Aatmano Punrjanm - 2 books and stories free download online pdf in Gujarati

આત્માનો પુનર્જન્મ - 2

આત્માનો પુનર્જન્મ

રાકેશ ઠક્કર

પ્રકરણ -૨

"હા ભાઇ હા, કિતની બાર બતાઉં. મૈને તો પહલે હી પૂછા થા યહાં ક્યોં જાના હૈ?" રીક્ષાચાલકે પોતાનો સવાલ યાદ કરાવ્યો.

પ્રો.આદિત્ય હજુ કોઇ વિચાર કે સવાલ કરે એ પહેલાં એક હાથમાં ફાનસ લઇ બીજા હાથમાં લાકડીના ટેકે ડગ માંડતો એક વૃધ્ધ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો:"સાબ-બહેનજી આવો, આપની જ રાહ જોતો હતો..."

પ્રો.આદિત્ય અને તારિકાની નવાઇ વધી ગઇ. આ ડોસો કોણ છે? અને તેમની રાહ કેમ જોતો હતો?

"આવો, તમારું સ્વાગત છે. કાલના પ્રોગ્રામ માટે જ આવ્યા છોને?" વૃધ્ધે માહિતી આપતાં કહ્યું.

"પેલો ઇતિહાસનો વર્કશોપ આ...આ હવેલી પર છે? પ્રો.આદિત્યમાં હવે થોડી હિંમત આવી.

"હા, હા. અહીં જ છે. આવો..." કહી તેણે લાકડીવાળા હાથમાં ફાનસ પણ પકડ્યું અને તેમની બેગ લેવા લાગ્યો.

પ્રો.આદિત્યને હવે થોડો વિશ્વાસ બેઠો એટલે તે રીક્ષામાંથી ઉતર્યા. પાછળ તારિકા પોતાના સામાન સાથે દબાતા પગલે ઉતરી. પ્રો.આદિત્યએ રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. તેણે રીક્ષા ચાલુ કરીને વળાવી ત્યારે કંઇક બોલ્યો. પ્રો.આદિત્યના કાન એ શબ્દો પકડવા મથી રહ્યા. તેને લાગ્યું કે રીક્ષાવાળો "સંભાલના..." એમ કહી ગયો. અને હવા સાથે ડરની એક લહેરખી તેમના કાનમાં ઘૂસી ગઇ હોય એમ સોપો પડી ગયો.

બંને હવેલી પાસે પહોંચ્યા પછી વૃધ્ધે પોતાનો પરિચય આપતાં કહ્યું:"મારું નામ મણાશંકર, તમે પ્રોફેસર સાહેબ અને આ બેન કોલેજિયન છે ને?"

પ્રો.આદિત્યને હવે થયું કે યોગ્ય જગ્યાએ આવ્યાં છે. પણ આ ખરેખર યોગ્ય જગ્યા કહેવાય? એમને એમ હતું કે કોઇ ઐતિહાસિક જેવી હોટલનું નામ હવેલી હશે. આ તો જૂના જમાનાની ફિલ્મોમાં આવતી એવી ભુતિયા હવેલી ભાસે છે. અને બીજી કોલેજોના કોઇ દેખાતા પણ નથી. તેમણે તરત મોબાઇલ ફોનનું સ્ક્રીન લોક ખોલ્યું અને બોલ્યો:"ઓત્તારી..."

"સર, શું થયું...?" તારિકાના સ્વરમાં ગભરાટ હતો.

"કંઇ નહીં....મોબાઇલમાં નેટવર્ક જ નથી દેખાતું...." પ્રો.આદિત્ય મોબાઇલને એક –બે વખત એરોપ્લેન મોડ પર મૂકી નેટવર્ક મેળવવા પ્રયત્ન કરતા બોલ્યા. પ્રો.આદિત્યને ખ્યાલ આવી ગયો કે મોબાઇલને એરોપ્લેન મોડ પર મૂકો તો પણ કોઇ ફરક પડવાનો નથી. આ જંગલ વિસ્તારમાં ટાવર હોવાનો નથી.

ત્યાં મણાશંકર બોલ્યો:"સાહેબ, આ બાજુ આ સાધન નકામું છે. બહુ દૂર જશો તો કામ લાગશે. અત્યારે તો રાત પડી ગઇ છે. તમે ઉપર પહેલા માળે બે રૂમ છે એમાં આરામ કરો. સવારે બધી વાત...."

"પણ બીજા કોઇ આવ્યા નથી? બીજી કોલેજોના બધા આવવાના હતા અહીં તો....?" પ્રો.આદિત્યના દિલમાં ગભરાટ હતો.

"ના હજુ કોઇ આવ્યું નથી...કાલે આવશે....તમે સૂઇ જાવ..." કહી એ જતો રહ્યો.

પ્રો.આદિત્યને ડોસો રહસ્યમય લાગ્યો.

પ્રો.આદિત્ય અને તારિકા પહેલા માળે પહોંચ્યા. ત્યાં બે રૂમ હતી. બંને રૂમમાં ફાનસ સળગતા હતા. એક રૂમમાં પ્રો.આદિત્ય ગયા. તારિકા બહાર જ ઊભા રહેતા બોલી:"સર, મને એકલા આ રૂમમાં બીક લાગશે. હું...." તારિકા એમ કહેવા માગતી હતી કે તે તેમની રૂમમાં સૂઇ શકે?

"અરે, ચિંતા શું કામ કરે છે. હું બાજુની રૂમમાં જ છું. જો જીવનમાં એટલું યાદ રાખજે કે રાત્રે કોઇ અજાણ્યા પુરુષ સાથે ભૂલેચૂકે પણ સૂઇ જવું નહીં. પછી તે ભલેને સાધુ કેમ ના હોય. તું સમજીને હું શું કહેવા માગું છું?" પ્રો.આદિત્યએ કડક સ્વરમાં કહ્યું.

તારિકા ગભરાતાં બોલી:"જી સર, હું હિંમત રાખવાનો પ્રયત્ન કરું છું...."

તારિકાએ તેના રૂમનો દરવાજો ખોલ્યો અને ચીસ પાડી ઊઠી:"ઉઇ મા!"

"શું થયું?"

"સર, ચામાચિડિયું...." કહેતી તે દોડીને પ્રો.આદિત્યને વળગી પડી.

ચામાચિડિયું રૂમની બારીમાંથી જતું રહ્યું. પ્રો.આદિત્યએ તેને ધીમેથી દૂર કરી કહ્યું:"એ તો જતું રહ્યું..." પછી બારી બંધ કરી અને પોતાની બેગ ખોલી એમાંથી લાઇટર કાઢીને આપતાં કહ્યું:"આ રાખી મૂક. અંધારામાં જરૂર પડે કામ લાગશે." તારિકાને ઊંઘ ચડી હતી. આખા દિવસના થાકને લીધે તેની આંખો ઘેરાવા લાગી હતી. તેને થયું કે ડરના માહોલમાં ઊંઘ આવી જાય તો સારું છે.

તારિકાએ રૂમમાં જઇ દરવાજાની કડી લગાવી કપડાં બદલ્યા વગર જ ખાટલામાં લંબાવી દીધું. રાતના અંધકારમાં દરવાજાની કડીનો કટાયેલો કર્કશ અવાજ વધારે ડરાવી ગયો. તે ખાટલામાં બેઠી ત્યાં જૂના લાકડાનો ચીચીયારી જેવો અવાજ સાંભળી તેણે આંખો બંધ કરી દીધી. તેને તરત જ ઊંઘ આવી ગઇ. ટ્રેનમાં તે વિચારતી હતી કે,"લાંબા સમય પછી પ્રવાસે જઇ રહી છું. ત્યાં ઘરની જેમ જલદી ઊંઘ આવશે કે નહીં?" પણ અહીં તો તે જૂના ખાટલામાં પડતાંની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગઇ. જાણે કેટલાય દિવસોની ઊંઘ બાકી હોય એમ ઊંઘતી હતી.

શરીર પર કોઇનો હાથ ફરતો હોય એવું તારિકા ઊંઘમાં અનુભવી રહી. પહેલાં તો તેને લાગ્યું કે ઊંઘમાં તે નહાતી હોય એવું સપનું જોઇ રહી છે. અને પોતાના બંને હાથ શરીર પર ફેરવી રહી છે. પણ જ્યારે બંને ગાલ પર કોઇના ગરમ હાથનો સ્પર્શ લાગ્યો ત્યારે તેની ઊંઘ ઊડી ગઇ. તેણે ભારે થયેલા પોપચાં ઊંચા કરવાનો પ્રયત્ન કર્યો. અડધીપડધી આંખ ખોલી. ફાનસનું સાવ ઝાંખું થયેલું અજવાળું તેને આંખ ચોળવા મજબૂર કરતું હતું. હવે કોઇના હાથ તેની કમરની આસપાસ ફરી રહ્યા હતા. તેણે મહામુશ્કેલીએ આંખ ખોલી અને તેને પોતાના શરીર ઉપર કોઇ ઝળુંબતું દેખાયું. કોઇ માનવાકૃતિ તેની સામે હતી. તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો. માનવાકૃતિએ તેને ધક્કો મારી પાછી સૂવડાવી દીધી. તેની છાતીમાં ડરથી ચીસ ફસાઇ ગઇ. ઝાંખા પ્રકાશમાં તેણે જોયું તો પ્રો.આદિત્ય હતા!

"સ..સ...સર... છોડો મને...." તારિકા હાથથી ધક્કો મારતાં માંડ માંડ બોલી. પ્રો.આદિત્ય આ શું કરી રહ્યા છે? બધી શરમ ક્યાં ગઇ?

પ્રો.આદિત્ય હસતાં હસતાં બોલ્યો:"હા...હા...હા...સૂઇ જા, અહીં તારો અવાજ કોઇ નહીં સાંભળી શકે. આજે મારી પ્યાસ મને બુઝાવવા દે....કેટલા સમયથી હું તને પામવા ઇચ્છતો હતો. આજે મોકો મળ્યો છે. તને કોઇ બચાવી શકે એમ નથી. આજે મારી આરઝૂ પૂરી થશે."

"છોડો, છોડો મને, કોઇ છે? બચાવો...બચાવો..." તારિકા થાય એટલું જોર કરીને ચિલ્લાવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે અહીં કોઇ તેને બચાવવા આવવાનું નથી. રક્ષક જ ભક્ષક બની રહ્યો છે. પેલો ડોસો તો ક્યારનોય ગાયબ થઇ ગયો છે.

તારિકાએ થાય એટલા જોરથી એક તમાચો પ્રો.આદિત્યના ચહેરા પર જડી દીધો. તેની તેને કોઇ અસર ના થઇ અને તે તારિકાના કપડાં ખેંચવા લાગ્યો. ઝાંખું બળતું ફાનસ દમ તોડી ચૂકયું હતું. હવે આખા રૂમમાં કાળુંઘોર અંધારું જ હતું. તારિકાએ જોયું તો અંધારામાં ચમકતી પ્રો.આદિત્યની આંખોમાં વાસનાની અગનઝાળ હતી. તેને કલ્પના પણ ન હતી કે પ્રો.આદિત્ય આવા બદમાશ નીકળશે. તેની એકલતાનો લાભ લઇને આ રીતે ચરિત્ર પર તરાપ મારશે. પોતે કેટલો વિશ્વાસ કરીને તેમની સાથે આવી હતી. તેમણે પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે.

અચાનક તારિકાને પ્રો.આદિત્યએ જ આપેલું લાઇટર યાદ આવ્યું. તેણે પોતાના માથા નીચેના ઓશિકા પાસે જ મૂક્યું હતું. તેણે વીજળીવેગે એ લાઇટર હાથમાં લઇને સળગાવ્યું. અગ્નિની એક નાની જ્વાળા ઊઠી અને પ્રો.આદિત્યના ચહેરા પર એનો પ્રકાશ ફેલાયો. તેની ગરમીથી પ્રો.આદિત્યએ મોં દૂર કર્યું. તારિકાએ લાઇટરને તેના ટીશર્ટમાં ચાંપી દીધું. તેમાં તરત જ આગ લાગી. મોકો જોઇ તારિકાએ ખેંચીને એક લાત મારી.

ઘડીના છઠ્ઠા ભાગમાં તે ઊભો થઇ ગયો અને આગ બુઝાવતો વીજળીવેગે ભાગી ગયો. તારિકાએ તરત ઊઠીને દરવાજો બંધ કર્યો અને પોતાનો ખાટલો પણ દરવાજાની પાછળ રાખી દીધો. કોઇ ધક્કો મારે તો પણ જલદી ખૂલી ના શકે. તે બહાર નીકળવાનું જોખમ લેવા માગતી ન હતી. તેણે વિચાર્યું. બહાર પેલો ડોસો હશે કે નહીં? એણે આ સાંભળ્યું હશે કે નહીં રામ જાણે. તે માતાજીનું નામ લઇ સવાર પડવાની રાહ જોતી બેઠી.

તારિકાનું દિલ તૂટી ગયું હતું. પ્રો.આદિત્ય પાસે તેને આવી આશા ન હતી. શું એ જાણી જોઇને મને એકલીને લઇને અહીં આવ્યા છે? મારું શોષણ કરવા માગે છે? આ જરા પણ ચલાવી ના લેવાય. રાત્રે તો કેવી ડાહી વાતો કરતા હતા. એમ જતાવતા હતા કે તેમને મારી ચિંતા છે. તો શું રાત્રે દારૂ પીધો હશે? તેમનામાં પુરુષની ખરાબ વૃત્તિઓ જાગી હશે? ભગવાન જાણે. અત્યારે તો આ નાનકડા લાઇટરે મારું રખોપું કર્યું છે. તારિકા ગાઢ અંધારામાં બેસીને જાતજાતના વિચારો કરતી રહી. હવે તેને ઊંઘ આવે એમ ન હતી. ક્યારે સવાર પડે અને તે અહીંથી જતી રહે એમ જ વિચારતી રહી.

સવાર પડી અને બંધ બારીમાંથી સૂરજની પહેલી કિરણ રૂમમાં આવી અને અંધારું દૂર થયું ત્યારે તારિકાને થયું કે હવે ડર ઓછો થયો છે. દિલમાંથી પણ ડરનો ઓછાયો જતો રહ્યો છે. તેને પ્રો.આદિત્ય પર ભયંકર ગુસ્સો આવી રહ્યો હતો.

તેણે રૂમમાં નજર નાખી. એક લાકડું પડ્યું હતું એને સુરક્ષા માટે હાથમાં લીધું. અને બહાર નીકળી. તેણે પહેલી નજર સામેના પ્રો.આદિત્યના રૂમ પર નાખી. દરવાજો સહેજ ખુલ્લો જણાયો. તે ધીમા પગલે પીઠ પાછળ લાકડું સંતાડી રૂમ પાસે ગઇ અને ધીમેથી દરવાજાને ખોલ્યો. 'ચર્ર.. ચર્ર... ચર્ર..' અવાજ સાથે દરવાજો ખૂલ્યો. અંદર થોડું અંધારું હતું. તેણે જોયું તો દરવાજાની આગળ લોહી હતું. લોહીથી નાનું ખાબોચિયું ભરાયેલું હતું. લોહી જોઇને તેને કમકમાં આવી ગયા. પ્રો.આદિત્યના ખાટલા પર નજર નાખી તો કોઇ ન હતું. તારિકા ડરથી થથરી ગઇ. તેના ચહેરા પર પરસેવો આવી ગયો. તેનો સુંદર ચહેરો ભયથી ધ્રૂજી રહ્યો હતો. તેણે હથેળી ઊંધી કરી કપાળ પરનો પરસેવો લૂછી બૂમ પાડી:"આદિત્ય....આદિત્ય..." તે પ્રો.આદિત્ય પર લાકડાથી વરસી પડવાની હોય એટલા ગુસ્સામાં બૂમો પાડી રહી હતી.

"હા, બોલ..." પ્રો.આદિત્યનો અવાજ ગૂંજ્યો.

તારિકાએ આમતેમ જોયું. કોઇ દેખાતું ન હતું. તેણે ફરી બૂમ પાડી: "આદિત્ય....આદિત્ય..."

ફરી પ્રો.આદિત્યનો ગેબી અવાજ સંભળાયો: "હા, બોલ..."

તારિકાએ આખી રૂમમાં નજર નાખી. ક્યાંય કોઇ દેખાતું ન હતું. તો પછી આ અવાજ ક્યાંથી આવતો હતો.

તારિકાના દિલની ધડકન તેજ થઇ ગઇ હતી. તેનું મગજ બહેર મારી રહ્યું હતું. તેની આંખ સામે ગોળ ગોળ ચક્કર ફરવા લાગ્યા. તેને થયું કે ડરથી તેનું દિલ બેસી જશે. તે માંડ માંડ હિંમત રાખી રહી હતી. જેની સાથે એ આવી હતી એ જ તેને હેરાન કરી રહ્યો હતો. હવે તેને કોણ બચાવશે?

અચાનક તેના ખભા પર કોઇનો મજબૂત હાથ મૂકાયો. તે ડરથી ચીસ પણ પાડી ના શકી અને ચક્કર ખાઇને પડી ગઇ.

*વધુ હવે પછીના પ્રકરણમાં*

બીજા રસપ્રદ વિકલ્પો