“સજું-જીતું” પાર્ટ : ૨ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“સજું-જીતું” પાર્ટ : ૨

“સજું-જીતું”

પાર્ટ : ૨

એવાં જ ઓફિસનાં રૂટીન સાથે જીત સાથેની મૈત્રી તેમ જ સતત સંપર્ક ફોન કોલ વિડીયો કોલ કરીને દિવસો પસાર થતાં હતાં. બંને એકમેકને ચીડવતા પણ જતા કે કોઈ મળ્યું કે નહીં. પણ બંનેમાંથી કોઈકે પણ એકમેક સામે પ્રેમનો ઈઝહાર કરવાનું તો જાણે ટાળતા જ રહ્યાં. પરંતુ જીતે પોતાનાં દિલને મનાવી લીધું હોય તેમ એણે સંજુને દિલની રાની બનાવાનો ખ્યાલ દિલોદિમાગમાંથી કાઢી નાંખ્યો. એની ખોટી જીદ અને ચેલેંજ એના માટે મુખ્ય બની ગઈ હોય તેમ એના પર ધ્યાન આપવા લાગ્યો.

એવામાં જીતને એક પાર્ટી સાથે મિટીંગ કરવા માટે બહાર જવું પડ્યું. સામેની એક કંપનીની સેક્રેટરીની ખુબસુરતીથી એ અંજાઈ ગયો. અને એ હતી પણ એવી જ કોઈનું પણ દિલ એ મોહી લે. એણે પામવા માટે નવજુવાનીયાનું દિલ બેચેન થઈ જાય એવું જ એક પળ માટે તો જીતનું પણ થયું. પણ અત્યારે એને સંજુવાળી ચેલેંજ જ યાદ આવતી હતી. જીતને સેક્રેટરીની ઇન્ફોર્મેશન કાઢતાં સમય લાગ્યો નહીં. પહેલા તો એણે એ માહિતી કાઢી કે એ સિંગલ તો છે ને..!! મધ્યમ પરિવારથી આવતી એ સેક્રેટરીનું નામ હતું મિસ જીયા. ગોળાકાર ગોરો ચહેરો. સૌમ્ય વાણી. અને એ હતી તો બ્યુટીફૂલ જ. જીયાના ઘરેથી પણ મુરતિયાની શોધખોળ ચાલું હતી.

જીતે ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી. તે સાથે જ વોટ્સએપ પર પણ મેસેજ કરેલો. જીયા સાથે એક મુલાકાત કરવા માટે પણ જીતને ત્રણ મહિના લાગી ગયા હતાં. મુલાકાત બાદ જીયાને જીતે એટલું જ કહ્યું કે હું તારી સાથે ફક્ત ફ્રેન્ડશીપ કરવા માગું છું.

ધીરે ધીરે બંનેમાં ઓળખાણ થવા લાગી. મુલાકાતો વધતી ગઈ. પણ એણે સંજુવાળી ચેલેંજને જીયાથી ગુપ્ત જ રાખી. જીત જીયાને આર્થિક રીતે જે જોઈએ એ બધું જ આપતો હતો. જીયાને પણ એવું જ જોઈતું હતું કેમ કે એ પોતાનાં ઘરની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હતી. ફ્રેન્ડશીપમાંથી શારીરિક સંબંધ સુધી ક્યારે જતા રહ્યાં તેઓ બંનેને ખબર જ પડી નહીં. જીયા જીતને પ્રેમ કરવા લાગી અને સમય જતાં જીત પણ પ્રેમમાં પડ્યો. આખરે રિલેશન લવમાં પાંગરવા લાગ્યો. જીત ખૂબ ખુશ હતો સંજુને પોતાની લવસ્ટોરી કહેવાં માટે. પણ એ સરપ્રાઈઝ આપવા માંગતો હતો કે સંજુ સાથે રૂબરૂ મળીને જ એ વાત કરશે. અને એણી ચેલેંજ પણ બતાવીને રહેશે.

સંજુ એક વર્ષ બાદ સૂરત આવી હતી. એણે ચોક્કસપણે હવે એ લાગતું હતું કે એ જીતના પ્રેમમાં છે. કદાચ જીત પણ એણે પ્રેમ કરતો હોય પણ કહેવાં માંગતો ન હોય તો..!! સંજુએ પોતે જ પોતાનાં તરફથી પહેલ કરશે એમ નક્કી કરી લીધું હતું.

જીતું હમેશાં સંજુના ઘરના ગેટ બહાર જ મુલાકાત માટે ઊભો રહેતો જ્યારથી તેઓ બંને જુવાનીમાં પ્રવેશ્યાં ત્યારથી તેઓની સિક્રેટ મસ્તી મજાકવાળી ગુપસુપ ત્યાં જ થતી. રાતે ૯ વાગ્યે સંજુ અને જીતુંની મુલાકાત થઈ. બંને એકમેકને જોઈને આનંદવિભોર થઈ ગયા. પણ સંજુની અચાનક બદલાઈ ગયેલી વેશભૂષાથી અંજાઈને જીત પૂછવા લાગ્યો, “ અરે સંજુ તું તો સાચે જ એકદમ બદલાઈ ગઈ છો. શું વાત છે કોઈ મળી ગયું કે?”

સંજીવનીએ “હા” કહ્યું.

“ઓહ્હ એટલે તને પણ પ્રેમ થઈ ગયો છે. એટલે જ તું એટલી સજ સવરવા લાગી છે.” જીતે કહ્યું.

જીતનાં મોઢેથી પોતાની ખુબસુરતીની તારીફ સાંભળીને સજુંને સારું લાગ્યું.

“તો બતાવ હવે એના વિષે. જેણે તારામાં એટલો બધો બદલાવ લાવી દીધો છે.” જીતે આતુરાઈથી પૂછ્યું.

“જીતું યાર પણ એક છોકરો મને ઘણું પજવી રહ્યો છે.” સંજુએ ચહેરા પર ખોટી ગંભીરતા લાવીને કહ્યું.

“નામ તો કહે એનું?? બોલ...? એણે મારા હાથનો મેથીપાક ચખાડીને આવું..?” જીતુંએ પૂછ્યું. અને સંજુ હસી.

જીતું પણ સમજી ગયો હોય તેમ કહ્યું, “ એટલે એ છોકરો તારા દિલને હેરાન કરી રહ્યો છે એમ ને..?” સંજુએ ડોકું ધુણાવીને ‘હા’ કહ્યું.

જીતુંએ આતુરતાથી પૂછ્યું, “ બોલ કોણ છે એ?”

“પહેલા તું કહે. તું કયું સરપ્રાઈઝ આપવા માંગે છે?” સંજુએ પણ એટલા જ અધીરાઈથી પૂછ્યું.

“અરે સંજુ પહેલા તું કહે ને..!! તું કેટલી બ્યુટીફૂલ લાગી રહી છે. એ બ્યુટીફૂલ દેખાવા માટે તને કોણે અધીરી કરી દીધી?” જીતે જિદ્દ કરતા પૂછ્યું.

“ઓ.કે. હું જ બતાવું છું.” સંજુએ જીતનાં સંપૂર્ણ ચહેરાને જોતા કહ્યું. એવામાં જીતનાં મોબાઈલમાં વોટ્સએપ મેસેજનો રીંગટોન વાગ્યો. જીત સંજુ પાસે એક મિનીટ માગતાં એ મેસેજ વાંચે છે અને તરત જ જીયાને કોલ લગાવે છે. “લવ શું થયું હમણાં કેમ મળવા માંગે છે?” જીત કહ્યું.

“બસ તમે હમણાં આવો.” જીયાએ કહ્યું.

સંજુ ફોન પર બની રહેલી જીતની વાતચીત સાંભળી રહી. એ કંઈક પોતાનાં દિલને દિલાસો આપવા મંથી રહી. એ જાણી ચૂકી હતી કે એના દિલ સાથે કશુંક અજુગતું બની રહ્યું હતું. તો પણ એ જીત પાસેથી જાણે પુરાવા માગતી હોય તેમ એ જીતને ભીના દિલથી જોવા લાગી અને પોતાનાં દિલને પણ સાંત્વના આપી રહી હતી કે એવું બની જ નાં શકે. એ દિલની સાથે ત્યાં જ વાતો કરવા લાગી, “ જીતું મારો છે અને હું જીતુંની. જીતું બીજે કશે જઈ જ નાં શકે.”

જીત એણે ગાઢ નિંદ્રામાંથી ઉઠાડતો હોય તેમ, “ સંજુ, સંજુ મને હમણાં જવું પડશે. હું તને બધી જ આવીને વાત કરું. હા પણ તને ચેલેંજ યાદ છે ને..??”

***

જીતુંનાં ગયા બાદ સંજુ ઘરમાં આવી. કોઈને પોતાનાં દિલની વાત ખબર નાં પડે એટલે હસતી રહી. ત્યાં જ એના મોમ પણ જીતુંની લવ સ્ટોરી કહેવાં લાગી, “ સંજીવની, જીતે તને એ છોકરી જીયાનો ફોટો દેખાડ્યો કે નહીં ? સૌથી પહેલા જીયાનો ફોટો મને દેખાડ્યો હતો. કેવી મજાની સુંદર છોકરી. બંનેની જોડી લાગશે. બે ત્રણ વાર એ આપણા ઘરે પણ આવી ગઈ છે. જીતે મને કીધું કે આપણે સંજુને સરપ્રાઈઝ આપીશું હમણાં એણે કોઈ કહેતા નહીં કે હું જીયાને પસંદ કરી છે.”

સંજુ અમસ્તી જ હા માં હા કરતી રહી. મોડી રાત સુધી કમને એ પોતાનાં મોમ ડેડને સમય આપતી રહી. એમાં જ મોમે પણ વાત કાઢી જ દીધી, “ સંજુ હવે તું પણ પરણાઈ જા. જીતું અને તું એક જ તો ઉંમરના છે. જીતે જેવું કર્યું એવું તું પણ કરી લેશે તો અમને વાંધો નથી.” સંજુએ કશો પણ જવાબ આપ્યો નહીં.

રાત પડીને એ પોતાનાં બેડરૂમમાં સુવા માટે જતી રહી. બેડરૂમના દરવાજાને એણે થોડો અટકાવ્યો આવતીકાલે વેલેન્ટાઇન ડે નાં દિવસે કાર્ડથી એ પોતાનાં દિલની વાત કહેવાની હતી. એનાં માટે એણે આગળથી જ તૈયારી કરી મૂકી હતી. એણે બધા જ વેલેન્ટાઇન ગ્રીટિંગ કાર્ડ્સમાં પોતાનાં હાથે થી લખેલા વર્ડ્સને સુતી સુતી વાંચવા લાગી. એ એક એક કાર્ડને વારાફરતી ધ્યાનથી વાંચતી ગઈ અને ત્યાં જ બેડ પર મુકતી ગઈ અને રડતી રહી. એણે લેમ્પ લાઈટ બંધ કરી દીધી.

તો પણ સંજુને આખી રાત ઊંઘ નાં આવી. એણી બેચેની વધતી જતી હતી જ્યાં સુધી એ જીતનાં મોઢેથી સચ્ચાઈ જાણી નાં લે. એ જાણી ગઈ હતી પણ એક વાર એ જીત પાસેથી સાંભળવા માંગતી હતી.

બીજે વહેલી સવારે જ જીત નાહી ધોહીને સંજુને મળવા આવી ગયો. કેમ કે ઓફિસે પણ જવાનું હતું. અને ત્યાંથી જલ્દી નીકળીને જીયા સાથે વેલેન્ટાઇન ડે સેલીબ્રેટ કરવા માટે જવાનું હતું. સંજુ મોડી રાત સુધી ઊંઘી ન હતી એટલે એણે સવારે ઊંઘ લાગી ગઈ હતી પણ ત્યાં જ જીત એણે ઉઠાડતો હતો, “સંજુ ઉઠ. કાલે રાતની વાત અધૂરી છે. અને સોરી મને જવું પડ્યું.”

સંજુ એક જ ઝાટકે ઉઠીને બેસી ગઈ અને જીતને જોવા લાગી. એના બેડ પર જ્યાં ત્યાં જ ચાર પાંચ વેલેન્ટાઇન કાર્ડ પડેલા હતાં. જીતની નજર એના પર ગઈ. સંજુને અચાનક ગુસ્સો આવ્યો, “ જીતું, તું કોના કહેવાથી આમ મારા બેડરૂમમાં આવી પહોંચ્યો. જા તું હોલમાં જા. હું ફ્રેશ થઈને તને મળું છું.”

“લે. એવું ક્યારે બન્યું છે જો હું કોઈને પૂછીને આવું તારા બેડરૂમમાં.” એટલું કહીને જીતુંએ એક વેલેન્ટાઇન કાર્ડ હાથમાં લીધો. તે સાથે જ સંજુ બરાડી, “ જીતું...!! કાર્ડ જ્યાંથી ઊંચક્યો છે ત્યાં જ મૂકી દે.”

(ક્રમશઃ)