વિશ્વ કનૈયો Vanraj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ કનૈયો


આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આ ધરતી પર ધર્મ, ન્યાય અને નીતિ માટે આજીવન લડવાવાળા એક અલોકિક, મહાન, ઉત્કૃષ્ટ અને પ્રતાપી વ્યક્તિના રૂપમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લીધો. ભગવાન શ્રીકૃષ્ણ જેવી મહાન વિભૂતિ અને એમના ચરિત્ર જેવું મહાન ચરિત્ર જગતમાં ક્યાંય જોવા મળતું નથી. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તો હતા જ, પણ તે સાથે ગુરુઓમાં શ્રેષ્ઠ ગુરુત્તમ પણ હતા. આથી જ વિશ્વભરના સૌ કોઈ બૌદ્ધિકોએ કહ્યું છે કે કૃષ્ણમ્ વંદે જગદગુરુમ્.” શ્રીકૃષ્ણ કેવળ વૈષ્ણવો, હિન્દુઓ, ભારતવાસીઓ અને એશિયાવાસીઓના જ નહીં, પરંતુ વિશ્વમાં વસતા પૂર્વના કે પશ્ચિમના પ્રત્યેક માણસના ગુરુ છે !

પ્રેમનું બીજું નામ ભગવાન શ્રીકૃષ્ણ. વ્રજની ગોપીઓ હોય કે મથુરાના યાદવો... હસ્તિનાપુરના પાંડવો હોય કે પાંચાલની દ્રોપદી... સાંદીપનિ જેવા ગુરુ હોય કે સુદામા જેવા સખા... અર્જુન જેવા શિષ્ય હોય કે બલરામ જેવા ભ્રાતા..શ્રીકૃષ્ણ બધાંને પ્રેમ કર્યો છે. સહુને પ્રસન્નતા આપી છે ! કરોડો સામાન્ય શ્રદ્ધાળુઓને શ્રીકૃષ્ણ પ્રેમની બંસરીથી મુગ્ધ કર્યા છે. ગોકુળના બાળપણના ગોઠિયાઓને પોતાની પ્રિય સખી રાધાને, પટ્ટરાણી રુકિમણીને, અને મિત્ર સુદામાને શ્રીકૃષ્ણ ભગવાને આપેલા પ્રેમનો જોટો જગતભરમાં શોધવા જઈએ તો પણ જડે તેમ નથી.

શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંધમાં શ્રીકૃષ્ણના ભ્રાતૃપ્રેમનું વર્ણન કરવામાં આવેલું છે. બન્ને ભાઈઓ ગાયો ચરાવવા જાય છે. બલરામ થાકી જાય છે. તે એક વૃક્ષની છાયા તળે સૂઈ જાય છે. શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલરામના પગ દબાવે છે. દ્વારકામાં પણ તેઓ રાજા ઉગ્રસેનને અને મોટા ભાઈ બલરામને વંદન કર્યા પછી જ પોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરતા.

શ્રીકૃષ્ણ જેવો ગાયો પર પ્રેમ રાખનાર ગોવાળ ક્યાંય નહિ મળે ! તેથી જ તેઓ ગોપાલ તરીકે પણ ખ્યાતી પામ્યા ! વૃક્ષો અને નદીઓ પર પણ તેમને અપાર પ્રેમ હતો. સમગ્ર વિશ્વ પર એમને પ્રેમ હતો. તેઓ પ્રેમની સાક્ષાતુ પ્રતિમા હતા. શ્રીકૃષ્ણ પ્રેમના દેવતા અને કલેક્શન છે. શ્રીકૃષ્ણ એટલે પ્રેમના સમ્રાટ. એમના જેવું પ્રેમમય અને દિવ્ય જીવન બીજે ક્યાંયે અને કોઈ પણ વ્યક્તિમાં જોવા નહિ મળે ! શ્રીકૃષ્ણ સ્નેહ-સામ્રાજ્યમાં સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે.

પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ હરહંમેશ વર્તમાનમાં જીવનાર વિરાટ વ્યક્તિ છે. ઘણી વખત શ્રીકૃષ્ણ પોતાના જ વચન સાથે ટકરાયા છે, પણ શ્રીકૃષ્ણ ક્યારેય અસંગત નથી. શ્રીકૃષ્ણનું અસત્ય પણ સત્યસંગત છે ! અસત્યનું સત્ય પણ શ્રીકૃષ્ણ છે. સત્યના મંત્રદ્વાર શ્રીકૃષ્ણ છે. સાચે જ શ્રીકૃષ્ણ સત્યાત્મક છે. સામાન્ય જનને આ વાત સમજવી મુશ્કેલ છે, પરંતુ જેમના જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રવેશ થયેલો છે તેવા યોગીઓ માટે, સંતો માટે, મહાત્માઓ માટે, નારદ, વિદુર, ભીષ્મ માટે આ સાહજિક છે. શ્રીકૃષ્ણનું દિવ્ય જીવન
મુમુક્ષુને મુક્તિ, સંશયાત્માને નિશ્ચય, હતાશ થયેલાને ઉત્સાહ, ગરીબને આધાર, દુર્જનને શિક્ષા અને સર્જનને માન અને આનંદ આપનારું છે. એમનું ચરિત્ર દિવ્ય, ભવ્ય અને રમણીય છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર કોઈ પણ દૃષ્ટિથી જુઓ, તે કલ્યાણપ્રદ જ છે.
જે વ્યક્તિના હાથમાં કશી સત્તા નથી તેવી વ્યક્તિને ઉપદેશ દ્વારા, સંસ્કાર દ્વારા, જરા ડર દેખાડીને પણ સુધારી શકાય, અને તેમના હૃદયમાં સૂતેલા સંસ્કારોને જાગ્રત કરી શકાય; પણ સત્તાથી છકી ગયેલા અધર્મી રાજાઓને એ રીતે સુધારવા શક્ય નથી. તેમનો તો નાશ જ કરવો ઘટે. તેમણે
એવા રાજાઓને ધર્મની સ્થાપના કરવા માટે હણ્યા હતા. શ્રીકૃષ્ણની ફિલસૂફીમાં બન્ને વાતો છે.

શ્રીકૃષ્ણ અલૌકિક દાનવીર પણ હતા. એમણે તો દાનમાં રાજ્યોનાં રાજ્યો આપી દીધેલાં. શ્રીકૃષ્ણના જમાનામાં રાજાને મારે તે રાજા બને તેવી પ્રણાલી હતી. તેમ છતાં શ્રીકૃષ્ણ દુષ્ટરાજાઓને મારીને તેઓનાં રાજ્યો હડપ
કરી જવાને બદલે તેમના પિતાને કે પુત્રોને રાજ્યો અર્પણ કર્યા !
શ્રીકૃષ્ણથી મોટો દાનવીર બીજો કોઈ હોઈ શકે ?