દીલ ની કટાર -પ્રેમ પીડા Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીલ ની કટાર -પ્રેમ પીડા

દીલ ની કટાર
પ્રેમ પીડા
"પ્રેમ" એક એવું તત્વ છે જે ઇશ્વર જેવું સનાતન છે પ્રેમ પ્રિય છે, પ્રેમ આનંદ છે સુખ છે એનો અનુભવ ઇશ્વરનાં સાક્ષાત્કાર જેવો છે પ્રેમમાં પીડા ? શકય છે ?
પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચે પ્રતિત થતો ભાવ, પ્રેમ એ જીવ થી જીવનો પછી એ માનવ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ કે કોઈ પણ જીવીત સંવેદના અનુભવતો જીવ અનુભવી શકે છે કરી શકે છે પ્રેમ કયાંય સીમીત કે બંધાયેલો રહેતો નથી એને બાંધી શકાય નહીં એ સ્વયંભૂ છે કરવો પડતો નથી થઇ જાય છે.
પ્રેમથી જ સૃષ્ટિ ટકી રહી છે એનાથી વ્યવહાર છે અંતે સર્વમાં પાયામાં માત્ર પ્રેમની સંવેદના રહેતી હોય છે. પ્રેમમાં સમર્પણ જરૂરી છે. ઇશ્વર પણ સમર્પણ માંગે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે તું મારાં શરણમાં આવ બધું છોડીને પ્રેમભાવથી આવ સમર્પિત થા તો હું તને મારામાં સમાવી લઇશ. એજ મારી ભક્તિ છે.
સમર્પણમાં જ સાક્ષાત્કાર પરોવાયેલો છે. પ્રેમ કરવો સાવ પણ એકસરળ છે અને સૌથી અઘરો છે બે અક્ષર પ્રેમમાં બધી જ આધ્યામિકતા, તત્વજ્ઞાન સમાયેલું છે.
દુનિયાનાં જેટલાં તત્વજ્ઞાની થઇ ગયાં એમનાં વિચારોનો સારાંશ માત્ર પ્રેમ છે. પ્રેમ વિના જીવવું શક્ય જ નથી. ઇશ્વરને પામવા પણ પ્રેમલક્ષણાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.
કહેવાય છે કે પ્રેમ નામનો સિક્કો. જેનો સિક્કો પડે છે એવું કહેવાય એ સિક્કાની બીજી બાજુ પીડા છે. કારણ કે પ્રેમથીજ મોહ છે, પ્રેમથી ઇચ્છા છે. પ્રેમથી જ વાસના છે. પ્રેમથી ઉત્પન થતી એની બીજી ક્રિયાઓ ભાવ... ખાસ કરીને "ઇચ્છા" પીડા આવે છે. નિરંતર વહેતો પ્રેમ પીડા કેવી રીતે આવી શકે ? એ અનંત છે અને અતંરમનમાં રહેલો છે.
પ્રેમ સાથે વિશ્વાસ- (આસ્થા) જોડાયેલી છે. જ્યારે પ્રેમ આસ્થાનું એક સાથે નિરુપણ થાય ત્યારે પ્રેમ સાક્ષાત્કાર થાય ચે પીડાનો ભાવ અદ્રશ્ય થાય છે.
પણ.. પણ.. માનવ છીએ ઇશ્વર નહીં. વિરહ પ્રેમ કરતી વ્યક્તિ વચ્ચે ખલનાયકનું પાત્ર ભજવે છે. પ્રેમ છે તો ઇચ્છા છે... સાનિધ્યની ભૂખ છે. સ્પર્શની પણ ઇચ્છા છે. કારણ કે સ્પર્શમાં પ્રેમની અભિવ્યક્તિ છે આનંદ છે. તૃપ્તિ છે. અંતરમનનો આનંદ પરિતૃપ્તિની પરાકાષ્ઠા છે એમાં વિરહની પીડા નથી કારણ કે આત્માથી આત્માનું મિલન છે... એ મિલન પરમાત્માને મળવાની યાત્રા છે.
પણ તન મન આત્માની પરિતૃપ્તિને કેમ અવગણી શકાય ? આત્માથી પરમાત્માની યાત્રામાં પ્રેમનું નિરુપણ પ્રેમલક્ષણા ભક્તિથી થાય છે પરંતુ સૃષ્ટિમાં દેહધારી જીવનો તો બધીજ ઇચ્છાઓ હોય છે એમાં એનો વાંક ક્યાં છે ? પરમાત્માએ આ દેહ આપ્યો છે અને એનાં પ્રેમની અભિવ્યક્તિમાં તન થી તનનો સ્પર્શ, સાંનિધ્ય, સંવાદ, રતિક્રીડા, ચુંબન, બધુજ જાણે સૃષ્ટિ બનાવી એણે જ આપ્યુ છે. એને ભોગવવાની ઇચ્છા જાગૃત થાય છે. વિરહ હોય ત્યારે આ બધીજ ભૌતિક અને શારિરીક ક્રિયાઓ શક્ય નથી અને પીડાનો જન્મ થાય છે.
ઇચ્છાને આધિન થયેલો માનવ જ્યારે જેનાંથી અપાર પૂરી ક્ષમતા સાથેનો પ્રેમ છે એનું સાંનિધ્ય, એની સાથે પાસે બેસી સંવાદ, સ્પર્શ અને વાસનાની પણ પરિતૃપ્તિ ઇચ્છે છે અને વિરહની દૂરીમાં પીડાનો જન્મ થાય છે જે અસહ્ય હોય છે છતાં પાત્રતા ધરાવતી વ્યક્તિએ એને પણ પચાવી જાય છે.
આવતાં વર્તમાન સમયનાં લોકડાઊનનીં વાત કરીએ તો ઘરમાં પ્રેમપંખીડાં એકબીજાનાં સાંનિધ્યમાં હશે તેઓ કોઇ અડચણ વિનાં પરમસુખ ભોગવી રહ્યાં હશે પણ આ વિધીની દૂર વિચિત્રતાનો એહસાસ કરતાં પ્રેમીજીવો અસલ, પીડા અનુભવી થતાં હસે. નથી મિલન શક્ય ના સાંનિધ્ય ના સહવાસ તો સ્પર્શનું સુખતો ક્યાંથી મળે ? તડપનાં બે સારસની જેમ અસલ વેદના સહી રહ્યાં હશે. સંવેદનાનો સાગર આંખથી ઉભરાતો હશે એની વેદના એ પીડા કોણ સમજે ? ઘરનાં એક ખૂણે કે ખૂલ્લાં આકાશ સામે બેસી પીડાની ફરિયાદ કરતાં હસે અને ચાનું ડૂસ્કૂ કાઢી લેતાં હશે.
પ્રેમનો એહસાસ સરળ ક્યાં છે. એ પીડાનો સાગર વટાળ્યાં પછી મળે છે. જુદાઇને વિરહ એની પીડા જે સહે એજ સમજે બીજાઓ માટે સમજવુ શક્ય નથી તેઓ સંવેદનાવિહીન માત્ર પ્રેક્ષક બની શકે એની વિશેશ નહીં.
પ્રેમમાં સાંનિધ્યનું સુખ સર્વોતમ છે. સહવાસમાં બધાં જ સ્વાદ છે અને સંતૃપ્તિનો સાગર છલકે છે. તનની તૃપ્તિ કે માત્ર સ્પર્શ અગત્યનો નથી પણ દીલમાં સાચો પ્રેમ હોવાનો એહસાસ એટલો જ અગત્યનો છે.
માત્ર સ્પર્શ અને વાસનાની પૂર્તિ એ પ્રેમ નથી એતો વ્યભિચાર છે વેપાર છે જ્યાં તનથી તનનો સોદો પૈસાથી હોયકે તૃપ્તિનો હોય પણ સોદો સોદો છે પ્રેમ નથી એમાં એકબીજાની સમજૂતિ હોય છે પૈસા ચૂકવો તૃપ્તિ મેળવો અથવા એકબીજાની તનની ભૂખ મીટાવાની સમજૂતિ હોય છે એ વેપાર છે પાપ છે અને આજનાં વર્તમાન સમયમાં એની જ બોલબાલા છે એ પ્રેમ નથી માત્ર તનની પરિતૃપ્તિની પૂર્તિ છે એમાં માત્ર એક "સમયગાળો હોય છે અમુક ઉંમર કે સમય વિત્યા પછી કે તનની તંદુરસ્ત કે સૂંદરતા ઢળી ગયાં પછી અફસોસ, પશ્ચાતાપ કે દુઃખ સિવાય કંઇ નથી હતું એ ક્ષણભંગુર આકર્ષણનું સુખ પછીથી અસલ દુઃખ આવે છે બદનામી આવે છે અને અંતરમન આ સ્વીકારતું નથી હોતું છતાં થયેલી ક્રિયા સતત દુઃખ અને પીડા આપે છે. આ રાક્ષસી પ્રવૃતિ ઘણાં કરે છે મળે છે ભોગવે છે છૂટાં પડે છે એ પ્રેમ નથી માત્ર ઔપચારિક ક્ષણીક થયેલો પાપનો કરાર હોય છે.
એને સમાજ વ્યભિચાર, વૈશ્યાવૃતિ, અસંસ્કારી અને હલકી કક્ષાનો વ્યવહાર ગણે છે જેમાં ભોગવનાર અંતે નરક પામે છે જીવતાં અને મૃત્યુ પછી પણ...
સાચાં પ્રેમની પીડા પણ પીડામાં સુખ મળે છે. પીડામાં સુખ આનંદ ? હાં એ સાચી પાત્રતાનાં પ્રેમમાં પણ અપાર સુખ આનંદ સમાયેલો છે કારણ કે જેને પ્રેમ કરો છો એને એ વિરહમાં સતત યાદ કરો છો એની યાદમાં ઝૂરો છો અને સૂક્ષ્મ પ્રેમ કરતાં રહો છો એની સાથે ફોનથી,કાગળથી કે કોઇપણ માધ્યમથી વાત કરો છો.
માની લો કંઇજ શક્ય નથી કોઇ રીતે સંપર્ક કે સંદેશ નથી મોકલાતો કે આવતો તો ? તો એ પ્રેમની એવી પરાકાષ્ઠા છે કે તમે નિરાકાર ઇશ્વરને પણ ક્યાં જુઓ છો ? છતાં તમારી શ્રધ્ધા છે કે એ છે અને એ છે એને ભજો છો. તમારાં પ્રેમમાં તો તમારું પાત્ર છે તમે જુઓ છો એની સાથે અસંખ્ય મીઠી પળો વિતાવી છે એની યાદમાં ભલે ઝૂરો છો પણ આ પરાકાષ્ઠામાં તને એને તમારાં પાત્રને એનાં સાંનિધ્યમાં જે પ્રેમ કરો છો એનાંથી વધુ પ્રેમ વિરહમાં કરો છો એ સક્ષમ પીડામાં વધુ પ્રેમ પ્રદર્શિત થાય છે કારણ કે પળ પળ તમારાં મનમાં છે એને મળવાની એનું સાંનિધ્ય એની સાથે રૂબરૂ સંવાદ સ્પર્શની ઇચ્છા છે એ ભૂખ તમને એની ગેરહાજરીમાં વધુને વધુ પ્રેમે કરાવે છે.
વિરહની પીડામાં આંખોથી ઉભરાઇ રહેતા આંસુ તમારાં સાચાં પ્રેમનું પ્રમાણ છે. ઇશ્વરનાં આશિર્વાદ છે. તમે તમારાં પાત્ર સાથે પ્રેમલક્ષણાં ભક્તિમાં જોડાઇ ગયાં છો ભલે અત્યારે આટલી પીડા છે પણ આ તમારાં વિરહનું તપ, એ વ્રત આ તમારાં પાત્ર સાથેની પ્રેમલક્ષણાં ભક્તિનું ફળ, અકલ્પિત, અનન્ય, અદભૂત મળશે એમાં કોઇ શંકા નથી જ્યારે મિલન થશે ત્યારે આંખો આનંદથી ઉભરાશે. હૈયુ આનંદ નહીં સમાવી શકે તન સ્પર્શ કરવા તડપડી ઉઠશે, બાંહોમાં ભરવા માટે પ્રિયતમ પ્રિયતમા વ્યાકૂલ બનશે અને એ મિલન બે જીવનું રાધાકિષ્ણ કે મીરા ક્રિશ્નનાં મિલનથી ઓછું નહીં હોય એ પથ્થરની લકીર છે.
વિરહ અને જુદાઇમાં સારસ બેલ્ડી જો એકનું મૃત્યુ થાય તો બીજું પોતાનો જીવ છોડી દે છે જીવતું નથી નાગ-નાગણ એ છૂટા પડે તો માથાં પછાડી પછાડી ઘરતી લોહી લુહાણ કરીને પૃથ્વી છોડે છે.. વિરહની પીડાની કાર્યના અને એની અનૂભૂતિ શબ્દોમાં વર્ણવા માટે શબ્દો ટૂંકા પડે છે. આ પ્રેમપીડાની અભિવ્યક્તિ કે એની સંવેદના અનુભવી શકાય છે વર્ણવી શકાતી નથી માત્રો માત્ર આ અસફળ પ્રયાસ માત્ર છે.
પ્રેમપીડા અનુભવતાં જીવનાં ઇશ્વર સાથી છે અકલ્પ અનુભવ અને પ્રેમ મળશે એ નક્કી જ છે.
દક્ષેશ ઇનામદાર “દીલ”..