Chehara vagarno manas books and stories free download online pdf in Gujarati

ચેહરા વગરનો માણસ

દ્રશ્ય-૧ (પરદો ખુલે છે)
(ઓરડામાં કાળો પ્રકાશ ફેલાયેલો છે, ફક્ત જે ખુરશી પર શ્રીમાન બેઠો છે તેની ખુરશી પર સફેદ પ્રકાશ પડે છે. આજુબાજુ કૈં દેખાતું નથી ફક્ત શ્રીમાન નો ચેહરો દેખાય છે)

શ્રીમાન : તે કદી ચેહરા વગરનો માણસ જોયો છે?

પોતાનો અવાજ : ના

શ્રીમાન : હું તો કાયમ જોઉં છું. તે મારી સામે હસે છે, રડે છે કાલ તો મને બાથ ભરી ગયો હતો ક્યારેક તો મારો શર્ટ કાઢીને મને બચકા પણ ભરવા લાગે છે.

અવાજ : શર્ટ કાઢે છે, તે સ્ત્રી છે કે પુરુષ

(શ્રીમાન હસતો નથી અને કંઈ પ્રતિભાવ આપતો નથી)

શ્રીમાન : એ મને રોજ અડકી અડકી ને પૂછે તમે કદી મૃત્યુ ને જોયું છે, તમે ક્યારે મૃત્યુ તરફ ચાલશો ત્યારે હું તો કહી દઉં કે ના મને મૃત્યુ ના ગમે મને તો જીવવું ગમે મને હરવું ફરવું ગમે.. પણ (બોલતો અટકી જાય છે)

અવાજ : કેમ અટકી ગયો

શ્રીમાન : ના... ના... હું અટકી નથી ગયો કોઈએ મને અટકાવી દીધો છે.

અવાજ : તારા સિવાય અહીં કોણ છે? તો તને અટકાવી શકે.

શ્રીમાન : જો અહીં કબાટ છે, તેમાં એક પુસ્તક છે. (કબાટ પર પ્રકાશ પડે છે) તેની બાજુમાં ટેબલ છે (ટેબલ પર પ્રકાશ પડે છે) ટેબલ પર એક પેન અને અડધો ફાટેલો કાગળ છે.

અવાજ : ત્યાં કેમ અડધો ફાટેલો કાગળ રાખ્યો છે?.

શ્રીમાન : અડધા કાગળમાં પહેલા રોજ તેણીને પ્રેમપત્ર લખતો હતો. તેમાં બહુ મીઠી મીઠી વાતો લખતો હતો. (ગાંડા ઘેલા અવાજમાં)

અવાજ : તેણી શું લખતી ?

શ્રીમાન : મને શું ખબર તે શું લખતી, તેનો કાગળ આવતો નહીં હું તો અઠવાડિયામાં અડધો કાગળ લખતો અને અડધો કાગળ તેનો આવેલો છે તેમ સાંચવી રાખતો.

અવાજ : તે કદી મરવાનો પ્રયાસ કેમ ના કર્યો ?

શ્રીમાન : હા, મેં કર્યો જ ને. આ બધી ચોપડીઓ ફાડી ને આ અડધા કાગળના ડૂચા ખાઈ ખાઈને પણ મને મરવું નથી ગમતું તેનું શું ?

અવાજ : તારી પાછળ કોણ છે?.
(શ્રીમાન પાછળ ફરી ને જુએ છે)
(પાછળ બે માણસ આવે છે તેના ચેહરા પર લાલ પ્રકાશ પડે છે, એથી ચેહરા દેખાતા નથી)

માણસ-૧ : અમેં તને લેવા આવ્યા છીએ.

શ્રીમાન : તમે મને લેવા આવ્યા છો?, પણ હું ક્યાં આવું તમારી સાથે ?..

માણસ-૨ : અમેં તને લઈ જઈને મારી નાખીશું

શ્રીમાન : કેવી રીતે ? બોવ બધી ચોપડી વંચાવશો કે બોવ બધા પ્રેમપત્રો લખાવશો.

અવાજ : જોર જોરથી હસે છે.

(માણસ-૧ અને ૨ બંને શ્રીમાન ની ખુરશી આગળ પાછળ, આજુ બાજુ ફરવા લાગે છે. સાથે બોલતા જાય છે)

"અમે તારું મૃત્યુ છીએ અમે તને મારી નાખીશું" બોલતા જાય છે અને ફરે છે.

દ્રશ્ય-૨
(પ્રકાશ ચારેય તરફ ફેલાય જાય છે. બંને માણસના ચેહરા પણ દેખાવા લાગે છે. રંગમચ પર આજવાળું થઈ જાય છે, પછી બીજા બે માણસો આવે છે અને બંનેના હાથમાં કાગળ છે, તે બધા ને શાબાશી આપે છે)

માણસ-૩ : વાહ સરસ અભિનય કર્યો, કાલ શો માં પણ આવો જ કરજો.

(માણસ ૧ અને ૨ આભાર માને છે)
(બધા શ્રીમાન સામે જુએ છે, શ્રીમાન બોલતો નથી ત્યાં ખુરશી પર અડીખમ બેઠો છે.)

માણસ-૩ : ચાલ નાટક પૂરું થયું, ચાલ ઉભો થઈ જા.

શ્રીમાન : ચાલો મને લઈ જાવ, મારે મરી જાવું છે. મને ચોપડી આપો હું વાંચી ને મરી જઈશ, મને અડધો લખેલો કાગળ આપો હું ડૂચો વાળી ખાઈ જઈશ.

(માણસ-૩ તેની પાસે આવે છે અને તેના ગાલ થપથાપવે છે)

શ્રીમાન : ચાલો મને મૃત્યુ ગમે છે.

અવાજ : તેને નાટકમાં રહેવું છે, તેને નાટકીય પાત્ર બનવું છે. બહારના રંગમચમાં અધૂરું જીવવા કરતા અંદર નાટકીય પાત્ર બનીને મરવું વધુ ગમે છે.

માણસ ૧,૨,૩,૪ : (એક સાથે) અમને ચોપડી આપો, અમને અડધો કાગળ આપો.

(ધીમે ધીમે પડદો બંધ થતો જાય છે)

બીજા રસપ્રદ વિકલ્પો