Khuni koun ? - 9 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 9

નિરાલી અને કેતન ના ખૂન ની તપાસ આગળ વધી રહી છે, અને પચીસ વર્ષ જૂના હિમાંશુ અકસ્માત મૃત્યુ ના કેસ માં પણ પોલીસ ને શંકા જન્માવે એવી કડી મળી છે ત્યાં જ નિરાલી ના સસરા અને કેતન નો મિત્ર એવા શેઠ રમેશ દાસ નું પણ ખૂન થઈ જાય છે અને તેનો હત્યારો સોપારી કિલર વિકાસ યુપી પોલીસ ના હાથે પકડાઈ જાય છે. હવે આગળ વાંચો...
___________

હોટેલ ફર્ન ખાતે નાસ્તા ને ન્યાય આપી અને મહત્વ ની એવી ચર્ચા પૂરી કરી અમિતાભ અને અભિમન્યુ પોલીસ સ્ટેશન એ આવ્યા. અભિમન્યુ એ આવતા જ તરત જ સહુ પહેલાં તો હિમાની સાથે ફોન માં વાત કરી તેને પોલીસ સ્ટેશન આવવા કહ્યું. હિમાની એ કહ્યું કે તે આવતી કાલે સવારે આવી શકશે. અને યુપી પોલીસ નો પણ ફોન આવી ગયો હતો કે વિકાસ ની કસ્ટડી ગુજરાત પોલીસ ને સોંપવા માટે એક ટીમ યુપી થી રવાના થઈ ગઈ હતી અને આવતી કાલ સાંજ સુધી માં પહોચી જશે. અભિમન્યુ એ આ ખબર અમિતાભ ને આપી. અમિતાભ બોલ્યો, "તો આનો મતલબ એ થયો કે આપણે હવે કાલ નાં સુરજ ઊગવાની રાહ જોવી જ પડશે. તો એક કામ કર અભિમન્યુ, આજ બપોર બાદ હું એક કામ થી બહાર જવાનો છું તો તું સ્ટેશન સાંભળી લેજે કોઈ ઇમરજન્સી જેવું જણાય તો મને જાણ કરજે."
__________

બીજે દિવસે સવારે સાડા દસ થયા હતા અને પોલીસ સ્ટેશન માં અમિતાભ નીં ચેમ્બર માં અમિતાભ, અભિમન્યુ અને હિમાની બેઠા હતા. અમિતાભે વાત ની શરૂઆત કરી, "હિમાની આપને અહી બોલાવવા નો એક ઉદ્દેશ્ય છે અને હું સીધો તે મુદ્દા પર જ આવું છું. આપને ખ્યાલ જ છે કે નિરાલી અને કેતન ની હત્યા બાદ રમેશજી ની પણ હત્યા કરવા માં આવી છે." આ વાત કરતી વખતે અમિતાભ બરાબર હિમાની ના ચેહરા સામે જોઈ રહ્યો હતો. તેણે નોંધ લીધી કે હિમાની ના ચેહરા પર આ બધા જ નામ સાંભળી ને અણગમા ના ભાવ સ્પષ્ટ તરી આવ્યા હતા. હિમાની ગુસ્સા થી બોલી તો શું તમે મને એ તમામ ખૂન કેસ માં ધરપકડ કરવા માટે અહી બોલાવી છે? અમિતાભે હસતા હસતા વાત આગળ વધારી, "અરે હજુ એમ કંઈ થોડી વાત સીધી ધરપકડ પર આવી જાય, હા! તમે જો તમામ ગુન્હા સ્વીકારો છો તો જરૂર થી ધરપકડ થઈ શકે." અમિતાભ ના આ પ્રકાર ના શબ્દો થી હિમાની થોડી છંછેડાઈ અને બોલી કે "હું શા માટે ગુન્હા સ્વીકારું જ્યારે મે કઈ કર્યું જ નથી. મને ખબર છે પોલીસ ને જ્યારે કોઈ ગુન્હેગાર નથી મળતો ત્યારે તે કોઈ બેગુનાહ ને ફસાવે છે, આ પહેલાં આપે મારા દીકરા નિરવ ને પણ ફસાવવા માટે તેના પર આરોપ મૂક્યો હતો."

અમિતાભ ના ચેહરા ના ભાવ બદલાયા અને બોલ્યો, "મેડમ, પોલીસ ક્યારેય કોઈ નિર્દોષ ને ફસાવતી નથી. અને આપને પણ અમે વગર કારણે નથી બોલાવ્યા. રમેશજી ની પૂછપરછ દરમિયાન આપના પતિ હિમાંશુ નું નામ સામે આવ્યું હતું અને જ્યારે અમે હિમાંશુ ના અકસ્માત વિશે તપાસ કરી તો તેમાં ઘણી ખામીઓ સામે આવી અને એ બાબતે જ આપને પૂછપરછ માટે બોલાવ્યા છે." અમિતાભ ની વાત સાંભળી હિમાની ને આશ્ચર્ય રૂપી જાટકો લાગ્યો. હવે તેનો અવાજ થોડો હળવો થયો હોય એવું અમિતાભ ને લાગ્યું. હિમાની બોલી, "સર, હિમાંશુ નું તો અકસ્માત માં મૃત્યુ થયું હતું ત્યાર થી પચીસ વર્ષ થયાં હું અને નિરવ આજ સુધી તેની યાદ માં જીવતા આવ્યા છીએ, અને આ બધા માટે રમેશ જ જવાબદાર છે." અમિતાભે કહ્યું, "અમે જાણીએ છીએ કે કઈ રીતે રમેશે અભય દાસજી ની સંપત્તિ તફડાવી લીધી અને તેણે આપની સાથે પણ ઘણું ખોટું કર્યું છે પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ હિમાંશુ ના અકસ્માત અથવા તો એમ કહો કે મર્ડર કેસ વિશે." હિમાની ની આંખો માં જાણે ભૂતકાળ પસાર થઈ રહ્યો હોય એમ બોલી, "સર, બધું રમેશે જ શરૂ કર્યું હતું. મારા પિતા સમાન કાકા અભય દાસજી સાથે દગાખોરી થી તેણે માત્ર તેમની સંપતિ જ નહોતી છીનવી પરંતુ તેમનો જીવ પણ લીધો હતો અને તે પણ તેના બે હરામી મિત્રો કેતન અને હિમાંશુ સાથે મળી ને."

હિમાની ની આ વાત સાંભળી અમિતાભ અને અભિમન્યુ એક સાથે બોલી ઉઠ્યા, "શું?" હા સર, હિમાની એ વાત ને આગળ વધારતા કહ્યું, "રમેશ એ બનાવેલા ષડયંત્ર મુજબ બધું જ બરાબર ચાલતું હતું અને તેમાં હું પણ હિમાંશુ ના ખોટા પ્રેમ જાળ માં ફસાઈ ગઈ હતી. પરંતુ કાકા ની બદલાયેલી વસિયત મુજબ તેની ૫૦% સંપતિ ટ્રસ્ટ ને મળે એમ હતી અને રમેશ ની યોજના મુજબ કાકા અભય દાસજી તેના આડે પથ્થર સમાન હતા. આથી તેણે કેતન અને હિમાંશુ સાથે મળી ને કાકા ને ઝેર પાઈ ને હત્યા કરી નાખી અને કોઈ પોલીસ કેસ કે પોસ્ટ મોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં." હિમાની ને બોલતા અટકાવી અમિતાભે કહ્યું કે આપને કઈ રીતે ખબર કે તેમની હત્યા એ ત્રણે એ સાથે મળી ને કરી હતી? જવાબ માં અશ્રુ ભરેલી આંખો એ હિમાની બોલી, "કારણકે સર, કાકા નીં હત્યા અને મારા ભાગ ની સંપતિ પણ જુંટવી લીધા બાદ એક વખત જ્યારે તે ત્રણે હરામી મિત્રો મારા ઘરે દારૂ પી રહ્યા હતા ત્યારે તેઓએ તેમની આ શૈતાની યોજના વિશે વાતો કરી હતી અને મને બધી વાતો ની જાણ થઈ."

અમિતાભ બોલ્યો, "ચાલો માની લીધું કે અભય દાસજી ની હત્યા એ ત્રણે એ કરી હતી પણ હિમાંશુ ની હત્યા તો આપે જ કરી છે ને?" હિમાની અમિતાભ ની સામે જોઈ રહી. અભિમન્યુ પણ અમિતાભ જે દ્રઢ વિશ્વાસ થી હિમાની ને ખૂની કહી રહ્યો હતો થોડો આશ્ચર્ય માં હતો. અમિતાભે કહ્યું, "હા હિમાની, અમે તપાસ કરી છે. તમે પોલીસ નિવેદન માં કહ્યું હતું કે અકસ્માત વખતે તમે હિમાંશુ ની સાથે હતા પરંતુ અમથાલાલ એ આપની બધી જ વાત મને કરી દીધી છે તો હવે આપની પાસે ખોટું બોલવા જેવું કંઈ વધ્યું નથી. ગઈ કાલે સાંજે જ મારે કિશન લાલ ના ગામડે રહેતા પિતા અમથાલાલ જોડે વાત થઈ છે. જે અભય દાસજી ના ડ્રાઈવર કમ નોકર તરીકે કામ કરી રહ્યા હતા. તો હું આશા રાખું કે સત્ય તમે જ જણાવો."

અમિતાભ ના મોઢે અમથાલાલ નું નામ સાંભળી ને હિમાની તૂટી પડી અને રોવા માંડી, અમિતાભે થોડી વાર તેને શાંત થવા દીધી. સ્વસ્થતા મેળવી લીધા બાદ હિમાની એ બોલવા નું શરુ કર્યું, "જ્યારે મને રમેશ, કેતન અને હિમાંશુ ની યોજના અને કાકા નું ખૂન થયા ની ખબર પડી તો થોડી વાર હું ખૂબ જ નિરાશ થઈ પરંતુ પછી મે બદલો લેવા નું વિચાર્યું. સહુ થી વધુ દગો મારી સાથે હિમાંશુ એ કર્યો હતો આથી સહુ થી પહેલાં તેનું જ મરવું નક્કી હતું. એક દિવસ કુળદેવી ના દર્શન નો પ્રોગ્રામ બનાવ્યો અને કામ ના બહાને હિમાંશુ ને મે બ્રેક વગર ની ગાડી માં બેસાડી ને આગળ મોકલ્યો અને હું નિરવ ને લઈ ને અમથાલાલ કાકા જોડે બીજી ગાડી માં પાછળ ગઈ. રસ્તા માં જેવી હિમાંશુ ની ગાડી અથડાઈ અને અકસ્માત થયો તેના થી થોડે દૂર જ અમથાલાલ કાકા એ પણ ગાડી ને એક ઝાડ સાથે અથડાવી કે જેથી મને પણ નાની ઇજા થાય અને પોલીસ માં સાક્ષી તરીકે તેઓ હાજર પણ રહી શકે. હું તરત જ હિમાંશુ ની ગાડી પાસે પહોંચી ગઈ ત્યાર બાદ પોલીસ આવી અને મેં તથા અમથાલાલ કાકા એ યોજના પ્રમાણે જ પોલીસ ને નિવેદન આપ્યું." આટલી વાત કરી ને હિમાની રડી રહી હતી.

અમિતાભે તેના મન માં રહેલા એક બે સવાલો હિમાની ને પૂછ્યા, "અમથાલાલ કાકા એ શા માટે તમને સાથ આપ્યો?" કારણકે સર, અમથાલાલ કાકા અભય દાસજી ના ખૂબ જ વિશ્વાસુ હતા, મે જ્યારે તેમને કાકા નીં હત્યા રમેશ અને તેના મિત્રો એ કરી હોવા ની વાત કરી તો તેઓ તરત જ મારો સાથ આપવા તૈયાર થઈ ગયા હતા. અમિતાભે બીજો સવાલ કર્યો, "અને રમેશ તથા કેતન ની હત્યા કરવા માટે આટલા વર્ષો ની રાહ જોવા નું કારણ? અને નિરાલી ને શા માટે મારી?"

અમિતાભ નો આ સવાલ સાંભળી હિમાની બે હાથ જોડી ને બોલી, "મારો વિશ્વાસ કરો સર, હિમાંશુ ની હત્યા માં મારો હાથ જરૂર છે પણ તેની હત્યા બાદ મને મારો અંતર આત્મા ડંખી રહ્યો હતો, ગમે તેમ તોય મારા માં શેઠ અભય દાસજી જેવા સંત પુરુષ નું જ લોહી દોડી રહ્યું હતું. ત્યાર બાદ મે નક્કી કર્યું કે હવે હું મારા આ બદલા ની આગ બુઝાવી દઈશ અને આમ પણ નાના નિરવ ની જવાબદારી હવે મારા પર હતી. મને નથી ખબર કે કેતન, નિરાલી કે રમેશ ની હત્યા કોણે કરી છે."

હિમાની ના આ છેલ્લા શબ્દો સાંભળી અમિતાભ જાણે વિજય નો પ્યાલો હાથ સુધી આવી ને છીનવાઈ ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો. "શું કહ્યું! તે બધા ખૂન માં તમારો હાથ નથી? તો પછી આ બધી હત્યાઓ નો ખૂની કોણ?"
___________

આખરે આ બધી હત્યાઓ નો ખૂની કોણ હશે?
અમિતાભ કઈ રીતે ખૂની સુધી પહોંચશે?
જવાબો જાણવા માટે વાંચતા રહો, "ખૂની કોણ?"

મિત્રો તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED