃખી થયા હશે તેની કલ્પના કરવી અશક્ય છે.
આજે આ દિવસોને યાદ કરતાં આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં. અને એવું થાય છે કે ગોપાબાપા જ્યાં પણ હશે તો એમને પણ એમ થાતું હશે કે હે ભગવાન આ બાળકોને એકવાર મને ખાટી મીઠી ગોળીઓ આપવા જવા દેજો.
મિત્રો, તે સમય એવો સુવર્ણ હતો કે અત્યારની મોટી મોટી બ્રાન્ડની ચોકલેટ ખાવામાં પણ તે સ્વાદની મિઠાશ આવતી નથી. તે બાળપણથી મજા જ કંઈક અલગ હતી.