Jai shree krushn books and stories free download online pdf in Gujarati

જય શ્રી કૃષ્ણ

શ્રી ગણેશાય નમઃ
જય શ્રી કૃષ્ણ

આ મારી મૌલિક રચના નથી પણ શાળા માં આચાર્ય પાસે થી સાંભળેલી વાતૉ છે. આચાર્ય સાહેબ આ વાર્તા થી એટલા પ્રભાવિત થયા કે તેમની શાળા માં શિક્ષક જ્યારે વર્ગખંડમાં દાખલ થાય ત્યારે વિધાર્થી દ્વારા ગુડ મોર્નિંગ ને બદલે જય શ્રી કૃષ્ણ બોલવા નો નિયમ ચાલુ કરાવ્યો.
પહેલાંના સમયમાં લોકો જેટલો સમય નાણાં કમાવવા માટે કાઢતા એટલો કે એનાથી વધુ સમય ભગવાનની ભક્તિ કરવા માટે કાઢતા હતા અથવા તો દિવસ દરમ્યાન પોતાના કામ ની સાથે સાથે સતત રામ નામ નું રટણ કર્યા કરતા. પરંતુ અત્યારની આધુનિક પેઢી ના અમુક લોકો ને જાણે રામ નામ લેવામાં કે જય શ્રી કૃષ્ણ બોલવામા શરમ આવે છે.
આજે હું તમને એવી એક વાત કહેવા જઈ રહ્યો છું જેમાં એક વ્યક્તિ ની પોતાના કામ ની શરૂઆત અને અંત માં જય શ્રી કૃષ્ણ બોલવાની આદતને લીધે યમરાજા આંખો ની સામે દેખાતા હોવા છતાં પણ એનો જીવ બચી જાય.
એક ભીડભાડ વાળા શહેરના છેવાડે આઇસક્રીમ અને દુધની બનાવટો માટે એક કારખાનું હતુ. આ કારખાના ના કારણે શહેરના ઘણા લોકો ને રોજગારી મળી રહતી.
સવાર થતાં ની સાથે કારખાના માં કારખાના ના માલિક, મેનેજર, મજુરો અને ચોકીદાર ની ચહેલ પહેલ શરૂ થઈ જાય. બધા પોતાના નિત્યક્રમ મુજબ કારખાના માં આવે આંખો દિવસ કામ કરે સાંજે પાંચ વાગ્યે પોત-પોતાના ઘરે જાય.
કારખાના ના ચોકીદાર ઉંમર માં થોડા મોટા હોવાથી બધા તેમને ચોકીદાર કાકા કઇને બોલાવતા. આ ચોકીદાર કાકા કારખાના માં આવતા જતા દરેક લોકો ને જય શ્રી કૃષ્ણ કહે. કોઈ તેમને પ્રત્યુતર આપે કે ના આપે ચોકીદાર કાકા દરેક ને જય શ્રી કૃષ્ણ કહે.
આમ કારખાના માં ઘણા લોકો દરરોજ આવે ને જાય એમાંથી એકમાત્ર મેનેજર દરરોજ ચોકીદાર કાકા ના જય શ્રી કૃષ્ણ ના પ્રત્યુતર માં જય શ્રી કૃષ્ણ કહે. આમ મેનેજર નો પણ નિત્યક્રમ બની ગયો, તે સવારે કારખાના માં આવતા ની સાથે અને સાંજે ઘરે જતી વેળા એ ચોકીદાર કાકા ને જય શ્રી કૃષ્ણ અચુક કહે જ.
દરરોજ ની જેમ એક દિવસે બધા લોકો સવાર પડતાં કામે લાગ્યા. મેનેજરે કારખાના માં આવતા ની સાથે ચોકીદાર કાકા ને જય શ્રી કૃષ્ણ કહ્યું. લગભગ ચારેક વાગ્યે મેનેજર કારખાના ના કોલ્ડ સ્ટોરેજનુ (જ્યાં આઇસક્રીમ, કુલ્ફી જેવા ઠંડા પદાર્થો નો સંગ્રહ કરવા મા આવે છે) નિરીક્ષણ કરવા માટે જાય છે. ત્યાં અચાનક એને ચક્કર આવે છે અને તે બેહોશ થઈ નીચે પડી જાય છે. સાંજ ના પાંચ વાગ્યે બધા લોકો પોત-પોતાના ઘરે જાય છે. કારખાના ના માલિક નીકળે પછી ચોકીદાર કાકા મેઈન ગેટ ને લોક મારીને ચાવી તેમને આપે છે. ઘરે જતા જતા તેમને કંઇક ખૂટતું હોય એમ લાગે છે પણ તેમને કંઈ સમજાતું નથી.
બીજી બાજુ મેનેજર હોશ માં આવે ત્યારે કોલ્ડ સ્ટોરેજ માંથી બહાર નીકળવા દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દરવાજો બહારથી બંધ થઈ ગયો હતો. મેનેજર પોતાની ઘડિયાળ માં સમય જોય છે રાતના સાત વાગ્યા હતા. તેને સમજાઈ ગયું કે કારખાના માં અત્યારે કોઈ જ નહીં હોય એટલે બુમો પાડવા નો પણ કંઇ જ મતલબ નથી. તે પોતાનો મોબાઇલ શોધતો હતો ત્યાં જ તેને યાદ આવ્યું કે મોબાઇલ તો તેની ઓફિસમાં જ ભુલી ગયો છે. ઘણો બધો સમય વિતી ગયો હતો. કોલ્ડ સ્ટોરેજ ના ઠંડા વાતાવરણને કારણે તેને ખુબ જ ઠંડી લાગતી હતી અને શ્વાસ લેવા મા પણ તકલીફ થવા લાગી. જેમ જેમ સમય વિતી રહ્યો હતો તેમ તેમ મેનેજર ને યમરાજા તેની નજીક આવતા હોય એમ લાગ્યું કારણ કે અત્યારે રાતના બાર વાગ્યા હતા અને હવે કારખાના નો દરવાજો સવારે ખુલશે અને ત્યાં સુધી કદાચ તેના શ્વાસ તેનો સાથ નહી આપે. ધીમે-ધીમે તેનું શરીર થીજી રહ્યું હતું. મેનેજર ને તેની આંખો સામે હવે મૃત્યુ જ દેખાતું હતું ત્યાં જ કોલ્ડ સ્ટોરેજ નો દરવાજો ખુલ્યો અને સામે કારખાના ના માલિક અને ચોકીદાર કાકા ઊભાં હતાં. મેનેજર નું શરીર ઠંડુ પડી ગયું એ જોઈને ચોકીદાર જલ્દીથી એમ્બ્યુલન્સ મારફતે મેનેજર ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો.
બીજા દિવસે મેનેજરે સ્વસ્થ થયા બાદ કારખાના ના માલિક ને પુછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ....
તેને અટકાવતા કારખાના ના માલિક બોલ્યા કે તારો જીવ બચાવવા નો યશ ચોકીદાર કાકા ને જાય છે. પછી મેનેજરે ચોકીદાર કાકા ને પુછ્યું એટલે તેમણે જણાવ્યું કે , "તે દિવસે ઘરે જઈને જમીને સૂતો પણ ઊંઘ નહોતી આવતી. સતત કંઈક ખૂટતું હોય એવો ભાસ થતો હતો. આખા દિવસમાં શું કર્યું તેના વિશે વિચાર કરતો હતો ત્યાં સવારે આવી ને મેનેજર સાહેબે કહેલું જય શ્રી કૃષ્ણ યાદ આવ્યું. પછી વિચાર્યું કે મેનેજર સાહેબે પાછા ઘરે જતી વેળા એ જય શ્રી કૃષ્ણ કહ્યું નથી. આવું ન બની શકે આટલાં વર્ષો માં તે ક્યારેય આવતા જતા જય શ્રી કૃષ્ણ કહેવાનુ ચુક્યા નથી. એટલે કે મેનેજર સાહેબ અત્યારે કારખાના માં ફસાયેલા હશે. મારે આ વાત માલિક ને કહેવી જોઈએ." એમ વિચારી ને મેં માલિક ને ફોન કર્યો. એમણે તમને ફોન કર્યો પણ તમે ન ઉપાડ્યો . પછી અમે તમારા ઘરે ગયા એ પણ બંધ હતું તેથી અમારી શંકા પાકી થઈ અને અમે કારખાને આવ્યા.
આમ મેનેજર નો જીવ તેની જય શ્રી કૃષ્ણ કહેવાની ટેવ ને લીધે બચી ગયો.


બીજા રસપ્રદ વિકલ્પો