A Millenials Life books and stories free download online pdf in Gujarati

હું ને મારું જીવન

કોઇ ખાસ વ્યક્તિ ના જવાબ ની રાહ જોવામાં એક અલગ મજા હોય છે. આ વાક્ય કહેનારે કદાચ પત્ર લખીને પ્રેમ કર્યો હશે. પણ આજે જવાબ માટે પત્ર ની રાહ નથી જોવી પડતી. ટેકનોલોજી ના કારણે એક સેકન્ડ માં જવાબ મળી જાય છે.
ધન્ય હતો એ વખત નો પ્રેમ જે રાહ જોવામાં પણ મજા આપતો હતો. પણ કદાચ એ વખત ના પ્રેમીઓ પાસે રાહ જોવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો એટલે ના છુટકે મજા લેવી પડતી હશે.પણ આજે જ્યારે આંગળી ના ટેરવે વાત થઇ શકતી હોય ત્યારે રાહ જેવા શબ્દનો ઉપયોગ કેમ થવો જોઇએ. એ પણ ત્યારે જ્યારે ઝઘડો ચાલતો હોય. ત્યારે મજા નહિ ગુસ્સો જ આવે.
એ જ ગુસ્સા માં મેં મારો ફોન હાથ માં લઇને ફરી એક વાર પટકયો. સાંજ ના ૪ વાગ્યા હતા, જતો સુરજ અેની છેલ્લી પણ તીવ્ર કિરણો ની મદદે બારી માથી ડોકિયા કરી રહ્યો હતો. ટીવી પર ચાલતા ગીતો માં એને રસ પડ્યો હોય એમ. હું છત્તે પાટ લિવિંગ રૂમ ના સોફા પર સુતા સુતા પૂર ઝડપે ચાલતા પંખા સામે જોઇ રહી હતી. જે જવાબ ફોન માં ના મળ્યા એ જવાબ પંખો આપવાનો હોય એમ એક ધારે હું એને જોતી હતી.
ટીવી માં ચાલતું ગીત સંભળાતું હતું પણ તેની તરફ ધ્યાન ત્યારે ગયું જ્યારે જોડે મારા મમ્મી નો અવાજ પણ જોડાયો. બારણા પાસે બેસી મમ્મી વરિયાળી સાફ કરતા હતા. એમના અવાજ માં ગીત કાને પડતાં મેં એમની તરફ જોયું.
કેવી શાંતિ હોય ને મમ્મી ના મોઢા પર, મેં વિચાર્યું. એમણે જોતા ની સાથે હું ફોન ભુલી ગઇ, ઝઘડો ભુલી ગઇ. ગીત ના બધા બોલ ખોટા હતા બસ ધુન સરખી હતી,પણ જે ખુશી થી એ ગાતા હતા મેં એમને ટોક્યા નહિ. કેટલા ઓછા પ્રસંગ હોય છે મમ્મી ને આમ જોવાના. એમની મસ્તી માં ગણગણતાં જોવાના.બાકી સવારે ઉઠતા ની સાથે બા ને બ્લડ પ્રેશર ની ગોળી આપવા થી લઇને રાત્રે સુતા વખત મારા હાથ માં ગરમ દુધ આપે એમ જ જોયા છે મમ્મી ને.
મમ્મી ને આમ જોઇને હું શાંત થઇ રહી હતી ત્યારે જ મારા હાથે અગણિત વાર પટકાયલા મારા ફોને બદલો લીધો. એની પર થતી લાઇટે મારુ ધ્યાન ખેંચ્યું,અને પંખા એ એની હવા થી જાણે મને થપાટ મારતા કહ્યુ ' લે, તારો જવાબ'
શું જવાબ આયો હશે? જે પણ આયો હોય, જવાબ સાથે મારે શું, હું સાચી છું તો હું નહિ જ માનુ. આ સાર્વત્રિક સત્ય સાંભળી ને મારો ગુસ્સો ને અહંકાર બન્ને ખુશ થઇ મને શાબાશ કહેતા હોય એમ હું નાક ફુલાવીને મેસેજ ખોલવા લાગી.
આમ તો મારા ફોન મા ફિંગર પ્રિન્ટ છે પણ ફોન મેં ઊંધા હાથ મા લીધો હતો. હવે કોણ બીજા હાથ ને ઉપાડે એના કરતા પાસવર્ડ નાખવો સહેલું પડશે. આજકાલ પાસવર્ડ રાખવો પડે એમ છે બાકી ઘણા લોકો ને જેટલો રસ એકતા કપૂર ની સિરીયલ માં હોય છે એટલો જ રસ કોઇ બીજા નો ફોન ફેંદવા માં હોય છે. પણ મારા બાજુ વાડા કાકી ને આમ નથી લાગતું. એમના પ્રમાણે જેમનું લફરું હોય એ જ આમ ફોન લૉક રાખે. હવે એમને કોણ કહે, કે કાલે જ કાકા (એમના 'એ') એમનો ફોન લઇને ગેસ સિલિન્ડર નોંધાવા આવ્યા હતા. ત્યારે કાકી ના શબ્દો યાદ આવતા મેં મન માં હસતા, કાકા ને ફોન પાછો આપતા કીધું હતું "લૉક ખોલી આપો (લફરાંબાઝ) કાકા"
ફોન નું લૉક ખુલતા ની સાથે જ વોલપેપર પર રહેલો ધોની નાક ફુલાવતા મારા અહંકાર ને ગુસ્સા પર કટાક્ષ ભર્યું હસતો હતો. 'એને પછી જોઇશ' એમ વિચારતા મેં વોટ્સએપ ખોલ્યું. પણ આ શું, મારા મોકલેલા છેલ્લા મેસેજ બેરંગ બે ટિક સાથે પડ્યા હતા. 'આમને જોઇ લઇશ'.
મેસેજ હતો મારા એક એસ્ટ્રોલોજી ગ્રૂપ માં થી. એસ્ટ્રોલોજી મારો એક ગમતો વિષય છે તો એ ગ્રૂપ ના નોટિફિકેશન હું ક્યારેય બંધ નથી રાખતી. પણ હા,મારુ ફેમિલી ગ્રુપ હમેશા બંધ રાખું છું કેમ કે એમા રોજ આવતા અઢળક સુવિચાર વાંચીને મને એમ લાગે છે કે મારુ સુધરવાનું જ બાકી રહ્યું છે. ને પાછુ બધાનું માન રાખવા હાથ જોડતુ ઇમોજી મોકલવું પડે એ અલગ. એમા પણ હરિફાઈ હોય, જો તમારા કરતા પહેલા તમારા ભાઇ બહેન મા થી કોઇએ વહેલો ને સારો જવાબ આપ્યો તો સંસ્કાર વિષય મા તમે નાપાસ સમજો.
એસ્ટ્રોલોજી ગ્રૂપ માં એવું નથી, એમા એડમીન સિવાય કોઇ મેસેજ ના કરી શકે. મેં મેસેજ ખોલ્યો. મેસેજ એવો હતો કે અઠવાડિયા ના જે દિવસે જન્મ્યા હોય એ પ્રમાણે જાતક ના ગુણ. જન્મ તારીખ, સ્થળ, સમય બધું યાદ હતું પણ કયો દિવસ એમ તો જાણ્યું જ નથી ક્યારેય.
તરત મેં મારા મમ્મી સામે જોયું,જે વરિયાળી સાફ કરતા કરતા હવે ટીવી જોડે જાહેરાત પણ ગાતા હતા. મેં પુછ્યું " મમ્મી મારો જન્મદિવસ કયો? ". " 14-03-94" , મને જવાબ મળ્યો. મારી સામે જોયા વગર મમ્મી બોલ્યા કે પુછ્યું કે ખાતરી કરી, ખબર નહિ. હું જરા હસી ને બોલી " એમ નહિ, હું કયા દિવસે જન્મી હતી" હજુ પણ વરિયાળી સાફ કરતા બોલ્યા, "એ તો નથી ખબર".
એવું કેમનું બની શકે,હું વિચારવા લાગી,જે મમ્મી ને મારા બોલ્યા વગર મને શું જોઇએ છે એ ખબર પડતી હોય એમને મારા જન્મ નો દિવસ નથી ખબર? મને જરા લાગી આવ્યું, હમણા ભાઇ નું પુછો તો બધી ખબર હશે, હું મન માં બોલી. એમની જોડે ચર્ચા કર્યા વગર મેં ફોન માં જોવાનું કર્યું. કેલેન્ડર માં મારી જન્મ તારીખ નાખતા જ ખબર પડી કે હું સોમવાર નું મોડેલ છું.
તરત મેં પેલો મેસેજ ખોલ્યો, પહેલી જ લાઇન માં સોમવાર ના જાતક ના ગુણ હતા. હું ખુબ ઉત્સાહ થી વાંચવા લાગી. પણ એ ઉત્સાહ મેસેજ વાંચતા ની સાથે બહાર ઢળતા સુરજ ની જેમ ઢળી ગયો.
જ્યારે પોતાના વિશે સારુ વાંચવું હોય ને હકિકત સામે આવી જાય ત્યારે એમ જ થાય. બધા સામે સારા ગુણ દેખાડવા હોય પણ અરીસો સમક્ષ આવે તો દેખાડો પણ શરમાઈ જાય. અરીસા ને ખોટો પુરવાર કરી દઇ આગળ તો વધી જઉં.. પણ હું પોતાને તો ઓળખું છું ને.
એક સારો ગુણ હોય તો એ બીજા અવગુણ ને છુપાવી દે એમ વિચારીને મેં મેસેજ કર્યો "આઇ એમ સોરી, મારી ભુલ થઇ".
એટલા માં વરિયાળી મૂકી ને હવે ફોન લઇને મારી સામેના સોફા પર બેસેલા મમ્મી બોલ્યા, " અચ્છા , આ વાંચીને જન્મ દિવસ પુછતી હતી. તો જોયું કયો દિવસ હતો? ને શું ગુણ લખ્યા છે?"
મમ્મી ને ખબર હતી કે કઈક થયું છે બાકી અત્યાર સુધી હું કહ્યા વગર ના રહું. ને હવે મારે જવાબ આપવાનો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો