સાયંકાલ ભાગ -3 Lichi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાયંકાલ ભાગ -3


ઘરે આવી સૂરજ એ બધી વાત કરી. માતા કુંદન ગૌરી ની તો રોઈ રોઈ ને ખરાબ હાલત થઈ ગઈ હતી. સૂરજ ની ચિંતા માં કોઈ જમ્યુ પણ નહોતું. ગઈકાલ ના બધા ઘરના મંદિરમાં જ બેઠા સતત સૂરજની સકુશળતાની પ્રાર્થના કરતા હતા. હવે પરિવારના જીવ માં જીવ આવ્યો.

દિવસો વીતતા ગયા. સૂરજ આથમે અને ઉગે. એ જ ચંદ્ર અને એજ તારાઓ રાતની કાળાશ ને પોતાના તેજ થી સુશોભિત કરે છે. પણ... પણ આ સૂરજ ગણાત્રા હવે એજ નથી રહ્યા. એના હૃદયરૂપી વીણા ના પ્રેમ રૂપી તાર સંધ્યા એ ઝણઝણાવી દીધા છે. સંધ્યા એની નજર થી દૂર હટતી નથી. સમજુ અને શરમાળ સૂરજ ને એ સમજતા વાર ન લાગી કે આ તારામૈત્રક છે અર્થાત પ્રથમ દ્રષ્ટિ નો પ્રેમ.

*** ****** ******* ****** *****

મિત્રો, તારામૈત્રક એ પ્રેમ નો જ એક પ્રકાર છે જે ફક્ત અને ફક્ત એક જ વાર થાય છે. જો એ બીજીવાર બીજા પાત્ર સાથે થાય તો બે માંથી એકપણ ઘટના તારામૈત્રક નથી.
તારામૈત્રક એટલે love at first sight. જેમાં તમારી જાણબહાર કોઈ વિજાતીય વ્યક્તિ તમારા મનોમસ્તિષ્ક પર છવાઈ જાય છે. ખરી વાત તો એ છે મિત્રો, કે તમને એ વ્યક્તિ વિશે વધુ જાણકારી પણ નથી હોતી અને તમે શેખચલ્લીની જેમ સપના રચ્યા કરો છો. તારામૈત્રક પ્રથમ પગલે એક તરફી હોય છે. બીજા પગલે જો સંગાથ વધે તો તારામૈત્રક એ પ્રણય માં રૂપાંતરિત થાય છે અને ત્રીજા પગલે જો માતા પિતા અને કહેવાતા સભ્યસમાજ નો સપોર્ટ બને તો એ પ્રણય "પરિણય " અર્થાત લગ્ન માં તબદીલ થાય છે.

***** ***** ***** ******

અહીં આપડા સૂરજ ભાઈ તો તારામૈત્રક ના પ્રથમ પગલે પહોંચ્યા છે. જીગર ને આ વાતની ભનક નોતી લાગવા દીધી સુરજે. એટલે આજેએ બનાવના ઘણા દિવસો પછી ફરી જિગરની ગેરહાજરી માં કોલેજ થી છૂટી ને સુરજે સંધ્યાના ઘર નો રસ્તો લીધો. જેમ જેમ સંધ્યાનું ઘર અને દુકાન નજીક આવતી જાય એમ એમ કોણ જાણે કેમ સૂરજના પગ થોડા ધીમા અને ધડકનો થોડી તેજ થતી જતી હતી.

સંધ્યા ચા ઉકાળતી હતી. બે ત્રણ ગ્રાહકો હતા. સૂરજ ને જોતાં સંધ્યા ની આંખોમાં ચમક આવી ગઈ. સૂરજ પણ ચા પીવા બેઠો. થોડી ઔપચારિક વાતો પછી સૂરજ નીકળી ગયો એ ખાતરી સાથે કે એનો આ તારામૈત્રક હવે પ્રણય માં પ્રમોટ થયો છે. પછી શરૂ થયું પ્રેમપત્રો ની આપ લે.

એક વાર નજીકના બગીચામાં બેઠા બેઠા સૂરજ એ પોતાના બેગમાંથી બે કાગળ કાઢી સંધ્યાને આપી અને કહ્યું,
સુરજ : સંધ્યા, આ કાગળ ખોલ

સંધ્યા એ કાગળ ખોલ્યા તો જોયું એક કાગળ માં એક સ્ત્રી ની આકૃતિ હતી પણ માત્ર સ્ત્રી નું ડાબું અંગ જ દોરેલું હતું જ્યારે બીજા કાગળ માં પુરુષ નો જમણો ભાગ જ દોરેલો હતો. સ્ત્રી આબેહૂબ સંધ્યા જેવી જ હતી જ્યારે પુરુષ સુરજ જેવો. સંધ્યા એ પ્રશ્ન સૂચક નજરે જોયું. સંધ્યા ખુબ ઓછાબોલી હતી. આંખો થી કામ ચાલતું હોય તો શબ્દોને કષ્ટ નો આપતી. પ્રેમ નો એકરાર પણ પાંપણ ઝુકાવી ને જ કર્યો હતો.

સૂરજ : હું કહી શકાય એવું સારુ ચિત્ર દોરી શકું છું. આ અર્ધનારેશ્વર ની પ્રતિકૃતિ છે સંધ્યા. હું અધૂરો છું અને તું પણ... જ્યારે આપણે બેય મળીને પૂર્ણ થશુ. જો... અને આ લે સ્ત્રી વાળો કાગળ તું રાખજે અને પુરુષ વાળો હું રાખીશ. જ્યારે તું મારી બનીને ઘરે આવીશ ત્યારે આ બન્ને કાગળ એક થઈ જશે.

એમ કરીને સુરજે બન્ને કાગળ ભેગા કર્યા. બન્નેય ના ડાબા જમણાં ભેગા બની પૂર્ણ મનુષ્ય બન્યાં. અદ્ભૂત ચિત્ર અને કલ્પના હતી. સંધ્યા તો વારી ગઈ. લાગણી ની પરાકાષ્ઠા એ સંધ્યાના હોઠ સહેજ ફફડ્યા અને એક અશ્રુબિંદુ કાગળ પર પડ્યું.

સંધ્યા :સૂરજ, બસ એટલી જ ઈચ્છા કે અગર સાત જન્મ છે તો એ સાતે જન્મ તમારી જ બનું. સંશય એકજ વાત નો છે કે શું તમારા ઘરના મને સ્વીકારશે?

સૂરજ : મને વિશ્વાસ છે કે પિતાજી કોઈપણ બાબત કરતા પેલા સંસ્કાર ને જ મહત્વ આપશે. એ મારી લાગણીને સમજશે અને પાગલ, મારે ક્યાં તને હમણાં જ પરણવી છે?

સંધ્યા : એટલે?

સૂરજ : સવાલ સમાજ નો છે તો તું જોજે ને હું પગભર બનીશ... ખુબ આગળ વધીશ. અને સફળ બનીશ. દુનિયા આર્થિક રીતે સદ્ધર અને સફળ લોકોના દરેક પગલાં ને વધાવે જ છે. પછી તને સામાજિક રીતે મારી અર્ધાંગિની બનાવીશ જોજે.

સંધ્યા : સફળતા ના ગુમાન માં મને ભૂલશો તો નહીંને?

સૂરજ : હૃદય સામ્રાજ્ઞિ છે તું મારી.
ત્યાં જ ટેકરી ના મન્દિર માં સાયંકાળ ની આરતી થાય છે.
સૂરજ (ગોઠણભેર બેસીને ): કહે છે સાયંકાળ માં ઈશ્વર ખુદ પૃથ્વી પર અવતરે છે. હું એ ઈશ્વર ની સાક્ષીએ વચન આપું છું કે તું મારી માટે મારાં કરતા પ્રથમ છે અને રહીશ.

સંધ્યા રાહતભરેલું ગુલાબી હસે છે. દૂર આકાશમાં રહેલો સૂરજ પણ સમય સંધ્યા ની બાહુપાશ માં સમાઈ જાય છે.

સંધ્યા : સૂરજ તમે માગ્યું તો નથી પણ હું પણ એક વચન આપું છું કે હું આજ થી તમને અને તમારા કુટુંબને વરી ચુકી છું. જયાપણ હોઈશ મારું કર્મ અને વર્તન તમને અને તમારા કુટુંબ ના હિત માં જ હશે.

******* ******** ******** ******

એક ગોઝારી સંધ્યા... અને સૂરજની સંધ્યા નું આકસ્મિક મૃત્યુ.... સૂરજનું કોઈ સમાજ સેવી સંસ્થા નું સભ્ય બનવું અને સંધ્યા ની માતાની પરોક્ષ રીતે મદદ કર્યા કરવી...

***** ******* ****** ********
સંધ્યા ના મૃત્યુ ને સૂરજ પચાવી નથી શક્યો. ના તો એણે સુદબુદ્ધ ગુમાવી છે ના હી દેવદાસ બન્યો છે. પણ અંદરથી તૂટી ગયો છે. મનોમન સંધ્યા ને પરણી ચુકેલો સૂરજ હવે બીજા કોઈ સાથે સપ્તપદી ના માંડવાનો નિર્ધાર કરે છે અને બાકીનું જીવન પોતાના સપનાઓ અને માતા પિતાની સેવામા વ્યતીત કરવાનું નક્કી કરે છે.

****** ******* ******** ********
મહત્વાકાંક્ષી સૂરજ પોતાના મન માં સંધ્યાને સાથે લઈને જ ચાલે છે. આજે પણ રેવા પ્લાસ્ટીક્સ ની ધરોહર સંભાળે છે અને સફળતાનાં એકપછી એક પડાવ પાર કરે છે. પણ લગ્નમાટે મક્કમ બની ના જ પાડે છે.

******** ********* ********** *****
મિત્રો, સૂરજ એ સંધ્યા ને આપેલું વચન પાળી બતાવ્યું છે તો હવે પછી જોઇશુ સંધ્યા એનું વચન પાળી બતાવે છે કે કેમ?