“સજું-જીતું” પાર્ટ : 3 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“સજું-જીતું” પાર્ટ : 3

“સજું-જીતું”

પાર્ટ : 3

“અરે હા. હા ખબર છે. એ બધું તારા લવ માટે છે. જરા વાંચું તો ખરું પ્યાર પ્રેમ વિષે તને કેટલું લખતા આવડે છે.” જીતુંએ કાર્ડને ખોલતા કહ્યું. તે સાથે જ સંજુએ જીતુંના હાથમાંથી કાર્ડ ઝટકાથી પડાવી લીધો. અને બરાબર તે જ સમયે જીતુંએ બેડ પરથી બીજો કાર્ડ ઉઠાવ્યો અને એ લઈને બેડની ગોળ ફરતે ફર્યો. સંજુ એ કાર્ડ લેવા માટે જીવ પર આવી હોય તેમ એના પાછળ પાછળ દોડી. જીતુંને એમ કે હવે એ સંજુના હાથમાં આવી જશે એટલે એ બેડરૂમનાં અટેચ બાથરૂમમાં ભરાઈ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

એવું નથી કે સંજુએ અને જીતુંએ આવી મસ્તી કરી ન હતી. એવું અનેકોવાર બંનેએ એકમેકની વસ્તુને એવી રીતે જ પડાવી લેવા માટે કરતા હતાં. એટલે આજે નવાઈની વાત બની ન હતી. ફક્ત વાત એટલી જ હતી કે તે કાર્ડમાં સંજીવનીનું તૂટેલું દિલ હતું જેણે જીતનાં વાંચવાથી ફરી ક્યારે પણ જોડી શકાય તેવું ન હતું.

“ જીત તને મારી કસમ છે. જો એ કાર્ડને ખોલીને વાંચતો નહીં.” આજે પહેલી વાર ‘જીતું’ પરથી ‘જીત’ કહીને દરવાજા પર ટકોરા મારતા સંજુ કહી રહી હતી.

જીત જરા પણ માનતો ન હતો. સંજુએ ગુસ્સામાં જ બીજા બધા બેડ પર પડેલા કાર્ડને ફાડીને ટુકડા કરવા લાગી. એમાંથી કેટલાક એવાં પણ કાર્ડ હતાં જે ફાટતા જ ન હતાં તો સંજુએ એણે ગોળ ડુંચો કરીને ફેંકી દીધા. એ પોતાનો ચહેરો જીતને દેખાડવા માંગતી ન હતી. બેડ પર જ પોતાનાં બંને પગ પર માથું મુકીને રડવા લાગી.

જીત ક્યાંથી સાંભળે સંજુનું. માને તો બેસ્ટ ફ્રેન્ડ ક્યાંથી હોય..!!

જીતુંએ કાર્ડ ખોલ્યું. એમાં સ્પષ્ટપણે લખ્યું હતું, “ જીતું માય બેસ્ટ ફ્રેન્ડ. યુ આર માય લવ. યુ આર માય વેલેન્ટાઇન. હું તને દિલના કણ કણથી લવ કરું છું. હું તારા પ્રેમમાં પડી ચૂકી છું. તું પણ મને એટલો જ પ્યાર કરતો હશે એ હું જાણું છું. પણ પહેલ હું જ કરી રહી છું. આય લવ યુ સો મચ.” એવું ઘણું બધું પોતાનાં પ્યારનો ઈઝહાર કરતું લખ્યું હતું એ કાર્ડમાં. અને જાણે વાંચીને એક મોટો આંચકો લાગ્યો હોય તેમ જીતુંનાં માનસપટ પર એક વિચાર ફરવા લાગ્યો, “ શું હું સંજુને લાયક છું?”

થોડી મિનિટો બાદ ધીમે રહીને જીતું બાથરૂમમાંથી આવ્યો અને સંજુને માથું ઢાળીને રડતી જોઈ. પહેલા એણે જ્યાં ત્યાં પડેલા કાર્ડના ફાડેલા ટુકડા અને ગોળ કુચામાં પડેલા એક એક કાર્ડને સરખા કરીને વાંચ્યા. બધા જ કાર્ડમાં સંજુએ પોતાની પ્રેમની લાગણીઓ લખીને વ્યક્ત કરી હતી તે સાથે જ જીતુંના આંખમાં પણ આંસુઓ નીકળતાં ગયા. એ મનમાં જ કહેવાં લાગ્યો, “ સંજુ તે ઘણું મોડું કરી દીધું. આ વાત જો તું મને પહેલા કરી હોત તો હું મારી ખોટી જીદની પરિસ્થિતિમાં આમ ફસાઈ નહીં જતે.. હું મારા અહં નાં લીધે આજે તદ્દન ફસાઈ ચૂક્યો છું.”

જીતુંએ બધા જ કાર્ડને વ્યવસ્થિત રીતે પાછા બેડ પર જ ગોઠવી દીધા. જીત એ ચેલેંજને જ ભૂલી ગયો જેના માટે એ અત્યારે આવ્યો હતો. જે ટ્રેનમાં જતી વેળાએ જીતે પોતે કહેલું હતું કે ‘હું અપ્સરા પટાવીને દેખાડીશ.’ ત્યારે સંજુએ કહેલું હતું કે ‘અરે જા..ચેલેંજ નાં કર. પીટી જશે.’ આજે એ જ અપ્સરા સાથે સંજુની પણ મુલાકાત કરવા માટે સાંજે રેડી રહેજે એ કહેવાં માટે પણ આવ્યો હતો. પરંતુ સંજુના દિલની વાત વાંચીને એ બધું જ ભૂલી ગયો.

“સંજુ...!!” ભીની લાગણીથી જીતુંએ સંજુનું માથું ઊંચું કરતા કહ્યું.

સંજુએ આંખ બંધ કરીને જ રડતા રડતા કહ્યું, “ જીતું, પ્લીઝ તું જતો રહે અહિંયાથી. ના પ્લીઝ કશો પણ ખુલાસો ના કરતો. હું જાણું છું બધું. મારી મોટી ગેરસમજ થઈ છે યાર.”

“સંજુ પણ એમાં રડવાનું શું છે ?” જીતુંએ પ્રેમપૂર્વક પૂછ્યું.

“જીતું તું જા યાર.” સંજુએ હીબકા ભરતા કહ્યું.

“બોલ એ છોકરીને નાં પાડી દઉં.” જીતુંએ દિલથી કહ્યું.

“જીતું... મેં કીધું ને તું જા અહીંથી. પ્લીઝ હાથ જોડું છું તને...!!” સંજુનું રડવાનું થમતું ન હતું.

જીતુંને સમજ જ પડતી ન હતી કે એ તો સાંજે જીયા સાથે મુલાકાત કરવા માટે એણે પણ સાથે તેડવા માટે કહેવાં આવ્યો હતો પણ અહિયાં તો બીજી જ ઘટના બની ગઈ. એમાં સજુંનું દિલ ધુભાતું હતું.

સંજુએ હાથ જોડતાં કહ્યું, “પ્લીઝ મને થોડો સમય આપ. હું એકલી રહેવાં માગું છું."

જીતું સંજીવનીનાં સ્વભાવથી પરિચિત હતો. તે સંજુને એકલી મૂકીને ત્યાંથી જ ઓફિસ માટે નીકળી ગયો.

સંજીવની આમ તો ત્રણ દિવસની ઓફિસેથી રજા જ લઈને આવી હતી. પણ ફરી જીતું રાતે ઓફીસથી છૂટ્યા બાદ મળવા ન આવે એટલે એ બપોરે જ મુંબઈ જવા માટે રવાના થાય છે.

આ વાતથી જીતું ગુસ્સાથી એક વીક સુધી સંજુને સંપર્ક કરતો નથી. બીજી તરફ સંજુએ પણ કોઈ કોન્ટેક્ટ કરવાનું જરૂરી સમજ્યું નહીં. પણ જીતનું ધ્યાન હવે ક્યાં પણ લાગ્યું નહીં. ના ઓફિસે ના ઘરે ના જીયા માં.

એનાથી રહેવાયું નહીં. એને નક્કી કરી લીધું કે એ સંજુને મુંબઈ મળવા જશે. એને ટ્રેનમાં બેઠા જ સંજુને મેસેજ કર્યો કે "તારા બ્રેક ટાઈમ નો ફક્ત સમય લઈશ. હું તારા ઓફિસે પહોંચું છું."

સંજુએ ઘણી આનાકાની કરી કે મને મળવું નથી. પણ જીતે કહી દીધું કે હું તારા ઓફિસને ત્યાં આવીને રાહ જોઈશ.

બરાબર બપોરે ૨.૩૦ વાગ્યે જીતું સંજુના ઓફિસ એડ્રેસ પર પહોંચી ગયો. સંજુની બેચેનીની કોઈ સીમા ન હતી. એની ધડકન તેજ થઈ રહી હતી. કેમ કે સંજુને જીતું સાથે આંખ જ મેળવવી ન હતી.

જીતું ફોન કરીને સંજુને બોલાવે છે. ગભરાહટ ડર સંકોચ ગુસ્સો ગ્લાની એવા બધા જ મિશ્ર ભાવોથી સંજુના મનની સ્થિતિ સર્જાઈ રહી હતી. એના પગ જ ઉપડતા ન હતા જીતુંને મળવા માટે.

જીતું ગેટની બહાર ઊભો હતો. સંજુ ધીમા પગલાંથી આગળ વધતી જીતું પાસે જઈને ધીમેથી કહ્યું, “ જીત, આપણે સામેની રેસ્ટોરેન્ટમાં જઈને બેસીએ.”

જીત બરાબર ઓબઝર્વ કરી રહ્યો હતો સંજુની વાત ને. કે એને એટલો બધો પોતાનાથી પરાયો કરી દીધો કે જીતું માંથી જીત કહેવા લાગી.

ઓફિસનાં ગેટથી લઈને રેસ્ટોરન્ટ સુધીનું સાત મિનિટનું અંતર બંનેને આજે એટલું લાંબુ લાગી રહ્યું હતું કારણકે બંનેમાંથી કોઈએ પણ શાબ્દિક ઉચ્ચાર નો હરફ પણ કર્યો નહીં.

રેસ્ટોરન્ટમાં જઈને ટેબલ પર ગોઠવાતા જ સંજુએ એક સેકેંડનો પણ શ્વાસ લીધો ન હોય તેમ કહેવાં માંડ્યું, “શું છે કેમ આમ અહિયાં મળવા માટે આવી ગયો..?”

(ક્રમશઃ)