“દિલ”ની કટાર..... - લોકડાઉન - 3.0 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“દિલ”ની કટાર..... - લોકડાઉન - 3.0

" દિલ"ની કટાર...

સમય સંજોગ એવાં આવ્યાં કુંડાળામાંજ હવે રાખો પગ.
પહેલાંના સમયમાં કહેવામાં આવતું કુંડાળામાં ન પડે પગ.

કોરોનાએ કર્યો એવો પગપેસારો નર ના કાઢે ઘર બહાર પગ.
દૂર દૂર રહી સાવધ રહો રોગનો ના ઘરમાં આવે પગ.

ખાનગી કામધંધા બંધ, વાહન વ્યવહાર બંધ, સરકારી કામકાજ બંધ. ફક્ત નિયત સમયમાં ચાલે બેન્ક પોસ્ટ દવાની અને કરિયાણાની દુકાન.
સાવધ એવાં રહો કે ફળ શાકભાજી ખાવ પણ ખૂબ ધોઈ ચોખ્ખા કરી ખાવ.
જરૂરી કર્યું... હોટલ સિનેમા મોલ બંધ. જોઈ લો ટેવાઈ ગયાં સહુ શહેર ગામનાં જણ.
રોડ રસ્તા મોલ બજાર સિનેમા હોટલ બધે બસ સન્નાટો જ સન્નાટો..
ઘર કરી ગયો ભય...ક્યારેય ના. જોયાં હોય એવાં દ્રશ્ય જોવા મળી રહયાં છે. આવક બંધ રોજગાર બંધ. બસ ટીવી છાપા બધે રોગની ચેતવણી મૃત્યુનો ભય.
જોવાની એ પણ ખૂબી છે આપણે સામાન્ય દુઃખ તકલીફમાં જ્યોતિષ, બાવા, ગુરુ, દોરા ધાગા કરવા નીકળી જતાં... જાત જાતનાં તુક્કા કરનાર મળી જતાં અથવા આપણે દોડી જતાં... પણ અત્યારે આખા વિશ્વમાં કોઈ માઈનો લાલ નથી કઈ લખી રહ્યો નથી કહી રહ્યો..ક્યાં ખોવાયા કહેવાતા ત્રિકાળજ્ઞાની ? ક્યાં છે એ બાબા બાવા કયા ખૂણામાં માસ્ક પહેરીને બેસી ગયાં છે ? ક્યાં છે બધી સનસનાટી જગાડનાર આગાહી? ઈશ્વરની આ સાફસૂફીમાં બધાં અદ્રશ્ય છે. કોઈ બુલેટિન નથી કોઈ પોતે ઈશ્વર બની બેઠેલાઓના બખેડા...
ઘરમાં રહી રહી સમય ક્યાં પસાર કરવો? સ્ટુપીડ બોક્ષ તરીકે કુખ્યાત ટીવી સામે ક્યાં સુધી બેસી રહેવું? બધી સમાચાર પ્રસારિત કરતી ન્યૂઝ ચેનલો પર કેટલાં સંક્રમિત કેટલા મર્યા કેટલાં સાજા થયાં એનો એટલો મારો હોય કે હવે જો બહાર નીકળ્યા તો માર્યા જ સમજો એવી બીક પેસી ગઈ છે. દુનિયાભરની બધીજ ટીવી ચેનલો આમાં જ પોતાની ટીઆરપી જાણે વધારી રહી છે.
સારું છે સવાર સાંજ જૂની પણ ખૂબ લોકપ્રિય ધાર્મિક ધારાવાહિક મહાદેવ, રામાયણ, અને મહાભારત પુનઃ પ્રસારિત થઈ રહી છે જેથી એ મહાન ગ્રંથોના પ્રસંગો જે વિસરાઈ ગયેલાં એ તાજાં થઈ રહયાં છે. ઘરમાં ટાબરીયાં ઓ રામ રાવણ બની રમે છે લડાઈ કરે છે..કોઈ અર્જુન તો કોઈ કૃષ્ણ બને છે ..કોઈ દુર્યોધન કે કૌરવ બનવા તૈયાર નથી પછી ભીમ બની બેફામ ખોરાકની તરફેણ કરે છે. પણ આમાં જ્યારે દ્રૌપદીનો લગ્નનો પ્રસંગ આવે પાંચ પાંડવો સાથેનો લગ્ન પ્રસંગે બાળકોનાં એમની કુતૂહલતા નાં પ્રશ્નોનાં જવાબ આપવા અઘરા પડે છે..કેમ પાંચે સાથે એક દ્રૌપદી પરણે છે? આવું કેવી રીતે થાય? શું જવાબ આપવો ? એ લગ્નનાં નિર્ણયમાં જેટલી દ્વિધા કે મુશ્કેલી દ્રૌપદીને નહીં પડી હોય એટલી ઘરનાં વડીલોને પડે છે શું કરવું? શું જવાબ આપી સમજાવવા ? પણ છતાં બધાં ખૂબ મજા લે છે અને આપણી સંસ્કૃતિ સમજાવવા નાના મોટાનું માન સન્માન અને શિસ્તનાં પાઠ ભણવા મળે છે.
મોબાઈલ ફોનમાં ચાલતાં નાના નાના ટિકટોક વીડિઓ જાતે બનેલા અભિનય સમ્રાટોનો રાફડો ફાટ્યો છે જોકે મોટાં ભાગનાં મનોરંજીત જ હોય છે એમાંય પતિ પત્નીની વાતચિત નોક્ઝોકનાં વિષય શિખર પર છે અને એમાંય એક ભાઈ લોકડાઉનને કારણે તમાકુ , ગુટકા, અને માવા વિના એટલાં પરેશાન છે કે એનાં પરજ વિડિઓ બનાવી મનોરંજન કરાવે છે પણ લોકડાઉનની ઘરમાં રહેવાની સજામાં પણ મજા કરે છે મૌજ કરાવે છે.
માનવ તું શીખી લે સમજી લે આજ સમય છે શીખવાનો સમજવાનો ..ઈશ્વર સનાતન છે.. એનું ચોક્કસ વ્યવસ્થાતંત્ર છે એની સામે કે વિરુદ્ધ કોઈ નહીં જઈ શકે.. મોટી મોટી મહાસત્તાઓ હાથ ધોઈ રહી છે જવાબદારીથી...પૈસાથી...અહમથી.. કુદરતથી ઉપર કોઈ નથી...
ત્યાંજ..પાછળવાળા ભાઈએ કહ્યું ભાઈ તમારો નંબર આવ્યો આગળનાં કુંડાળામાં ઉભા રહો.. ત્યારે તંદ્રા મન વિચાર નિદ્રામાંથી જાગ્યો હું તો પોસ્ટઓફિસ આવ્યો છું નાણાં લેવા લાઈનમાં ઉભો છું. સન્નાટો મૂકી માનવની લાઈનમાં છું હકીકતમાં જીવિત છું અને કોરોનાને કારણે કુંડાળામાં પગ રાખી પોસ્ટની લાઈનમાં એક કલાકથી લાઈનમાં ઉભો રહ્યો છું. પોસ્ટ કર્મચારી એમની દાઝ જાણે ખાતેદારો ઉપર ઉતારી રહયાં છે એક કામની 5 મિનિટ વધુમાં વધુ થાય એમાં 30 મિનિટ લે છે ઘરે જઈ શું કરીશું એનાં કરતા અહીં ઠીક છે . તેઓ પંખા નીચે ખુરશીમાં બેઠાં છે અમને ખાતાઘારકોને કુંડાળામાં કલાકો ઉભા રાખે છે નથી જળની કે બેસવાની વ્યવસ્થા..જો કુંડાળાની બહાર ઊભાં રહયાં તો તુમાખીવાળું ફરમાન અંદર બેઠો બેઠો કરે કે કુંડાળામાં સરખા ઉભા રહો.. સત્તા સામે શાણપણ વિવશ છે..હજી સુધરતાં નથી કુદરતનાં આટલાં કેરથી ડરતા નથી. જે દિવસે વારો નીકળ્યો કોઈ વહારે નહીં આવે. ઈશ્વર સહુને સલામત રાખે સદબુદ્ધિ આપે એજ પ્રાર્થના.
સહુ સાવધ રહે સલામત રહે આ કોઈ સામાન્ય દોર નથી.
કુદરત રુઠી છે કાળનાં પંજામાં સપડાયા તો તમારી ખેર નથી.

દક્ષેશ ઇનામદાર."દિલ"..
🌹🙏🌹