A Millenials life books and stories free download online pdf in Gujarati

હું ને મારું જીવન

વાર પ્રમાણે જાતક ના ગુણ :

અતિશય ભાવુક
ચંચળ મન
મહેનતુ
પોતાનું મન પોતાનું શત્રુ
કલ્પના માં જીવવા વાળા
"પોતાનું મન પોતાનું શત્રુ"
બસ એ એક વાક્ય મારા મન માં આકાશવાણી કરી રહ્યું હતું. એની આગળ બધા ગુણ એક એક કરીને અવગુણ થઇ રહ્યા હતા. મન માં એક સાથે બધા બહુ લોકો જાણે દલીલ કરતા હતા.
એક અવાજ ઉઠ્યો : શું ખોટું છે એ વાક્ય, હકિકત છે.તારી ભાવુકતા પર કેટલીક વાર સવાલ ઉઠાવ્યો છે આ તારા "મને".હમેશા તારા "મને" તારી ભાવુકતાને સ્વાર્થ સાથે નથી ઉભી રાખી?
હું શું જવાબ આપું? ત્યાં જ બીજો કડક અવાજ આયો : જો એ સ્વાર્થ ના હોત તો અત્યાર સુધી જવાબ મળી ગયો હોત. પહેલો અવાજ મારી સામે જોવા લાગ્યો ને દબાયેલા અવાજે કહેવા લાગ્યો : કંઇક તો બોલ. પણ હું નીચું જોઇ ગઇ.
બીજો અવાજ રાવણ ના અહંકાર ની જેમ ઉભો થઇ ગયો. ને પહેલો અવાજ,હવે મારા થી કશું ના થાય એમ કહીને જતો રહ્યો. હવે શું? મેં વિચાર્યું. ત્યાં જ બીજો અવાજ ગરજયો : હવે એમ,કે આ ગુણ બસ બહાર ના છે. તારી ભાવુકતા પાછળ નો સ્વાર્થ, તારા ચંચળ મન પાછળ નો કંટાળો, તારી મહેનત પાછળ ની આળસ, તારી કલ્પના પાછળ ની સત્ય થી ભાગવાની તારી વૃત્તિ. એ બધું આ શબ્દો ના વરખ થી ઢાંક્યું છે. ને એટલે જ તે,બસ ઉપર થી વરખ ચડાવા સોરી કીધું.
ગર્જના પછીના સન્નાટાએ એવો ઘોંઘાટ સર્જ્યો કે હું સ્તંભ થઇ ગઇ અને બહાનું કરીને ત્યાં થી પલાયન થઇ ગયેલો પહેલો અવાજ ખૂણા માં એના કાન હાથ વડે દબાઇ ને ઉભો હતો. એ જ હતો કે હું પોતાને એમ જોતી હતી, ખબર નહિ.
સન્નાટો જેમ ઉંડો થવા લાગ્યો એમ ઘોંઘાટ વધતો ગયો ને ઘોંઘાટ કોણ જાણે કેમ સમાચાર આપવા લાગ્યો. સમાચાર નો અવાજ વધતો ગયો ને મારી આંખો ખુલી ગઇ. હજુ કઇ સમજુ એ પહેલાં પપ્પા બોલ્યા " ના ના, સુઇ રહે બેટા. હજુ સવાર નથી પડી "
થોડી વાર તો કશું સમજાયું નઇ,ઘડિયાળ જોઇ તો સાંજ ના પોણા સાત થયા હતા. બહાર જોયું તો અંધારું થવા પર હતું. મંદિર વાડા રૂમ માંથી ઘંટડી નો અવાજ આવતો હતો. હું સોફા પર ખબર નઇ કયારની સૂતી હતી. ત્યાં જ વરિયાળી ની થાળી ટેબલ પર જોઇને બધું યાદ આવી ગયું. ઝગડો - મમ્મી - મેસેજ - ગુણ - સોરી ને સ્વપ્ન.
આ બધા વિચાર વચ્ચે પપ્પાનો અવાજ સાંભળી હું એકદમ ચમકી ગઇ. પપ્પા બોલ્યા " ઓ અેલિયન, જોઇ લિધો ગ્રહ? થઇ ગઇ દુનિયા સ્કેન? " હું હસી ને બોલી " હાં, થઇ ગઇ. તમારા સિવાય બધું સ્કેન થઇ ગયું, તમારા માં એરર બતાવે છે " ને પપ્પા હસી પડ્યા.
સોફા પર થી હું મોં ધોવા ઉભી થઈ. પાણી ની છાલકે થોડું ભાન આપ્યું. " તમે ક્યારે આયા? " મેં મોં લૂછતા પપ્પા ને પુછ્યું. " બસ 15-20 મિનિટ પહેલા જ " પપ્પાએ જવાબ આપ્યો.
" તો ઉઠાડી ના મને? "
" તારા મમ્મી ક્યારના ઉઠાડે છે, પણ તુ ઉઠે તો ને "
" હા,મમ્મી ના અવાજ કરતા આ સમાચાર લગાડવાના, તો વહેલી ઉઠી જઉ "
" એટલે જ અવાજ વધાર્યો બેટા " પપ્પા આંખ મારતા બોલ્યા.
આ આજકાલ ના સમાચાર ઘોંઘાટ સિવાય બીજું શું આપે છે પણ પપ્પા જોડે એ વિષય માં દલીલ ના કરાય એટલે હું કશું બોલ્યા વગર પાણી પીવા રસોડા માં ગઇ.એટલા માં બહારથી બા ની બુમ આઇ " બેટા પાણી લાવજે ".બા-દાદાનો આ રોજ સાંજનો ક્રમ છે. ચાલીને આવે એટલે મારા નામ ની બુમ સાથે પાણી મંગાવે. એમણે પાણી આપવા ગઇ ત્યાં જ સંધ્યા સમયએ ના સૂવાય એના પર લેક્ચર મળ્યું.

***

મમ્મી વાસણ ઘસી રહ્યા અને હવે ચોકડી માં સાવરણો મારતાં હતા.હું અંદર બધું અવેરીને રસોડું સાફ કરતી હતી. પપ્પા હજું પણ સમાચાર જોતા હતા.બા દાદા જમીને સુવા જતા રહ્યા હતા.હું ને મમ્મી કામ પતાવીને આગળ વંડામાં ખુરશી લઇને બેઠા.
પવનની લહેર એની સાથે ચંદ્ર ની ઠંડક લાવતી હતી. ફોન બાજુ માં મુકી હું એ જ ઠંડક અનુભવી રહી હતી પણ આંખો બંધ કરતા ની સાથે જ હું જે ભૂલવા મથતી હતી એ સ્વપ્ન સામે આવી ગયું.મેં તરત આંખો ખોલી દીધી.
આજે સાંજ પછી મેં ફોન હાથમાં નહોતો લીધો, છેલ્લો સોરી નો મેસેજ કર્યા પછી હું જવાબ જોવા નહોતી માંગતી. કદાચ એ "its ok" જે મારી ભૂલ સાબિત કરશે, એ મારા થી સહન નઇ થાય.
શું એ ઝગડો પણ મારા કારણે જ હશે? શું હું સાચે સ્વાર્થી છું? એ સ્વપ્ન હકિકત છે?
મને આમ જોઇ મમ્મીએ પુછ્યું " ફોન માં ચાર્જિંગ નથી કે શું? " મેં મનમાં વિચાર્યું, ફોન તો 100 ટકા ચાર્જ થઇ ને વપરાવા માટે ક્યારનો મને વાપરો મને વાપરો કરે છે, પણ મેં આજે એને બહુ ભાવ જ નથી આપ્યો. " હા ચાર્જમાં જ મુક્યો છે ".
સાંજે મમ્મીએ સવાલ કર્યો હતો કે શું ગુણ લખ્યા છે અને ત્યારે બાજુવાડા કાકીએ મમ્મીને બુમ પાડતા હું બચી ગઈ હતી. અત્યારે કદાચ એ ભુલી ગયા લાગે છે, સારુ જ છે,નહિ તો પાછો જવાબ આપવો પડતો ને એ બધુ પાછું વિચારોમાં દોડવા લાગતું.
હું ધ્યાન બીજે પરોવવા ચંદ્ર સામે જોવા જતી હતી ત્યાં મને લાગ્યું કે અમારી દિવાલ પર થી કોઇ જોઇ રહ્યું છે. ચંદ્રના અજવાડા સિવાય કોઇ પ્રકાશ ન હતો.સહેજ ધારીને જોયું તો બાજુંવાડા કાકી અમારી સહિયારી દિવાલ પર એમના બન્ને હાથના ટેકા પર મોહ ટેકવીને મને એક ધારે જોતા હતા.
કોઇ મનરમ્ય દ્રશ્ય જોયું હોય એમ કાકી મને જોઇ રહ્યા હતા. હું બોલી " કાકી? શું થયું? " પણ મને કોઇ જવાબ ના મળ્યો. મને બીક ભરાઇ કે કાકી કયાંક પંચાત કરતા કરતા જતા તો નથી રહ્યા ને એટલે હું જોર થી બોલી
" કાકી !!!! "
" અલિ ધીમે બોલ.હજું જીવતી છું જતી નથી રઇ"
" તો બોલો ને આમ શું ઉભા રહીને જોયા કરો છો.મને તો એમ કે ગયા "
" તું એવું જ વિચાર. હું તો આ ક્યારે ના જોવા મળતું દ્રશ્ય જોઈ રહી હતી "
" કાકી?? ઘડપણમાં ચસકી નથી ગયું ને? શું બોલો છો શું? "
" તું ઘરડી, તારી બા ઘરડી!! "
" હા, એ તો છે " હું હસી ને બોલી.
" તને તાવ તો નથી આયો ને? " કાકીએ પુછ્યું
" ના રે, તાવ આવે તમને "
" તો તાવ નથી તો આમ ફોન વગર કેમ બેઠી છે?"
" અરરર, કાકી આ ઉમરમાં આવા વાહિયાત જોક ના મરાય"
" તું ફોન વગર બેસે તો એવા જ જોક કરાય "
" આવો તો બેસવા, હું ફોન વગર બેઠી છું તો પંચાત કરીએ"
ને કાકી આવી ગયા બેસવા. આવી ને તરત મમ્મી નું પુછ્યું, મેં કહ્યું કે એ આટા મારે છે.
" બોલ કેમ આજે આમ ફોન વગર બેઠી? રોજ તારુ મોં ફોન માં જ હોય છે ઉપર પણ નથી જોતી"
" કઇ નઇ કાકી બઘી માયા છે, મુકી દીધી. તમે મને એમ કો કાકી, તમે ગુણ અવગુણ માં માનો? " ખબર નહિ કેમ પણ એ સવાલ જાણે જાતે જ નિકળી ગયો.
કાકી ને મારા સવાલ ની સહેજ પણ નવાઇ ના લાગી, એકદમ શાંતિથી એ બોલ્યા, " બેટા, ગુણ-અવગુણ એ હમેશાં સ્થિતિ પર નિર્ભર હોય છે. ઘણી સ્થિતિમાં આપણા ગુણ જ આપણને ફસાઈ દે છે તો ઘણી વખત આપણા અવગુણ આપણને તારી દે છે. હમેશાં બીજાનું પહેલાં વિચારવું એ સૌથી મોટો ગુણ ગણાયો છે, પણ મને પુછે તો એ સૌથી મોટો અવગુણ છે. સેવા, દયા એ બધું બીજાની સાથે આપણા પર પણ રાખીએ તો એ ગુણ શ્રેષ્ઠ છે. પણ એ જ જો વધારે થઇ જાય તો સ્વાર્થ ગણાય જાય. સ્વાર્થી ત્યાં સુધી જ બનવું જ્યા સુધી આપણી આત્મા આપણને સવાલ ના કરે. જ્યારથી આત્મા સવાલ કરી ડંખવા લાગે તો સમજી જવું કે આપણો સ્વાર્થ હવે અવગુણ થઇ રહ્યો છે. જો તમે પોતાની ભુલો પર સવાલ કરો છો તો એ સૌથી શ્રેષ્ઠ ગુણ છે એનો મતલબ થાય કે તમે હજુ સારા-ખરાબ, સાચા-ખોટા, ગુણ-અવગુણ વચ્ચે ફેર કરી શકો છો.તમારા અહંકાર ને દબાવી શકો છો. બેટા, ગુણ ને કોઇ દિવસ સાબિત ના કરવા પડે, એ આપણો પહેલો સ્વભાવ બને અને અવગુણ એ આપણા સ્વભાવ જોડે સમય સમયએ દલિલ કરે. ને એ જરૂરી પણ છે, જો કોઇ દલીલ કરવા વાળું ના હોય તો મન માં આવે એમ કરવા લાગીએ ને મન પર જ્યારે કાબુ ના હોય તો એ રાક્ષસ બનતા વાર ના કરે. પણ એ દલીલ પછીનો તમારો નિર્ણય નવો સ્વભાવ બને,એટલે એ તમારા હાથમાં છે કે શુન્ય થવું કે લાખ ના"
હું થોડી વાર કાકી મને જોતા હતા એમ એમને જોઇ રહી. મને એક ઝાટકે બધા જ જવાબ મળી ગયા. સાચી વાત છે કાકીની સવાલ ના જવાબ તો મારા હાથમાં છે.
કાકી જોર થી બોલ્યા " છે કે ગઇ !!! "
હું બોલી " કાકી, આજે ખબર પડી આ ડાઈ કરેલા તમારા વાળ તડકા માં સફેદ નઇ થયા હો " કાકીએ મને માથા પર ટપલી મારી.
"હાલ જ આઇ કાકી"
"ક્યા ચાલી?"
" માયા લેવા કાકી" ને કાકી હસવા લાગ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો