sneh sagpan books and stories free download online pdf in Gujarati

સ્નેહ સગપણ

કર્મની કથરાઈ પરાકાષ્ઠા એ પોહચી હતી. માતા અંધ અને પિતા અપંગ હતા. એમની એકની એક દીકરી, નામ એનું નૈના.
નૈના એક સુંદર અને સંસ્કારી યુવતી હતી. નાનપણ થી ખૂબ જ દુઃખો વેથી અને સંઘર્ષ કરીને મોટી થઈ હતી. પોતાનું આત્મસન્માન એના માટે બધું જ હતું. પરિપક્વતા ખૂબ નાની ઉંમર માં આવી ગઈ હતી. ધીમે ધીમે ઘરની તેમજ પોતાના માતા - પિતાની બધી જવાબદારી નૈના એ ઉપાડી લીધી હતી. અને એટલે જ કદાચ આટલી હિંમતવાન હતી એ, જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી ચડે, એનો સામનો કરવા એ એકલી તત્પર રહેતી. એના માટે કોઈ સમાજ ન હતો. એનો સમાજ એની દુનિયા બસ માતા - પિતા જ હતા. એમની સેવા કરવી અને એમને કદીયે કોઈ પ્રકાર નું દુઃખ ના પડે એ નૈના નો ધર્મ.
જીવન ચલાવવા માટે એક નાનું ખેતર હતું. નૈના ના પિતા અપંગ હોવાથી કામ થતું ન હતું. આ ખેતર ગામ ના એક ખેડૂત ભાઈ ને ગણોત રૂપે આપ્યું હતું. જે પૈસા મળતા એમાંથી ઘર સંસાર ચાલતું.
નૈના ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી.અભ્યાસ માં તે ખૂબ જ હોશિયાર હતી તેમજ અન્ય પ્રવૃત્તિ અને રમત ગમત સ્પર્ધા માં પણ હંમેશા આગળ જ રહેતી. દિવસો નીકળતા ગયા અને નૈના ની મેહનત અને લગન ના કારણે તેને સરકારી મહાવિદ્યા શાળા માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારબાદ ગામની જ સરકારી શાળા માં નોકરી પણ મળી ગઈ. નૈના હવે ખૂબ જ ખુશ હતી. ગામ નું એક પણ બાળક અભ્યાસ વગર ના રહે એ જ એનો મુખ્ય ધ્યેય હતો. ગામના લોકો પણ નૈના ને ખૂબ માનતા તથા તેની ઈજ્જત કરતા હતા.અને હોય પણ કેમ નઈ !! એની દરેક વાત માં સભ્યતા અને સંસ્કાર છલકાતા હતા.
હવે નૈના ના માતા - પિતા ને તેના લગ્ન કરાવી દેવા જોઈએ એવો વિચાર આવ્યો. અને સાચું પણ છે, દરેક ના માં - બાપ ઇચ્છતા હોય છે કે પોતાનું સંતાન સાંસારિક જીવન સુખેથી પસાર કરે. આખરે એ પણ તો એક માણસ જ છે ને, એને પણ બધા જ પોતાના સપના પુરા કરવાનો પૂરેપૂરો અધિકાર છે. પણ જાણતા હતા કે નૈના ની દુનિયા અમે જ છીએ, એ ક્યારેય લગ્ન માટે હા નહિ કહેશે. નૈના જો લગ્ન કરી લે તો એના માતા - પિતા એકલા પડી જાય, તેથી તે લગ્ન માટે ના કહી રહી હતી.અને નૈના ના લગ્ન ની વાત એના સમક્ષ કરી.
લગ્ન માત્ર વાત થી જ આજે જીવનમાં પહેલી વખત નૈના રડવા જેવી થઈ ગઈ હતી. અને થાય પણ કેમ નઈ!! એના પછી એના માતાપિતા ને સાચવી શકે એવું હતું જ કોણ?? આખરે એનાથી ન રેહવાયું અને રડી પડાયું. અંધ માતા લાંબા ટૂંકા હાથે માર્ગ શોધતી પુત્રી પાસે ગઈ.
નૈના ની માતાએ તેને હ્યદયસરસી ડાબી તેને કહ્યું ,' અમારા પ્રત્યેનો તારો પ્રેમ અને લાગણી હું સમજુ છું,પણ કોઈની દીકરી કુંવારી રહી છે કે હું તને રાખું??' મૂર્ખ, અમે કઈ હજુ ઘરડા થયા નથી સમજી. અમારા સ્વાર્થ માટે તને આખી જિંદગી કુંવારી બેસી રાખવી, એ ક્યાંનો ન્યાય!!!અમારા મરણ પછી તારું કોણ??
થોડી વાર અટકી માતાએ પુત્રી ને સમજાવતા કહ્યું :' બેટા, અમે તારા માટે એક યોગ્ય છોકરો જોયો છે. બાજુના ગામમાં જ રહે છે. અમારા જીવને તો ઘણો આનંદ થશે, જો તને આવું ઘર અને મુરતિયો મળશે તો.આજકાલ જમાનામાં આવું મળવું ઘણું મુશ્કેલ છે. તમને બંને ને સુખી અને આબાદ જોઈ, ભગવાન અમને મોત આપે એ જ અમારી છેવટની ઈચ્છા છે.'
ઘણું સમજાવ્યા પછી નૈના લગ્ન માટે કમને માની ગઇ. એણે લગ્ન માટે હા તો કહી દીધું પરંતુ એનું મન હજુ પણ ખૂબ જ ચિંતા માં હતું. અને નૈના એ ઘરે કહી દીધું હતું કે તમે જે છોકરો મારા માટે પસંદ કર્યો છે હું એની સાથે લગ્ન કરીશ. આખરે બાજુના ગામમાં જ રહેતા એક છોકરા સાથે નૈના ના લગ્ન નક્કી કરવામાં આવ્યા. વ્યવસાયે એ પણ એક શિક્ષક જ હતો, નામ એનું મિત.
મિત પણ નૈના ની જેમ સંસ્કારી હતો. તેના માતાપિતા નું એક માત્ર સંતાન હતું. નાનું અને સુખી પરિવાર હતું મિતનું. તે તેના માતાપિતા ની દરેક વાત માનતો તેમજ દરેક પ્રત્યે સ્નેહ રાખતો હતો. મિત અને તેના માતાપિતા ઉચ્ચ અને નવી વિચારસરણી ધરાવતા હતા. તેઓ નૈના ના ઘરે નૈના ને જોવા માટે આવ્યા. નૈના એ એમનું સરસ રીતે સ્વાગત કર્યું. મિત અને તેના માતાપિતાને તો નૈના જોતા ની સાથે જ ગમી ગઈ. થોડી વાતચીત કર્યા પછી નૈના ને પણ મિત નો સ્વભાવ ગમ્યો. અંતે બંને પક્ષે બંને ની સગાઈ કરવાનું વિચાર્યું.
સારું મુહૂર્ત જોઈને બંનેની સગાઈ કરવામાં આવી. સગાઈ કરીને બધા છૂટા પડ્યા. તે જ દિવસે સાંજના સમયે નૈના ના મુખ પર ઉદ્વેગના ઓળા ઉતરી પડ્યા : ' આ પરાધીન માતાપિતાનું હવે કોણ ??' એ પ્રશ્ર્ન એના હ્યદયમાં ઉદ્ભવતાની સાથે જ એના નેત્રો એના તરફ સ્થિર થઈ ગયા. કેટલાય સમય સુધી એ ત્યાં જ અવાક્ બનીને ઊભી રહી. અને ત્યારબાદ થોડા સમયમાં તો નયને જળ ઉભરાવા લાગ્યા.વાતાવરણ એકદમ સુક્ષુબ્ધ બની ગયું.
સામે બેઠેલા એના પિતાએ એની તરફ જોયું અને કહ્યું , આ શું બેટા?? આજે તો આનંદનો દિવસ છે કે દુઃખનો??જા પાડોશીઓને પૈડાં ખવડાવી આવ.અને હળવું સ્મિત કર્યું. નૈના પિતાના કહેવા પ્રમાણે હાથમાં પૈડાં ની ટોપલી લઈને પાડોશીને ત્યાં ચાલી ગઈ.
દિવસો પસાર થતા ગયા. વૈશાખ મહિનો પાસે આવતો ગયો. બંને પક્ષે લગ્ન ની તૈયારીઓ ચાલવા લાગી. ' શું સાચે જ મારે આ ઘર છોડવું પડશે?? મારા અંધ માતા અને અપંગ પિતા ને મારા ગયા પછી કોણ સાચવશે?? એમની દેખભાળ કોણ કરશે?? પળેપળે ઠોકર ખાઈને પડ્યા બાદ મારા માતાપિતાને ઊભા કોણ કરશે?? એમના ઉપકારોનો બદલો વાળી આપવાનો સમય આવ્યો ત્યારે હું એમને છોડીને જાવ!! મારાથી એ નહિ બને.'નૈના એ એની બંને આંખો પર પોતાના હાથ ડાબી દીધા. થોડા સમય સુધી એમજ ઊંડાપૂર્વકના વિચાર માં શાંતિ થી બેસી રહી, અને અચાનક કંઇક કઠોર નિર્યણ લઈને ઉભી થઇ અને એની માતા પાસે ગઈ.
માં,' મારા આ વર્ષે નહિ અને આવતે વરસે લગ્ન કરે તો નહિ ચાલે??
થાયને, કેમ ન થાય!! પણ કાલ કોને જોઈ?? સારું કામ કરવામાં કદી ધિલ ના કરવી જોઈએ. વળી લગ્ન યોગ્ય દીકરીને સમયસર વરાવી દેવી જ સારી. આજનો જમાનો તો જો!! નૈના ની માતાએ શાંતિ થી પણ મક્કમ મને જવાબ આપ્યો. પુત્રીની હ્યદય વેદના તેની માં સારી રીતે પામી ગઈ હતી, પરંતુ એ પણ શું કરી શકે?? હતી તો એ પણ એક માં જ ને!! ક્યાં સુધી દીકરીને ઘરે કુંવારી બેસાડી રાખે!!!
આખરે લગ્ન નો એ દિવસ આવી ગયો. જોરશોર માં તૈયારી ચાલી રહી હતી. નૈના ના મામા ચૂડો અને પાનેતર પણ લઈ આવ્યા. બધા મહેમાનો નવદંપતી ને આશીર્વાદ આપવા આવી ગયા હતા. અને આખરે મિત અને નૈના ના લગ્ન લેવાય ગયા. એક બીજાના હાથ માં હાથ રાખીને અગ્નિ ને સાક્ષી રાખીને સાત ફેરા ફરીને બંને એકમેક ના થઈ ગયા.
આખરે સમય આવી ગયો વિદાય નો. નૈના ને તો ઘર છોડવાના વિચાર માત્ર થી જ રડવું આવી જતું હતું, અને આજે તો એ દિવસ આવી જ ગયો જ્યારે સાચે જ એણે આ ઘર છોડીને જવાનું હતું. એના માતાપિતાને છોડીને જવાનું હતું. નૈના ખૂબ રડી રહી હતી, એની વિદાય વખતે એની શાળા માં ભણતા તમામ બાળકો તેમજ શિક્ષકો આવ્યા હતા. ગામના તમામ લોકો હાજર હતા. વિદાય વખતે સૌકોઈની આંખોમાં આંશુ હતા. અને હોય પણ કેમ નઈ નૈના ગામ માં બધાની ચહિતી હતી. કોઈની પણ મદદ કરવામાં ક્યારેય પાછી ન પડે!!
નવદંપતી એ સૌકોઈના ના આશીર્વાદ લીધા. નૈના અને મિત નૈના તેમજ મિતના માતાપિતાના આશીર્વાદ લેવા ગયા. નૈના ના માતાપિતાએ એમના મન પર પથ્થર રાખીને બંને ને આશીર્વાદ આપી ખુશીથી વિદાય આપી.
સાંજ નો સૂરજ ધીમે ધીમે ચાંદ ની ચાંદની નું સ્વાગત કરી રહ્યું હતુ અને ચાંદ પણ જાણે હ્યદય પૂર્વક તેને સ્વીકાર કરી રહ્યું હતુ, તેમજ નૈના અને મિત પણ એકબીજા ના જીવન માં સ્વાગત અને સ્વીકાર માટે તૈયાર હતા.
બીજે દિવસે નૈના અને મિત નૈના ના ઘરે આવ્યા. નૈના ની આંખોમાં એના માતાપિતાને જોઈને આંશુ આવી ગયા. મિત અને નૈના એ નીચા નમીને માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા. અંધ માતાએ આશીર્વાદ આપતા કહ્યું, ' બેટા,અમે અમારી ફરજ પૂરી કરી. ઈશ્વર તમને બંને ને ખૂબ સુખી રાખે એ જ હવે અમારા અંતરની અભિલાષા છે.'
' માં...!! મિત ના મુખમાંથી નીકળેલા આ શબ્દો એ અંધ માતા અને અપંગ પિતાના હ્યદય માં મીઠો પડઘો પાડ્યો. માં..હું માત્ર અહી તમારા આશીર્વાદ લેવા માટે નથી આવ્યો, પરંતુ આજ્ઞા માંગવા માટે આવ્યો છું.
' આજ્ઞા...!! નૈના ના પિતાને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેમને કહ્યું,' અમે તો દીકરી ના માબાપ છીએ, અને તમે અમારા જમાઈ. અમારી તમને શું આજ્ઞા હોય??'
મિતે નૈના ના પિતાં નો હાથ પોતાના હાથ માં લીધો અને કહ્યુ, ' એ જૂના વિચારો હવે તમે દૂર કરી દો , બાપુ!! તમારે હવે મને તમારો જમાઈ નહિ પણ પુત્ર સમજી લેવો જોઈએ. હું સારી રીતે જાણું છું કે, તમારી દીકરી તમારા જીવનમાં એક માત્ર આધાર હતી. પારકાના ઘરને અજવાળવા એ જ્યોતને તમે બીજાને સોંપી એ ત્યાગ કઈ જેવો તેવો નથી. જો નૈના મારા માબાપ ને સાસુ - સસરા નહિ પણ માતાપિતા જ માનતી હોય તો હું કેમ તમારો દીકરો નહિ બની શકું??'
ત્યારબાદ મીતે નૈના ના ખભા પર હાથ મૂકી એની અશ્રુ ભરેલી આંખો માં જોઈને કહ્યું, ' આ તમારી દીકરી મારી પત્ની જરૂર છે પણ એ પહેલા એ તમારી દીકરી છે, તમારા બંને નું જીવન છે, તમારા જીવન નો સહારો છે. તમે એના લગ્ન કર્યા એટલે એ કઈ પારકી નથી થઈ ગઈ.'
નૈના ના માતા પિતા તરફ જોતા મિત એ કહ્યું, ' હું આજે નૈના ને તમને સોંપવા જ આવ્યો છું. તમે બંને જીવશો ત્યાં સુધી એ અહી રહીને તમારી સેવા કરશે, હવે મને તમારા પુત્ર તરીકે સ્વીકાર કરીને, હું તમારી સેવા કેવી રીતે કરી શકું એની મને આજ્ઞા આપો. તમારી દીકરી ના મારા સાથે લગ્ન કરીને તમે અમારા ઘર સાથે નવું સગપણ બાંધ્યું છે. જો પરસ્પર પ્રેમ, લાગણી , એકબીજા માટે માન સન્માન ન હોય તો એ સગપણ સુનું કેહવાય.'
મિત બોલ્યો,' નૈના હું જ્યારે પહેલી વખત તને જોવા આવ્યો, ત્યારે જ મે તારી આંખોમાં તારા માતા-પિતા પ્રત્યે પ્રેમ તથા એમનાથી દૂર થવાની વેદના પણ જોઇ હતી. અને એ જ દિવસે મે ઘરે જઈને માતાપિતા સાથે બેસીને ચર્ચા કર્યા બાદ નિર્યણ લીધો કે, લગ્ન પછી તું તારા માતા-પિતા સાથે રહીને એમની સેવા કરશે, અને આ વાત માટે મારા માતાપિતાએ પણ ખુશી થી સમંતી આપી છે.
નૈના એ મિત પાસે જઈને કહ્યું, 'મને સમજ નથી પડતી, હું કેવી રીતે તમારો આભાર વ્યક્ત કરું, 'અને એ સાથે જ એના આંખમાં રહેલા આંસુઓ ગાલ પર સરી આવ્યા. નૈના આજે મીત પ્રત્યે ખૂબ જ માન અને પ્રેમની લાગણી અનુભવી રહી હતી.
નૈના ના અપંગ પિતાએ કહ્યું,' અમે સાચે જ કોઈ સારા પૂર્ણ્યો કર્યા હશે, તેથી જ નૈના જેવી દીકરી અને તમારા જેવા જમાઈ ના સ્વરૂપ માં આજે એક દીકરો મળ્યો છે.' અને એ સાથે જ મિત ની આજ્ઞા નો ખૂબ જ માન અને ખુશી પૂર્વક સ્વીકાર કર્યો.
નવદંપતી એ પુનઃ એમનો ચરણ સ્પર્શ કર્યા.અંધ માતા અને અપંગ પિતા એ જાણે નવજીવન પ્રાપ્ત કર્યું હોય તેમ એમના મુખ પર આશા અને ઉલ્લાસ ના તેજકિરણો પથરાઈ ગયા.અને આખું ઘર જાણે માનવતા ની સૌરભ થી મહેકી ઉઠ્યું...

😊😊😊 સમાપ્ત 😊😊😊

બીજા રસપ્રદ વિકલ્પો